Get The App

વાર્તા : ગેરસમજ .

Updated: Jan 10th, 2022

GS TEAM

Google News
Google News
વાર્તા : ગેરસમજ                                           . 1 - image


- 'તમારી ઓફિસની એક છોકરી અંજલિ મારા પતિ રાજન પર  ફિદા થઈ છે. આજે તેઓ બંને પેરેડાઇઝ સિનેમામાં 'લવસ્ટોરી' ફિલ્મ જોવા જવાના છે. તમે કશું કરો, નહીં તો હું કશું કરી બેસીશ. મારા કહેવાનો મતલબ છે કે હું ધરણાં કરીશ, અનશન પર ઊતરીશ, ભૂખ હડતાળ કરીશ.' પૂજા લગાતાર ફોન પર બોલ્યે જતી હતી.

ભોલો મૂંગો ઊભો હતો, એક ગુનેગારની જેમ. પૂજાએ તેને ગુસ્સામાં પૂછ્યું, 'તેં આજે ફરી ભૂલ કરીને જે રોજ કરે છે? ન જાણે ક્યારે સુધરશે? 

'પરંતુ...' ભોલો કશુંક કહેવા ગયો.

'ચૂપ રહે. હું બધું જાણું છું. તું પેલા દૂધવાળા સાથે મળેલો છે. તારી નજર સામે તેણે દૂધમાં પાણી નાખ્યું અને તું ચૂપચાપ ઊભો રહી જોતો રહ્યો. પૂજાએ ફરી તેને ધમકાવ્યો.

'પરંતુ આજે હું દૂધ લેવા ગયો જ નથી. આજે તો દૂધવાળો જાતે ઘરે આવી દૂધ આપી ગયો છે. તમે નકામો મારા પર ગુસ્સો કરો છો.'

ભોલાએ નિર્દોષ બની જવાબ આપ્યો.

'જીભ ન ચલાવ અને કામ કર.' પૂજા પોતાની ભૂલને છાવરવા મનમાં બબડતી રસોડા તરફ ચાલી ગઈ.

રસોડામાં નોકરાણી પોતાનું કામ તન્મયતાથી કરી રહી હતી. પૂજાએ એક  નજર તેના પર નાખી પછી આંખ ચડાવીને બોલી, 'કાલે તું બધાના ઘરે આવી હતી, મારા ઘર સિવાય. હું પૂછી શકું છું કે આવું શા માટે?'

'ના, મેમસાહેબ, કાલે તો હું બીમાર હતી. કોઈને ઘરે ગઈ નહોતી.' નોકરાણીએ ગભરાઈને જવાબ આપ્યો.

'ખોટું ના બોલ, નારંગી, હું જાણું છું. તેં ગઈ કાલે સરદારજીને ઘરે કામ કર્યું હતું અને બંગાળી બાબાના ઘરની સાફસૂફી કરી હતી. તો મારા ઘરે ન આવવાનું શું કારણ હતું?' પૂજાનો ગુસ્સો વધી ગયો હતો.

નારંગી કશો બચાવ કરવા ઉચ્છતી હતી. પરંતુ મૂંગી રહી.

નાસ્તાના ટેબલ પર રાજને પૂજાને સમજાવવા પ્રયાસ કર્યો, 'જો પૂજા, તું તારા મગજમાં એક વાત લઈને બેસે છે પછી તેને સાચી માની દલીલ કરવાનું શરૂ કરે છે. ભોલો દૂધમાં પાણી ભેળવીને લાવે છે, નારંગી જાણી જોઈને રજા પાડે છે વગેરે. આ તો બધી રોજની વાતો છે. તારે સકારાત્મક રીતભાત અપનાવવી જોઈએ. પોઝિટિવ વિચારે તો સારું.'

'કહી રહ્યા?' પૂજા રાજનને ચૂપ કરતાં બોલી, 'સાંજના સમયસર આવી જઈશ કે પછી તારી સેક્રેટરી સાથે મજા કરીને આવીશ? રાહુલનો જન્મદિવસ આવી રહ્યો છે. તેને માટે કશી ભેટ ખરીદવા બજારે જવાનું છે. યાદ રહે તો આવજે.'

પણ ક્યાં છે તારો લાડકો દિયર. ન તો કશી જવાબદારી સમજે છે, ન જીવન વિશે ગંભીરતાપૂર્વક વિચારે છે. ન જાણે એનું શું થશે!' રાજને કહ્યું.

