વાર્તા : ભૂલનો અહેસાસ .

- પહેલીવાર પ્રેમ કર્યો હતો. એ વખતે એવું લાગતું હતું કે એના વગર જીવવું જ અશક્ય છે. પછી લગ્ન કોઈ બીજા સાથે થઈ ગયા. ૫ વર્ષમાં બે બાળકો થઈ ગયાં અને એમની સારસંભાળ કરતાંકરતાં સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર જ ન પડી, પણ રસપ્રદ વાત તો એ છે કે હવે તો એ જૂના પ્રેમીનો વિચાર પણ મને આવતો નથી.''
અંજુ થોડા દિવસ પહેલાં જ સીમાની એક નવી સાહેલી બની હતી જે લગભગ પહેલીવાર જ અમારા ઘરે સવારના ૧૧ વાગે આવી પહોંચી. તે અમેરિકામાં રહેતી હતી અને આજે રાતની ફ્લાઈટથી જ પાછી ફરવાની હતી.
ગોળમટોળ અંજુ વધુ પડતી વાચાળ, પણ રસપ્રદ વાતો કરનારી મહિલા હતી. પોતાના ખભા સુધી કપાયેલા વાળને તેણે સોનેરી કલર કરાવ્યો હતો. તેના હાવભાવથી તે ભારતીય ઓછી અને વિદેશી વધારે લાગતી હતી.
''સંજીવ, મારા એક સવાલનું ખોટું ના લગાડતાં, તમે બંને મારી સાથે ખૂબ જ હસીને વાતચીત કરી રહ્યા છો, પણ મેં જોયું કે તમે બંને એકબીજા સાથે ઓછું બોલો છો. આવું કેમ?'' થોડીવાર પછી જ્યારે તેણે મને અચાનક આવો પ્રશ્ન કર્યો તો હું તરત કોઈ જવાબ આપી શક્યો નહીં.
મારા મનની અકળામણ પર કાબૂ મેળવ્યા પછી મેં એના સવાલને હસતાંહસતાં ટાળવાનો પ્રયત્ન કર્યો, ''ના, એવી કોઈ વાત નથી. હકીકતમાં અમને આજે બોલવાની વધારે તક મળી જ નથી રહી.''
''મને વધારે બોલવાનો ટોણો મારી રહ્યા છો.'' અંજુના ચહેરા પર રિસાઈ જવાના નાટકીય ભાવો જોવા મળ્યા.
''અરે, નહીં.'' મેં તરત વાતને સંભાળી લીધી, ''તેં તો આજે અમારા ઘરમાં રોનક પાથરી દીધી છે. શું હું કંઈ ખોટું કહું છું, બાળકો?''
''ના, પપ્પા.'' મારા દીકરા સુમિતે હસીને મારી વાતને સમર્થન આપ્યું.
''અંજુ આન્ટી, તમે સાચે જ ખૂબ ઝિંદાદિલ અને મનપસંદ વ્યક્તિ છો.'' મારી દીકરી નેહાએ તેની પ્રશંસા કરી.
''નેહા એકદમ સાચું કહી રહી છે, અંજુ. તારા આવવાથી આજે આ લોકો જેટલું હસી રહ્યા છે, એટલું તો આખા અઠવાડિયામાં પણ હસતા નથી.'' જોકે આ વાત સીમાએ આમ તો મજાકમાં કરી હતી, પરંતુ એની આંખના ફરિયાદના ભાવને મેં સ્પષ્ટ વાંચી લીધા.
''સંજીવ, એક વાત સાચેસાચી જણાવીશ?''
''પૂછો.''
''મારો અનુભવ છે કે ઘરમાં વધારે હસતાંબોલતાં ન હોય એવા સ્માર્ટ પતિઓનું બહાર કોઈ બીજી સ્ત્રી સાથે ચક્કર ચાલતું હોય છે. ક્યાંક એવું તો નથી ને કે તું પણ કોઈકની સાથે પ્રણયફાગ ખેલી રહ્યો હોય?''
