Magazines

વાર્તા : નજરનો ફેર .

By GS TEAM
28 Jul 202514 mins read
વાર્તા : નજરનો ફેર                                              .

- નવવિવાહિત દંપતીઓની આમ પણ સૌને ખબર પડી જ જાય છે. આથી સૌ તેમને તાકી તાકીને જુએ તે સ્વાભાવિક છે. પણ શાનિકાનું અજીબોગરીબ ટોપ અને પેન્ટીલાઈન દર્શાવતું જીન્સ જોઈને નમન શરમજનક પરિસ્થિતિમાં મુકાતો જતો હતો કે શું ખાખ ગૃહસ્થી ચલાવશે આ છોકરી...

નમન ચુપચાપ બેઠો હતો. તેની જિંદગીનો ત્રીજો મોટો વળાંક શરૂ થવા જઈ રહ્યો હતો એટલે કે તેનાં લગ્ન થવાના હતાં. પહેલો વળાંક હતો અભ્યાસ, જે બહુ જ શાનદાર રહ્યો. તે પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો. પછી નોકરી માટે પણ આઈઆઈટી, એન્જિનિયર અને અમદાવાદ આઈઆઈએમથી એમબીએ થયેલા છોકરા માટે મોટીમોટી કંપનીઓએ કાર્પેટ પાથરી દીધી. મનપસંદ નોકરી મળી. બધું જ તેની જિંદગીમાં સરસ રહ્યું હતું, પરંતુ છોકરીઓથી તે હંમેશાં ઘણો દૂર રહ્યો. આથી છોકરીઓના સ્વભાવને

નજીકથી જાણવાસમજવાનો તેને ક્યારેય અવસર મળ્યો નહોતો. પોતાની સાથે ભણતી છોકરીઓને તેણે પોતાની સાથે ભણતા છોકરાઓ કરતાં વધારે મહત્ત્વ હોતું આપ્યું.

પરંતુ નમને જ્યારે પોતાના મનમાં ડોકિયું કર્યું તો હંમેશાં એક પરંપરાગત ભારતીય યુવતીની તસવીર જ તેને તેમાં વસેલી દેખાતી. જે ચુલબુલી તો હોય પણ સાથે થોડી ગંભીર પણ હોય. આત્મવિશ્વાસની સાથે તેનામાં નિર્દોષતા પણ હોય, મહત્ત્વાકાંક્ષી હોય પણ જેની પહેલી પ્રાથમિકતા તેનું ઘર હોય, પણ આવી કોઈ છોકરી સાથે તેની ક્યારેય મુલાકાત થઈ નહોતી. તેણે પોતાની સાથે ભણતી છોકરીઓ વિશે વિચાર્યું તો તેમનામાં પણ તેને છોકરાઓ જેવા ગુણ વધારે દેખાતા હતા. તેઓ નોકરી સરસ રીતે કરી શકતી હતી, બહારના કામ પણ આરામથી કરી શકતી હતી, પણ ઘરગૃહસ્થી તેમના માટે થોડી દૂરની વાત હતી. નિર્દોષતા તો તેમનાથી ઘણી દૂર હતી. સંબંધો નિભાવવા તો જાણે તેમની ક્ષમતાની બહાર લાગતું હતું. તેઓ છોકરાઓના બધાં કામ આરામથી કરી શકતી હતી, પરંતુ છોકરીઓની જેમ કશું જ નહીં. નમનને એવું લાગતું હતું કે આ બધું તો તે પણ કરી શકે છે. તેને એવી પત્ની જોઈતી હતી, જે એ બધું કરી શકે, જે નમન નહોતો કરી શકતો. તેની આ પ્રકારની વિચારસરણીની તેના મિત્રો ખૂબ મજાક ઉડાવતા.

પરંતુ છોકરીઓને જોઈને તેનાં હોશ ઊડી જતાં હતાં કે આ છોકરીઓ કોઈની પત્ની કે વહુ બની શકશે?

બીજી બાજુ તેની મમ્મી રોજ એકએકથી ચડિયાતી છોકરીઓની તસવીરો તેને બતાવતી. આ એમબીએ છે, આ આઈઆઈટી એન્જિનિયર, આ એમસીએ છે વગેરે વગેરે. આ ફલાણી સ્કૂલમાં ભળેલી છે અને આ પૈડી સ્કૂલમાં ભણેલી છે. તે કંટાળી જતો. તે આ છોકરીઓની અને તેના દિલમાં વસેલી પરંપરાગત ભારતીય યુવતીની તસવીર સાથે કોઈ મેળ બેસતો જોઈ શકતો નહોતો.

