Magazines

વાર્તા : સૌંદર્યની સમજ .

By GS TEAM
11 Aug 20258 mins read
વાર્તા : સૌંદર્યની સમજ                                                .

- મેં  તેનું પેન્સિલ વર્ક જોયું. એટલું ખરું કે આ ત્રણે ચિત્રો એટલાં લાજવાબ હતાં કે એકેએક અંગેઅંગ વખાણવાલાયક હતું. અને પોશાકની પ્રત્યેક કરચલી નજર બાંધી લે તેવી હતી. છતાં આ ચિત્રોમાંથી અનાયાસ ડોકાતી નગ્નતા મને આંખોમાં ખટકતી હોવાથી મેં એ ત્રણે તસવીરો તેની સામે ધરી દેતાં કહ્યું, 'શું આને જ રૂપ-સૌંદર્ય કહેવાય?'

ત્રણ તસવીરો તેણે મારી સામે મૂકી હતી. ત્રણે તસવીરો રૂપાળી, કામણગારી સ્ત્રીઓની હતી. એમાંની બે અર્ધનગ્ન હતી, જ્યારે એક તો લગભગ નિર્વસ્ત્રા કહી શકાય તેવી, અંગ-ઉપાંગોનું કામુક-માદક પ્રદર્શન કરે તેવી હતી. નદીમાં નાહીને ભીની, મલમલ જેવી સાડી પરિધાન કરીને ઊભેલી એ કામિનીની કાયા સાથે ચોંટેલું ગુલાબી પોત તેનાં વક્ષ, જાંઘ અને નિતંબના ઉન્માદક ઊભારને ઉજાગર કરતું હતું.

પંચાવનથી સાંઠ વર્ષની વયના શખસે આવાં ચિત્રો ચીતરવાં નહોતાં જોઈતાં એવું મને લાગ્યું. ઉંમરની સાથે સાથે જે પાકટતા અને કલાની દક્ષતા આવવી જોઈએ તેનો અભાવ એનાં ચિત્રોમાં વરતાતો હતો. મેં એની સામે મીટ માંડી તો એ હસી રહ્યો હતો.

'હું જાણું છુ ંકે તમે શું વિચારી રહ્યા છો. તમને એમ થાય છે કે મારા જેવા વૃદ્ધાવસ્થાનેઆરે ઊભેલા માણસે આવાં ચિત્રો ન ચીતરવાં જોઈએ.'

હું ચૂપ રહ્યો, તો એણે વાત આગળ વધારી: સૌંદર્યને નીરખવા માટે ઊંડી નજર, અનુભવવા માટે જુવાન હૈયું અને તેને ચીતરવા માટે આકર્ષક કળાસૂઝ જરૂરી છે.

મેં ફરીવાર તેનું પેન્સિલ વર્ક જોયું. એટલું ખરું કે આ ત્રણે ચિત્રો એટલાં લાજવાબ હતાં કે એકેએક અંગેઅંગ વખાણવાલાયક હતું. અને પોશાકની પ્રત્યેક કરચલી નજર બાંધી લે તેવી હતી. છતાં આ ચિત્રોમાંથી અનાયાસ ડોકાતી નગ્નતા મને આંખોમાં ખટકતી હોવાથી મેં એ ત્રણે તસવીરો તેની સામે ધરી દેતાં કહ્યું, 'શું આને જ રૂપ-સૌંદર્ય કહેવાય?'

'રૂપ બીજું શું છે? સ્ત્રીનો ચહેરો, તેની આંખો, તેનો દેહ, તેનાં...?'

'સૌંદર્ય કેવળ સ્ત્રીઓમાં જ હોય છે એવંુ નથી. ફૂલો, ચંદ્ર-તારા અને પક્ષીઓમાં પણ હોય  છે.'

