વાર્તા : અદલા બદલી .

- શિખા સમીરને કોઈ તીખો જવાબ આપે તે પહેલાં જ માનસી ચા-નાસ્તાની ટ્રે લઇને ત્યાં આવી પહોંચી. તેણે ચાનો કપ સમીરને આપતા શરમાતા સ્વરે કહ્યું, ''હું તમારા બંનેની વાતો રસોડામાં ઊભી રહીને સાંભળતી હતી. મારા મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે, શું તમે લગ્ન બાદ પોતાની ભાવિ પત્ની પ્રતિ વફાદાર રહી શકશો?''
માનસીની સમીર સાથે લેન્ડલાઈન ફોન પર રવિવારે સવારે ૧૧ વાગે વાત થઈ. દિલ્લીથી મેરઠ આવેલા સમીરને પોતાના ઘરનો રસ્તો સમજાવવામાં માનસીને ખાસ કંઈ તકલીફ થઈ નહીં.
માનસીનાં મમ્મીપપ્પા તેના બીમાર મામાની ખબર કાઢવા ગયાં હતાં. તેણે પોતાના પપ્પાને મોબાઈલ ફોન પર વાત કરીને સમીરના આગમનની માહિતી આપી દીધી.
''અમારે પરત ફરવામાં હજુ લગભગ કલાક થઈ જશે, ત્યાં સુધી તું સમજદારીથી તેની સાથે વાત કર અને તેને નાસ્તો પણ જરૂર કરાવજે.'' શિખામણ આપીને તેના પપ્પાએ ફોન કાપી નાખ્યો.
માનસીની મમ્મીની નાનપણની સાહેલી શીલાનો દીકરો હતો સમીર, જે તેને જ મળવા માટે આવી રહ્યો હતો. જો તેઓ બંને આ પ્રથમ વાર યોજાનાર મુલાકાતમાં એકબીજાને પસંદ કરી લે, તો આ સંબંધ નક્કી કરી લેવામાં કોઈ અન્ય અડચણ આવનાર ન હતી.
સમીર ૧૦ મિનિટ બાદ માનસીના ઘેર પહોંચી ગયો. પોતાની સામે ૨ સુંદર, સ્માર્ટ છોકરીઓને જોઈને સમીર સંકોચાયેલો નજરે પડી રહ્યો હતો.
''હું માનસી છું અને આ છે મારી સૌથી સારી સાહેલી શિખા.'' ઘરના દરવાજા પર પોતાનો અને પોતાની સાહેલીનો પરિચય આપીને માનસી તેને દિવાનખંડમાં લઈ આવી.
તેમની વચ્ચે થોડી વાર મામાની બીમારી, વાતાવરણ અને ટ્રાફિક વિશે વાતચીત થઈ. ત્યાર બાદ માનસી ઊઠીને ચા બનાવવા ચાલી ગઈ.
શિખાએ હસતાં-હસતાં સમી૨ને ઉપરથી નીચે સુધી ઘ્યાનથી જોયો અને બાદમાં હળવા અવાજે કહ્યું, ''જોડી તો તમારા બંનેની ખૂબ જામશે. તમને પ્રથમ નજરમાં કેવી લાગી મારી સાહેલી?''
''હું તો કહીશ કે તમે બંને સાહેલીઓ એકબીજાને માત આપો તેવી સુંદર અને સ્માર્ટ છો.'' સમીરે પણ તક ઝડપીને બંને સાહેલીઓનાં વખાણ કરી જ નાખ્યાં.
શિખાએ ખુશ થતાં કહ્યું, ''તમે તો ખૂબ જ સમજદાર વ્યક્તિ લાગી રહ્યા છો. સારું, ત્યારે એ જણાવો કે તમે તમારી કરિયરથી ખુશ છો કે પછી આગળ કોઈ કોર્સ કરવો છે?''
