Get The App

પ્રેમનો ભ્રમ .

વાર્તા - અદિતી .

Updated: Dec 23rd, 2019

GS TEAM

Google News
Google News
પ્રેમનો ભ્રમ                 . 1 - image


એક પુત્ર થવા છતાંય વિનોદ તેની પત્ની સાથે એટલો હળી-ભળી શક્યો નહોતો. તેને હંમેશાં થતું કે જાણે સવિ એને પોતાની તરફ ખેંચી રહી છે. તેને ક્યાં ખબર હતી કે અચાનક જેની સાથે મુલાકાત થઈ ગઈ હતી તે છોકરી હવે જિંદગીભર તેને પોતાની સાથે બાંધી રાખશે.

સાચા પ્રેમને સીમા નથી હોતી. કોઈ તેની સીમા જાણી શકતું નથી. પરંતુ જીવનનું કામ છે પોતાની રીતે પસાર થવાનું.  કેટલાં પ્રેમભર્યા દિલ આવી રીતે તૂટતાં હશે?'

''હમણાં કશું કહી શકાય નહીં. કેટલાક ટેસ્ટ કરવા પડશે. આમ તો તમે હજુ અપરિણીત છો, તો પછી આ પગલું સમજી-વિચારીને ભરવું જોઈતું હતું. ડૉ.પુષ્પા જરા ચિડાઈને બોલ્યાં હતાં.

''જી'' સવિને તેની ભૂલનો અહેસાસ હતો. ડૉક્ટરનાં આ વાક્યો સાંભળીને તેનાં આંસુ નીકળી ગયાં.

''હવે રડવાથી શું થશે? બની શકે કે ભૂલની સજા તમારે ભોગવવી પડશે.''

''ડૉક્ટર'' તેની સાથે આવેલી શિખાએ ગંભીર સ્વરમાં કહ્યું, ''એ તો પહેલેથી દુ:ખી છે, તમે એને ધમકાવો નહિં.''

ડૉક્ટર પુષ્પા પર તો જાણે ગુસ્સાનું ભૂત સવાર હતું. આજકાલની છોકરીઓ તો જિંદગીને જાણે ખેલ સમજે છે. જરાક સુખ માટે આખી જિંદગી દાવ પર લગાવી દે છે. મોજ-મજા ક્યાંક કરશે અને લગ્ન બીજે જ કરશે, અને......

''પરંતુ આ મસ્તી નથી, એનો પ્રેમ છે. એ તો લગ્ન પણ એની સાથે જ કરવા ઈચ્છે છે.''

''લગ્ન એની સાથે જ કરવા ઈચ્છે છે તો પછી વાંધો ક્યાં છે? અને પછી મારી પાસે શું કામ આવી છે? લગ્ન જ કરી લેવાં જોઈએને?''

''હજુ એના છૂટાછેડા થયા નથી.''

''ઓહ, તો એ પરણેલો છે? તો પછી તેની સાથે આવો સંબંધ રાખવાની શી જરૂર હતી?''

''તેને એક પંડિતે આવો ઉપાય બતાવ્યો હતો.'' ડૉક્ટરના સવાલ-જવાબોને કારણે શિખા ધીમેથી બોલી.

''શું, આજકાલ પંડિતો પણ આવી સલાહ આપે છે? અને તમારા જેવી કોલેજિયન યુવતીઓ પણ કેટલી મૂર્ખ છે? મને જો તમારા વિશે પહેલેથી જ ખબર હોત તો હું દવાખાનામાં ઘૂસવા જ ન દેત. જોકે હવે તો તું મારી દર્દી બની ગઈ છે. એટલે વાંધો નહીં, પણ જો તે છૂટાછેડા લઈ લે તો શું તારાં મા-બાપ તેની સાથે લગ્ન કરવાની તને છૂટ આપશે?

''ખબર નહીં, કારણ કે તે મારા કરતાં ૧૫ વર્ષ મોટા છે.'' સવિએ સંકોચ સાથે કહ્યું.

''તું તો તારી વાતોથી મને પાગલ કરી દઈશ.'' પછી એમણે આયાની તરફ મોં ફેરવીને પૂછ્યું, ''બહાર કેટલા દર્દીઓ છે?''