'ના. એ સૌંદર્ય નથી.' તેણે મારી વાત કાપતાં અધવચ્ચે જ કહ્યું: એ તમારી પોતાની પસંદગી હોય છે અથવા આંખોને ગમતી કોઈ ચીજ. સૌંદર્યની કલ્પના સ્ત્રીઓ સિવાય સદાય અધૂરી ગણાય અને જરૂરી નથી કે ગોરા ચહેરાઓમાં જ સૌંદર્ય હોય. અથવા એકદમ પુષ્ટ અને ભરાવદાર બદનમાં જ હોય. સૌંદર્ય જ્યારે સર્વોપરી કે સર્વેસર્વા બની જાય ત્યારે એ એક ચીજવસ્તુ બની જાય છે. પછી તે સૌંદર્ય નથી રહેતું. અને તેની ખૂબીઓમાં તેની ખામીઓ પણ સામેલ થઈ જતી હોય છે. સૌંદર્ય એક ભાગ છે. તે સંપૂર્ણ નથી.'

મને આશ્ચર્ય ન થયું. કેમકે કોઈક દારૂડિયા સાથે વાત કરીએ તો તે દરેક દરદ માટે એક જ ઇલાજ સૂચવશે... દારૂ. તાવ આવે તો પણ દારૂ અને વધુ પડતી ઊંઘ આવે તો પણ દારૂ. શાયરે આઝમ ગાલિબે કહ્યું છે કે-

'ગોયા હાથોં મેં ઝુંબિશ નહીં,

આંખોં મેં દમ તો હૈ...'

જોકે એના હાથમાં હજી જોર હતું અને આંખોમાં દમ પણ. એટલે કે એ એટલો બધો ઘરડો નહોતો થયો કે તેને એકદમ નકારીને અથવા ધીમે ધીમે ટાળીને તેની ઉપેક્ષા કરી શકાય. તેની ઉંમર સાંઈઠની નજીક હોવા છતાં હજી તે તંદુરસ્ત હતો. ઈશ્વરકૃપાથી તેના તમામ દાંત પણ સલામત હતા. એક વાત યાદ આવે છે કે એકવાર કોઈક જુવાન સ્ત્રીએ એક વૃદ્ધ સાથે બેવફાઈ કરી ત્યારે તેણે કહ્યું હતું કે અગર છત પર બરફ પડતો હોય, તો એમ માની ન લેવું કે ઘરની અંદર આગ પણ પેટતી નહિ હોય.

તેના ઘરની અંદર આગ જરૂર પેટી રહી હશે. આ વાતનો ખ્યાલ તેને જોતાંવેંત આવી જાય છે. તેનામાં એક ગુણ એ પણ છે કે તેણે હજી લગ્ન કર્યાં નથી. જિંદગીની આખી સફર તેણે એકલા રહીને જ ખેડી છે. કારણ ગમે તે હોય, પણ એક જ કારણ દર્શાવાય છે કે કોઈ મનગમતી મૂરત મળી નહિ, તેથી તેણે કુંવારા રહેવાનું જ બહેતર માન્યું. લગ્ન નહિ કરવા પાછળ એક કારણ એ પણ હોઈ શકે કે તેણે સૌંદર્યને ફક્ત એક ભાગમાં જ શોધ્યું છે. સંપૂર્ણ સૌંદર્યને તે એક ચીજવસ્તુ માને છે. પરંતુ મુશ્કેલી એ છે કે એક એક ભાગમાં 'સ્ત્રી' તો મળી શકે, પણ 'પત્ની' નહિ.

હવે આ માણસની ભૂગોળ પણ જાણી લેવી જરૂરી છે. આ સાહેબ એક મોટા રજવાડાના રહીશ છે. ભણતર પણ તેમણે એ રજવાડામાંથી જ મેળવ્યું છે અને કલાનો શોખ પણ ત્યાંથી જ તેમને મળ્યો છે. અત્યારે તે શહેરની એક નાની કોલેજમાં પ્રોફેસર છે.

