વાર્તા: પ્યારી આન્ટી
બીના... બીના... બીના હું મનોમન બરોબર સળગી ગઈ. જાણે હું તો કશું કરતી જ ન હતી. દરેક વાતમાં એની પ્રશંસા. કોઈ કામ એવું પણ હતું. જેમાં એ એક્સપર્ટ ન હતી. પણ, તે આ મકાનમાં પહેલા રહી ન હોત તો હું કદાચ શાંતિથી રહેતી હોત.
દિવસે હું મનોમન ઘણી શરમાઈ ગઈ હતી, જ્યારે આન્ટી પહેલીવાર મારા રૂમમાં આવ્યાં હતાં. થોડીવાર આડીઅવળી વાતો કરી રહી પછી મને પૂછી બેઠાં, ''અરે, શું થયું. આજે સફાઈ નથી થઈ કે શું?''
તેમની દ્રષ્ટિ પર નજર કરી તો દરવાજામાંથી પડતા પ્રકાશને કારણે ચમકની ફરસ પર ગંદા અને અસ્તવ્યસ્ત પડેલા સામાન પર નજર પડી. હું ગભરાઈ ગઈ. બસ, માત્ર એટલું બોલી હતી, ''ઓહ આન્ટી, આજે બસ, એમ જ...''
જોકે મને લાગી રહ્યું હતું કે આન્ટીની અનુભવી નજર જાણી ગઈ હશે કે અહીં કેટલાય વરસથી પોતું કરાયું નથી, પરંતુ આન્ટીએ અત્યંત સામાન્ય રીતે કહ્યું, ''અરે, કંઈ વાંધો નહીં. મેં તો અમસ્તું જ પૂછી લીધું હતું. ખબર છે, તારા પહેલાં અહીં જે બીના રહેતી હતી, તેને સફાઈનો એવો શોક હતો કે, રોજ સવારે ઘરની એકેએક વસ્તુને લૂછીને ચમકાવતી હતી. ફરસ તો એવી રહેતી હતી કે મોં જોઈ શકાય.
તેના ચક્કરમાં મેં ઘરમાં ફરસને સાબુનાં પાણીથી ધોવાનું શરૂ કર્યું અને એક દિવસ ભસડીને હાથ ભાંગી બેઠી પછી શેનું ઝાડુ અને સાની સફાઈ, પરંતુ હા, તેમ છતાંય તે આદત છૂટી હતી.'' આન્ટીએ હસીને કહ્યું.
આ આન્ટી મારા મકાનમાં માલિકણ હતાં. આન્ટીને ઘરે ઘણીવાર ગઈ હતી. એ લોકો ખૂબ ચોકસાઈવાળા હતા. એકએકથી સુંદર સામાનથી સજાવેલું, સાફસુથરું, ચમકતું ઘર હતું. મારું સ્તર તેમના જેવું હોઈ જ ન શકે. ન એવો સામાન હતો, ન જગ્યા હતી. એટલે ઘર તરફ બેદરકાર હતી.
આમ જોકે મારી ભૂલ પણ કદાચ ખાસ ન હતી. કારણ કે કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી સગાઈ થઈ ગઈ અને ઝટપટ લગ્ન થઈ ગયા હતાં. થોડા જ દિવસોમાં વિદાય સાથે સાસરે આવી ગઈ. થોડા દિવસ પછી પતિ સાથે, જ્યાં એ કામ કરતા હતા તે શહેરમાં આવી ગીઈ.
નિખિલે બે રૂમનું ભાડાનું મકાન લઈ લીધું હતું. મકાનમાલિક સાથે પરિચય થયો ત્યારે તો તેમણે ખૂબ લાડથી માથે હાથ ફેરવ્યો અને ચા-નાસ્તો કરાવી અમારા રૂમ બતાવ્યા હતા.
પહેલા દિવસે નિખિલ સાથે બધો સામાન ગોઠવ્યો. બજારમાંથી આવશ્યક ચીજવસ્તુ લાવી. પછી બીજા દિવસથી નિખિલે ઓફિસે જવાનું શરૂ કર્યું. મને કામ કરવાની ફાવટ તો હતી નહીં. જેમતેમ ઘરનું કામ આટોપી શકતી હતી. એટલે ઘણાં બધાં કામ અજાણતાં રહી જતાં હતાં. થોડી આળસ, અનાડીવેડા અને થાકના કારણે પણ રહી જતાં.