''એન્જિનિયરિંગ બાદ મેં એમબીએ કર્યું છે. હવે વધુ અભ્યાસ કરવાની હિંમત મારામાં નથી.''
''પરંતુ મારી સાહેલી તો હજુ વધુ અભ્યાસ કરીને સી.એ. બનવા ઈચ્છે છે. શું તમે તેને આગળ અભ્યાસ કરવાની સુવિધા આપશો?''
''તેને મારો સંપૂર્ણ સહયોગ મળશે.''
''એટલે કે તમે તેની દરેક ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર રહેશો એમ ને?'' શિખાએ નજાકતભરી અદા સાથે પ્રશ્ન પૂછયો.
''બિલકુલ.''
''અને આમ કરવા પર જો લોકો તમને વહુનો ગુલામ કહેવા લાગે તો?'' શિખાનું ખડખડાટ હાસ્ય ડ્રોઇંગરૂમમાં ગુંજી ઊઠયું.
સમીરને શરમાતો જોઈને શિખા પર જાણે હાસ્યના ફુવારા ઊડયા. જ્યારે તેનું હસવું રોકાવું ત્યારે સમીરે હસતાં-હસતાં કહ્યું, ''જો તને ખોટું ન લાગે તો એક વાત કરું?''
''હા, કહો.''
''તારું હાસ્ય ખૂબ જ સેક્સી છે.''
સમીરની આ ટિપ્પણીને સાંભળીને તેના ગાલ ગુલાબી થઈ ગયા, પછી શિખાએ પોતાની જાત પર સ્વસ્થતા કેળવી લીધા અને નારાજ થતાં બોલી, ''અરે, તમે તો પ્રથમ મુલાકાતમાં જ જરૂર કરતાં વધારે હરખાઈ રહ્યા છો.''
''સોરી, પ્રોબ્લેમ એ છે કે સુંદર છોકરીઓને જોઈને જરા વધુ પડતો હું મૂડમાં આવી જઉં છું.'' સમીર શરમ અનુભવવાને બદલે મશ્કરીના મૂડમાં હસી રહ્યો હતો.
''એટલે કે તમે સુંદર છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાના શોખીન છો?'' શિખાએ પાંપણો તંગ કરતાં પૂછયું.
''થોડોથોડો, પરંતુ આ વાત તારી સાહેલીને કહેતી નહીં.''
''હું તો જરૂર કહીશ''
''જોજે, તું કહેતી નહીં.''
''આ વાત આટલા વિશ્વાસ સાથે કેવી રીતે કહી રહ્યા છો?'' શિખાએ આશ્ચર્ય સાથે પૂછયું.
''જો, માનસી સાથે મારાં લગ્ન થશે તો તું મારી પ્રિય સાળી બનીશ, શું તું તારા ભાવિ જીજાજીની ચાડી કરીને તેમની સાથે અત્યારથી જ સંબંધ ખરાબ કરવા ઈચ્છે છે?''
''વાતો બનાવવામાં તો તમે પૂરા ઉસ્તાદ લાગી રહ્યા છો. સારું, હવે એ જણાવો કે હાલમાં નોકરી ક્યાં કરી રહ્યા છો?''
''એક મલ્ટિનેશનલ કંપનીમાં.''
''કેટલો પગાર મળે છે?''
''કાપીકૂપીને રૂપિયા ૬૦ હજાર મળી રહે છે.'' ''અને બીજું, કેટલાં વર્ષથી નોકરી કરી રહ્યાં છો?''
''લગભગ ૩ વર્ષથી.''
''ત્યારે તો તમે ખૂબ માલ જમા કરીને રાખ્યો હશે, એમ ને?''
''તારે ક્યારેક લોન જોઈએ તો માગી લેજે.'' સમીરે તરત જ દરિયાદિલી દર્શાવી.
''લોન લીધા બાદ જો હું તેને પરત ન કરું તો?''