''આ પ્રકારની સીધી હસી-મજાક અમારા ઘરમાં થતી નથી.'' સુમિત તેની નાની બહેન નેહાની સામે જોઈને ધીમેથી હસ્યો અને હું છોભીલો પડી ગયો.
''સાહેલી, પ્રેમ કરવાનો ક્વોટા તો એમણે લગ્ન પહેલાં જ પૂરો કરી નાખ્યો છે. એમની પ્રેમિકા તેમના પ્રેમને ઠોકર મારીને બીજાની થઈ ગઈ હતી. મહાશયના દિલ પર પડેલો ઘા આજે પણ તાજો છે.'' સીમાને મારી ઉડાડવાની તક મળી એટલે તેં છોડી નહીં.
''મેં સાંભળ્યું છે કે તું ભરેલાં રીંગણા ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે.'' અંજુએ વાતનો વિષય બદલી નાખ્યો.
''આ માહિતી તને કોણે આપી?'' મને અંજુની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે મારી આ આવડત વિશે તો સીમાને પણ ખબર નહોતી.
''શું હું ખોટું કહું છું?''
''ના, પણ તને આ વાતની કેવી રીતે ખબર પડી, એ તો તારે કહેવું જ પડશે.''
''હું સિદ્ધહસ્ત જ્યોતિષી છું. હું હાથની અને મસ્તકની રેખાઓ જોઈને બધું જ જાણી શકું છું. બચ્ચા.'' અંજુએ કાલ્પનિક મૂછોને વળ આપવાનો સરસ અભિનય કર્યો અને આ વખતે હું પણ બધાની સાથે મન મૂકીને હસી પડયો.
''આન્ટી, પહેલાં મારો હાથ જુઓ.'' સુમિતે કહ્યું.
''બેટા! તારી રેખાઓ પ્રમાણે તો તું મને આકાશમાં ઊડતો દેખાઈ રહ્યો છે.''
''તમે એકદમ સાચી વાત કહી. આ પાગલ આમ પણ જમીન પર ક્યાં ચાલે જ છે. જ્યારે જુઓ ત્યારે કોઈ વાતની અકડાઈમાં ફુલાઈને હવામાં ઊડતો જ જોવા મળે છે.'' નેહાએ એના ભાઈની મશ્કરી કરી.
''હું પાઈલટ બનવા માંગુ છું. શું મારી આ ઈચ્છા પૂરી થશે?''
''જરૂર પૂરી થશે.''
''હવે મારો વારો છે.'' નેહાએ જીભ બહાર કાઢીને તેના ભાઈને પાછળ ધકેલ્યો અને પોતાની હથેળી અંજુની સામે મૂકી.
''ગુડિયા, તું એક ખૂબ જ સફળ ડોક્ટર બનીશ.'' અંજુની આ ભવિષ્યવાણી સાંભળીને નેહાનો ચહેરો ફૂલની જેમ ખીલી ઊઠયો.
''આન્ટી, સાચે જ?''
''મારું કહેલું ખોટું ન પડી શકે, બાલિકા. તું બસ મહેનત કરવાનું બંધ કરતી નહીં.''
''થેન્ક યૂ આન્ટી. પ્લીઝ, હવે તમે મમ્મી અને પપ્પાનો હાથ પણ જુઓ.''
''પહેલા તારા પપ્પાને ભરેલાં રીંગણ બનાવવા માટે રસોડામાં લઈ જવામાં આવે.''
''જો તું એમને રસોડામાં લઈ આવીશ, તો તું સાચે જ આજે કમાલ થઈ જશે. જે કામ હું ૨૦ વર્ષમાં નથી કરી શકી, તે તું એક દિવસમાં કરી બતાવીશ.'' સીમા ફરી મારી મશ્કરી કરવાનું ન ચૂકી.
''તને ખરેખર નથી ખબર કે સંજીવ ભરેલા રીંગણનું શાક ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે ?''
''સાહેલી, તેઓ મને એના દિલની વાત કરે છે જ ક્યાં.'' સીમાએ નિરાશ થઈ જવાબ આપ્યો.