'વધુ બોલવાની જરૂર નથી. આખો દિવસ મહેનત કરે છે. જોજે જીવનમાં તે કેવી સફળતા મેળવે છે. એના એક એક કામ પર મારી નજર છે. તેની રગેરગ જાણું છું. તેને સફળતા મળશે તેમાં જરા સરખી શંકા નથી.' પૂજાએ પોતાના પતિની વાત પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું.

'પૂજા, મને વિચાર આવે છે કે રાહુલ કોઈ છોકરીનાં ચક્કરમાં પોતાનો સમય તો ખરાબ નહીં કરતો હોય ને?' રાજને સવાલ કર્યો.

'બિલકુલ નહીં, મેં કહ્યું ને. રાહુલનું કોઈ કામ મારાથી છૂપું નથી. તેની હરકતમાં પ્રેમની ક્યાંય સુગંધ નથી આવતી. અરે, કોઈ છોકરીને મળે છે તો તરત મને જાણ થઈ જાય છે. મને પૂર્વાભાસ થઈ જાય છે.' પૂજાએ વિશ્વાસ સાથે કહ્યું.

'હા, કેમ ન થાય, તમારા દાદાજીના દાદાજી આ દેશના સૌપ્રથમ ભારતીય હતા જેમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તમે પણ તો એટલા જ મહાન માનવીના વંશજ છો.' એ રાહુલ હતો, જે તૈયાર થઈ નાસ્તો કરવા આવી ગયો હતો.

'એમાં કોઈ શક નથી. એટલે તો મારી ગણતરી, મારી કલ્પના ક્યારેય ખોટી નથી હોતી?' પૂજા બેફિકરાઈથી બોલી. પછી રાહુલ તરફ નજર કરી કહે, 'તું મને કોમ્પિલમેન્ટ્સ આપે છે કે મારી ઉડાવે છે?'

'ના ભાભી, મારે એવી જરૂર ક્યાં છે? આજ સુધી તમારી કલ્પનાનું તીર ભલા ક્યારેય ખાલી ગયું છે? અહીં બેઠાં બેઠાં તમને બધી જ ખબર પડે છે. ત્યાં સુધી કે ભાઈ સાંજે ઓફિસ છૂટયા પછી...' રાહુલ બોલ્યો.

રાજને વચ્ચે બૂમ મારી, 'શા માટે મારો દિવસ બગાડી રહ્યો છે? એ ના ભૂલતો કે તારી બધી પોલ ખુલ્લી પાડી શકું છું.' રાજને રાહુલને ઝાટકતાં કહ્યું.

'પોલ તો રાહુલ તારી ખુલ્લી કરે છે. એટલે તો તું તેને જોતાં જ ચમકે છે.' પૂજા ડાઇનિંગ ટેબલ પરથી ચીજવસ્તુ ઉઠાવતાં બોલી.

'જો અંજલિ, તું ભાઈની સેક્રેટરી છે. ભાભી એવું વિચારે છે કે ઓફિસમાં બોસ અને સેક્રેટરી દિવસ આખો કામ નથી કરતાં, ગપ્પાં મારતા રહે છે અને ક્યારેક આ ગપ્પાં ગરબડમાં બદલાઈ જાય છે.' રાહુલે અંજલિને છેડતાં કહ્યું.

'તારી ભાભી...' અંજલિ કશું કહેવા ઇચ્છતી હતી.

'ભાભી મનની ઘણી સારી છે. મને પ્રેમથી તેણે ઉછેર્યો છે. બસ, તેને શંકાની બીમારી છે. જેનાથી તે તરત સાચું માની લે છે. તે વિચારે છે કે તે બહુ બુદ્ધિશાળી છે અને તેની પારખું નજરથી કશું છુપાતું નથી. તેની આ ટેવ અમારા માટે ઘણી મોટી મુસીબત બની ગઈ છે.' રાહુલે અંજલિને સમજાવ્યું.

'છેલ્લાં બે વર્ષથી આપણું ચક્કર ચાલે છે અને તેને જાણ સુદ્ધા થઈ નથી. આટલી પારખું નજર છે તેની?' અંજલિએ કટાક્ષ કર્યો, 'તો હવે આપણાં લગ્નનું શું થશે. તારી ભાભી તો હા કહેવાની નથી. તેની રજા વિના તું લગ્ન કરવાનો નથી.' અંજલિએ કહ્યું.