''કોઈ વાત નહીં, મારી વહાલી સાળી માટે લોનને ગિફ્ટમાં બદલીને મને ખૂબ જ ખુશી થશે.''
શિખાએ મોં મચકોડતાં કહ્યું, ''માનસી ખૂબ જ સીધી અને ભોળી છોકરી છે. મને નથી લાગતું કે તે તમારા જેવા તેજતર્રાર અને ચાલુ વ્યક્તિ સાથે લગ્ન કરીને ખુશ રહેશે.''
''હવે તો આ લગ્ન તારે કરાવવા જ પડશે.'' સમીરે તરત જ નાટકીય અંદાજમાં તેની સામે હાથ જોડી દીધા.
''આમ કેમ?'' શિખાએ ચોંકીને પૂછયું.
''હું તારા જેવી સારી સાળીને ગુમાવવા ઈચ્છતો નથી.''
''કેવળ સારી સાળી મેળવવા માટે તમે કોઈની પણ સાથે લગ્ન કરી લેશો?''
''તારા જેવી સૌંદર્યવાન સાળીને મેળવવા માટે આવું જોખમ પણ ઉઠાવવામાં વાંધો નથી.''
''એ મિસ્ટર, મારા પર વધુ લાઈન મારશો નહીં, નહીં તો માનસી નારાજ થઈ જશે.''
''તું પણ તારી અદાઓથી મને લલચાવવાનું બંધ કરી દે ને.''
શિખા સમીરને કોઈ તીખો જવાબ આપે તે પહેલાં જ માનસી ચા-નાસ્તાની ટ્રે લઇને ત્યાં આવી પહોંચી. તેણે ચાનો કપ સમીરને આપતા શરમાતા સ્વરે કહ્યું, ''હું તમારા બંનેની વાતો રસોડામાં ઊભી રહીને સાંભળતી હતી. મારા મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે, શું તમે લગ્ન બાદ પોતાની ભાવિ પત્ની પ્રતિ વફાદાર રહી શકશો?''
સમીરે તરત લાપરવાહ અંદાજમાં જવાબ આપ્યો, ''આ મામલામાં હું કશું જ કહી શકતો નથી, મારું માનવું છે કે જબરદસ્તીથી કોઈ પણ વ્યક્તિ બીજાને પ્રેમ કરી શકતો નથી.''
''વાહ, શું વાત કહી છે.'' શિખાએ તરત સમીરના ડાયલોગનાં વખાણ કર્યાં.
''પરંતુ મારું માનવું છે કે જો એક વાર લગ્ન થઈ ગયા તો તે પવિત્ર સંબંધને આપણે જીવનભર નિભાવવો જોઈએ.'' માનસીએ તેને પોતાનું મંતવ્ય જણાવ્યું.
''જીવનસાથી જો ગળાનો ફાંસલો બની જાય તો તે સંબંધને તોડી નાખવામાં પણ કોઈ ખરાબી નથી.'' સમીરે માનસીની વાત સાંભળ્યા બાદ પણ પોતાની માન્યતા બદલી ન હતી.
''વાહ, શું વાત કરો છો.'' શિખા ફરીથી વચ્ચે બોલી ઊઠી.
''તું મારાં વખાણ કરે છે કે પછી મારી મજાક ઉડાવી રહી છે?'' સમીરે તેને નાટકીય અંદાજમાં પૂછયું.
''તમને શું લાગે છે?''
શિખા પ્રશ્ન પૂછીને નાટકીય અંદાજમાં હસી પડી.
સમીરના જવાબ આપતાં પહેલાં જ માનસી બોલી ઊઠી, ''મને તો તમારા બંનેની પરસ્પરની ટયૂનિંગ વધુ સારી લાગી રહી છે. માટે જ વધુ સારું એ રહેશે કે મારે બદલે...''
