ઉનાળામાં થતી શરદી અને ઉપાયો .

- આરોગ્ય સંજીવની
'શરદી' એ આમ તો ઠંડા વાતાવરણમાં વધારે થતો રોગ છે. પરંતુ ઘણીવાર ગરમ વાતાવરણમાં પણ કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓને આ રોગ થતો જોવા મળે છે. શરદી એ બોલવામાં તો ખૂબ સામાન્ય લાગતો રોગ છે, પણ જ્યારે તે મટે નહીં ત્યારે વ્યક્તિને હેરાન-પરેશાન કરી મૂકે છે. અલબત્ત તે અમુક દિવસ રહે છે, અને યોગ્ય ઉપચારથી ઝડપથી મટે છે. આંખ-નાકમાંથી પાણી નીતરવું, માથાનો દુ:ખાવો થવો, ખૂબ છીંકો આવવી વગેરે ફરિયાદો શરદી થતાં જ થવા લાગે છે.
આયુર્વેદમાં નાસારોગોમાં 'શરદી' (પ્રતિશ્યાય) ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, અને મોટાભાગના નાકના રોગો 'પ્રતિશ્યાય' (શરદી)થી ઉત્પન્ન થતા હોવાનું આયુર્વેદમાં માનવામાં આવેલું છે. શરદી વધી જતાં કાસ (ઉધરસ), શ્વાસ, ક્ષય વગેરેની ઉત્પત્તિ થઈ શકે છે. નાક દ્વારા ધૂળ, ધુમાડો, હવામાન રજકણો વગેરેનો શરીરમાં પ્રવેશ થવાથી શરદી, ઉધરસ, દમ વગેરે લક્ષણો જોવા મળતા હોય છે. આ સિવાય મળ-મૂત્રના વેગોને રોકવાની આદત, અપચો, ઋતુઓની વિષમતા, વધારે પ્રમાણમાં ઠંડા પાણીનું સેવન, ભારે પદાર્થો ખાધા પછી તરત નહાવાની આદત, ઠંડીમાં ખુલ્લે માથે ફરવાની ટેવ, શીતળ પવનનું સેવન તેમજ ઘણીવાર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગથી કે પરફ્યુમ, અગરબત્તી કે સેન્ટની એલર્જી હોય તો તેનાથી પણ આ રોગ થતો જોવા મળે છે.
શરદી રોગ શરીરમાં ઉત્પન્ન થાય તો પહેલા દર્દીમાં કેટલાક પૂર્વલક્ષણો પણ જોવા મળતા હોય છે. શરદી થયા બાદ તેના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો તેમાં શિર:શૂલ, માથું ભારે લાગવું, દર્દીને તાવ આવવો, ઉધરસ આવવી, ગળું બેસી જવું, જમવાની ઇચ્છા ન થવી, કારણ વગરનો થાક લાગવો, જે-તે પદાર્થની ગંધ પારખવાની શક્તિ ન રહેવી વગેરે લક્ષણો પ્રતિશ્યાય-શરદી રોગમાં મુખ્યત્વે જોવા મળતાં હોય છે.
શરદી-પ્રતિશ્યાયની યોગ્ય ચિકિત્સા કે સારવાર ન કરવામાં આવે તો આ રોગ જીર્ણ થઈ શરીરમાં ઘર કરી જાય છે. જેથી નાસા વારંવાર આદ્ર બને છે, અને વારંવાર સૂકાઈ જાય છે. નાક વારંવાર બંધ થાય છે અને ખૂલી જાય છે. આવા રોગીમાં ઘણીવાર શ્વાસમાંથી પણ દુર્ગંધ આવતી હોય છે. અને તેને ગંધનું જ્ઞાાન ખરાબ થતું નથી. આવા રોગીઓમાં ઘણીવાર પરુ જેવો રક્ત મિશ્રિત તામ્રવર્ણનો સ્ત્રાવ નીકળે છે. રોગીને ભૂખ ન લાગવી, અગ્નિ મંદ પડી જવો, તાવ, ઉધરસ, પડખામાં દુખાવો વગેરે જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે.