'હું... હું... કોઈ એવું ચક્કર ચલાવીશ કે ભાભી તરત હા કહેશે અને સાથે આપણને પણ મુસીબતમાંથી છુટકારો મળી જશે. ભાભીનું દિલ મીણનું બનેલું છે. તારી થોડી સરખી એક્ટિંગ તેને પીગળાવી શકે છે. હું તને બધી યોજના સમજાવું છું.' રાહુલે અંજલિને સમજાવતાં કહ્યું.

'શું નકામી વાતો કરે છે. મને તો કશું સમજાતું નથી. સ્પષ્ટ વાત કર.' પૂજા મૂંઝાતા બોલી.

'મારી તો જીભ ઊપડતી નથી. ભાભી. મારા ભાઈની સેક્રેટરી, શું નામ છે તેનું?' રાહુલે પૂછ્યું.

'અંજલિ.' પૂજાએ તરત વાત પૂરી કરી.

'જોવામાં અંજલિ કેવી છે? મારો કહેવાનો આશય એ છે કે તે ઘણી સુંદર છે શું?' રાહુલે નિર્દોષતાથી ભાભીને સવાલ કર્યો.

'બસ, ઠીક છે. મારાથી તો ઊતરતી જ છે, એકવાર મળી હતી મને, એ પણ એક પાર્ટીમાં.' પૂજાએ આગળ કહ્યું.

'એ તો બિલકુલ ઉતરતી છે, પરંતુ ભાઈ તેમની સાથે લવસ્ટોરી ફિલ્મ જોવા શા માટે જઈ રહ્યા છે?' રાહુલે ભાભીની દુખતી નસ દબાવી.

'શું?' પૂજા લગભગ ચીસભર્યાં અવાજે બોલી, 'શું કહે છે તું?'

'પેરેડાઇઝ સિનેમામાં આજે સાંજે બંને...' રાહુલે સમજીવિચારીને પોતાની વાત અધૂરી છોડી. 

'એવું બને જ નહીં, ક્યારે પણ નહીં,' પૂજા ચીસ પાડી ઊઠી. 'સમજાતું નથી કે ભાઈ તેની પાછળ છે કે પછી તે ભાઈની પાછળ પડી છે.' રાહુલે ભાભીને ફરી ભડકાવી.

'તું કશું સમજ્યા વિના લગાતાર બોલતો જ જાય છે.' પૂજાના ગુસ્સાનો પારો ઊંચો જતો હતો. લાગતું હતું આજે ન જાણે તે શું નું શું કરી બેસશે, પરંતુ અચાનક આથમતા સૂરજના જેવું મોં બનાવતાં બોલી, 'હું શું કરું રાહુલ? મને તો કહી ગયા હતા કે રાત્રે કોઈ સેમિનાર છે, એટલે મોડા આવશે.'

'સેમિનાર, ડેલિગેશન, મીટિંગ આ ત્રણ શબ્દો જ્યારે કોઈ પતિ કહે અને સાથે ઘરે મોડા આવવાની વાત કરે ત્યારે દરેક પત્નીએ સમજી લેવું જોઈએ કે પતિ હાથમાંથી સરકતો જાય છે.' રાહુલે વાતને આગળ વધારતાં કહ્યું.

'એક ઉપાય છે, ભાભી. ભાઈ અને અંજલિ બંને કંપનીના કર્મચારી છે. શા માટે તમે કંપનીના માલિક પાસે અંજલિની ફરિયાદ નથી કરતા? એવી ચેતવણી મળશે કે જીવનભર કોઈની સાથે ફિલ્મ જોવા જશે નહીં. સિવાય મારી...' રાહુલે ભારપૂર્વક કહ્યું, 'મારાનો અર્થ થાય છે સિવાય પોતાનો પતિ.'

'તું બરાબર કહે છે, હું તેની ફરિયાદ કરું છું, આજે જ...' પૂજા બોલી.

'આજે નહીં ભાભી હમણાં, અત્યારે...' રાહુલે ફોન જોડી પૂજાને પકડાવી કહ્યું. પૂજાએ ગુસ્સામાં વાત શરૂ કરી. બીજી તરફ પટાવાળો ધનજી બોલતો હતો. જેને રાહુલે શું સંવાદ બોલવા તે ગોખાવી રાખ્યું હતું.