''બસ, આગળ કશું જ બોલીશ નહીં માનસી.'' સમીરે તેને અટકાવી દીધી, ''હું લગ્ન તારી સાથે જ કરીશ, કારણ કે આ તો સાળી બનીને મારા જીવનમાં આવી જ જશે.''
પછી સમીરે અચાનક મશ્કરીભર્યા અંદાજમાં શિખાને આંખ મારી ત્યારે તે ભડકીને એક ઝાટકા સાથે ઊભી થઈ ગઈ અને બોલી, ''તમે જરૂર કરતા વધારે ચાલુ વ્યક્તિ છો, મિસ્ટર સમીર. મેં તમને ખૂબ જ સારી રીતે ઓળખી લીધા છે.''
''જ્યારે મને ઓળખી જ લીધો છે તો જણાવી દે કે મને તેં ૧૦૦માંથી કેટલા ગુણ આપ્યા છે?'' સમીરે ગર્વભેર કોલર ઊંચા કરતા પૂછ્યું. ''હું આ લગ્ન થવા જ નહીં દઉં.'' શિખાનું મોં ગુસ્સાથી લાલ થઈ ઊઠયું.
''તું ગુસ્સામાં પહેલાં કરતાં પણ વધારે સુંદર લાગે છે.'' સમીરે તેનાં વખાણ કરવાની આ તક પણ જતી કરી નહીં.
''હું આ સજ્જનને હવે વધુ સહન કરી શકતી નથી. હવે તો તું જ આમને સહન કર.'' કહીને શિખા ગુસ્સાથી રાતીપીળી થતી ત્યાંથી ઊઠીને ઘરના અંદરના ભાગમાં ચાલી ગઈ.
''તમારા પ્રેમને કોઈપણ છોકરી પર લુંટાવતા રહેશો તો કોઈપણ હાથ આવશે નહીં.'' આવો ગરમ જવાબ આપીને માનસી શિખાની પાછળ જવા તૈયાર થઈ ત્યારે જ ડોરબેલનો અવાજ સંભળાયો.
માનસી દરવાજો ખોલવા ચાલી ગઈ અને જ્યારે પરત ફરી ત્યારે તેનાં માતાપિતા તેની સાથે હતાં.
''કેમ છે સમીર? કશું ખવડાવ્યું પિવડાવ્યું કે નહીં આ બંનેએ તને?'' માનસીના પિતાએ ખૂબ જ ઉષ્માસભર સમીર સાથે હાથ મિલાવ્યા.
ત્યારે જ શિખાએ રૂમમાં પ્રવેશ કર્યો અને ગુસ્સાભર્યા અવાજમાં કહ્યું, ''અમારાં લગ્ન થઈ શકશે નહીં, પપ્પા.''
''આમ કેમ કહી રહી છે દીકરી?'' તેના પપ્પાની આંખોમાં ચિંતાના ભાવ હતા.
પોતાના પપ્પાને જવાબ આપવાને બદલે શિખા સમીર તરફ વળી અને તીખા અવાજે બોલી, ''હું આવું પપ્પાને એટલા માટે કહી રહી છું, કેમકે હું જ માનસી છું, શિખા નહીં. હું તમારી સાથે મુક્ત મને વાત કરવા ઈચ્છતી હતી, માટે જ શિખા બનીને મળી. જે કોઈ થયું તે ખૂબ જ સારું થયું, કારણ કે હવે હું ઓછામાં ઓછી તમારી સચ્ચાઈ તો જાણી ચૂકી છું. હું તમારા જેવા સ્વચ્છંદી વ્યક્તિ સાથે લગ્ન કરીને જીવનભરનો સંબંધ હરગિજ જોડવા ઈચ્છતી નથી.'' સમીર પરેશાન દેખાવાને બદલે ઉત્સાહિત અંદાજમાં બોલ્યો, ''પરંતુ તું જરા શાંતિથી વિચારીશ તો એક વાત સ્પષ્ટ થઈ જશે, માનસી. હું દિલ તો તને જ દઈ ચૂક્યો છું અને આ વાત તો આપણા લગ્નના પક્ષમાં જવી જોઈએ.''
