વિચિત્ર ન્યાય .
પણ આ ખેડૂતનાં મનમાં આ મહારાજા અને એમનાં કાયદા બરાબરનાં ખૂંચી ગયેલા. આથી મનોમન નિર્ધાર કર્યો કે બસ ગમે તે થાય ચોરને એક વખત સજા તો અપાવવી જ છે
'એક હતું નગર. આ નગરમાં આશ્ચર્ય એ વાતનું હતું કે અહીંનો રાજા અને એમનાં કાયદા કે સજા પણ કંઇક અનોખી જ હતી.'
એક વખત આ નગરમાં કોઇ ખેડૂતનાં ઘેર રોકડ રકમની ચોરી થઈ. જેમણે મહારાજને ફરિયાદ નોંધાવી. મહારાજે આ ચોરને રાજ્યમાં બોલાયો અને પૂછ્યું, આ ભાઈનાં રૂપિયા ચોર્યા છે...?
ચોર કહે, ના મહારાજ.
ફરિયાદી કહે, પણ હા, મહારાજ મેં એમને મારી સગી આંખે જોયો હતો.
ત્યારે રાજા કહે, તો તે તેમને જ્યારે જોયો ત્યારે મને કેમ ન બોલાવ્યો ? માટે હું કેમ માનું. તો આ ચોર નથી નિર્દોષ છે.
આ ન્યાય સાંભળતાં પેલો ખેડૂત બિચારો લૂંટાણો.
પણ આ ખેડૂતનાં મનમાં આ મહારાજા અને એમનાં કાયદા બરાબરનાં ખૂંચી ગયેલા. આથી મનોમન નિર્ધાર કર્યો કે બસ ગમે તે થાય ચોરને એક વખત સજા તો અપાવવી જ છે. હવે થોડો સમય વિત્યો. આ ખેડૂત ખેતરમાં કામ કરતો હતો જ્યાં એમણે આગળથી પેલા ચોરને આવતો જોયો. એટલે એમણે સરસ મજાનું કુણું અને મોટું ચીભડું રસ્તામાં મૂકી દીધું.
બાદમાં દોડતો કચેરીમાં મહારાજ પાસે પહોંચી ગયો. અને બોલ્યો, 'મહારાજ દોડો જલ્દી પેલો મારા ખેતરમાં ચીંભડાં ચોરે છે.'
મહારાજ તુર્ત જ ઘોડેસવાર થઈ પેલા ખેડૂતનાં ખેતર પહોંચ્યાં. જોયું તો પેલો ચોર હજુ ખેતરમાં પહોંચી રસ્તામાં પડેલી ચીભડું લેવા વાંકો વળ્યો એટલે પેલા ખેડૂત અને મહારાજ વૃક્ષ આડેથી નીચે ઉતરી ચોરને પકડી કહ્યું, 'કાં ભાઈ આ શું
લીધું ?'
ચોર કહે, 'ચીભડું.' શું એ તારૂં છે...?
'ચોર કહે, ના.'
'મહારાજ કહે, ચાલ કચેરીમાં. કહી મહારાજ પેલો ખેડૂત અને આ ચોર બધા કચેરીમાં પહોંચ્યા.'
મહારાજ કહે દરબારીઓ આ ચીભડાની કિંમત શું ગણાય ?
એટલે કોઈ કહે સો, કોઈ કહે પાંચસો તો કોઈ કહે હજાર, એટલે મહારાજાએ ખેડૂતને પૂછ્યું, બોલ તારા ચીભડાની કિંમત કેટલી હતી ?
ખેડૂત કહે મહારાજ હું ખરું કહું તો આ મારા સંતાન જેવું મને વ્હાલું હતું. મેં એમને નાનપણથી ઉછેરી કેમ મોટું કર્યું આજે હું જોઈ નથી શકતો. કહી ખેડૂત રડી પડયો.
મહારાજે વળી શાંત પાડી ખેડૂતને ન્યાય અપાવવા આ ચોરને ફાંસીની સજા સંભળાવી દીધી. અને ખેડૂત આગળ થયેલી ચોરીનો આજે ન્યાય મળ્યો.
- ભરત એલ. ગોઠડીયા