''મમ્મી મારે એવી છોકરી નથી જોઈતી, જે સાડી પહેરીને બરાબર ચાલી પણ ન શકતી હોય અને જેના વાળ છોકરાઓ જેવા ટૂંકા હોય.''

''પહેરવેશ તો દેશ, સમય, પરિસ્થિતિ પ્રમાણે હોય છે દીકરા.'' મમ્મી સમજાવતી, ''આજના સમયમાં છોકરીઓ જે રીતે કામ કરે છે તેમાં લાંબો ચોટલો અને સાડી તેમને ફાવે નહીં. છોકરીઓ લાંબા વાળ ક્યારે ધુએ અને ક્યારે ઓફિસ પહોંચે... જેટલી વાર તેમને સાડી પહેરતા લાગે તેટલી વારમાં તો ગાડી, સ્કૂટર કે પછી બસમાં ઓફિસે પહોંચી જઈ શકે. આથી જીન્સ, સ્કર્ટ વગેરે કપડાં તેમને પહેરવામાં આરામદાયક રહે છે. એટલે પછી જ્યારે પ્રસંગોપાત્ત તેમને સાડી કે ડ્રેસ પહેરવાના આવે ત્યારે તેઓ બહુ શોખથી તે પહેરે છે.''

''ના મમ્મી, પહેરવેશ મોટે ભાગે માણસના સ્વભાવને દર્શાવે છે.''

મમ્મી તર્ક કરતી, ''સંપૂર્ણપણે નહીં... તું પહેલા લગ્ન તો કર... કેટલીક છોકરીઓને મળ... છોકરીઓથી આટલો દૂર રહીશ તો તેમને સમજીશ કઈ રીતે?''

''છોકરીઓ કોઈ પણ જમાનામાં ઊંચા પદ પર બેઠેલા, ઉચ્ચ શિક્ષિત, સ્માર્ટ કે આધુનિક છોકરાઓથી નથી ગભરાઈ. પછી ભલે એ અભણ જ કેમ ના હોય, પરંતુ છોકરાઓ દરેક જમાનામાં આધુનિક યુવતીઓથી ગભરાતા દેખાયા છે.'' પિતા પણ મા-દીકરાની વચ્ચે ટાપશી પૂરવાનું ચૂકતા નહીં. 

''વાસ્તવમાં પરંપરાગત ભારતીય યુવતીઓને દબાવવી સરળ હોય છે ને એટલે.'' મમ્મી પણ મહેણું મારતી.

''હા, કેટલું સરળ હોય છે એ તો મારા જેવો જ કોઈ જાણી શકે.'' પપ્પા પણ એકથી-અક ચડિયાતા જવાબ આપતા.

માતાપિતાની આ દલીલોની મજા નમન બેઠો બેઠો લેતો. મમ્મીની વાત પર ઘ્યાન આપતો, પણ લગ્નના ઢોલને ગળામાં બાંધવાની હિંમત નહોતો કરતો. પોતાના મોભાથી થોડું નીચે ઊતરીને સીધીસાદી છોકરી જોવાની કોશિશ કરતો તો તે પણ તેને જમાના પ્રમાણેની ન લાગતી. વિચારતો કે તેને તો બહુ જ બધું શીખવાની જરૂર છે, કમ સે ક્રમ અંગ્રેજી બોલતા તો સારી રીતે આવડવું જ જોઈએ.

પરંતુ આમ છતાં મમ્મી તેનો પીછો છોડતી નહીં. મમ્મીએ પોતાની રીતે ઘણા બધા કીમિયા અજમાવી જોયા... કોઈની લંબાઈની તો કોઈની આંખોનાં વખાણ કરતી, કોઈના અણિયાળા નાકના, તો કોઈના ગોરા રંગના, તો કોઈના અભ્યાસ અને ઉચ્ચ કુળના. આખરે નમને હથિયાર હેઠાં મૂકી દીધાં. તેણે ડરતાંડરતાં નિર્ણય લઈ લીધો અને બધું મા પર છોડી દીધું.