પરંતુ તે દિવસે લાગ્યું કે બહુ સજાવીને તો નહીં, પરંતુ સ્વચ્છ ઘર તો રાખી શકું છું. એટલે સવારે થોડી વહેલી ઊઠી ચીજવસ્તુને યથાસ્થાને રાખી ઝટપટ ઝાડુંપોતું ક્યાં તો થાક લાગવા છતાં ચમકતા ઘરને જોઈને મને પણ સારું લાગ્યું.
આમ તો આન્ટી મારે ત્યાં ઓછાં જ આવતાં હતાં, પરંતુ તે દિવસે આવ્યાં તો હું ખીલી ઊઠી. આન્ટીએ ચારે તરફ નજર ફેરવી અને ખુશ થઈને બોલ્યાં, ''આજે તો ઘર ખૂબ ચમકી રહ્યું છે.''
પછી મારા તરફ જોઈ આશ્ચર્યથી બોલ્યાં, ''પણ તું હજુ સુધી આમ જ શા માટે કરી રહી છે? જાણે છે, બીના સવારે ઊઠી સફાઈ પછી ઝટપટ તૈયાર થઈ જતી હતી અને સાંજે પતિ આવે તે પહેલાં પણ રાહુલ પણ તેને જોતાં જ તેના પર વારી જતો હતો.''
મેં મારા ભણી નજર કરી તો ખરેખર મારા વેશ ખૂબ ખરાબ હતા. વિખરાયેલા વાળ, ચોળાયેલી નાઈટ ગાઉન, નિખિલ ગયા પછી હું તો આમ જ કરી રહી હતી. આન્ટીની વાત તો સાચી હતી.
બીજા દિવસે વહેલી સફાઈ પતાવી હું પણ નહાઈધોઈને તૈયાર થઈ ગઈ ત્યારે નિખિલે આશ્ચર્યથી પૂછ્યું, ''ક્યાંય જવાની તૈયારી છે કે શું?''
''ના રે.'' મેં કહ્યું.
''તો પછી, મારા માટે? નિખિલે પૂછ્યું.
હું હસી. નિખિલે મને બાથમાં લઈ લીધી. પછી મેં પણ રોજ નિયમ જ બનાવી લીધો.
એ દિવસે વરસાદની મોસમ હતી. એક દિવસ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલાં હતાં. હળવા છાંટાએ મોસમ ખુશનુમા બનાવી દીધી હતી. બપોરે આન્ટીએ મને બૂમ મારી. ''નવરાં હો તો અહીં જ આવી જા. આજે તો ચા-ભજિયાંની મોસમ છે. હા, ટોમેટો સોસ હોય તો લેતી આવજે.''
અમે સાથે મળીને ભજિયાં બનાવ્યાં અને પછી ચા લઈને બેઠાં ત્યારે આન્ટીએ પૂછ્યું, ''શું થયું? તબિયત સારી નથી કે શું?''
'ના, ઠીક છું. તમને એવું કેમ લાગ્યું?' મેં પૂછ્યું.
'ના, કશું નહીં.' તે હસીને બોલ્યાં. 'આ કચરા ટોપલીમાં ખાવાપીવાના સામાનનાં ખોખાં દેખાયાં તો થયું કે કદાચ તેં કાલે રસોઈ બનાવી નથી.'
'અરે આન્ટી, રોજ રોજ દાળશાક ખાઈને લાગ્યું કે આજે જરા ચેન્જ થઈ જાય. એટલે પિઝા, નૂડલ્સ વગેરે મંગાવી લીધાં હતાં.''
''હા, ચેન્જ તો જરૂરી છે. પેલી બીના હતી તે, તે પણ અવારનવાર કશું ને કશું નવું બનાવતી રહેતી હતી.?
આન્ટી મસ્તીથી ખાતાં હતાં અને પોતાની ધૂનમાં ન જાણે શું શું બોલ્યે જતાં હતાં, પરંતુ મારી ચા ફુકી, ચટણી તીખી અને ભજિયાંનો સ્વાદ કડવો થઈ ગયો હતો.
જતાં જતાં પણ આન્ટી બોલી ઊઠયાં, ''જાણે છે, પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો પેટમાં થઈને જાય છે.''