''જી, ૧૦-૧૨ તો છે.'' આયાએ કહ્યું.

ડૉ.પુષ્પાએ પછી બંનેને કહ્યું, ''આજે તો મારી પાસે સમય નથી. આ ટેસ્ટ કરાવ્યા પછી મને મળજે, ત્યારે હું વાત સાંભળીશ.''

ડૉક્ટરને ત્યાંથી  ઊભી થતાં શિખા આજીજી કરતાં બોલી, ''ડૉક્ટરસાહેબ, આ વાત તમે કોઈને પણ કહેતાં નહીં.''

''તું ચિંતા ના કર, મારા દર્દીની ખાનગી વાત મારી જ વાત છે. હું સમજી શકું છું કે અપરિણીત છોકરીઓની ઈજ્જત શું છે?''

ઘેર આવતાંની સાથે જ સવિની માએ તેને ઉપરથી નીચે સુધી જોઈ અને પછી બોલી, ''અત્યાર સુધી તું ક્યાં હતી?''

તેણે બહાનું બતાવ્યું, ''મા, શિખાની તબિયત  સારી ન હતી, આથી તેને ડૉક્ટર પાસે બતાવવા લઈ ગઈ હતી.''

''હવે પછી સમયનું ધ્યાન રાખજે. તને તો ખબર છે કે તારા પિતાજીને આમ-તેમ ફરવાનું પસંદ નથી.'' તેની માએ કહ્યું.

તેણે ઓરડામાં જઈને કબાટમાં પુસ્તકો મૂક્યા અને પલંગ પર સૂઈ ગઈ. ખબર નહીં પણ કેમ તે મંદિરના પૂજારીની વાતોમાં આવી ગઈ. ખરેખર તો વિનોદ જ તેને મંદિર લઈ ગયો હતો.

''અમારા પ્રેમને પૂર્ણતા આપજે, ભગવાન.''

તેણે મંદિરમાં જઈને મૂર્તિ સામે માથું નમાવી પ્રાર્થના કરી.

''આ એજ છોકરી છે.'' તેણે પોતાની પાછળ કર્કશ અને ભારે અવાજ સાંભળ્યો તો મોં ફેરવીને જોયું વિનોદની સાથે જ પંડિતજી ઊભા હતા.

''હા, આજ છે.'' વિનોદે ધીમેથી કહ્યું.

''સુંદર, અતિ સુંદર,'' તેમણે તેને ઉપરથી નીચે સુધી જોઈ. ''છોકરી તારો ડાબો હાથ બતાવ. તેમણે તેના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધા. તેના હાથની રેખાઓ ધ્યાનથી જોઈને બોલ્યા, આ લગ્ન નહીં થઈ શકે.''

''શું?'' તે પોતાના બંને હાથ છોડાવતાં રડી પડી. ''કિસ્મતમાં લખ્યું હોય તે કોણ મિથ્યા કરી શકે છે? એમ તો છોકરી તું જાતે જ વિચાર, તમારી વચ્ચે ૧૫ વર્ષનો તફાવત છે, એ પરણેલો છે, એવામાં લગ્ન કેવી રીતે થઈ શકે?''

તે જાણે કે ગાંડી થઈ ગઈ હતી. પંડિતજીના પગ પકડીને રડી પડી. ''હું વિનોદ વગર રહી શકતી નથી. કોઈ ઉપાય બતાવો.''

એના રડવાથી પંડિતજી પીગળી ગયા હતા. બંને હાથ વડે તેને ઊભી કરી હતી. પંડિતના આવા સ્પર્શથી તેને ગુસ્સો આવ્યો હતો, પરંતુ વિનોદને કોઈ પણ કિંમતે મેળવવો હતો, તેથી શાંત રહી.

''છોકરી, તારી કુંડળી લાવી છે?'' પંડિતે પૂછ્યું.

''હા,'' તેણે પર્સમાંથી જન્મકુંડળી કાઢી તેને આપી.