શહેરના એક વિસ્તારમાં એક નાનકડું મકાન ભાડે રાખીને તે રહેવા લાગ્યા. દિવસે કોલેજની નજીકની એક હોટેલમાં જમી લે છે અને રાત્રે ઘરે જ જાતે રાંધી ખાય છે.

આજકાલ કોલેજમાં ભણતર તો અપાતું નથી. રાજકીય ઉથલપાથલોને કારણે કોલેજ ઘણુંખરું બંધ જ રહે છે. એટલે નવરાશના સમયે પેઈન્ટિંગનો શોખ પૂરો  કરે છે. અથવા રૂપને એક ભાગરૂપે શોધતો  રહે છે.

મારા ઉપરાંત મહોલ્લાના બીજા લોકોને પણ તેના ઉજ્જડ ઘરનો અહેસાસ હતો. ખાસ કરીને મહિલાઓને આવા એકલવાયા રહેતા અને જાતે રાંધી ખાતા પુરુષો પ્રત્યે સહાનુભૂતિ હોય છે. એકવાર એવી કોશિશ કરવામાં આવી કે 'તમન્ના' નામની એક છોકરી સાથે તેનાં લગ્ન કરાવી લેવાં. આ કામ માટે મહોલ્લામાં ખાસી ચર્ચાવિચારણા પણ થઈ હતી.

મહોલ્લાના વડીલ-વૃદ્ધોની એક ટુકડીએ બન્નેના ઘરોના આંટાફેરા પણ કર્યા. ઘણી માથાકૂટ બાદ પ્રોફેસર સાહેબને લગ્ન માટે મનાવ્યા. તમન્નાના ઘરમાં જ બન્નેની મુલાકાત કરાવવાનું નક્કી થયું. પ્રોફેસર સાહેબ પોતાની પરણેતરને જોવા ઉપડયા. 

મહોલ્લાની મહિલાઓએ તમન્નાને હોંશભેર સજાવીને એવી રૂડીરૂપાળી બનાવી હતી કે કમ-સે-કમ આ વખતે તેનું સૌંદર્ય પ્રોફેસરને વશ કરી લેશે એમ લાગતું હતું. પરંતુ કોણ જાણે કેમ પણ પ્રોફેસરે તેને જોતાંવેંત મોં ફેરવી લીધું. તેનાથી બધાં નિરાશ થઈ ગયાં. રૂમની બહાર આવીને પ્રોફેસરે સાફ ઇન્કાર કરી દીધો. તમન્ના જેવી કદરૂપી કન્યા સાથે તેમને બાંધવાની કોશિશ પ્રત્યે તેમને સખત ચીડ ઉપજી. મારી સાથે એ વિશે વાત થઈ ત્યારે મેં એમને ઝાટકી નાખ્યા:

'તમે તમારી જાતને શું સમજો છો? પચ્ચીસ વરસના યુવાન? ક્યારેય અરીસા સામે ઊભા રહીને તમારો ચહેરો જોયો છે ખરો? ખૂબસૂરતીનો સ્વાંગ રચીને ફરો છો અને સૌંદર્યના શોખ સામે કોઈને ગણકારતા જ નથી! જો તમન્ના પણ તમારી અંદર પૌરષી તેજ શોધત તો તેને શું મળત? એક સફેદ વાળવાળો જર્જર વૃદ્ધ, સુક્કોભઠ ચહેરો અને નિસ્તેજ આંખો?'

