વાર્તા : પસંદ-નાપસંદ .

- '' આકાંક્ષાના પિતાજીની દુકાનનો કેસ ચાલે છે. આ કારણસર તેમને ત્યાં પ્રમોદભાઇની અવરજવર રહે છે. કોણ જાણે ક્યારે બંને વચ્ચે કંઇક લફરાની શરૂઆત થઇ ગઇ. ઘરમાં પણ કોઇને ખબર ન પડી. આકાંક્ષા શરૂઆતમાં લગ્ન કરવાનો ઇન્કાર કરતી રહી ત્યારે બધાંને લાગ્યું કે એ મજાક જ છે. છેવટે એક દિવસ સાચી વાતની જાણ થતાં ઘરમાં ખૂબ હો-હા મચી ગઇ.''
હું સ્કૂલમાં મારાં બાળકોની ફી જમા કરાવીને પાછી ફરી રહી હતી. બપોરનો સમય હતો. અચાનક સામેથી આવતી આકાંક્ષા તરફ મારી નજર ગઇ. ખભે મોટું પાકીટ લટકાવી અને હાથમાં એક-બે ફાઇલો તથા ચોપડીઓ લઇ એ ધીમે ધીમે આવતી હતી. પોતાના વિચારોમાં એ એટલી મગ્ન હતી કે મારા તરફ એનું ધ્યાન જ ન ગયું.
મેં એને બૂમ પાડી બોલાવી ત્યારે એણે અચાનક ચોંકીને મારી તરફ જોયું. પળવાર માટે એની દ્રષ્ટિમાં હીનભાવના જોવા મળી. ત્યારબાદ એ તરત જ નીચું જોઇ ગઇ. જાણે મારી સાથે વાત કરતાં એ અચકાતી હોય, એવું લાગ્યું.
મેં ઉત્સાહપૂર્વક પૂછયું, ''આકાંક્ષા, તું અત્યારે અહીં ક્યાંથી? આટલી બધી ફાઇલો લઇને ક્યાં જઇ આવી?''
એણે સાવ શુષ્ક સ્વરે જવાબ આપ્યો, ''અહીં નર્સરીમાં નાનાં બાળકોને ભણાવું છું. આજે ફી જમા કરાવવાની તારીખ હતી, એટલે 'નર્સરી'માં વહેલી રજા પડી ગઇ, પણ તું કેટલા બધા દિવસ પછી મળી? શું કરે છે આજકાલ? ઘરમાંથી બહાર જ નીકળતી નથી કે શું?''
''એવું કંઇ નથી. તું તો જાણે છે કે, ઘ૨ના કામકાજમાંથી નવરાશજ નથી મળતી. હું પણ અત્યારે સ્કૂલમાં બાળકોની ફી જમા કરાવીને આવી રહી છું.'' મારો જવાબ સાંભળી એણે નિસાસો નાખ્યો.
ત્યારબાદ થોડી ઔપચારિક વાતચીત બાદ અમે છૂટાં પડયાં, પણ મારી નજર સમક્ષ આકાંક્ષાની છબિ તરવરતી હતી. લગભગ ૩૫-૩૬ વર્ષની ઉંમર, ભરાવદાર, સ્થૂળ કહેવાય એવું શરીર, ભાવહીન ચહેરો અને નીરસ આંખો રહી-રહીને મને યાદ આવતી હતી.
અમે બંને સાથે જ ભણતાં હતા. મને યાદ આવ્યું કે, ત્યારે એ કેવી લાગતી હતી, આખા રસ્તે હું અતીતને યાદ કરતી રહી, એ મારાથી મોટી હોવા છતાં વારંવાર નાપાસ થવાને લીધે દસમાં ધોરણમાં અમે બંને સાથે થઇ ગયાં હતાં. આજેય મને યાદ છે એ એનાં લાંબા, કાળા, ભરાવદાર વાળના બે ચોટલા વાળી સ્કૂલે આવતી. એના આકર્ષક વ્યક્તિત્વમાં એની વિશાળ આંખો વધારે આકર્ષણ ઉત્પન્ન કરતી. એની અદા એટલી ચંચળ હતી કે, કોઇ પણ વ્યક્તિને તે પોતાના પ્રત્યે સહેલાઇથી આકર્ષી લેતી.