'તમારી ઓફિસની એક છોકરી અંજલિ મારા પતિ રાજન પર  ફિદા થઈ છે. આજે તેઓ બંને પેરેડાઇઝ સિનેમામાં 'લવસ્ટોરી' ફિલ્મ જોવા જવાના છે. તમે કશું કરો, નહીં તો હું કશું કરી બેસીશ. મારા કહેવાનો મતલબ છે કે હું ધરણાં કરીશ, અનશન પર ઊતરીશ, ભૂખ હડતાળ કરીશ.' પૂજા લગાતાર ફોન પર બોલ્યે જતી હતી.

'તમે ચિંતા ન કરો. મેમસાહેબ, કહેવાનો અર્થ છે પૂજા મેડમ, આ ફિલ્મ તો પેરેડાઇઝમાંથી ઘણા વખત પહેલાં ઉતરી ગઈ છે એટલે તેઓ જોઈ શકશે નહીં.' ધનજીએ જવાબ આપ્યો.

પૂજાને શું કહેવું તે સૂઝ્યું નહીં. રિસિવર હાથમાં રાખી તેણે રાહુલને કહ્યું, 'કહે છે કે એ ફિલ્મ તો ઉતરી ગઈ છે. તારા સામાચાર ખોટા છે.'

રાહુલે ઇશારાથી સમજાવ્યું કે, 'જે ફિલ્મ ચાલે છે તે જોવા જવાના છે. તેમને ફિલ્મ સાથે વળી શી લેવાદેવા? ગમે તે ચાલતી હોય.'

પૂજાએ બધી વાત ફોન પર ફરી કરી. ધનજી પટાવાળાએ ખોટો ગુસ્સો કરી કહ્યું, 'તો આમ વાત છે. તમે ચિંતા ન કરો, મેડમ, મારો મતલબ પૂજાજી. હું આજે જ બંનેને... શું કહે છે.' ધનજી માથું, ખંજવાળતાં બોલ્યો, પછી અચાનક યાદ આવ્યું હોય તેમ બોલ્યો, 'ડિસમિસ, ડિસમિસ કરી કાઢીશ. હમણાં જ અત્યારે જ. સાંજની ચા લઈને જઈશ ત્યારે ડિસમિસ કરી કાઢીશ.'

પૂજા આનંદમાં આવી બોલી, 'હવે ઊંટ આવ્યો  પહાડ નીચે, પરંતુ કંપનીનો માલિક મને પાગલ જેવો લાગે છે.'

'તમે સાચું કહો છો ભાભી. મને પણ બધા પાગલ જ લાગે છે. ભાઈ અંજલિ પાછળ પાગલ, અંજલિ ભાઈ પાછળ પાગલ.' રાહુલે ફિલોસોફરની અદાથી કહ્યું અને તરત ત્યાંથી ખસી ગયો.

રાત્રે રાજન ઓફિસથી ઘરે આવી સોફામાં આંખ બંધ કરીને બેઠો ત્યારે જાણે ઊંડી ચિંતામાં ડૂબી ગયો હોય એવું લાગ્યું. પૂજા સમજી ગઈ કે તેની ફરિયાદે સારી એવી અસર કરી છે.

'શું થયું? કેમ ગંભીર લાગો છો?' પૂજાએ રાજનને પૂછ્યું.

'વાત જ કંઈ એવી છે. મારી સેક્રેટરી અંજલિએ આત્મહત્યા...' રાજને વાતને અધૂરી છોડી.

'શું?' પૂજા અવાક બનીને બોલી.

'આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાનું નક્કી હતું, પરંતુ લાગે છે બચી પણ જશે. ન જાણે કોણે કંપનીના ડાયરેક્ટર પાસે ફરિયાદ કરી. તેનું નામ જોડવામાં આવ્યું એવી વ્યક્તિ સાથે કે જેનો તે એટલો આદર કરતી હતી એમની સાથે. મને આવા વિચાર માત્રથી ઘૃણા થાય છે.' રાજન બોલ્યો.

'પરંતુ તું પણ તો એની સાથે...' પૂજા કશું કહેવા માગતી હતી.

'માત્ર વાતચીત કરતો હતો. જેમ એક મિત્ર બીજા મિત્ર સાથે કરે એ રીતે. તેના મનમાં મારા પ્રત્યે આદર હતો, શ્રદ્ધા હતી. મારા મનમાં તેના તરફ સ્નેહ હતો. એવો સ્નેહ કે કાલે રાહુલની પત્ની તરફ મારા મનમાં હશે, પરંતુ લોકોની ગંદી નજર.. ખેર, છોડો. તારે એ વાત સાથે શું? એ તો તારી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. હવે આંખમાંથી નીકળી જતાં તને બધુ સાફ દેખાશે, બિલકુલ સાફ...' રાજને તીર માર્યું.