''મારી ફરિયાદ ન કર. નહીંતર તારી સાહેલી મારી પાછળ હાથ ધોઈને પડી જશે.'' વાતાવરણ ગંભીર થાય તે પહેલાં જ મેં મજાકના લહેકામાં જવાબ આપ્યો.
આગળ કંઈ બોલીએ તે પહેલાં જ અંજુએ સુમિત અને નેહાને પૈસા આપીને તેમનો મનપસંદ આઈસક્રીમ લઈ આવવા માટે બહાર મોકલી દીધા.
એમના બહાર જતાંની સાથે જ તોફાની હાસ્ય પોતાના હોઠ પર લાવતા તેણે કહ્યું,
''ચિંતા ન કરો, સંજીવ. હવે મારી ઉંમર કોઈની પાછળ પડવાની નથી રહી. હા, પણ મારી સાહેલી સાથે લગ્ન કર્યા પહેલાં તું મને મળ્યો હોત, તો અલગ વાત હતી.''
''એમનું દિલ તો એ વખતે પણ કોઇ બીજીએ જીતેલું હતું. જો એ આમનાથી દૂર ન ગઈ હોત તો ન તારો નંબર લાગત, ન મારો.'' સીમા મારી મજાક ઉડાવવાની કોઈ તક જતી કરતી નહોતી.
''સંજીવ, સીમા કઈ ચુડેલની વાત કરી રહી છે?''
અંજુ, જરા સંભાળીને બોલ, નહીં તો એ નારાજ થઈને તને ગમે તેવું બોલી દેશે.'' સીમાએ તરત જ એને નાટકીય અંદાજમાં ચેતવણી આપી.
''સંજીવ, શું તું એને ખૂબ પ્રેમ કરતો હતો? હજી પણ એની ખૂબ યાદ આવે છે? અંજુએ ચટચટ અવાજ કરતા પૂછયું.
''તે ખૂબ જ ખાસ હતી, એટલે યાદ તો આવશે જ.'' નારાજ થવાના બદલે હું પણ બંને સાહેલીઓની સાથે હસી-મજાકના મૂડમાં વાતો કરવા લાગ્યો.
''શું તે ખૂબ સુંદર હતી?''
કુદરતે એને ખૂબ જ નવરાશના સમયમાં બનાવી હતી.''
''શું એ તારો પહેલો પ્રેમ હતો?''
''પહેલો પણ અને છેલ્લો પણ. એટલે જ તો હું આજદિન સુધી એના પ્રેમ માટે તરસું છું.'' હું કોઈ જવાબ આપું તે પહેલાં જ સીમા મોં બગાડીને વચ્ચે બોલી પડી હતી.
અંજુએ નાટકીય ઢબે ઊંડો શ્વાસ છોડયો અને પછી બોલી, સાહેલી, તું સંજીવથી નારાજ ન થતી, કારણ કે પહેલા પ્રેમની વાત જ કંઈક અલગ હોય છે. મેં પણ કોઈકને
પહેલીવાર પ્રેમ કર્યો હતો. એ વખતે એવું લાગતું હતું કે એના વગર જીવવું જ અશક્ય છે. પછી લગ્ન કોઈ બીજા સાથે થઈ ગયા. ૫ વર્ષમાં બે બાળકો થઈ ગયાં અને એમની સારસંભાળ કરતાંકરતાં સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર જ ન પડી, પણ રસપ્રદ વાત તો એ છે કે હવે તો એ જૂના પ્રેમીનો વિચાર પણ મને આવતો નથી.''
''આવી વ્યક્તિ સાથે કોઈ બીજાનાં લગ્ન થાય તો એના માટે કેટલું પીડાદાયક બની શકે છે, તે ફક્ત હું જ જાણું છું.'' પોતાના દિલના દર્દને હસતાંહસતાં વ્યક્ત કરીને સીમા રસોડામાં જતી હતી તો અંજુએ એનો હાથ પકડીને રોકી લીધી.