''હં.....'' એ ૪-૫ મિનિટ સુધી કુંડળી જોઈ રહ્યા પછી મનમાં બબડતાં રહ્યાં, પછી બોલ્યા, ''ઉપાય જરા મુશ્કેલ છે, તું કરી શકીશ?''

''હું કંઈ પણ કરી શકું છું. મારો પ્રાણ પણ આપી શકું છું.''

 ''મરી જવું તો સહેલું છે'' તે એની નજરમાં નજર પરોવતાં ખંધુ હસ્યો. ''તારે લગ્ન પહેલાં જ એની સાચી પત્ની બનવું પડશે. ભલેને થોડીવાર માટે પણ.''

''શું?'' એ ડરી ગઈ હતી. વિનોદ પણ અસંમજસમાં પડી ગયો.

''બસ, હવે તમે જાવ. બીજા ભક્તોને પણ મારે મળવાનું છે.''

એ ભીની આંખો હોવાથી સ્પષ્ટ જોઈ શકી ન હતી કે વિનોદે તેને કેટલા રૂપિયા આપ્યા હતા. થોડાક મહિના તો આ વિચારમાં જ પસાર થઈ ગયા.

જ્યારે સવિ નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી તે  વિનોદને ઓળખતી હતી. અરે એ તો ત્યારથી જ તેની થઈ ગઈ હતી. પરંતુ વિનોદે ક્યારેય એને સ્પર્શ કર્યો નહોતો.

વિનોદ સાથે સવિની મુલાકાત કંઈક વિચિત્ર રીતે જ થઈ હતી. તે જ્યારે પણ તેના મામાના ઘેર જતી ત્યારે દૂરથી જ બૂમો પાડતી. પછી આખા ઘરમાં તેના મામાને શોધતી. એક દિવસ આવી જ રીતે મામાના ઘેર ગઈ. તે જલદી જલદી  દાદરા ચઢી છત પર પણ જોઈ આવી હતી, પરંતુ તેઓ ત્યાં પણ ન હતા. પછી તે સીધી તેમના ઓરડામાં જ ગઈ. તેણે ઓરડામાં લાઈટ કરી જોયું તો કોઈ રજાઈ ઓઢીને સૂતું હતું. તે પણ રજાઈમાં ઘૂસીને તેમને ગલીપચી કરવા લાગી. ''મામા, મામા, આ તે કંઈ સૂવાનો સમય છે? ઉઠો, જલદી ઉઠો.''

''કોણ છે?'' કહેતાં કોઈએ એક હાથે તેની કમર પકડી લીધી. એટલામાં તો રજાઈ પણ ખસી ગઈ હતી. તે અજવાળામાં અજાણ્યા ચહેરાને જોઈને ગભરાઈ ગઈ. પછી એકાએક શરમથી લાલચોળ થઈ ગઈ.

બીજી બાજુ તે અજાણ્યો માણસ પણ એક અજાણી છોકરીને આટલી નજીક જોઈને ચમકીને ઊભો થઈ ગયો. ''તમે.... તમે કોણ છો?''

''હું...... સવિ છું'' તે થર થર ધૂ્રજતી હતી.

''ઓહ...... સવિ...... સાહેલની ભાણી. હું એનો મિત્ર છું. મારું નામ વિનોદ છે. અમે બંને સાથે ભણીએ છીએ. એ બહાર ગયો છે. મારી તબિયત બગડી ગઈ હતી. મારાં મમ્મી-પપ્પા બહારગામ ગયા છે એટલે આરામ કરવા અહીં આવી ગયો.'' તેનો અવાજ પણ સવિના શરીરના સ્પર્શથી ગભરાયેલો જણાતો હતો. ''સારું હવે હું જઈશ, ફરી મળીશું'' તે જતાં જતાં હસવા લાગ્યો.

વિનોદ કોણ જાણે કેવી રીતે સવિને જોવા લાગ્યો કે સવિ નીચે જોવા લાગી. એ કંઈ પણ બોલ્યા વગર ઉભી જ રહી. તે એમ કહી શકી નહીં કે 'તમે બીમાર છો તો આરામ કરો.' એ દિવસે તેને અનોખો અનુભવ થયો.

