સાઠ પછીની સફળતાઃ આ વર્ષે સની પાજીની પાંચ ફિલ્મો આવશે

- 68 વર્ષે એક પછી એક હિટ ફિલ્મો આપવી એ વાત ચમત્કારથી કમ નથી.
સની પાજીની બીજી ઇનિંગ્સ શરૂ થઇ ત્યારે કોઇને આશા નહોતી કે આ ઇનિંગ્સ પણ આવી ભવ્ય નીવડશે!
ચાર દાયકાની લાંબી ફિલ્મ કારકિર્દી દરમ્યાન સનીના ચાહકોએ તેનો કદી સાથ છોડયો નથી. સામે પક્ષે, સનીએ પણ તેના ચાહકોને નિરાશ કર્યા નથી. ૬૮ વર્ષે એક પછી એક હિટ ફિલ્મો આપવી એ વાત ચમત્કારથી કમ નથી. સની પાજીની બીજી ઇનિંગ્સ શરૂ થઇ ત્યારે કોઇને આશા નહોતી કે આ ઇનિંગ્સ પણ આવી ભવ્ય નીવડશે!
ઓગસ્ટ ૨૦૨૩માં 'ગદર-૨' રિલીઝ કરવામાં આવી ત્યારે ઘણાને એમ લાગ્યું હતું કે આ જૂની મૂડીનો આ વેપાર લાંબો ચાલશે નહીં. પણ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે મસ્ત કમાણીને સાબિત કરી દીધું કે સની દેઓલ હજુય
એક પાવરફૂલ સુપરસ્ટાર છે. એ પછી હાલના માહોલને બયાન કરતી અને નવી પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ 'જાટ' આવી. ત્યાર બાદ 'બોર્ડર-ટુ' આવી. આ ફિલ્મ પણ 'ગદર-ટુ'ની જેમ બોક્સ ઓફિસ પર હિટ નીવડી. હવે તો 'ગદર' અને 'બોર્ડર' એમ બંને ફિલ્મોના ત્રીજા ભાગની વાતો ચાલી રહી છે.
સની દેઓલની પેઢીના હીરોલોગ બહુ બહુ તો મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળે. આવી સ્થિતિમાં સની મેઇન હીરો તરીકે એક પછી એક હિટ ફિલ્મો સિનેમાઘરોમાં (ઓટીટી પર નહીં) રજૂ કરી સફળતાની નવી વ્યાખ્યા રચી રહ્યા છે.
૧૯૮૩માં અમૃતા સિંહ અને સની દેઓલની જોડીને રજૂ કરતી રોમાન્ટિક ફિલ્મ 'બેતાબ' રજૂ થઇ તે સાથે જ સનીનું એક સ્ટાર તરીકે આગમન થયું હતું. ફિલ્મનાં ગીતો હિટ થયા અને સનીની એન્ટ્રી સફળ નીવડી. એ પછી ૧૯૮૫માં 'અર્જુન' આવી, જેમાં સનીએ યુવાનોના રોષને વાચા આપી. ત્યાર બદ ચાર વર્ષે 'ત્રિદેવ' આવી. આ એક સફળ મલ્ટિસ્ટાર મસાલા ફિલ્મ હતી. બીજા જ વર્ષે ૧૯૯૦માં 'ઘાયલ' આવી. 'ઘાયલ'માં ભજવેલી ભૂમિકા માટે સનીને નેશનલ એવોર્ડ મળતાં એક એક્ટર તરીકે એમનું માન અને મોભો બન્ને વધ્યા. એ પછી ૧૯૯૩માં 'દામિની' આવી, હિરોઇન મિનાક્ષી શેષાદ્રીને કેન્દ્રમાં રાખતી આ ફિલ્મમાં સનીનો ગેસ્ટ અપિરિયન્સ એટલો જોરદાર હતો કે લોકો ખાસ સનીની એક્ટિંગ જોવા માટે આ ફિલ્મ જોવા જતાં થઇ ગયા હતા. એ પછી ૧૯૯૬માં 'ઘાતક' આવી. તાકાત અને તેની મર્યાદા બંને દર્શાવતી આ ફિલ્મ પણ સફળ નીવડી. દરમ્યાન આ જ પ્રકારની બે ફિલ્મો 'જીત' અને 'ઝિદ્દી' અનુક્રમે ૧૯૯૬ અને ૧૯૯૭માં રજૂ થઇ. ૧૯૯૭માં 'બોર્ડર' પણ આવી. એક આખી પેઢી માટે દેશભક્તિની વ્યાખ્યા બની રહેલી આ ફિલ્મનો બીજો ભાગ બે દાયકા બાદ બનાવવામાં આવ્યો અને તે પણ બોક્સ ઓફિસ પર સફળ રહ્યો. ફિલ્મ સ્ટાર તરીકે સની દેઓલની આ એક અસામાન્ય સફળતા છે.