અંજુએ સીમાને કહ્યું, ''લાવ, તારો હાથ જોઈને કહું કે તારા જીવનમાં પ્રેમ ક્યારે પાછો ફરશે.''
''આ ભવિષ્યવાણી કરવા માટે તું મારો નહીં, પણ એમનો હાથ જો. મારી બધી ખુશીઓ તો એમની સાથે જ જોડાયેલી છે.'' સીમાની આંખમાં હું મારા માટેના પ્રેમની ઊંડી લાગણીઓને સ્પષ્ટ રીતે વાંચી શકતો હતો.
''સારું, તો હું સંજીવનો હાથ જોઉં છું.'' અને એણે મને કંઈપણ કહેવાની તક આપ્યા વિના મારો હાથ પકડીને રેખાઓ જોવાનું શરૂ કરી દીધું.
થોડીવાર પછી અંજુ ખુશ થતાં બોલવા લાગી, ''અરે વાહ, કેટલો સરસ હાથ છે. સંજીવ, તારા જીવનમાં દરેક પ્રકારનું સુખ છે. સ્વાસ્થ્ય સારું છે... પૈસો પણ છે... મકાન અને સંતાનનું પણ સુખ છે.''
''પત્ની સુખ સિવાય બધાં જ સુખ એમના જીવનમાં છે. જો એમનાં લગ્ન તેમની પહેલી પ્રેમિકા સાથે થઈ ગયા હોત તો...''
''ના, હું તારી સાથે ખુશ છું, સીમા.'' જવાબ આપતી વખતે મેં પોતે જ મારા અવાજની કમજોરી અનુભવી હતી.
''બસ, રહેવા દો હવે.'' સીમાએ હાથ ઊંચો કરીને મને વધુ બોલતો અટકાવી દીધો અને તેની સાહેલી આગળ મારી ફરિયાદ કરવા લાગી, ''અંજુ, એ ન મળી એટલે આમના જીવવાનો ઉત્સાહ જ મરી ગયો. હું ક્યારેય એમના મનમાં સ્થાન નથી મેળવી શકી. એ મારી સાથે ખુશ નથી. તું મને કોઈ એવો ઉપાય જણાવ કે તે એને ભૂલીને મારા જ બની રહે.''
''એ વળી મારા માટે ક્યાં મુશ્કેલ કામ છે. લાવ, દેખાડ તારો હાથ.'' મારો હાથ છોડી દઈ અંજુએ સીમાનો હાથ પકડી લીધો.
એનો હાથ જોવાની શરૂઆત કરતાં જ અંજુ ચોંકી ગઈ, પછી કહ્યું, ''તારી આયુષ્ય રેખા તો...''
''બોલ ને... બોલતાંબોલતાં અટકી કેમ ગઈ?'' સીમા એકદમ ટેન્શનમાં આવી ગઈ.
''છોડને, હું તો અમસ્તી જ બોલ્યા કરું છું.'' અંજુએ જવાબ ટાળવાનો પ્રયત્ન કર્યો.
''જે પણ વાત હોય, સાચેસાચું કહે.'' સીમા એની પાછળ પડી ગઈ અને મારા મનમાં પણ કંઈક અનિષ્ટ થવાની શંકા ઊભી થવા લાગી.
''જો, તું વધારે ચિંતા ન કર. તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખ... એકવાર ૪૫ વર્ષની ઉંમર પસાર કરી લઈશ પછી તારું આયુષ્ય ખૂબ લાંબું છે.'' અંજુ હવે ગંભીર લાગતી હતી.
સીમા પોકળ હસતાં બોલી, ''મૃત્યુ વહેલું આવી જાય તોપણ કોઈ ચિંતા નથી, કારણ કે હું સૌભાગ્યવંતી જ મરીશ ને.''
''સીમા, આવી નકામી વાતો પર વિશ્વાસ ન કરવાનો હોય.'' હું અંજુ પર વધારે નારાજ થયો હતો, ''અને અંજુ, તારે પણ આવી ખોટી વાતો કોઈના મનમાં ભરાવવી ન જોઈએ.''