આકાંક્ષાનું ધ્યાન અભ્યાસ કરતાં રમતગમત પ્રત્યે વધારે રહેતું . આજ કારણસર કદાચ એ વારંવાર નપાસ થયા કરતી. શરૂઆતમાં અમે એક જ વર્ગમાં હતાં, ત્યારે ક્યારેક વાતચીત થતી, પણ થોડા સમય પછી અમે મકાન બદલ્યું અને એની પાડોશમાં જ રહેવા આવી ગયાં, ત્યારે અમારી ઓળખાણ વધી. અમે બંને સાઇકલ લઇને સાથે જ સ્કૂલે જતાં, ત્યારે રસ્તામાં કોઇ એની આંખો કે વાળ જોઇને મજાક કે કટાક્ષ કરે, તે વખતે એના ચહેરા પર ગર્વના ભાવ તરવરી ઊઠતા.
એસ.એસ.સી.ની પરીક્ષામાં હું તો પાસ થઇ ગઇ. પણ આકાંક્ષા નપાસ થઇ. જો કે પોતે નપાસ થઇ હોવાનું એને કોઇ દુ:ખ હોય, એમ લાગતું નહોતું. રમતગમતમાં આગળ હોવાને લીધે સ્કૂલને પણ પ્રસિઘ્ધિ મળી હતી. આકાંક્ષા રાજ્ય સ્તર સુધી રમતગમતમાં ભાગ લેવાની આકાંક્ષા ધરાવતી હતી. હું હવે મારા કૉલેજના અભ્યાસને લીધે એને મળવા માટે ખાસ જઇ શકતી નહીં, આમ છતાં એ જ્યારે મને મળે, ત્યારે એના ચહેરા પર સદાય સ્મિત રમતું જોવા મળતું.
હું અભ્યાસમાં હોશિયાર હોવા છતાં આકાંક્ષાના પ્રમાણમાં દેખાવે સાધારણ હતી. કદાચ આથી અથવા અન્ય કોઇ કારણસર, કોણ જાણે કેમ, હું મનોમન આકાંક્ષાની ઇર્ષા કરતી. સમય વીતવાની સાથોસાથ મારો કૉલેજનો અભ્યાસ પણ પૂરો થયો, તે પછી થોડા સમયમાં એજ સોસાયટીમાં રહેતા એક યુવક સાથે મારાં લગ્ન પણ થઇ ગયાં.
આકાંક્ષા મને જ્યારે મળે ત્યારે કંઇ ને કંઇ વાત અંગે ટોકતી, ''તે આજે કેટલા ઘેરા શેડની લિપસ્ટિક લગાવી છે?'' ક્યારેક કહેતી, ''આનુ, તારું શરીર દિવસે-દિવસે વધતું જાય છે.'' કોઇ વાર કહેતી, ''તું મેકઅપ ન કરે, ત્યારે બિલકુલ સુંદર લાગતી નથી.''
મને વારંવાર ટોકતી આકાંક્ષાને કદાચ એના શરીરમાં જે ફેરફાર થઇ રહ્યા હતા, તેની જાણ નહોતી. સોસાયટીમાં કોઇ કાર્યક્રમ યોજાયો હોય, ત્યારે એની મા તથા નાની બહેન સાથે એ આવતી. વાતચીત દરમ્યાન એની મા કહેતી, ''શું કરું? આ રાજકુંવરીને કોઇ છોકરો પસંદ પડતો જ નથી. બે સારા છોકરા મળી જાય, તો બંને દીકરીઓનાં એક જ માંડવે લગ્ન કરી નાખું.''
આકાંક્ષાના શમણાંનો રાજકુમાર વાસ્તવિક જીવનમાં જવલ્લેજ જોવા મળે એવો હતો. કોઇ છોકરો દેખાવડો હોય, તો એનો પગાર ઓછો લાગતો. કોઇ ઉચ્ચ હોદ્દા પર હોય, તો એનું વ્યક્તિત્વ આકાંક્ષાને પસંદ ન પડતું જો કે મારે આ બધી બાબતો સાથે કોઇ નિસ્બત નહોતી.
એક વાર દિવાળીની રજાઓમાં મારા કાકાનો દીકરો સુનીલ અમારે ઘેર આવેલો. એ સેનામાં મેજરના હોદા પર હતો. લગભગ ૪૦ વર્ષ થયાં હોવા છતાં એને લગ્ન કરવાની ઇચ્છા જ નહોતી થઇ. મેં વિચાર્યું કે, 'વાત કરી જોવામાં શો વાંધો?'