બીજા દિવસે પૂજાનો દિવસ આત્મમંથનમાં પસાર થયો. રાહુલને પણ આજે જ બીકાનેર જવાનું હતું. રહી રહીને તેની નજર દરવાજા પર અટકતી હતી, પરંતુ રાહુલનો પત્તો નહોતો. આખરે તેણે રાજનની જૂની ડાયરીમાંથી અંજલિનું સરનામું શોધ્યું, ટેક્સીમાં તે તેની પાસે પહોંચી ગઈ.

'તેં આત્મહત્યા કરવાનો પ્રયાસ શા માટે કર્યો?' અંજલિના ઘરમાં પગ મૂકતાં જ તેણે સવાલ કર્યો.

'ભાભીજી, હું તમને ભાભી તો કહી શકુંને?' અંજલિએ અટકી અટકીને પોતાની વાત કહેવાની શરૂ કરી, 'હું રાજનસાહેબને કેટલું માન આપું છું. ન જાણે કેમ પણ કોઈએ મારું નામ તેમની સાથે જોડી દીધું...' અંજલિ રડમસ બની ગઈ.

'તું તારી જાતને સંભાળ, અંજલિ.' પૂજાએ ધીરજ આપી.

'કેવી રીતે સંભાળું ભાભી. હું તો ક્યાંયની ન રહી. બધું જ ખતમ થઈ ગયું. મને ડોક્ટરોએ શા માટે બચાવી? મારી નોકરી...' અંજલિનું રડવાનું ચાલું જ હતું.

'બીજી મળી જશે. શા માટે ચિંતા કરે છે. હું અપાવીશ તને નોકરી. રાજનની ઓળખાણ ઘણી છે. એટલું જ નહીં ે એ જ કંપનીના માલિક સાથે વાત કરશે.' પૂજાએ આશ્વાસન આપ્યું.

'ના ભાભી, મારું ત્યાં ઘણું અપમાન થયું છે. નોકરીનું દુ:ખ નથી. તમે અપાવી દેશો, પરંતુ હવે મારું ખાલીપણું કોણ ભરશે? જે અચાનક મારા જીવનમાં આવ્યું છે, એ એકાકીપણાનું શું થશે. જેના બોજા નીચે મારે રસહીન જીવન વિતાવવું પડશે.' અંજલિએ કહ્યું.

'હું કશું સમજી નહીં, તું શું કહેવા માગે છે?' પૂજાએ પૂછ્યું.

'મારું સગપણ તૂટી ગયું. જ્યારે મારી અને રાજનસાહેબ વચ્ચેના સંબંધની વાત 'તેના' કાને પડી ત્યારે તેણે સગપણ તોડી નાખ્યું. હવે મારું શું થશે।?' અંજલિ બોલી.

'ચિંતા શા માટે કરે છે? અંજલિ, તું યુવાન, રૂપાળી છે. કોઈ પણ છોકરો તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. તારામાં કશી ખોડખામી થોડી છે?' પૂજાએ આશ્વાસન આપ્યું.

'એ તો તમે કહો છો, તમારી પારખુનજરના કારણે કહો છો. નહીં તો મારો હાથ કોણ પકડે? એકવાર સગપણ તૂટી ગયા પછી ફરી સગપણ માટે લાંબી રાહ જોવી પડે છે.' અંજલિએ દલીલ કરી.

'એવી વાત નથી, અંજલિ,' પૂજા કહેવા લાગી.

'ના, એવી જ વાત છે, ભાભી. હું તમને સવાલ કરું છું. જો તમારે કોઈ ભાઈ કે દિયર હોય તો તમે તેનાં લગ્ન મારી સાથે, મતલબ કે મારા જેવી છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થાઓ? નહીં ને, તમે મને દેરાણી બનાવવા તૈયાર થાઓ? ઘણું મુશ્કેલ છે ભાભી. કહેવું સહેલું છે, કરવું ઘણું મુશ્કેલ છે. બધું જ ખતમ થઈ ગયું. ચારે બાજુ અંધકાર જ અંધકાર છે.' અંજલિ પોતાની એક્ટિંગ બરાબર નિભાવી રહી હતી.

'પણ મને તો ઉજાસનું કિરણ દેખાય છે.' પૂજાએ મમરો મૂક્યો.