એ પછી જ્યારે પણ સવિને ખબર પડે કે વિનોદ તેના મામાને ઘેર આવવાનો છે ત્યારે તે બહાનું કાઢીને મામાને ઘેર આવી જતી. આ બાજુ વિનોદ પણ સવિને જ શોધતો રહેતો.

એક દિવસ સવિએ મામાને કહ્યું, ''મને ગણિત આવડતું નથી. માએ કહેવડાવ્યું છે કે તમે મને દાખલા શિખવાડો.''

''મારે તો બીજું કામ છે, તને વિનોદ ભણાવશે.''

સવિને તો જાણે ભાવતું હતું ને વૈદે કીધું. ભણવાના બહાને વિનોદની પાસે બેસી રહેવાનું તેને ગમતું.

રક્ષાબંધન પર તો વિનોદે હદ જ કરી નાખી. મામાની સાથે મા પાસે રાખડી બંધાવવા તે ઘેર આવ્યો હતો. મા પણ આવા ઊંચા, ગોરા, પડછંદ ભાઈને મેળવીને ખુશ થઈ ગઈ હતી. ઘણા પ્રેમથી તેણે રાખડી બાંધી હતી.

સવિ મનમાં હસતી હતી. તે સમજી ગઈ હતી કે આ રાખડી તે એમની વચ્ચે અચાનક બંધાયેલા સંબંધની કડી છે.

જ્યારે સવિનું દસમા ધોરણનું પરિણામ આવ્યું તો તે ખૂબ ખુશ થઈ હતી. તે મનમાં થોડી ગભરાતી હતી કે ફર્સ્ટક્લાસ થોડા ગુણ માટે જતો  ના રહે. તેનું પરિણામ સાંભળીને વિનોદને ખુશી થઈ હતી. તે તેના ઘેર આવ્યો હતો. તેણે તેને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ સવિએ જોયું કે વિનોદનો ચહેરો સહેજ ઉતરી ગયો હતો. તેણે જાણવાની કોશિશ કરી. પરંતુ તેણે વાત ઉડાડી દીધી.'' હું તને દુ:ખી કરવા નથી માગતો.'' બસ એટલું કહીને ચૂપ થઈ ગયો.

ત્રીજા દિવસે મામાએ જણાવ્યું કે અઠવાડિયા પછી વિનોદના લગ્ન છે. છોકરી કોઈ સારા ઘરની છે. ત્યારે સવિને માથે તો જાણે આભ જ તૂટી પડયું. તેનાં લગ્નની કંકોત્રી આપવા વિનોદ જાતે જ આવ્યો હતો. તેનું મોં પડી ગયું હતું. એકાંત મળતાં જ તે રડી પડી હતી. ''આ તમે શું કરી રહ્યા છો?''

''તું જ બતાવ, હું શું કરું? મારા ઘરમાં તારી સાથે લગ્ન કરવાની વાત હું કઈ રીતે કરું? તું તો હજી નાની છે, યુવાન પણ નથી કે તને ભગાડીને લગ્ન કરી લઉં.''

''હવે મારું શું થશે?''

''તું મન લગાવીને ભણ  અને જીવનમાં કંઈક કરી બતાવ, પછી તારાં પણ લગ્ન થઈ જશે.''

''હું હવે લગ્ન નહીં કરું. ઝેર ખાઈને મરી જઈશ.''

''જો, આવી મૂર્ખામી ના કરતી. મારી બદનામી થશે એ તો ઠીક છે પણ મને તારી બદનામીનો ડર વધારે લાગે છે.''

વિનોદનાં લગ્ન પછી સવિની  માએ વિનોદને તેની પત્ની સાથે જમવા બોલાવ્યો હતો, પરંતુ માથું દુખવાનું બહાનું કાઢીને સવિ પોતાના રૂમમાં જ સૂઈ રહી હતી. માએ ઘણો આગ્રહ કર્યો ત્યારે તે 'નમસ્તે' કહેવા બહાર આવી હતી. સહેજ ઊંચી નજર કરીને તેણે વિનોદની પત્ની સામે જોયું. જો કે તે સુંદર હતી, પરંતુ તેને એ દુનિયાની સૌથી ખરાબ સ્ત્રી લાગતી હતી. જેણે તેનું બધું જ છીનવી લીધું હતું.