કહેવાય છે કે ''પાણી લાવવું જોઈએ મૂળ ખોદીને અને વહુ લાવવી જોઈએ મૂળ શોધીને.'' તો મમ્મીએ પણ આ ઉક્તિ પર અમલ કરતા શાનિકાને નમન માટે પસંદ કરી. શાનિકા પણ એમબીએ હતી અને મેનેજર તરીકે કામ કરતી હતી. એવું પણ કહેવાય છે કે છોકરી જ નહીં, તેની માને પણ જોવી જોઈએ. નમનની મમ્મીએ શાનિકાની મમ્મીને પણ જાણી અને પારખી.

શાનિકા આમ પણ આખરે ૨૧મી સદીની જ છોકરી હતી, આધુનિકતાના રંગમાં રંગાયેલી. નમન પહેલી વાર તેને જોવા ગયો તો તેણે સલવારસૂટ પહેર્યો હતો. ત્રીજી વાર તેને મળ્યો તો તેણે નાનકડી કુરતી અને ચૂડીદાર પહેર્યા હતા. આ જોઈને થોડો મૂંઝાયો પણ તેણે માની લીધું કે ચલાવો આટલું તો ચાલે. પણ ચોથી વાર તો તે દંગ રહી ગયો. શાનિકાએ ડીપ નેકનું સ્લીવલેસ અને નાભિ દેખાય તેવું ટોપ અને પેન્ટીલાઈન બતાવતું જીન્સ પહેર્યું હતું.

નજરને સંભાળતાં સંભાળતાં પણ તેની નજર વારંવાર બહેકી રહી હતી તો બીજા તો કેટલાની નજર ત્યાં પડતી હશે, તે મનોમન વિચારવા લાગ્યો.

''ભાવિ પત્નીને અત્યારથી જો તેનાં કપડાં વિશે કંઈક કહેશે તો તે જરૂર સંબંધ તોડી નાખશે. કેટલું અપમાન થશે અને મમ્મીનાં મહેણાં સાંભળવાં પડશે એ તો અલગ. પોતે તોડવાની વાત કરશે તો માને સમજાવવી મુશ્કેલ થઈ જશે. 

હવે આગળ જે થશે તે જોયું જશે, એક વાર તો આમાં હોમાવું જ પડશે.'' તેણે પોતાનું મન મજબૂત કરી લીધું.

ધીમે ધીમે લગ્નનો દિવસ નજીક આવતો ગયો. જોકે તેની મૂંઝવણ વધતી જઈ રહી હતી, પરંતુ તોય તે લોકોની સામે પોતાને ખુશ બતાવવાનો દેખાડો કરતો. બહુ ધામધૂમથી લગ્ન થઈ ગયાં. જે છોકરીએ ક્યારેય સાડી કે ચણિયાચોળી ન પહેર્યાં હોય તે આ દિવસે લગ્નના પાનેતરમાં એવી રીતે સજે છે, જાણે જિંદગીભર તેણે સાડી સિવાય બીજું કંઈ ના પહેર્યું હોય... માથા પર પાલવ ઓઢીને ઘરેણાંથી લદાયેલી કોઈ પણ યુવકની તે કાલ્પનિક દુલહન હકીકતમાં ધરતી પર ઊતરી આવે છે.

શાનિકાને જોઈને નમનને પણ એવું લાગ્યું. લગ્ન થઈ ગયાં. દુલહન ઘરે આવી ગઈ. બધા પ્રસંગો, કાર્યક્રમો પતી ગયા. નમનની સુહાગરાત આવી ગઈ. ફિલ્મો જોઈને આજકાલ બધાને આ વિશેનો ખ્યાલ હોય છે. આમ પણ લગ્ન પહેલાં ખાસ કરીને મહાનગરોમાં મોટા ભાગનાં યુવક- યુવતીઓમાં બહુ અંતર નથી હોતું. એકબીજાને મળવાનો સંકોચ નથી હોતો. એટલે જ હવે દુલહનની બહેનપણીઓ દુલ્હાને રૂમમાં જવા ધો પણ નથી મારતી કે દોસ્તો પોતાના મિત્રને કોઈ ખાસ સલાહ પણ નથી આપતા.

નમન પોતે આંટાફેરા કરતો રૂમમાં પહોંચ્યો. તેને લાગ્યું કે દુલહન રૂમમાં પલંગ પર નજર ઝુકાવીને બેઠી હશે, પણ અહીંયાં તો દુલહન પલંગ પર માથા નીચે બે હાથ રાખી આરામથી આડી પડી હતી.