'શું કહો છો, ભાભી. હું અંજલિ સાથે લગ્ન કરું? શા માટે? મારે હમણાં લગ્ન કરવાં નથી. હજુ મારે ઘણું કરવાનું છે અને વળી અંજલિ જોડે જ શા માટે? શું બીજી છોકરીઓનો દુકાળ પડેલો છે કે હું અંજલિ સાથે સંબંધ બાંધું.'  રાહુલે ભાભી સામે દલીલ કરી.

'અંજલિ ઘણી સરસ છોકરી છે, રાહુલ. તને ખુશ રાખશે. ઘણી ગુણવાન અને ધીરજવાન છે.' પૂજાએ અંજલિની પ્રશંસા કરતાં કહ્યું.

'પરંતુ ભાભી, હજુ મારે જીવનમાં ઘણું મેળવવાનું છે. મારે લક્ષ નક્કી કરવાનું છે. મારે છોકરીઓ જોઈને તેમાંથી પસંદ કરીને લગ્ન કરવાં છે. હું એની સાથે લગ્ન કરીશ જે મારે યોગ્ય હોય. જેની સાથે હું સારી રીતે જીવન જીવી શકું.' રાહુલે કહ્યું.

'તને અંજલિ કરતાં વધુ સારી છોકરી મળવાની નથી. ચંદ્રની શીતળતા, સૂરજનું તેજ, તારલાનો ઝગમગાટ, આ બધું એક છોકરીમાં તને નહીં મળે જે અંજલિમાં છે.' પૂજાએ રાહુલને સમજાવવાનો પ્રયાસ કર્યો.

'પરંતુ ગઈ કાલ સુધી તમે... આજે અચાનક તમને થયું છે શું?' રાહુલે આશ્ચર્યનું નાટક કરતાં કહ્યું.

'જીવનમાં ઘણી ઘટનાઓ અચાનક બનતી હોય છે. સમજી લે આ મારો આદેશ છે. મારી વિનંતી છે. તારે અંજલિને અપનાવવી જ પડશે.' પૂજાએ પોતાનો નિર્ણય રાહુલને જણાવી દીધો.

'સારું ભાભી. મને થોડો વિચાર કરવાનો સમય આપો. કાલ સવાર સુધીમાં હું તમને મારો જવાબ આપીશ.' રાહુલે કહ્યું.

બીજા દિવસે ધનજીને અચાનક ઘરમાં જોઈ રાહુલ ચમકી ગયો, 'તું અહીં શું કરે છે? ભાઈ તો બહાર ગયા છે.'

'જાણું છું, રાહુલ સાહેબ. હું તો મેમસાહેબ પાસે કેટલાક પત્રો લેવા આવ્યો હતો. સાહેબ મૂકીને ગયા છે.' ધનજી બોલ્યો.

'કોઈ ગરબડ તો નહીં કરેને?' રાહુલે શંકા કરી. 

'ના સાહેબ, જરા પણ નહીં. એક્ટિંગમાં તો હું ભલભલાના છક્કા છોડાવી દઉં છું.' ધનજીએ આશ્વાસન આપતાં રાહુલને કહ્યું.

નિશ્ચિત કરેલા કાર્યક્રમ મુજબ બીજા દિવસે અંજલિ ઘરે પહોંચી. રાહુલ સવારથી જ તેની રાહ જોઈ રહ્યો હતો. પૂજાએ બંનેને ડાઇનિંગ ટેબલ પાસે બોલાવ્યા અને બેસવા કહ્યું.

'શું વાત છે, ભાભી. તમે થોડા મૂંઝાયેલા દેખાવ છો.' અંજલિએ ધીરેથી પૂછ્યું.

'વાત  એવી છે. અંજલિ મને માફ કરજે. હું તારી ગુનેગાર છું. મેં જ તારા વિશે ઊલટું સીધું વિચાર્યું હતું. મેં જ તારી કંપનીના માલિકને તારા વિશે...' પૂજા અંજલિને કહેવા લાગી.

'શું?' અંજલિએ ચમકવાનો અભિનય કર્યો અને કહ્યું,'મનમાં ન લાવશો ભાભી. તમને પશ્ચાત્તાપ...'

'હું પશ્ચાતાપ પણ નથી કરી શકતી. અંજલિ, મેં તને ફોન પર કહ્યું હતું કે હું રાહુલને મનાવી રહી છું. મેં રાહુલ સાથે વાત પણ કરી પછી મને થયું કે આ અન્યાય છે, જે હું રાહુલ સાથે કરી રહી છું. તેને જબરજસ્તીથી લગ્નના બંધનમાં બાંધવો એ અન્યાય છે. આજે તારી ગુનેગાર છું. કાલથી હું રાહુલની પણ ગુનેગાર બની જઈશ.' પૂજા કહેવા લાગી.