વિનોદ લગ્ન પછી પણ તેના ઘેર આવતો હતો. બંને એકબીજાને જોઈને સંતોષ માણતાં હતાં. ઘણીવાર વિનોદ વાતવાતમાં કહી દેતો કે તેની પત્ની સાથે તેને ફાવતું નથી.  એનો સ્વભાવ ઘમંડી હોવાથી તે ઘરમાં બધાં સભ્યોને અપમાનિત કરતી. ફાવે તેવું બોલતી હતી. ઘરમાં બધાની સાથે ઝઘડતી હતી. જ્યારે પણ બંને મળતાં ત્યારે વિનોદ કહેતો, ''સવિ તું જ મારી જિંદગી છે.''

આમ ને આમ ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો. પુત્રના જન્મની વાત વિનોદે સૌથી પહેલાં સવિને જ કહી હતી. ત્યારે સવિ રડી પડી હતી.

તેમણે આશ્ચર્યથી પૂછ્યું હતું, ''શું તું ખુશ નથી થઈ?''

''ખુશ તો છું.''

''તો પછી આ આંસુ કેમ?''

''બસ, હવે મને એમ જ લાગી રહ્યું છે કે તમે મારાથી વધારે દૂર થઈ રહ્યા છો.''

એક પુત્ર થવા છતાંય વિનોદ તેની પત્ની સાથે એટલો હળી-ભળી શક્યો નહોતો. તેને હંમેશાં થતું કે જાણે સવિ એને પોતાની તરફ ખેંચી રહી છે. તેને ક્યાં ખબર હતી કે અચાનક જેની સાથે મુલાકાત થઈ ગઈ હતી તે છોકરી હવે જિંદગીભર તેને પોતાની સાથે બાંધી રાખશે.

થોડાં વર્ષો પછી એક દિવસ વિનોદે બહુ જ ગંભીર બનીને સવિને કહ્યું હતું કે, ''હું આ લગ્નથી ખુશ નથી. હું તારી સાથે લગ્ન કરવા માગું છું.''

ત્યારે સવિએ મૌન રહીને જ તેની સંમતિ આપી હતી. બંનેને ખબર હતી કે આ રસ્તો સહેલો નથી.

''મેં ફૂલવાળી ગલીના પંડિત સીતારામનું નામ સાંભળ્યું છે. લોકો કહે છે કે કોઈના પર કંઈ પણ મુશ્કેલી  આવે તો તેઓ મંત્ર-જાપ કરીને તે દૂર કરે છે.''

સવિ ખડખડાટ હસી પડી હતી. ''તમે તો એક મોટી કંપનીના અધિકારી છો, તેમ છતાં આવી વાતો કરો છો.''

વિનોદ થોડો નારાજ થયો હતો. ''તો શું એ ભણેલા ગણેલા બધા જ મૂર્ખ હોય છે. જે તેની પાસે જાય છે?''

''આવા મૂર્ખાઓને લીધે જ તો પંડિતો અને મંદિરો ટકી રહ્યાં છે. હું કોઈ પંડિતની પાસે જવાની નથી.'' એણે કહ્યું.

''એનો મતલબ એ થયો કે તું મને પ્રેમ કરતી નથી. હવે કદાચ તું તારા જેટલી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે.''

''આટલાં વર્ષો પછી પણ મારા પ્રેમ પર શક કરો છો?'' ''હું આવા પંડિત, તાંત્રિકોને નથી માનતી, કારણકે આજના જમાનામાં ખબર જ નથી પડતી કે કોણ સાચું છે ને કોણ જૂઠું?''

''ઠીક છે, હું જાઉં છું.'' વિનોદ ગુસ્સે થઈને ચાલ્યો ગયો.