નમન દુલ્હનની બાજુમાં બેસી ગયો. દુલહન પણ બેઠી થઈ ગઈ. આંખ અને ચહેરા પર સામાન્ય લજ્જાના ભાવ હતા. નમને ધીરેથી તેનો હાથ પકડી લીધો. તેણે વિચાર્યું કે દુલહન શરમાઈને તેનો હાથ છોડાવી લેશે, પછી તે ફરી થોડીક બળજબરી કરશે, પરંતુ તેનાથી ઊલટું દુલહને હાથ છૉડાવ્યો જ નહીં. તેણે આરામથી પોતાનો હાથ નમનના હાથમાં રહેવા દીધો. નમને બીજો દાવ ફેંક્યો. તેણે દુલહનના હાથને જોરથી ઝાટકાપૂર્વક ખેંચી તેને પોતાની તરફ લીધો અને તેના ઝાટકા કરતા વધારે જોરથી દુલહન તેના ગળે વળગી ગઈ. નમનનું માસૂમ સપનું તૂટી ગયું. પહેલી રાતની છેડછાડ, હળવી બળજબરી, આવા બધા અનુભવો તો પહેલી રાતે જ થાય છે... બીજી વાર તો થવાથી રહ્યા.

બીજા દિવસે રિસેપ્શન હતું. તે દિવસે પણ શાનિકા બહુ વધારે તો નહીં, પણ થોડી ઘણી દુલહન જેવા પહેરવેશમાં તો હતી. એ વાત અલગ છે કે હવે આવો પહેરવેશ દુલહનની જરૂરિયાત નહીં, પણ શોખ બની ગયો છે. અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ તેના મનમાં વસેલી પત્નીની તસવીર તો શાનિકા સાથે ક્યાંય મેળ ખાતી નહોતી. તે કોઈ પણ ખચકાટ વગર સગાંસંબંધીઓ સાથે વાત કરી રહી હતી. એ તો નમન સાથે પણ સ્ટેજ પર બેઠા બેઠા ખૂબ વાતો કરી રહી હતી.

''તું થોડી વાર ચુપ ના બેસી શકે.'' આખરે નમનથી બોલ્યા વગર ના રહેવાયું.

શાનિકા અચકાઈને ચુપ થઈ ગઈ. બીજા દિવસે બંને હનીમૂન પર જતા રહ્યા. ત્યાં તો શાનિકા પોતાના અસલી રંગમાં આવી ગઈ. તેનો અજીબોગરીબ ડ્રેસ જોઈને નમનનો પરસેવો છૂટી ગયો.

નવવિવાહિત દંપતીઓની આમ પણ સૌને ખબર પડી જ જાય છે. આથી સૌ તેમને તાકી તાકીને જુએ તે સ્વાભાવિક છે. પણ શાનિકાનું અજીબોગરીબ ટોપ અને પેન્ટીલાઈન દર્શાવતું જીન્સ જોઈને નમન શરમજનક પરિસ્થિતિમાં મુકાતો જતો હતો કે શું ખાખ ગૃહસ્થી ચલાવશે આ છોકરી...

શાનિકા કોઈ પણ વાત માટે નમન પર નિર્ભર નહોતી. તે બોલકણી હતી. આત્મવિશ્વાસ, સામાન્ય જ્ઞાાન બધું નમન કરતાં તેનામાં ચડિયાતું હતું.

નમન ક્યારેક મનોમન બબડયા કરતો કે મેં તો માને પહેલાં જ કહ્યું હતું... આ તો રોજ સવારે મમ્મીપપ્પાને પ્રણામ પણ શું કરવાની, ખાવાનું બનાવવું એ તો બહુ દૂરની વાત છે.... સાસુવહુંમાં પણ બહું બને તેવું લાગતું નથી. અઠવાડિયાનું હનીમૂન મનાવીને બંને ઘરે આવ્યા. તે દિવસે બંને બહુ જ થાકેલા હતા એટલે ઘરવાળાઓ સાથે ખાસ વાત ન થઈ શકી. શાનિકા થાકેલી હોવાના કારણે રાત્રે પણ વહેલી સૂઈ ગઈ. નમન પણ થાકેલો હતો, એટલે તે પણ સૂઈ ગયો. બંને ઘેરી નિદ્રાના સમુદ્રમાં ડૂબકીઓ લગાવી રહ્યા હતા ત્યાં જ રાત્રે જોરજોરથી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. બંને ચોંકીને બેઠા થઈ ગયા.