આન્ટી તો તણખે મૂકીને તેમના કામમાં લાગી ગયાં, પરંતુ હું મનોમન સંતાપ કરતી હતી.
હું બજારમાં ગઈ અને 'કૂકરી બૂક્સ' લઈ આવી. તેની મદદથી નવી નવી વાનગી બનાવવાનો પ્રયાસ કરવા લાગી. ઘણીવાર વાનગી બગડી જતી તો તેને ચૂપચાપ ફેંકી દેતી, પરંતુ પછીથી બગડેલી વાનગીને બીજી રીતે ઉપયોગ કરવાની રીત પણ સમજમાં આવવા લાગી હતી. આ બધાં કામ કરતાં હું થાકી જતી હતી, પરંતુ આ બધું કરવામાં મને આનંદ આવતો હતો. નિખિલ જ્યારે સિસકારા સાથે, પ્રશંસા કરતો મારી બનાવેલી અવનવી વાનગી આરોગતો ત્યારે જાણે મારું પેટ આપોઆપ જ ભરાઈ જતું હતું.
દિવસો બસ આમ જ પસાર થઈ રહ્યા હતા. તે દિવસે બિલકુલ મન ચોંટતું ન હતું. વિચાર્યું બજારમાં જઈ ફરી આવું. નવો સૂટ લીધો હતો, તેનું ફિટિંગ પણ કરાવી લઈશ. આન્ટીને બતાવવા ગઈ ત્યારે કહે, ''હા, ફરી આવ, પરંતુ માત્ર સૂટ ફિટિંગ કરાવવા માટે જ જાય છે?''
મેં કહ્યું, ''હા?''
''અરે, આ કામ તો જરા વારમાં જ ઘરે જ થઈ જશે. નકામા આવવાજવાનો અને ફિટિંગ કરાવવાનો ખર્ચ કરીશ?''
હું કશું પણ કહું એ પહેલાં આન્ટી શરૂ થઈ ગયાં, ''પેલી બીના હતી ને? એ તો બધું સીવણ-ભરત ઘરે જ કરતી હતી. તેણે ફોમ વાપરીને એવી સુંદર ચાદરો, કુશન કવર વગેરે બનાવ્યાં હતાં કે બસ, જરા અમથું ભરત અને પેન્ટથી બિલકુલ રેડીમેડ લાગતાં હતાં. તે એવાં તો સુંદર ફ્રોક બનાવતી હતી કે બુટીકવાળા પણ પ્રશંસા કરતાં.''
'બીના... બીના... બીના. બીના આ પણ કરતી બીના, તે પણ કરતી. કોઈ કામ એવું હતું ખરું જે એ ન કરી શકતી હોય. ઉફ, આ આન્ટી બીનાની પ્રશંસા કર્યા વગર કોઈ વાત જ કરી નહોતાં શકતાં.' હું હવે અત્યંત ઈર્ષ્યાળુ થઈ ગઈ હતી. તેની પ્રશંસા મને ઘણી ખરાબ લાગવા લાગી હતી. પણ મારી મજબૂરી હતી. હું ખરેખર ગૃહસ્થીનાં કામોમાં કાચી હતી. એટલે દુ:ખી થઈને હું બોલી, 'આન્ટી, મને સીવણ વગેરે આવડતાં નથી.''
''અરે, તો શું થયું? હું શીખવી દઈશ. નવરાશના સમયે મારી પાસે આવી જજે.'' આન્ટી તેમના ચિરપરિચિત અંદાજમાં બોલ્યાં.
પછી તો શું હતું, આન્ટી સાથે જઈ બજારમાંથી હું જરૂરી ચીજવસ્તુ લઈ આવી અને આન્ટી પાસે શીખી. ધીરે ધીરે ઘણી ચીજવસ્તુ બનાવી લીધી. મારો સમય પણ આરામથી પસાર થઈ જતો હતો.
તે દિવસે કોઈ તહેવાર હતો. નિખિલના આવતાં પહેલાં મારા હાથે બનાવેલાં ક્વિલટિંગવાળી ચાદર, કુશન કવર અને ભરતવાળી પેન્ટિગથી રૂમ સજાવી દીધો. સાંજે નિખિલ આવ્યા અને ચા પીતાં ધીરેથી કહ્યું, ''લાગે છે આજે આખું બજાર ઉઠાવી લાવી છો.''