લગભગ ૫-૬ મહિના વીતી ગયા. સવિ વિનોદ વગર તડપતી હતી. તેનાં માતા-પિતાએ તેના માટે છોકરો જોવાનું શરૂ કર્યું હતું. આવી પરિસ્થિતિ ઊભી થતાં એક વાર એ પણ વિચાર કરવા લાગી કે એક વખત પંડિતજીને મળવા જવું જોઈએ.

એક દિવસ ના રહેવાયું એટલે એણે જાતે જ વિનોદને ફોન કર્યો. ''હું સીતારામ પંડિતને મળવા તૈયાર છું.''

''સાચે જ?'' વિનોદે આશ્ચર્યથી કહ્યું.

તેમને મળ્યા પછી પંડિતજીએ બતાવેલા ઉપાય પ્રમાણે વર્તવામાં કેટલી મુશ્કેલી હતી. મહિના પર મહિના વીતી ગયા. ઘણી મુશ્કેલી પછી તેમને એકાંત મળ્યું હતું. જ્યારે સવિના માતા પિતા તથા ઘરનાં બધાં જ સભ્યો કોઈ લગ્નમાં ગયાં હતાં. એ તબિયત સારી નહીં હોવાનું બહાનું કાઢીને ઘેર આવી હતી.

હવે સવિ તેના એ બેવકૂર્ફીભર્યા નિર્ણયથી મૂંઝાતી હતી.

''સવિ, અંધારું કરીને કેમ સૂઈ ગઈ છે?''

તેની માએ આવીને લાઈટ કરી અને ચાની ટ્રે ટેબલ પર મૂકી.

''કંઈ નહીં મા, બસ થોડી થાકી ગઈ છું. તું શું કામ ચા લઈને આવી, હું જાતે આવત ને.''

એક અઠવાડિયા પછી તેણે ડૉક્ટર પુષ્પાને ફોન કરીને મળવાનો સમય માગ્યો.

તેમણે કહ્યું, ''તું દવાખાને આવીશ નહીં, કારણ કે દવાખાને બહુ ભીડ હોય છે, કાલે સાંજે ચાર વાગે મારા ઘેર આવજે ત્યાં તારી સાથે વાત કરીશ.''

''મારા ચેકઅપનું પરિણામ શું છે?''

''એ તો કાલે જ તને હું બતાવીશ.'' કહી તેમણે ફોન મૂકી દીધો.

બીજા દિવસે ડૉક્ટરના ઘેર જતાં તેણે તેની બહેનપણી શિખાને પણ સાથે લીધી.

''બેસો'' ડૉ.પુષ્પાએ બંનેને જોતાં ગંભીર અવાજમાં કહ્યું, સવિએ સંકોચાતાં પૂછ્યું, ''મારા ટેસ્ટનું પરિણામ શું છે?''

''હમણાં જ કહી દઉં છું.'' તેમણે તેમના નોકરને બૂમ મારીને કહ્યું, ''હરિ, ત્રણ ચા અને બિસ્ટિક આપી જા'' પછી તે તેમને પૂછવા લાગી.

''તારી તબિયત તો ઠીક રહે છે ને, ગભરામણ તો નથી થતીને?''

સવિને ઘણી શંકા-કુશંકાઓ થઈ રહી હતી.

''શું કંઈ એવી વાત છે?''

''નહીં.''

''સાચ્ચે ડૉક્ટર'' બંને એકસાથે બોલી ઉઠી. સવિએ ઉઠીને ડૉક્ટરના હાથ પકડી લીધા, ''તમે નથી જાણતા, તમે  મને કેટલી મોટી ચિંતામાંથી બચાવી લીધી છે. તમારો ઘણો આભાર.''

ડૉક્ટરે ગંભીર બનીને કહ્યું, ''સવિ, મારી વાત ધ્યાનથી સાંભળ, જે રીતે તું તારી ચિંતાથી મુક્ત થઈ રહી છે, તે રીતે તેને પણ હવે છોડી દે.

''કોને?'' સવિએ આશ્ચર્યથી પૂછ્યું.

''એ વ્યક્તિ, તે શું નામ બતાવ્યું હતું એનું જેની સાથે તારે સંબંધ છે?''

''વિનોદ''

''હા, હવે તું વિનોદથી દૂર રહે તો સારું.''