''કોણ?'' નખને ઊંચા અવાજે પૂછવું.

''નમન, હું છું... જલદી દરવાજો ખોલ.''

''મમ્મી, શું થયું.'' કહેતા નમને ગભરાઈને જલદી દરવાજો ખોલ્યો.

 બેટા, તારા પપ્પાની તબિયત બહુ બગડી રહી છે... લાગે છે કે તેમને હાર્ટએટેક આવ્યો છે, જલદી હોસ્પિટલ લઈ જઈએ.'' મમ્મીએ રડતાંરડતાં કહ્યું.

''શું?'' કહેતા નમન પપ્પાના રૂમ તરફ ભાગ્યો, પપ્પા પથારીમાં સૂતાંસૂતાં હાથથી છાતી દબાવતા તરફડી રહ્યા હતા. તેણે તરત જ ગાડી કાઢી. આ દરમિયાન તે શાનિકાને તો ભૂલી જ ચૂક્યો હતો. મમ્મીની મદદથી તે પપ્પાને ઉઠાવવા લાગ્યો. એટલી વારમાં શાનિકા પણ કપડાં બદલીને આવી ગઈ. તે જીન્સ અને ટોપમાં હતી અને કોઈ કચવાટ વગર પપ્પાને ઉઠાવવામાં મદદ કરવા લાગી. ત્રણેયે ભેગા મળીને પાને કારની સીટમાં પાછળ સુવડાવી દીધા.

શાનિકાએ નમનના હાથમાંથી ચાવી લઈ લીધી, ''નમન, તું પાછળ બેસીને પપ્પાને સંભાળ, હું ડ્રાઈવ કરું છું.'' કહેતા તે જવાબની પરવા કર્યા વગર સ્ફૂતથી ડ્રાઈવિંગ સીટ પર બેસી ગઈ. મમ્મી તેની બાજુમાં બેસી ગઈ. થોડી જ વારમાં ગાડી રસ્તા પર સડસડાટ દોડી રહી હતી. તેનું કુશળ ડ્રાઈવિંગ જોઈને નમન દંગ રહી ગયો કે આવા સમયે ગભરાટનો માર્યો તે તો ગાડી પણ ના ચલાવી શકત.

શાનિકા તેના મનમાં વસેલી તસવીર સાથે મેળ તો નહોતી ખાતી, પણ આવી પરિસ્થિતિઓ વિશે તો તેણે વિચાર્યું પણ નહોતું. આ પરિસ્થિતિમાં શાનિકા જેવી પત્ની તેને બહુ જ ઉપયોગી રહી હતી. તેની કલ્પના જેવી પત્ની હોત તો આ પરિસ્થિતિમાં ગભરાઈને ઘરે જ બેસી રહી હોત. હોસ્પિટલ પહોંચતાં જ શાનિકા સ્ફૂતથી નીચે ઊતરીને ઈમર્જન્સીમાં ડયૂટી કરી રહેલા ડોક્ટર અને કર્મચારીઓ સાથે વાત કરવા લાગી અને તરત જ હોસ્પિટલના કર્મચારીઓ અને સ્ટ્રેચર સાથે બહાર આવી ગઈ. 

હોસ્પિટલના કર્મચારીઓ પપ્પાને સ્ટ્રેચર પર સુવડાવીને અંદર લઈ ગયા અને ડોક્ટર તેમને એટેન્ડ કરવા લાગ્યા તો નમનના પણ જીવમાં જીવ આવ્યો. પપ્પાનો પ્રાથમિક ઉપચાર તરત જ શરૂ થઈ ગયો. તેમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા. બેન્ચ પર બેઠાબેઠા ત્રણેયની રાત વીતી ગઈ.

સવાર થતાં થતાં પપ્પાની હાલત કાબૂમાં આવી ગઈ. સવાર પડતાં જ હવે સૌથી પહેલી ચિંતા પૈસાની સગવડ કરવાની હતી. પપ્પાની ધમનીઓમાં બ્લોકેજ હતું. તે બ્લોકેજ દૂર કરવા માટે એન્જિયોપ્લાસ્ટી કરવાની હતી, જે માટે ઘણા રૂપિયાની જરૂર હતી. પપ્પાનાં ખાતાંઓ વિશે નમનને વધારે જાણકારી નહોતી. હવે તે શું કરે? મમ્મી તો એટલી બધી પરેશાન હતી કે તેની સાથે વાત કરવી જ મુશ્કેલ હતી. નમનની નોકરી પણ નવી નવી હતી. ઉપરથી લગ્નમાં ઘણા બધા પૈસા વપરાઈ ચૂક્યા હતા. આ ઉપરાંત નવી ગાડી પણ ખરીદી હતી એટલે તેની પાસે પૂરતા રૂપિયા નહોતા. 