'એવી વાત નથી ભાભી, તમારી આજ્ઞાા...' રાહુલ કશુંક કહેવા ગયો.

'જાણું છું. તું મારી આજ્ઞાા નહીં ઉથાપે, પરંતુ હું મારા શબ્દો પાછા ખેચું છું. તારે જીવનમાં આગળ વધવાનું છે. જાણીસમજીને હું મારા પશ્ચાતાપ માટે તારા પગમાં બેડી ન નાખી શકું.' પછી પૂજાએ અંજલિ તરફ જોઈ કહ્યું, 'મને માફ કરજે, અંજલિ, થોડા સમય પછી તને કોઈ ને કોઈ જીવનસાથી જરૂર મળી જશે. હમણાં તો તારે તારા ગામમાં ચાલી જવું જોઈએ.'

'ભાભી, વાત એવી છે કે... દાવ ઊંધો પડતો જોઈ રાહુલ કશું કહેવા ગયો.

'તમારો ચહેરો કેમ વિલાઈ ગયો છે, દિયરજી. મેં એ જ કર્યું જે તું ઇચ્છતો હતો કે એ નથી કર્યું જે તારી ઇચ્છા હતી?' પૂજાએ રાહુલને કહ્યું.

'મને કશું ન સમજાયું. ભાભી, તમે શું કહેવા માગો છો? એ રાત્રે તમે જે કહ્યું તેના પર મેં ઘણો વિચાર કર્યો અને એ નિર્ણય લીધો કે તમે બરાબર કહેતા હતા. મારે અંજલિ સાથે લગ્ન કરી લેવાં જોઈએ. નહીં તો તેની જિંદગી ખરાબ થઈ જશે અને જાણ્યેઅજાણ્યે તેની જવાબદારી તમારા પર આવશે. તમારા મન પર કાયમ માટે બોજો બનીને રહેશે.' રાહુલે ભાભીને કહ્યું.

'ચૂપ રહે. તમે બધાંએ મળીને મને મૂર્ખ બનાવી છે. બે વર્ષથી ચક્કર ચાલતું હતું અને મને જાણ પણ ન થઈ.' પૂજાએ રાહુલને ઝાટક્યો.

રાહુલની સ્થિતિ કાપો તો લોહી પણ ન નીકળે તેવી બની ગઈ, 'તો શું તમને બધી જાણ થઈ ગઈ?' રાહુલે ધડકતા હૈયે પૂછ્યું.

'હા, ધનજીએ મને બધી વાત કરી દીધી છે. આવ્યા હતા મોટા ભાભીના લાડકા થઈને, મને જ બનાવી? આવવા દે તારા ભાઈને.' પૂજાએ કહ્યું.

'પરંતુ ભાભી, તમારા પૂર્વાભાસનું શું થયું? તમે તો અહીં બેસીને બધું જાણી શકો છો ને... હું ક્યાં જાઉં છું વગેરે. આખરે તો તમારા પર દાદાજીના પૂજ્ય પિતાશ્રી પહેલા બી.એ. પાસ હિન્દુસ્તાની હતા.' રાહુલે પૂજાને છેડતા કહ્યું.

'ચૂપ કર, શરમ નથી આવતી. તારી થનાર પત્ની સામે ઘરની અંદરની વાત કરે છે તે. લગ્ન થયાં પછી હું જ તેને બધી ગુરુચાવી શીખવી દઈશ. ક્યારેક ક્યારેક માનવી ચૂકી જાય છે. છતાં  મારી ઇંટયૂશન અને સિક્સ સેન્સ તમારા બધાં કરતાં વધુ છે.' પૂજા બોલી.

એટલામાં ભોલો ઘરની અંદર આવ્યો. આવતાં જ તેણે શાકભાજીનો ટોપલો પછાડયો, 'પૂરા દોઢસો રૂપિયા ખર્ચાયા, ન વધુ ન ઓછા.'

'ઓછા જ થયા હશે. વધુનો તો પ્રશ્ન જ રહેતો નથી, પરંતુ આટલા બધાં શાકભાજી તો કાલનાં છે. રાત્રે જવાના સમયે વધેલાંઘટેલાં બધાં શાકભાજી તારા માટે જુદાં રાખી દીધાં હશે. તું મને જેટલી મૂર્ખ ધારે છે એટલી હું મૂર્ખ નથી. સાચેસાચું કહે, તેં આમાં કેટલી હેરાફેરી કરી છે?' પૂજાએ ભોલાને ફટકારતાં પૂછ્યું.