સુનીલને આકાંક્ષા ગમી ગઇ, પણ આકાંક્ષા તથા એની માતાને સુનીલની ઉંમર વધારે લાગી. પરિણામે વાતનો છેદ ઊડી ગયો. એક-દોઢ વર્ષ બાદ સુનીલે તો બીજી યુવતી સાથે લગ્ન પણ કરી લીધાં.
એક દિવસ બપોરના સમયે હું ઘરનું કામકાજ પતાવી બહાર આવી, ત્યાં બાજુમાં રહેતાં મીનાભાભી મને મળવા આવ્યાં. એમની બેબીને એડમિશન લેવાનું હોવાથી તે અંગે મારી સલાહ લેવા આવ્યાં હતાં. વાતચીત દરમ્યાન મીનાભાભીએ જણાવ્યું કે આકાંક્ષાની નાની બહેનની સગાઇ થઇ ગઇ હતી. આ સાંભળી મને આશ્ચર્ય થયું. મેં પૂછયું, ''અરે, મોટી બહેનનાં લગ્ન બાકી છે, ત્યાં નાનીનાં લગ્ન પહેલાં કેવી રીતે....... પ્રેમલગ્ન કરવાની છે કે શું? હજી સુધી આકાંક્ષા માટે કોઇ સારો છોકરો નથી મળ્યો?''
મીનાભાભી આમતેમ જોઇ મારી નજીક આવ્યાં. ત્યારબાદ એમણે ધીમેથી રહસ્યમય સ્વરે કહ્યું, ''આંકાક્ષા તો લગ્ન કરવા તૈયાર જ નથી. તમે પેલા પ્રમોદભાઇ વકીલને તો ઓળખો છો ને... એની સાથે કંઇ લફરું વળગ્યું હોવાનું સાંભળ્યું છે.''
''પ્રમોદભાઇ સાથે? એમ ક્યાંથી બને? એ તો પરિણીત અને બે બાળકોના પિતા પણ છે.'' હું સ્તબ્ધ થઇ જતાં બોલી.
''સોસાયટીમાં બધાંને ખબર છે આકાંક્ષાના પિતાજીની દુકાનનો કેસ ચાલે છે. આ કારણસર તેમને ત્યાં પ્રમોદભાઇની અવરજવર રહે છે. કોણ જાણે ક્યારે બંને વચ્ચે કંઇક લફરાની શરૂઆત થઇ ગઇ. ઘરમાં પણ કોઇને ખબર ન પડી. આકાંક્ષા શરૂઆતમાં લગ્ન કરવાનો ઇન્કાર કરતી રહી ત્યારે બધાંને લાગ્યું કે એ મજાક જ છે. છેવટે એક દિવસ સાચી વાતની જાણ થતાં ઘરમાં ખૂબ હો-હા મચી ગઇ.''
આ સાંભળી મેં આશ્ચર્યથી પૂછયું,
''આકાંક્ષાના પિતાજી અને ભાઇ કંઇ ન બોલ્યા?''
''શું બોલે......... સમજાવવાનો તો ખૂબ પ્રયત્ન કર્યો. આકાંક્ષા હવે નાની કીકલી નથી રહી. પાંત્રીસ વર્ષની સ્ત્રી છે. હવે તો એને સ્ત્રી જ કહેવાય ને?
મને વધારે સાંભળવામાં રસ ન રહ્યો. આથી મેં વાતચીતનો વિષય બદલી નાખ્યો. ત્યારબાદ લગભગ ચારેક વર્ષ વીતી ગયા. આંકાક્ષાના ઘેર હજી પણ પ્રમોદની અવરજવર ચાલ્યા કરતી. આકાંક્ષાવિશે જાતજાતની વાતો સાંભળવા મળતી. કોઇ એને પ્રમોદની 'બીજી પત્ની' કહેતું, તો કોઇ એની 'રખાત'.