અંજુએ એકાએક ગંભીર અવાજમાં મને કહેવાનું શરૂ કર્યું, ''હું તારા મનની વ્યાકુળતા અને ગુસ્સાને સમજી શકું છું સંજીવ, પણ મૃત્યુ તો એકને એક દિવસ દરેક સંબંધને તોડશે જ. તમારા બેમાંથી કોઈ એક તો દુનિયામાંથી પહેલા વિદાય લેશે. વ્યક્તિએ સમયની સાથે દરેક સંબંધને ઊંડાણપૂર્વક જીવી લેવો જોઈએ એમાં જ સાચી સમજદારી છે.''
''આપણા સૌનાં બાળકો મોટાં થઈને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જશે. સીમાના મનની વેદનાને સમજો. એના માટે તારાથી વધારે નજીક બીજું કોઈ હોઈ ન શકે.
જો આજે તે દુનિયા છોડીને અચાનક જતી રહે તો તને ખૂબ પસ્તાવો થશે કે તારે એની સેવાઓની કદર કરવી જોઈતી'તી... એની ખુશીઓનું વધારે ઘ્યાન રાખવાનું હતું... એના સુખદુથખનો સાથી બનવાનું હતું... આવી યાદ તને એ વખતે રડાવશે કે નહીં? પરંતુ પાછળથી પસ્તાવો કરવાથી શો ફાયદો થશે? આજનો આ દિવસ, આ પળ જ સત્ય છે. મારી તને સલાહ છે કે તું ભૂતકાળના અધૂરા અને છૂટા પડી ગયેલા પ્રેમની યાદમાં વર્તમાનના આનંદને ઓછો કે બરબાદ ના કર. સીમાના મનમાં જે દર્દ છે એને દૂર કર કે મારા મનની રાણી તો તું જ છો, બીજી કોઈ નથી.''
અંજુની વાતો સાંભળી મને મોટો આઘાત લાગ્યો. મારા મનમાં ચાલી રહેલું તોફાન જ્યારે શાંત પડયું તો મેં અંજુને સવાલ પૂછયો, ''સાચું કહેજે શું આનું આયુષ્ય ખરેખર ઓછું છે?''
''સાહેલી, જો તું 'હા' કહી દઈશ તો જોજે એમનો ચહેરો ખુશીના કારણે કેવો ખીલી ઊઠશે.'' સીમાએ ફરીથી મશ્કરી કરવાનો પ્રયત્ન કર્યો, પણ આ વખતે મને ખૂબ ગુસ્સો આવી ગયો.
''શટઅપ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે જો મને વધારે શરમમાં મૂકવાનો પ્રયત્ન કરીશ તો મારા જેટલું ખરાબ કોઈ નહીં હોય.''
એને ઊંચા અવાજે ધમકાવ્યા પછી હું ઘરમાં ન રોકાયો અને મનને શાંત કરવા માટે બહાર આંટો મારવા નીકળી ગયો.
થોડીવાર પછી બગીચાના એકાંતમાં બેસીને મેં મારા અને સીમાના સંબંધ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું.
અંજુએ પોતાની વાતોથી મને ખૂબ ખરાબ ઝાટકો આપ્યો હતો. મેં સાચે જ સીમાની સાચી કિંમત સમજી નહોતી, હું મારી પહેલી પ્રેમિકા અનુરાધાને આજદિન સુધી ભૂલી શક્યો નહોતો. મને હંમેશાં એક અહેસાસ સતાવતો હતો કે જો એ મળી હોત તો મારા જીવનમાં અમર્યાદ આનંદ હોત. એક અજીબ પ્રકારની અપૂર્ણતા મારા મનને અશાંત બનાવતી હતી. મનમાં જે એક ચસક બની રહેતી જે સીમા પ્રત્યેના મારા પ્રેમના મૂળને કદાપિ મજબૂત બનવા દેતી નહોતી.