અહીં શરદી માટે કેટલાક સરળ ઉપચારો સૂચવું છું, જે વાચક મિત્રોને 'શરદી'ની વારંવાર તકલીફ રહેતી હશે તેવા વાચક મિત્રો માટે આ ઉપાયો ઘણા જ ફાયદાકારક સાબિત થશે. જેમાં,
(૧) કાળા મરીના છ દાણા લઈ તેનો તાજો પાવડર બનાવી, ૧ ચમચી ઘી માં મેળવી ચાટી જવું. જ્યાં સુધી બિલકુલ શરદી મટી ન જાય ત્યાં સુધી આ પ્રયોગ કરવો.
(૨) સાકર અને કપૂરને વાટી ચણા જેવડી ગોળી બનાવી રાત્રે ૩ થી ૬ ગોળી ખાવી. ગોળી બનાવીને મરીના ચૂર્ણમાં રાખવી. કારણ કે મરી કપૂરને ઉડવા દેતા નથી.
(૩) આંખની ભ્રમરની વચ્ચે જ્યાં તિલક કરીએ છીએ તે જગ્યાએથી નાકના મૂળ સુધી આંગળીથી નાક લાલ થઈ જાય ત્યાં સુધી ઘર્ષણ કરવું. જેનાથી સળેખમ હલકું પડી જાય છે. જ્યાં સુધી શરદી મટી ન જાય ત્યાં સુધી વારંવાર (દિવસમાં ત્રણ-ચાર વાર) આ પ્રમાણે કરવું. આ ઉપરાંત સરસિયાનું તેલ પણ ઉપર ઘસી શકાય છે.
(૪) સળેખમ થયું હોય તો પ્રથમ ૨૫ કલાક સુધી પાણી કે વધારે પડતો પ્રવાહી ખોરાક લેવો નહીં. કારણ કે ઠંડું પ્રવાહી લેવાથી, સળેખમ વધે છે, ગળાની ફરતે ગરમ કપડું વિંટાળી રાખવું.
(૫) ઘી, ગોળ, પીપરીમૂળ અને સૂંઠની રાબ બનાવી સવાર-સાંજ લેવાથી પણ શરદીમાં ઘણો ફાયદો થશે.
(૬) દર્દીએ ગરમ પદાર્થોનો આહારમાં પ્રયોગ કરવો જેનાથી શરદી જલદીથી પાકી જાય છે. જે માટે ગરમ પાણી પીવું, તેમજ ગરમ પીણાનું સેવન કરવાનો આગ્રહ રાખવો. જરૂર લાગે તો દૂધમાં આદુ તથા સૂંઠ નાખીને સુખોષણ કરીને પીવાથી પણ દોષો જલ્દીથી છૂટી પડી જાય છે. આ સિવાય આ રોગમાં શેકેલા ચણા ધાણી, વગેરેનું સેવન પણ ફાયદાકારક છે. પ્રતિશ્યાય ના રોગી માટે નસ્યની ચિકિત્સા ખૂબ જ ફાયદાકારક પરિણામ આપે છે. આ ઉપરાંત વૈદ્યની સલાહ મુજબ ઔષધ પ્રયોગ પણ શરૂ કરી શકાય છે. તેમાં વ્યોષાદિ વટી, મહાલક્ષ્મીવિલાસ રસ, ત્રિભુવનકીર્તિરસ વગેરેનું વૈદ્યની સલાહ મુજબ સેવન કરવું. નવી શરદી, એલર્જીક શરદી તેમજ જીર્ણ શરદી આ ત્રણેય શરદી ઉપર આયુર્વેદના ઔષધો અમોઘ શસ્ત્ર સમાન રામબાણ સાબિત થયેલ છે.
- જ્હાનવીબેન ભટ્ટ








