સંઘર્ષ .
- માધવને બેઠાં બેઠાં બધી સુખસુવિધાઓ મળી ગઈ હતી તો પણ ભણવામાં એનું મન લાગતું નહોતું. એકલો પડતાં જ એ મોબાઇલ મચડવા લાગતો, લેપટોપ પર નકામું કોન્ટેન્ટ જોવામાં સમય વેડફતો
- પાર્થ જયેશ દેસાઈ
એક શહેરમાં બે પરિવારો રહે. એક પરિવાર રમેશભાઈનો અને બીજો પરિવાર મહેશભાઈનો. બંને પરિવાર એક જ સોસાયટીમાં રહે. બન્ને પૈસેટકે સુખી. રમેશભાઈ અને મહેશભાઈ બન્નેનો સ્વભાવ એકદમ અલગ. રમેશભાઈને એક જ દીકરો. એનું નામ રાઘવ. મહેશભાઈને પણ સંતાન. એનું નામ માધવ. બન્ને છોકરાઓ એક જ શાળામાં અને એક જ વર્ગ માં ભણે.
રાઘવ અને માધવ બંને ભણવામાં ખૂબ હોશિયાર.
બંને દસમા ધોરણમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈને ૧૧મા ધોરણમાં આવ્યા. રાઘવના પપ્પાએ એને એક નવી સાઇકલ ખરીદી આપી. એને ટયૂશન બંધાવી આપ્યું. પપ્પાએ કહ્યું, 'તું સાથે સાથે નાની પાર્ટ-ટાઇમ નોકરી પણ કરજે. તારું પોકેટમની જાતે કમાઈ લે.'
માધવના પપ્પાએ એને નવું એક્ટિવા, લેપટોપ, ટેબ્લેટ અને નવો મોબાઇલ ફોન જેવી સુખ-સુવિધાવાળી વસ્તુઓ ખરીદી આપી. દરેક વિષય માટે ઘરે પર્સનલ ટયૂશન રાખ્યા. માધવને કોઈ કામ સોંપવામાં ન આવે. બહાર દૂકાનેથી દૂધ ખરીદી લાવવાનું પણ મમ્મી ન કહે. એને કોઈ તકલીફ ન પડે તેનો પૂરો ખ્યાલ રાખવામાં આવે.
રાઘવ ખૂબ સમજુ છોકરો હતો. એને મન તો પપ્પાએ આપેલી સાઇકલ પણ ફેન્સી ગાડી જેવી લાગે. એણે શહેરનાં બીજા છેડે, કે જ્યાં કોઈ એને ઓળખે નહીં, ત્યાં એક જગ્યાએ પાર્ટ ટાઈમ નોકરી કરવા માંડી. ધીમે ધીમે એને બરાબર સમજાવા લાગ્યું હતું કે નોકરી અને અભ્યાસ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું. એને પૈસાનું મહત્ત્વ સમજાયું. રૂપિયા કેવી રીતે વાપરવા એનું પણ ભાન થયું.
સમય જતાં ધોરણ ૧૨ની પરીક્ષા આપી. રાધવ ખૂબ સરસ માર્ક્સ સાથે પાસ થયો. એણે પોતાની કમાણીમાંથી બચત કરેલા પાસે બેન્કમાં જમા કરાવ્યા હતા. આ બાજુ માધવ ને બેઠાં બેઠાં બધી સુખસુવિધાઓ મળી ગઈ હતી તો પણ ભણવામાં એનું મન લાગતું નહોતું. એકલો પડતાં જ એ મોબાઇલ મચડવા લાગતો, લેપટોપ પર નકામું કોન્ટેન્ટ જોવામાં સમય વેડફતો. ધોરણ ૧૧માં એ માંડ-માંડ પાસ થયો હતો અને બારમા ધોરણમાં તો એ ફેઇલ જ થઈ ગયો.
'ઝગમગ'ના બાળમિત્રો તમને થતું હશે કે રાઘવના પપ્પા પૈસેટકે સુખી હોવા છતાં કેમ એમણે દીકરાને માધવ જેવી સુખસુવિધાઓ ન આપી? કારણ કે તેઓ ઇચ્છતા હતા કે રાઘવને દુનિયાદારીના પાઠ પણ શીખવા મળે. ખાસ તો તેમને કોન્ફિડન્સ હતો કે મારો દીકરો મહેેનતુ છે, ધીરગંભીર છે, એ ભણતર અને પાર્ટટાઇમ જોબ વચ્ચે સંતુલન જાળવી શકશે. તેઓ એ પણ જાણતા હતા કે જો મારો દીકરો સહેજ પણ લડખડાશે તો એને આધાર આપવા માટે પોતે છે જ. પપ્પાએ જે ધાર્યું હતું એમ જ થયું. રાઘવ સારા માર્ક્સે પાસ પણ થયો અને એને તેને સારી રીતે સમજાઈ પણ ગયું કે કેટલા વીસે સો થાય છે. દુનિયાદારીના જે પાઠ કોઈ શાળા શીખવતી નથી તે રાઘવના પપ્પાએ એને આડકતરી રીતે શીખવી દીધા.
રાઘવ પછી તો ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ભણવા ગયો. સરસ ભણીગણીને સફળ થયો. આ બાજુ, માધવ માંડ માંડ કોલેજ પૂરી કરી શક્યો. પોતાના પપ્પાની લાગવગથી એ કોઈ નાની કંપનીમાં મામૂલી નોકરી કરે છે.
વ્હાલા બાળમિત્રો, અહીં એવું કહેવાનો આશય નથી કે તમારે ફરજિયાતપણે સાઇકલ ચલાવવી જોઈએ અને પાર્ટટાઇમ જોબ કરવી જોઈએ. કહેવાનો આશય એ છે કે તમને મમ્મી-પપ્પાએ જે કંઈ સુખસુવિધાઓ આપી છે તેને સહેજ પણ હળવાશથી ન લો. સંઘર્ષથી ડરો નહીં, સંઘર્ષને આવકારો. માબાપનો અને ઇશ્વરનો આભાર માનો. મમ્મી-પપ્પાને ઘરકામમાં નાની-મોટી મદદ કરો. ભરપૂર મહેનત કરો, દિલપૂર્વક ભણો. ભણતર અને ગણતર બન્નેનું મહત્ત્વ સમજો અને જીવનમાં શ્રેષ્ઠતમ દેખાવ કરો.