મેં સીમા સાથે ખૂબ ખરાબ વર્તન કરી એનું મન ખૂબ દૂભવ્યું છે, આ અહેસાસે મને ખૂબ અફસોસ અને અપરાધભાવનો ભોગ બનાવી દીધો હતો. 'આજે સીમાની માફી માંગીશ અને અંજુનો મારી આંખો ઉઘાડવા બદલ દિલથી આભાર માનીશ.' આવો નિર્ણય કરીને જ્યારે હું લગભગ ૨ કલાક પછી ઘરે પહોંચ્યો તો જોયું કે અંજુ વિદાય લઈને જતી રહી હતી.
મને જોતાંની સાથે જ ચિંતિત દેખાતી સીમા મને ભેટીને ગભરાતીગભરાતી કહે, ''આવી રીતે કશુંય કહ્યા વિના કોઈ જતું રહે ખરું? તમારો મોબાઈલ કેમ સાથે નહોતા લઈ ગયા?'' મેં એના કપાળે પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું, ''અંજુને ન મળી શક્યો, એનું મને ખૂબ દુ:ખ છે. એના ઘરે મળવા જઈશું?''
''એણે મને એની ઈચ્છા જણાવતાં કહ્યું છે કે એ હવે તમને જિંદગીમાં ક્યારેય નહીં મળે.'' સીમાના ચહેરા પર એક અલગ જ પ્રકારનું હાસ્ય જોઈ હું મૂંઝવણમાં મુકાઈ ગયો.
''જીવનમાં મને ક્યારેય ન મળવાનું એણે શું કારણ જણાવ્યું છે?'' મેં મગજ પર થોડો ભાર મૂકીને સવાલ કર્યો.
''અનુમાંથી એણે એનું નામ બદલી 'અંજુ' કર્યું તો તમે એને ઓળખી જ ન શક્યા, આ વાતથી તમારી અનુરાધાનું દિલ તૂટી ગયું છે જનાબ.'' સીમા ખડખડાટ હસી પડી હતી.
''અનુરાધા.'' તે અનુરાધા હતી? હું ચોંકી ગયો.
''હા, એ અનુરાધા હતી, જેની તસવીર આજે પણ તમે તમારા હૃદયમાં રાખીને ફરો છો. તમારે તો એને સરળતાથી ઓળખી લેવી જોઈતી હતી.''
''પણ... એ તો એકદમ અનુરાધા જેવી લાગતી જ નહોતી.''
''એણે સંદેશો આપ્યો છે કે ૨૦ વર્ષમાં તેના રંગરૂપ અને સાથે જ મન પણ બદલાઈ ગયું છે. જૂના પ્રેમની યાદો ખૂબ ધૂંધળી થઈ ગઈ છે. એના જીવનમાં આજે તમારું કોઈ જ સ્થાન નથી. એણે તમને પણ સલાહ આપી છે કે એની યાદોને વધારે મહત્ત્વ આપ્યા વિના તમે તમારી ઘરગૃહસ્થીમાં સંપૂર્ણ રીતે ખુશ રહો... એનો અર્થ એ કે હવે તમારા મનમાંથી એની છબીને દૂર કરી મારી છબી લગાવી દો.'' મારી પરેશાની જોઈને સીમા ખૂબ ખુશ દેખાતી હતી.
''આ નિર્ણય તો અંજુની સાચી હકીકત જાણ્યા વિના જ મેં કરી લીધો છે, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે તને ક્યારેય મારાથી ફરિયાદ નહી રહે.'' મેં પ્રેમથી એના ગાલ પર ચુંબન ચોડયું તો એનો ચહેરો ફૂલની જેમ ખીલી ઊઠયો.
અંજુનું હસ્તરેખા જોવાનું નાટક હવે મને સમજાઈ ગયું હતું, પરંતુ આ ખોટા નાટકની પાછળ છુપાયેલા 'સત્ય' એ સાચે જ મારા જીવનના ખૂબ જ સુંદર પાનાને ખોલીને મારી સામે મૂકી દીધા હતા.








