Get The App

સ્ટાઇલિશ વિન્ટરવેર...

ઠંડીમાં ફેશનનાં પ્રતીક બની ગયાં છે સ્વેટર, શાલ, સ્ટૉલ અને સ્કાર્ફ

Updated: Jan 6th, 2020

GS TEAM

Google News
Google News
સ્ટાઇલિશ વિન્ટરવેર... 1 - image


આપણે ઋતુ પ્રમાણે પરિધાનની પસંદગી કરવી પડે છે. ઉનાળામાં ઉકળાટને કારણે શરીર પર પરસેવાના રેલાં ઉતરતા હોય છે. ઘેરા રંગના કપડાંમાં ગરમી વધારે થાય છે એટલે ગ્રીષ્મઋતુમાં આપણે સુતરાઉ સફેદ અથવા લાઈટ રંગના કપડાં પહેરીએ છીએ. ચોમાસામાં વરસાદ અને કાદવ-કીચડને કારણે કપડાંની અવદશા થાય છે.

છત્રી કે રેઈનકોટ હોવા છતાં કપડાં ભીના થાય છે અને જલ્દી સુકાતા નથી. તેમાં વળી જિન્સ અથવા કોટન પેન્ટ હોય તો સ્થિતિ એકદમ કફોડી થાય છે. ચોમાસામાં માનુનીઓ માટે સાડી અને છત્રી સંભાળવી ખૂબ જ મુશ્કેલ બને છે. આથી મોટા ભાગની રમણીઓ સિન્થેટિક મટિરિયલનો સલવાર-કુર્તો પહેરવાનું જ પસંદ કરે છે. એટલે વર્ષના આઠ મહિના તો પ્રકૃતિ પ્રમાણે અનુકૂળ રહે તેવા પોશાક ફરજિયાત પસંદ કરવા પડે છે. માત્ર શિયાળાના ચાર મહિના મનગમતા ડ્રેસને પહેરવા માટે ઉત્તમ ગણાય છે.

દિવાળી બાદ ગુલાબી ઠંડી શરૃ થઈ જાય છે અને નાતાલ આવતાં સુધીમાં તો કડકડતી ઠંડી લાગે છે. જોકે ગુજરાતની તુલનાએ મુંબઈમાં ઓછી ઠંડી પડે છે. તેમ છતાં શિયાળામાં તન અને મન એકદમ પ્રફુલ્લિત રહે છે અને વાતાવરણમાં રહેલી માદકતાથી સહુ કોઈ પ્રસન્ન જોવા મળે છે. ઠંડી ઋતુમાં પ્રિયજનની હૂંફમાં બેસીને ગરમાગરમ ચા કે કોફી પીવાની મજા માણવા જેવી હોય છે. જો ઠંડી વધારે હોય તો તાપણા આગળ હાથ શેકતાં પ્રેમગોઠડી કરવાનો આનંદ અનોખો હોય છે.

ફેશન ડિઝાઇનરો પણ શિયાળાની ઋતુમાં પહેરી શકાય તેવા વિવિધ ડિઝાઈનના ખાસ સ્ટાઇલિશ પરિધાનની અનોખી શ્રેણી બનાવે છે. શિયાળામાં મનગમતા રંગના તથા ફેબ્રિકના પરિધાન સાથે સ્વેટર્સ, શાલ, સ્ટૉલ, સ્કાર્ફ, કાનટોપી, હાથમોજાં પહેરવામાં આવે છે. જે જગ્યાએ ઠંડી વધારે પડતી હોય ત્યાં વીંડચીટર્સ અને લેધરના લોંગ જેકેટ પણ પહેરવામાં આવે છે.

મુંબઈમાં ઠંડી મધ્યમ પડે છે આ કારણે વહેલી સવારે કામ પર જનારાઓને જ સ્વેટર પહેરવાની  જરૃર પડે છે. બાકી દિવસ દરમિયાન સ્વેટર પહેરવાની જરૃર પડતી નથી. તે જ પ્રમાણે રાતપાળીમાં કામ કરતા રિક્ષા કે ટેક્સી ડ્રાઇવરો કે નાઈટ શીફટમાં જતાં કોલસેન્ટરના કર્મચારીઓ રાતના સ્વેટર પહેરેલા કે મફલર વીંટાળેલા જોવા મળે છે. વહેલી સવારે દૂધ દેવા આવતાં ભૈયાઓ માત્ર મફલરની મદદથી ઠંડીનો સામનો કરે છે.

ઠંડીમાં સાલ, સ્કાર્ફ, સ્ટોલ વગેરેનો ઉપયોગ એકદમ સ્ટાઇલીશ રીતે કરવો જોઈએ. તે જ પ્રમાણે 'વિન્ટરવેર'નું શોપિંગ કરવાની પણ એક કલા છે જે આવડવી જરૃરી છે. ખાસ શિયાળા માટે ખરીદી કરવા જતી વખતે વર્ણ, વાળ, ફિગર, ઊંચાઈ જેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ગૌરવર્ણ ધરાવતી અનેક તરુણીઓ લાઈટ રંગની શાલ પહેરે છે. ડાર્ક રંગના ડ્રેસ પર લાઈટ રંગની શાલનું કોમ્બિનેશન ચાલે પણ ડ્રેસ તથા શાલ બન્ને હળવા રંગના ન હોવા જોઈએ. હા, લાઈટ કલરના ડ્રેસ પર ડાર્ક રંગની શાલ શોભે છે.