મેં કહ્યું, ''ના. હું આ બધું આન્ટી પાસેથી શીખી છું.''
નિખિલે ફરી ચારે બાજુ નજર ફેરવી. હસીને બોલ્યા, ''ફેન્ટાસ્ટિક આટલી સુંદર ચીજવસ્તુ તેં બનાવી ક્યારે?''
મારું મન નાચી ઉઠયું, 'શા માટે કહું?''
થોડો સમય શાંતિથી પસાર થયો. મને સંતોષ હતો કે મેં ઘણું બધું શીખી લીધું છે, પરંતુ ક્યાં? એક દિવસ એ જ થયું. જે મારા હિસાબે થવું જોઈતું ન હતું. હું આન્ટીને કહી બેઠી, ''આજકાલ બહુ ગરમી છે. સાંજના તો અંદર બેસવાનું મન જ થતું નથી.''
''હા, એ તો છે.'' આન્ટી મારા ચહેરા પર બદલાતા ભાવથી અજાણ બોલતાં ગયાં, ''પેલી બીના હતી ને, તેણે તો રૂમની પાસેની કાચી અને ખુલ્લી જગ્યામાં ઘાસ અને ક્યારીઓમાં જાતજાતનાં ફૂલછોડ રોપી દીધાં હતાં. તેનું આગણું સદા મહેકતું રહેતું હતું. બંને સવાર-સાંજ ચા ત્યાં બેસી પીતાં હતાં અને બાળકો પણ ત્યાં બેસીને ભણતાં. તેણે બહાર પણ સેનગેટ પર ફૂલોના છોડ વાવ્યાં હતાં એટલે સુધી કે બાથરૂમમાં પણ બાટલીમાં મનીપ્લાન્ટ નાખી રાખ્યા હતા.
બીના... બીના... બીના હું મનોમન બરોબર સળગી ગઈ. જાણે હું તો કશું કરતી જ ન હતી. દરેક વાતમાં એની પ્રશંસા. કોઈ કામ એવું પણ હતું. જેમાં એ એક્સપર્ટ ન હતી. પણ, તે આ મકાનમાં પહેલા રહી ન હોત તો હું કદાચ શાંતિથી રહેતી હોત.
પરંતુ અંતે હું, હું જ હતી. એનાથી પાછળ કઈ રીતે રહી શકું? મોકો મળતાં જ મેં માળી પાસે આંગણનો કાચો ભાગ ઠીક કરાવ્યો. પછી ઘાસ રોપાવ્યું. કૂંડાં મંગાવી છોડ રોપ્યા. તો ઘર બદલાયેલું ઘણું સારું લાગ્યું. આન્ટી કશું બોલ્યાં નહીં, પણ જોઈને ધીમું ધીમું હસતાં રહેતાં હતાં.
ધીરે ધીરે શિયાળો આવી ગયો. છોડ પર કળીઓ ચમકી ઊઠી. ઘાસ પણ ફેલાઈ ગયું હતું. ઘણા નાનકડા પણ લીલાછમ બાગમાં અમે લોકો વધુ સમય પસાર કરવા લાગ્યાં. બપોરના તડકામાં અમારી નાની એવી લોનમાં છોડવા વચ્ચે બેસી સીંવણ-ભરત સાથે અન્ય નાનાંમોટાં કામોની વચ્ચે સમય ક્યારે પસાર થઈ જતો તેની ખબર જ પડતી ન હતી.
છતાં એક વાત તો હતી. હવે હું આન્ટી પાસે ઓછું જતી અથવા એમ કહો કે તેમની પાસે જવા જ ઈચ્છતી નહોતી. કારણ એ જ હતું, વાતવાતમાં બીનાની પ્રશંસા, લાગતું, આન્ટી મારી ખામી ભણી ઈશારો કરી રહી છે. મને આન્ટીથી ચીડ અને બીના નામની એ સ્ત્રીથી ઈર્ષ્યા થવા લાગ્યાં હતાં.
જોકે આ ચક્કરમાં હું પિયર ગઈ ત્યારે મા પાસેથી પણ ક્રોશિયા, વણાટ જેવાં ઘણાં કામ શીખી. મા પણ હેરાન હતી.