'જે પણ કર્યું છે તે મેં નથી કર્યું. સાહેબે કર્યું છે. શાક બજારની બહાર સાહેબ મળી ગયા હતા. તેમણે મને શાક અપાવી રવાના કરી દીધો છે.' ભોલાએ રહસ્ય પરથી પડદો હઠાવ્યો.

'ભાભી, ભાઈ શાક માર્કેટની બહાર શું કરવા ગયા હતા. મને તો દાળમાં કશું કાળું દેખાય છે. ભોલાને પૂછો કે તેમની સાથે કોણ હતી? રાહુલે કહ્યું.

પૂજાનો ચહેરો ફરી ઝંખવાઈ ગયો, 'ભોલા, સાચેસાચું કહેજે, ત્યાં સાહેબ સાથે કોણ હતી. તેમને શાક માર્કેટમાં વળી શું કામ હોય. જરૂર કોઈને શાકભાજી અપાવવા માટે ગયાં હશે.' પૂજા કંઈ પણ વિચાર્યા વિના ભોલા પર તૂટી પડી.

રાહુલ અને અંજલિ મુશ્કેલીથી પોતાનું હસવું રોકી શક્યા.

મહેંદીના રંગને દૂર કરવાના સરળ ઉપાય 

ભારતીય સંસ્કૃતિમાં  મહેંદીનું  મહત્ત્વ અનેરુ છે. લગ્ન પ્રસંગ  જેવા  ખાસ  પ્રસંગે નવવધૂના બંને  હાથોમાં મહેંદી લગાડીને એની ભાત ઉપસાવવામાં આવે છે. આ ડિઝાઈન હાથોમાં  દસથી  પંદર દિવસ રહે છે. અલબત્ત ધીમે ધીમે  આ ઝાંખી પડતી જાય છે. જો કોઈ કારણોસર તમારે મહેંદીના રંગને હાથોમાંથી દૂર કરવો હોય તો અહિંયા સરળ ઉપાય આપેલા છે. 

ઓલિવ ઓઈલ : 

ઓલિવ ઓઈલને  મિશ્રણ માટેનો શ્રેષ્ઠ પદાર્થ માનવામાં આવે છે. એટલે જ આ પદાર્થ હિનાને હાથમાંથી દૂર કરવાનો સરળ અને  અસરકારક ઉપાય છે. એક બાઉલમાં  થોડું તેલ લઈ એમાં રૂના પૂમડાને  ડુબાડી એમાંથી તેલ નીચોવીને મહેંદી પર લગાવો. તેલને દસ મિનિટ હાથ પર લગાવેલું  રાખો અને પછી ગરમ પાણીથી હાથ ધોઈ લો.

ક્લોરીન :  

કુદરતી રીતે હાથમાંથી મહેંદીના રંગને  દૂર કરવા માટે હાથને ક્લોરીનવાળા પાણીમાં પાંચ મિનિટ ડુબાડી રાખો. અને પછી ઠંડા  સ્વચ્છ પાણીએ  હાથ ધોઈ લો.

બેકિંગ સોડા :

  બેકિંગ સોડાથી ભરેલા લીંબુના ૩ મોટા ચમચામાં  ત્રણ- ચાર ટીપા નાખી એક ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને હાથ પર લગાવીને ઘસો. ૧૦ મિનિટ હાથમાં આ મિશ્રણ રાખીને હુંફાળા ગરમ પાણીથી હાથ ધોઈ લો.

બ્લીચીંગ પાઉડર :  

 બ્લીચીંગ પાઉડર પણ હિનાને દૂર કરવા માટેનો કારગર ઉપાય છે. ફક્ત થોડી વાર પાઉડરને  હાથ પર લગાવીને  રાખો.  અને  પછી સ્વચ્છ પાણીથી હાથ ધોઈ લો. આવુ  બે-ત્રણ વખત કરવાથી  મહેંદીનો રંગ હાથમાંથી દૂર થઈ જશે.

આ તમામ ઉપાય અસરકારક છે. જેનાથી મહેંદીનો રંગ એક દિવસમાં નીકળી જશે. તેમ જ આનાથી ત્વચાને કોઈ જ આડઅસર કે નુકસાન પહોંચશે નહીં.

Tags :