પ્રત્યેક તરુણીએ પોતાના વર્ણને ધ્યાનમાં રાખીને શરીર પર શોભતાં રંગના પરિધાન જ ખરીદવા જોઈએ. ઘણી વખત એવું થાય છે કે કેટલાક રંગ જોતાં  આંખને જ ગમી જાય છે, પણ તેને પહેરતાં જોઈએ તેવો ઉઠાવ આવતો નથી. જ્યારે એવા પણ કેટલાક રંગ છે જે કદાચ પહેલી નજરે ન ગમે પણ તે રંગના ડ્રેસ ખૂબ જ સુંદર દેખાય છે. એટલે ખરીદી કરતી વખતે માત્ર મનપસંદ નહીં, પરંતુ શરીર પર શોભતા રંગને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.

લાંબા વાળ ધરાવતી માનુની ખભા પર શાલ વીંટાળે ત્યારે તેના વાળનું સૌંદર્ય ઢંકાઈ જાય છે. એટલે શાલ વીંટાળતી વખતે વાળને બહાર રાખવાનું ભૂલવું નહીં. જોકે કેટલીક માનુનીઓ માથા પરથી શાલ વીંટાળે છે. આ પ્રકારે શાલ વીંટાળતાં વાળની એકાદી લટ કપાળ પર રહી જાય તો ચહેરો એકદમ નીખરી ઊઠે છે.

મોટા ભાગની મહિલાઓ કાનમાં ઠંડી હવા ન જાય તે માટે સ્કાર્ફ વીંટાળે છે. ઇસ્લામીક દેશોમાં મહિલાઓએ માથુ ઢાંકીને રાખવાનો નિયમ હોય છે. એટલે ત્યાંની માનુનીઓના માથા ફરતે સ્કાર્ફ વીંટળાયેલો હોય છે. સ્ટાઇલિશ માનુનીઓ સ્કાર્ફને માથા પર બાંધવાની બદલે ટાઈની જેમ ગળે બાંધે છે. આ રીતે ગળા પર સ્કાર્ફ બાંધવાથી ત્યાં ઠંડી લાગતી નથી તથા મહિલા પણ એકદમ રુઆબદાર દેખાય છે. જોકે જિન્સ અને ટૉપ પર જ ગળામાં સ્કાર્ફ બાંધી શકાય. સલવાર-કુર્તા કે સાડીમાં આ ફેશન અયોગ્ય દેખાય.

પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ સ્ટૉલ મળે છે. ખ્રિસ્તી ધર્મગુરુઓ સ્ટોલ વાપરતા હતા. અને તેનું જોઈને પુરુષોમાં મફલર વાપરવાની ફેશન આવી હતી. પુરુષોના મફલર લાંબા હોય છે અને તેની જેવા જ દેખાતા મહિલાઓના સ્ટૉલની લંબાઈ ટૂંકી હોય છે. સ્ટૉલ પર કોલરવાળા કે બંધગળાના ટૉપ સરસ દેખાય છે.

જિન્સ પેન્ટ પર લેધર જેકેટ પહેરવાની ઇચ્છા શિયાળામાં જ પૂરી કરી શકાય. ઇવનિંગ પાર્ટીમાં પોલોનેક ટી-શર્ટ, સ્ટાઇલીશ જિન્સ પેન્ટ અને લેધર જેકેટનો પોશાક ખૂબ જ સુંદર દેખાય છે. આ પરિધાન પર પ્લેટફોર્મ હીલના સેન્ડલ પહેરવા જોઈએ. 

સામાન્ય રીતે મહિલાઓ જ શાલ ઓઢે છે પુરુષો નહિ. તેમ છતાં ક્યારેક સાંજના સમયે લગ્નપ્રસંગમાં જવા બંધગળા કોટ, જોધપુરી સૂટ કે ચુડીદાર-કુર્તા પર શાલ વીંટાળવાનું પુરુષો પસંદ કરે છે. જોકે પુરુષો માટે શાલ પસંદ કરતી વખતે તેમના વર્ણને ધ્યાનમાં રાખવાની જરૃર નથી. બને ત્યાં સુધી તેમના માટે લાઈટ રંગની શાલ જ પસંદ કરવી. ગોરા યુવાન પર પણ હળવા રંગની શાલ જ શોભે છે. મહિલાઓ કરતાં પુરુષોની શાલ લાંબી હોય છે. જોકે, ફોર્મલ વેર પર શાલ વીંટાળવી એકદમ હાસ્યાસ્પદ ગણાશે. એટલે યુવાનોએ સ્લીવલેસ સ્વેટર અથવા લેધર જેકેટનો ઉપયોગ કરવો જોઈએ.

Tags :