તે ચૂપચાપ બધું સાંભળતા રહ્યા એટલું જ નહિ, પણ તેઓ હોઠ ભીંસીને હસી રહ્યા હતા. તેનાથી હું વધુ આવેશમાં આવી ગયો અને મારા મનમાં જે સૂઝ્યું તે બોલી નાખ્યું. મારો રોષ ઠાલવીને હું ખામોશ થઈ ગયો પછી તેઓ મને તેમના ઘરે લઈ ગયા. મને કોફી બનાવીને પિવડાવી અને હું શાંત થયો એટલે બોલ્યા:

'જે રૂપની ઝંખનામાં મેં મારી આખી જુવાની તપસ્યામાં વિતાવી દીધી, તેની એકાદ ઝલક પણ જો તમન્નામાં દેખાઈ હોત, તો કદાચ હું તેને સ્વીકારી લેત. પણ તે એટલી બધી કુરૂપ છે કે નજર માંડીને તેને જોઈ પણ ન શકાય.'

પ્રોફેસરના ઇન્કારનો સૌથી વધુ વસવસો મહોલ્લાની સ્ત્રીઓને થયો હતો. 'આખરે આ ઘરડા ઘૂવડમાં શું બળ્યું છે? એક પગ તો કબરમાં લટકી રહ્યો છે. બસ ધક્કો મારવાની વાર છે.'

આ સ્ત્રીઓનાં વાક્યો પ્રોફેસરને મેં જ્યારે સંભળાવ્યાં ત્યારે પહેલાં તો તે ખૂબ હસ્યા પછી કહેવા લાગ્યા:

'સાહેબ, તમને ખબર છે? માણસને સૌંદર્યના મામલામાં બે વખત મોત ભરખે છે. એક શરીરનું અને બીજું આત્માનું. શરીરનું મૃત્યુ સામાન્ય ઘટના છે. એટલા માટે કે ૪૫થી ૫૦ વરસની વય સુધીમાં મોટે ભાગે આવું મોત થાય છે. પરંતુ આત્માનું અવસાન હકીકતમાં એક જટિલ સમસ્યા છે. જો આવું મોત આવી જાય, તો સમજી લેવું કે માણસ પતી ગયો. પછી તે વીસ-પચ્ચીસ કે ત્રીસ વરસનો યુવાન કેમ  હોય.'

મેં કહ્યું, 'તમે વાસ્તવમાં એક વાસનાભૂખ્યા અને હવસખોર માણસ છો અને તમારી કામુકતાનું કારણ આપી રહ્યા છો.'

'હું સોગંદપૂર્વક કહી શકું કે આવું કંઈ જ નથી. હું એવો માણસ છું જ નહિ. તમને એક નાનો પ્રસંગ સંભળાવું: એ વખતે હું એમ.એ.ના છેલ્લા વરસમાં હતો અને ઘેર પાછો ફરવા બસ-સ્ટોપ પર ઊભો ઊભો બસની રાહ જોઈ રહ્યો હતો. બીજા લોકો પણ લાઈનમાં ઊભા હતા, જેમાં એક જુવાન સ્ત્રી પણ હતી. તેનો ચહેરો તો મને યાદ નથી. પરંતુ તેણે બસમાં ચડવા જ્યારે તેના પગ ઉઠાવ્યા, તો તેની સાડી ઘૂંટણ સુધી ઊંચી ખેંચાઈ ગઈ. મારી નજર તેના પર પડતાં હું એકદમ આભો બની ગયો.  તેના પગમાં એટલી બધી સોનેરી રુંવાટી હતી જાણે સોનાના તારનું ગૂંચળું વીંટાયું હોય. હું સાવ સ્તબ્ધ નજરે તે જોતો જ રહ્યો. આ ઘટનાને ત્રીસ-પાંત્રીસ વરસ વીતી ગયાં છે, પરંતુ તેના પગ અને તેનું રૂપ મારા દિલોદિમાગમાં ઘડીભર હવસખોરીની લાગણીને બદલે એક વિચિત્ર પ્રકારની સ્તબ્ધતા પેદા કરી ગયાં.

તેમની વાત સાંભળીને મને તયું કે તે પાગલ છે. કલાકારો આમેય થોડાક 'સનકી' હોય છે. મેં એના ચહેરા સામે ધારીધારીને જોયું. તે જૂઠું નહોતો બોલતો. પરંતુ બાળક  જેવી કોમળ શ્રદ્ધા તેના ચહેરા પર ઝલકતી હતી.