''સોરી, મિસ્ટર સમીર, આ જ વાત તો તમારી દાનત અને ચરિત્રમાં ખોટ હોવાનો પુરાવો છે.'' સમીર અચાનક ગુસ્સે થઈ ગયો, ''ઓછી ગુનેગાર તું પણ નથી. તું મને આટલી વધુ લિફ્ટ કેમ આપી રહી હતી?''
''મારે તમારી સાથે કોઈપણ વાદવિવાદમાં પડવું નથી. તમે પોતાના માટે કોઈ અન્ય છોકરી શોધી લો.''
''નહીં, મારે તારી સાથે જ લગ્ન કરવાં છે.'' સમીર તેની સામે છાતી કાઢીને ઊભો રહી ગયો, ''તું મજાક કરે તો મજાક અને બીજું કોઈ મજાક કરે તો ચારિત્ર્યહીન. આ તે કેવો ન્યાય થયો?'' ''શું હેતુ છે તમારી આ વાતનો?'' માનસી એકદમ ચોંકી ગઈ અને મૂંઝવણનો શિકાર બની ગઈ.
''તું શિખા બનીને મને મળી જરૂર, પરંતુ સત્ય એ છે કે હું મારાથી પોતાની સાચી ઓળખ છુપાવી શકી ન હતી.'' સમીર હવે દિલ ખોલીને હસી રહ્યો હતો. ''આમ બની શકે જ નહીં, કારણ કે આપણે જીવનમાં પ્રથમ વાર જ મળી રહ્યા છીએ.'' માનસીને સમીરના કહેવા પર વિશ્વાસ થયો ન હતો.
સમીરે પોતાના કોટના ખિસ્સામાંથી એક ફોટો બહાર કાઢયો અને માનસીને બતાવતા બોલ્યો કે, ''તારી કોલેજની સાહેલી વંદનાનાં લગ્ન દિલ્લીમાં થયાં છે, તારી આ તસવીર મને ૨ દિવસ પહેલાં જ તેની પાસેથી મળી ગઈ હતી. તેથી જ મને આજે તને ઓળખી લેવામાં કોઈ જ મુશ્કેલી પડી ન હતી.''
''તમારે આ વાત મને શરૂમાં જ બતાવવી જોઈતી હતી.'' ગભરાટના માર્યા માનસી હવે બોલતાં-બોલતાં અટકવા લાગી હતી.
''જો શરૂમાં જ આ સસ્પેન્સ હું ખોલી નાખત તો પછી મને ખબર કેવી રીતે પડત કે મારી ભાવિ પત્ની કેટલી નોટંકી કરી જાણે છે.'' સમીરની આ મજાક પર માનસીને બાદ કરતા ત્રણે જણ તાળીઓ પાડતા હસી પડયા.
''તમે આ કામ ઠીક નથી કર્યું.'' માનસીના ગોરા ગાલ ગુલાબી થઈ ગયાં અને તે પ્રથમ વાર તે જ અંદાજમાં શરમાઈ જેવી કે કોઇપણ છોકરી પોતાના ભાવિ પતિને જોઈને શરમાય છે. ''જો હું આમ ન કરત તો તને ખબર કેવી રીતે પડત કે નાટક કરવામાં હું પણ કોઈનાથી ઊણો ઊતરું તેવો નથી.'' સમીર દ્વારા ખૂબ જ નાટકીય અંદાજમાં છાતી ફુલાવીને કરવામાં આવેલી આ મજાક પર સમગ્ર રૂમ ફરી એક વાર તાળીઓના અવાજથી ગુંજી ઊઠવો અને માનસી લજ્જાની-શરમાતી પોતાના રૂમમાં દોડીને ચાલી ગઈ.