સવિએ માથું હલાવીને કહ્યું, ''અમે બંને હવે જુદા પડી શકીએ એમ નથી.''

''એ સ્થિતિ તમારાં બંને માટે જ નહીં. વિનોદની પત્ની માટે પણ મુશ્કેલી ઊભી કરશે. ત્યાર પછી તેના છોકરાનું પણ જીવન બગડશે.''

''ડૉક્ટર, તમે ક્યારેય પ્રેમ કર્યો છે.?''

સવિએ ડૉક્ટરને પૂછ્યું.

એ ધીમેથી હસીને બોલી, ''આ દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જેણે પ્રેમ ના કર્યો હોય, જેને પ્રેમ થઈ ગયો ના હોય?''

''તો પછી તમે મને વિનોદથી દૂર રહેવાનું કેમ કહો છો? તમને ખબર તો છે, હું એના વગર જીવી શકતી નથી?''

''નહીં, એ તારો ભ્રમ છે. એક સ્ત્રી એના પતિ અથવા દીકરાના મૃત્યુ પછી પણ જીવી શકે છે, તો તું પણ તેનાથી દૂર રહીને જીવી શકે છે.''

''તમે મારા પ્રેમને ઓળખતા નથી.''

''સાચા પ્રેમને સીમા નથી હોતી. કોઈ તેની સીમા જાણી શકતું નથી. પરંતુ જીવનનું કામ છે પોતાની રીતે પસાર થવાનું. કોણ જાણે કેટલાં પ્રેમભર્યા દિલ આવી રીતે તૂટતાં હશે?'' તેમનું આ વાક્ય સવિ અને શિખાને સ્પર્શી ગયું.

ડૉ.પુષ્પાએ પૂછ્યું, ''સવિ, તું વિનોદને પહેલીવાર ક્યારે મળી હતી? મને આખી વાત કહે. સવિએ આખી વાત કહી દીધી આ સાંભળીને તેમણે કહ્યું, ''તમારી બંનેની ઉંમર વચ્ચે બહુ મોટું અંતર છે.''

''પ્રેમ ઉંમર વગેરેને નથી જાણતો.''

''પ્રેમ ઉંમરને નથી જાણતો પણ સમાજ વ્યવસ્થામાં લગ્ન  માટે કોઈ કાયદા-કાનૂન જેવું ય હોય કે નહીં. જીવન જીવવા માટે આપણે આ શરતો, આ વ્યવસ્થા સ્વીકારવી પડે છે. વડીલો વિચારે છે કે વ્યવસ્થા જળવાયેલી રહે તો સારું એમ તો વિનોદ પરણેલો છે. તેને પાંચ વર્ષનો દીકરો પણ છે.''

''તો શું થયું, તે મને એટલો પ્રેમ કરે છે કે લગ્ન કરવા  માટે પણ તૈયાર છે. હવે મને પંડિતજીની વાત પર વિશ્વાસ થવા લાગ્યો છે કે અમારાં લગ્ન જરૂર થશે. એમની પત્ની હમણાં અઠવાડિયા પહેલાં જ ઝઘડીને પિયર ચાલી ગઈ છે અને ધમકી આપતી ગઈ છે કે હવે તો છૂટાછેડા લઈને જ રહેશે.''

''છૂટાછેડા લીધા પછી તું એની સાથે લગ્ન કરીને તો પણ તું શું સારી રીતે જીવી શકીશ.''

''અમારો પ્રેમ અમને શીખવાડી દેશે.''

''એ તારો ભ્રમ છે.''

''હું મારી સાથે સમાધાન કરી લેત, જો વિનોદ તેની પત્ની સાથે સુખી હોત તો.''

''તે તારા લીધે જ તેની પત્ની સાથે સુખી થઈ નથી શકતો.''

સવિ અકળાઈ ગઈ, ''શું હું એ બંનેને ઝઘડા કરાવવા જાઉં છું?''

''તું ઝઘડા નથી કરાવતી, પરંતુ તેનાં લગ્ન પછી પણ તે એની સાથે સંબંધ ચાલુ રાખ્યો છે. તારા અને એમના બંનેના સુખી જીવન માટે તું એને છોડી દે.''