એક લાંબા અંતરાલ બાદ ૨૦૦૧માં બીજી એક હિટ ફિલ્મ 'ગદરઃ એક પ્રેમકથા' આવી, અને તારા સિંહનું પાત્ર લોકજીભે ચડી ગયું. છ વર્ષ બાદ, ૨૦૦૭માં, આખા દેઓલ પરિવારને એકસાથે રજૂ કરતી ફિલ્મ 'અપને' આવી. એ પછી ચાર વર્ષે ૨૦૧૧માં દેઓલ પરિવારની કોમેડી ફિલ્મ 'યમલા પગલા દીવાના' આવી. છેલ્લી બંને ફિલ્મો હિટ તો નહોતી પણ તેણે સાબિત જરૂર કર્યું કે દેઓલ પરિવાર હજી મેદાનમાં છે. આ તો સની દેઓલની યાદગાર અને સફળ ફિલ્મોની યાદી થઈ. છેલ્લા બે દાયકામાં આવેલી સનીની ફલોપ ફિલ્મોની યાદી તેનાથી પણ લાંબી છે. મુદ્દો એ છે કે સની દેઓલ સિનેમાના મેદાનમાં કસીને મુકાબલો કરવામાં માને છે. સફળતા મળે ત્યારે એ છકી જતા નથી એ એમનો સૌથી મોટો ગુણ છે.
આ વર્ષે રજૂ થનારી સની દેઓલની ફિલ્મ 'રામાયણ-ટુ'નું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું છે. નિતેશ તિવારીની 'રામાયણ' શૃંખલામાં રણબીર કપૂર રામની અને સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રણબીર રામની અને દક્ષિણની સાઇ પલ્લવી સીતાનો રોલ કરી રહ્યાં છે. આમિર ખાનનું જેંમાં ંમૂડીરોકાણ છે તે ફિલ્મ 'લાહોર-૧૯૪૭' પણ આવશે. આ ફિલ્મનું નિર્દેશન સનીના ફેવરિટ નિર્દેશક રાજકુમાર સંતોષી કરી રહ્યા છે, તો 'ઇક્કા' ફિલ્મનું નિર્દેશન 'હિચકી' ફેમ સિદ્ધાર્થ પી. મલ્હોત્રા કરી રહ્યા છે. આ ઓટીટી ફિલ્મ માટે સનીને રેકોર્ડ બ્રેક ફી ચૂકવવામાં આવી હોવાની વાતો થઇ રહી છે. આ ઉપરાંત સનીએ પોતાના ૬૮મા જન્મદિને જેની જાહેરાત કરી હતી તે 'ગબરૂ' પણ આ વર્ષે મે મહિનામાં રજૂ કરવા માટે કામ ચાલી રહ્યું છે.
'ગબરૂ'નું નિર્દેશન શશાંક ઉદયપુરકરે કર્યું છે. 'ગદર' અને 'બોર્ડર'ના ત્રીજા ભાગ પણ મોટે ભાગે તો બનશે. નિર્માતા દીપક મુકુટના જણાવ્યા પ્રમાણે સનીને હીરો તરીકે ચમકાવતી'સૂર્યા' નામની ફિલ્મ પણ તૈયાર થઇને પડી છે. હાલ તેનું પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલી રહ્યું છે. સનીની આ ફિલ્મ જૂન-જુલાઇમાં રજૂ કરવાનું આયોજન છે. આમ, હાલ તો સની પાજીના બંને હાથમાં લાડવા છે. આ પાંચમાંથી ત્રણ ફિલ્મો પણ હિટ પુરવાર થઇ તો સની પાજીનો સ્ટાર પાવર ઓર વધી જશે. બોલો હનુમાન કી જય!