એક વાર શહેરમાંથી પાછો ગામમાં આવ્યો ત્યારે એક સમાચારે મારા હોશકોશ ઉડાડી દીધા. પ્રોફેસરે કોઈક છોકરીની છેડતી કરી હતી ને આસપાસના લોકોએ તેમની મારપીટ કરી હતી.   તે સ્થાનિક જેલમાં નજરકેદ હેઠળ હતા.  હું પોલીસસ્ટેશને પહોંચ્યો તો ઇન્સ્પેકટરે મને તેમને મળવાની મંજૂરી આપી. જેવો મંભ બંધ કોટડીનો દરવાજો ખોલ્યો તો મને જોતાં જ તેમની આંખોમાં આંસુ ઉભરાયાં. મને થયું કે તેઓ હમણાં જ રડી પડશે. પરંતુ પછી તેમણે નજર નીચી કરી દીધી.

'મેં જે કંઈ સાંભળ્યું છે, એ શું સાચું છે?' મારો સવાલ સાંભળીને પહેલાં તો એ ચૂપ રહ્યા, પણ પછી ગુનો કબૂલી લીધો.

હું ગુસ્સે ભરાયો: તમને જરા પણ શરમ ન આવી? એ તમારી દીકરીસમી પણ નથી. તમે એનો હાથ પકડયો જ કેમ? તમે તો એક ભણેલાગણેલા, સભ્ય અને સમજદાર માણસ છો તો પછી આવી હરકત કરવાનો શું મતલબ છે? 'આ બધું એવું અચાનક બની ગયું કે મને ફક્ત એટલું યાદ છે કે તેના હાથ પર એવી જ સોનેરી રુંવાટી હતી, જેવી મેં ત્રીસ-પાંત્રીસ વરસ પહેલાં કોઈક સ્ત્રીના પગમાં જોઈ હતી.' 

મેં તેના ચહેરા સામે જોયું. ચહેરા પર જૂઠ, છેતરપિંડી, ગુનો કે હવસખોરીનો કોઈ અંશ વરતાતો નહોતો. કેવળ બાળક જેવી માસૂમિયત અને અચરજનો થોડોક ભાવ છલકાતાં હતાં.

'તેના હાથ પર સવારના કોમળ તડકામાં સોનાનાં તણખલાં ઝગમગી રહ્યાં હતાં. મને થયું કે લાવ આ સોનેરી હાથને જરા અડી જોઉં. પછી અનાયાસ મારો હાથ તેના હાથ પર પડયો. ત્યાર પછી જે કંઈ બન્યું એ તમે અગાઉથી જાણી ચૂક્યા છો.'

જોકે મને ખરેખર ખૂબ અફસોસ થયો.  તે પોતાની સફાઈ રજૂ કરત તોપણ તેના પર કોઈ ભરોસો ન મૂકત. છતાં મેં બહાર આવીને ઇન્સ્પેક્ટરને આખી હકીકત સમજાવી.  તેઓ શરૂઆતથી મને ખૂબ આદર-માનથી જોતા. એટલે થોડીવાર સુધી કશુંક વિચાર્યા બાદ તેમણે પ્રોફેસરને છોડી દેવાની વાત માની લીધી. પરંતુ એક શરત મૂકી કે આવતી કાલે સવારે સૂરજ ઊગે તે પહેલાં પ્રોફેસરે ગામ છોડી દેવું પડશે.

સવાર પડતાં મને રાહત થઈ કે પ્રોફેસર ખરેખર સૂર્યોદય પહેલાં ગામ છોડીને જતા રહ્યા હતા, પરંતુ સાથે સાથે આશ્ચર્યજનક સમાચાર એ પણ હતા કે તેઓ તમન્નાને પોતાની સાથે લઈ ગયા હતા!