''એ પણ મને છોડી શકતો નથી. લગ્ન પછી પણ મારા ઘેર આવે છે.''

''તું એની સાથે પ્રેમ કરે છે. તેનો પ્રેમનો પ્રેમથી જવાબ આપે છે. ત્યારે તો એ તારા તરફ ખેંચાતો આવે છે. કોઈ પ્રેમનો અંત મોટા ભાગે કોઈ સ્ત્રીના જ હાથમાં હોય છે. તેણે બધાના ભલા માટે પોતાના પ્રેમ પર, પોતાના હૃદય પર એક પથ્થર મૂકવો પડે છે. એક પૂતળું બનીને જીવવું પડે છે.'' કહેતાં ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયાં.''

સવિ અને શિખા સમજી ન શકી કે ડૉક્ટરને શું કહેવું?

ડૉ.પુષ્પા તેમની જાતે જ કહેવા લાગ્યા કે, ''હું એમ.બી.બી.એસ.ના ચોથા વર્ષમાં હતી. ત્યારે કોઈ પોતાની બહેનના દહેજ માટે વેચાઈ ગયું હતું. હું એની મજબૂરી જાણતી હતી. મારા પિતાની સ્થિતિ સારી ન હતી કે હું મેડિકલમાં પ્રવેશ લઈ શકું  અને મારા પિતા દહેજ પણ આપી શકે એવી સ્થિતિમાં નહોતા. લગ્ન પછી પણ તે મારી કોલેજમાં આંટા મારતો હતો, પરંતુ મેં જ તેની સાથે એવું વર્તન કર્યું કે તે કાયમ માટે મને છોડીને જતો રહ્યો. ધીરે ધીરે અમને બંનેને એકબીજાથી દૂર રહી જવાની ટેવ પડી ગઈ.''

''એટલા માટે તમે લગ્ન નથી કર્યા?''

શિખાએ પૂછ્યું. ''હા, પરંતુ આવતા મહિને લગ્ન કરવાની છું. જીવન જીવવા માટે સામાજિક રીત રિવાજ સ્વીકારવા પડે છે.''

''પરંતુ  મારો વિનોદ તેની પત્ની સાથે સુખી તો નથી.'' સવિ ફરી બોલી.

''એ તો તારે લીધે એ તેની પત્નીને પૂરેપૂરો તો શું થોડો પણ પ્રેમ કરી શકતો નથી. આથી જ એ પણ ચીડિયા સ્વભાવની થઈ ગઈ હશે. પત્ની સાથે ઝઘડો થયા પછી જ એ તારી પાસે આવતો હશે. તું જ કહે. એક પરણેલાં પુરુષ માટે આ વાત યોગ્ય છે? પ્રેમિકાને પણ  ના મેળવી શકે કે ના તો પત્નીની સાથે સુખેથી જીવી શકે? એટલે જ હું ઈચ્છું છું કે તું  એને છોડી દે.''

''પંડિતનો ઉપાય, તેની ભવિષ્યવાણી?''

એ એક નંબરનો ધૂતારો હશે. તારી જિદ જોઈને એણે એક વ્યવહારુ ઉપાય, કે એમ કહો વચલો માર્ગ બતાવ્યો હશે.

એણે વિચાર્યું હશે કે તારા આવા સંબંધોની વાત  જાણીને તારાં મા-બાપ તારાં લગ્ન માટે રાજી થઈ જશે અથવા તું મા બનવાની છે એ જાણીને તારાં મા-બાપ લગ્ન કરવા માટે મજબૂર થઈ જશે.

સવિને લાગ્યું કે ડૉ.પુષ્પાની વાતોથી તેના મનમાં ગૂંચવાયેલી ઘણી વાતોનું સમાધાન થઈ ગયું.

પ્રેમના આ ભ્રમથી જ તેનું જીવન પણ અટવાઈ ગયું હતું.

સવિએ નક્કી કર્યું કે તેની કમરમાં વીંટળાયેલા એ હાથને તે દૂર કરશે તો જ વિનોદને મુક્ત કરી શકશે.

Tags :