હવે આકાંક્ષા રસ્તામાં ક્યાંક મળી જતી, તો પણ જાણે મને જોઇ ન હોય, એમ અજાણી બનીને જતી રહેતી. પહેલાં એની જે વિશાળ આંખો આકર્ષણનું કેન્દ્ર હતી. તે હવે ભયાનક લાગવા માંડી હતી. લાંબા, કાળા વાળમાં ક્યાંક-ક્યાંક ચાંદીના તાર દેખાવા લાગ્યા હતા. એકવડિયું શરીર હવે ધીમે ધીમે સ્થૂળ બનતું જતું હતું.
અચાનક એકદિવસ મને આકાંક્ષાના ઘેર જવાનો વિચાર આવ્યો, સાંજના લગભગ સાડાચાર-પાંચ વાગ્યે હું એના ઘેર ગઇ.
આકાંક્ષા એના ઘરના ઓટલા પર બહાર બેઠી-બેઠી ઘઉં સાફ કરતી હતી. મને જોતાં જ એ ઊભી થઇને અંદર જવા લાગી, મેં એને બોલાવતાં કહ્યું, ''અરે આકાંક્ષા, હું તને મળવા માટે જ આવી છું. અંદર ક્યાં ભાગે છે?''
આ સાંભળી એ અનિચ્છાએ ઓટલા પર બેઠી, મારો અવાજ સાંભળી આકાંક્ષાનાં ભાભી ચાનો કપ લઇ બહાર આવ્યાં. મને કહે, ''ઘણા દિવસ પછી દેખાયાં, અનુબહેન, તમે આટલાં પાસે રહો છો, તો પણ પાંચ મિનિટ મળવા આવવાનો સમય નથી મળતો?''
આકાંક્ષાની મા પણ આવીને સહેજ દૂર બેસતાં બોલ્યાં, ''અનુ, ચા પીધા પછી અહીં આવજે..... તારી સાથે જરૂરી વાતકરવીછે.''
''આવું છું, માસી.'' કહી મેં ઝડપથી ચા પીલીધી. ત્યારબાદ જઇને એમની પાસે બેસતાં કહ્યું, ''બોલો શું કામ છે?''
''બેટી તારા ઘ્યાનમાં કોઇ સારો છોકરો હોય તો કહેજે ને.''
મેં જાણીજાઇને અજાણ બનતાં પૂછયું,
''કોના માટે વાત કરો છો, માસી?''
''આકાંક્ષા માટે, બેટી હવે તો કંઇ થાય તે મારે જ કરવાનું રહ્યું. એના પિતાજી તો મને રડતી મૂકીને દુનિયામાંથી સિધાવી ગયા. ભાઇઓ પણ લગ્ન કરીને પોતાપોતાના ઘરસંસારમાં ઠરીઠામ થઇ ગયા છે. મારી હવે ઉંમર થઇ. કોને ખબર કેટલા દિવસ કાઢું..........''
પછી સહેજ સંકોચ ભર્યા સ્વરે બોલ્યાં,
''છોકરાની ઉંમર ૪૦-૫૦ વર્ષની હશે, તો પણ વાંધો નથી. નાતજાતનું કોઇ બંધન નથી..... અરે, બીજવર હશે અને બાળકો હશે, અને બાળકો હશે, તો પણ ચાલશે. હવે આ ઉંમરે પસંદગી કરવા જેવું કંઇ જ રહ્યું નથી.'' હું તો એમની વાત તથા દયામણો સ્વર સાંભળી સ્તબ્ધ જ થઇ ગઇ. મારી સમગ્ર ચેતના હણાઇ ગઇ હોય એમ લાગ્યું. અચાનક કોઇનું ડૂસકું સાંભળતાં હું ચોંકી ગઇ. મે જોયું તો આકાંક્ષા દોડતી પોતાના રૂમમાં જઇને, બારણું બંધ કરી અંદર ભરાઇ ગઇ હતી.
આકાંક્ષાની મા આંખમાં ભરાઇ આવેલાં આસું સાડીના પાલવથી લૂછી રહ્યાં હતાં. ભાભી પણ મારી સામે જોવાની હિંમત કર્યા વિના ઓરડામાં જતાં રહ્યાં.
એ રાતે ઘેર આવ્યા બાદ હું ખૂબ ઉદાસ હતી. 'એમના' ઘરે આવ્યા પછી હું મસલત કરીને અમારા સંબંધીઓમાંથી ૪૦-૪૫ વર્ષના અવિવાહિત તથા વિધુર પુરુષોની યાદી તૈયાર કરવા લાગી.








