સૂર્યપ્રકાશનું માપ : પાયરેનોમીટર
વિજ્ઞાાનીઓ અને હવામાન શાસ્ત્રીઓ વાતાવરણમાં ઘણી બાબતોનો અભ્યાસ કરતાં હોય છે. ગરમી માપવા માટે થર્મોમીટર, હવાનું દબાણ માપવા બેરોમીટર વિગેરે જાણીતા છે પરંતુ વિજ્ઞાાનીઓએ સૂર્યપ્રકાશ કેટલો પડે છે તે જાણવા માટે પણ સાધન શોધ્યું છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વીની સપાટી પર એક સરખો પડતો નથી. પાયરેનોમીટર નામનું સાધન જમીન પર દર ચોરસમીટરે એક સેકંડમાં કેટલો સૂર્યપ્રકાશ પડે છે તેનું માપ રાખે છે. પાયરેનોમીટર બે જાતનાં હોય છે. એક તો ગરમીના પ્રમાણ ઉપરથી સૂર્યપ્રકાશનું માપ આપે અને બીજું સોલાર સેલ કેટલી વીજળી ઉત્પન્ન કરે છે તેના આધારે સૂર્યપ્રકાશનું માપ કાઢે.
પાયરેનોમીટરમાં કાળા રંગના કાર્બનની બે ડિસ્ક હોય છે. કાચના આવરણમાં એક ડિસ્કને તડકામાં અને બીજી ડિસ્કને નજીકમાં છાયામાં મૂકવામાં આવે છે. એટલે કે ડિસ્ક ગરમ થાય અને બીજી ઠંડી રહે છે. બંને ડિસ્ક દ્વારા પેદા થતા વીજપ્રવાહને માપીને સૂર્યપ્રકાશનું પ્રમાણ નક્કી થાય છે. આ સાદી કાર્યપધ્ધતિ છે પરંતુ રચના અને ગણતરી જટિલ હોય છે. તે દર સેકંડે સૂર્યપ્રકાશનું માપ રાખે છે. સોલાર સેલવાળા પાયરેનોમીટર ખૂબ જ સૂક્ષ્મ સુર્યપ્રકાશનું માપ પણ આપી શકે છે.