ઈર્ષ્યા અને પ્રતિસ્પર્ધાની ભાવના મને બધાં કામ શીખવા માટે પ્રેરિત કરી રહી હતી. મેં ધીરે ધીરે ઘણાં બધાં કામ શીખી લીધાં હતાં છતાં આન્ટીએ બીનાનાં એટલા તો ગુણગાન ગાયાં હતાં કે મને હંમેશાં એમ જ લાગતું કે ગમે તે હોય, હું બીના જેવી તો થઈ જ ન શકું.
થોડા દિવસો પછી અંકલજીને પ્રમોશન મળ્યું અને આ પ્રસંગે તેમણે મોટી પાર્ટી આપી. બધા નવજૂના પરિચિતોને આમંત્રિત કર્યા હતા. હું એ મહેમાનોને ઓળખતી નહોતી. એટલે મૌન બનીને એક બાજુ બેઠી હતી ત્યારે આન્ટી મારી પાસે આવ્યાં મને બોલ્યાં, ''અરે, તું અહીં એકલી બેઠી છે? આવ, તને કોઈ સાથે મળાવું'' અને તેમણે પાસે ઊભેલી સ્ત્રી સાથે પરિચય કરાવ્યો.'' આ બીના છે, જે તારા અગાઉ અહીં રહેતી હતી. એ પણ અહીં કોઈને ઓળખતી નથી. હું હમણાં આવી. ત્યાં સુધી તમે લોકો વાતો કરો.''
''તો આ છે બીના?'' થોડીવાર સુધી તો હું વિચિત્ર મનસ્થિતિને કારણે કશું બોલી જ ન શકી. પછી ઈર્ષ્યા અને ઉત્સુકતાની મિશ્ર ભાવનાને દબાવતા કંઈક ઔપચારિક વાતો કરી અને પછી મનની કડવાશ દબાવતાં કહ્યું, ''તમને મળવાનું ખૂબ મન હતું, તમે તો દરેક કામમાં એટલા હોંશિયાર છો કે આન્ટી તમારી પ્રશંસા કરતાં થાકતાં નથી. મને તો તમારી ઈર્ષ્યા થવા લાગી હતી.'' મેં હસીને કહ્યું.
મારી વાત સાંભળી તે એક ઊંડો શ્વાસ લઈ ફિક્કું હસીને બોલી, ''એ તો ઠીક છે, છતાં મને લાગે છે કે હું રેખા જેટલી હોંશિયાર તો નહીં જ થઈ શકું.''
''રેખા કોણ?'' મેં ઉત્સુકતાથી પૂછ્યું, બીજી રીતે મને બેહદ આનંદ થયો કે ચાલ, બીના કરતાં પણ વધુ સારી કોઈ છે.
ત્યારે બીના કહે, ''અરે એજ, જે મારા પહેલાં આન્ટીને ત્યાં રહેતી હતી.''
''શું?'' મારું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું. હું બીનાનું ઊતરેલું મોં તાકી રહી. પળભરમાં મને બધું રહસ્ય સમજાઈ ગયું હતું.
કેટલી ચતુરાઈપૂર્વક બીજી સ્ત્રીઓ તરફ ઈર્ષ્યા અને સ્પર્ધાની ભાવના જાગ્રત કરી આન્ટીએ મારી સાથે સાથે પોતાના મકાનમાં રહેનારી બીજી અનાડી નવોઢાઓને પણ સુઘડ બનાવવાના પૂરતા પ્રયાસ કર્યા હતા. પ્રશંસા કરવાની પાછળ આ ધ્યેય છુપાયેલું હતું.
આ ભેદ મને સમજાઈ જતાં મને ખુદને બહુ દુ:ખ થયું કે શા માટે મેં આન્ટીને ખોટાં સમજ્યાં અને તેમના તરફ ચિડાવવાનું શરૂ કર્યું. મા જેવી ફરજ નિભાવનારી મકાનમાલિકણ દરેકને ક્યાં મળે છે? મનમાં થયું કે જઈને તેનો ચરણસ્પર્શ કરું. ભાવવિભોર બની તેના તરફ શ્રદ્ધાભરી આંખો સજળ બની રહી.
હવે પછી જે પણ આન્ટીના મકાનમાં રહેવા આવશે, તેની સાથે મારી પ્રશંસા કરશે. આવો વિચાર આવતાં અચાનક હું મુસ્કુરાઈ ઊઠી.