''શું થયું?'' નમનને ગમગીન જોઇને શાનિકાએ પૂછ્યું.

 ''શું થયું નમન?'' નમન તરફથી કોઈ જવાબ ન આવતા શાનિકાએ બીજી વાર પૂછયું.

''બસ, એમ જ પપ્પાની ચિંતા થઈ રહી છે.''

''પપ્પાને સારું થઈ જશે.'' તેણે એક દોસ્તની જેમ નમનના ખભા પર હાથ મૂક્યો.

''રૂપિયાની સગવડ છે કે નહીં?'' શાનિકા ધીમેથી બોલી, ''કારણ કે ૩-૪ લાખ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે.''

નમન બોલ્યો, ''એ જ વિચારી રહ્યો હતો.''

''પરેશાન થવાની કોઈ જરૂર નથી, મારી પાસે ભેગા કરેલા ઘણા રૂપિયા છે.'' શાનિકાએ ભરોસો અપાવતા નમનની પીઠ પર હાથ ફેરવ્યો.

નમન તો જાણે અંદર સુધી પીગળી ગયો. તેણે લગ્ન તો કરી લીધાં હતાં, પતિની ફરજો પણ નિભાવી રહ્યો હતો, પરંતુ શાનિકા જેવી છોકરીની તો તેણે કલ્પના પણ કરી નહોતી. તે આવી છોકરીઓને સંસ્કારહીન સમજતો હતો, પણ આ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનિકાનું આ રૂપ જોઈને તે તેના વિશે ફરીથી વિચારવા માટે મજબૂર થઈ ગયો કે આજની પરિસ્થિતિમાં તેની પત્ની તેના માટે કેટલો મોટો સહારો બની હતી. પછી તે શાનિકાના ખભે માથું મૂકીને રડી પડયો. તેણે સવારે પોતાના કેટલાય સંબંધીઓને ફોન કર્યો હતો, પણ ક્યાંયથી મદદ માટેની કોઈ આશા દેખાઈ રહી નહોતી. અત્યાર સુધી કોઈ હોસ્પિટલ પણ પહોંચ્યું નહોતું. શાનિકાએ તેને ધીરજ આપી.

નમન શાનિકાને બેંકમાંથી રૂપિયા લેવા જતી જોઈ રહ્યો હતો અને મનોમન વિચારી રહ્યો હતો કે એ સમયે શાનિકાનો સહારો ન હોત તો તેની સાથે ભાગદોડ કોણ કરત.

પપ્પાનું ધમનીઓનું બ્લોકેજ દૂર કરવામાં આવ્યું. હવે હોસ્પિટલમાં પપ્પાને મળવા આવનારાઓની ભીડ ચાલુ થઈ ગઈ. હવે તેમને સારું હતું. દોસ્તો, સંબંધીઓ બધા પપ્પા સાથે વ્યક્તિગત રીતે મળવા માગતા હતા, પરંતુ ડોક્ટરે પપ્પાને વાત કરવાની સ્પષ્ટ ના પાડી હતી.

નમન પપ્પાને પાછો ઘરે લઈ આવ્યો હતો. અત્યાર સુધી તે શાનિકાને બરાબર સમજી ચૂક્યો હતો. શાનિકા જેવી છોકરી આજકાલના નાના પરિવારોની સખત જરૂરિયાત છે, પહેલાં પત્નીઓએ મા, બહેન અને પત્નીની ભૂમિકા નિભાવવી પડતી હતી. હવે તેમણે દોસ્ત અને ભાઈની ભૂમિકા પણ નિભાવવી પડે છે. દરેક પ્રકારની ફરજ નિભાવવી પડે છે. નમન વિચારી રહે ઈનો કે શાનિક જેવી છોડીઓને જોવા માટે તેણે ચશ્મા બદલવાની જરૂર છે. મમ્મી તો એમ પણ શાનિકાથી અભિભૂત હતી. દરેક વખતે મળવા આવનારા લોકોની સામે તે શાનિકાની પ્રશંસાના પુલ બાંધતી હતી. જોકે કેટલાક સંબંધીઓને મમ્મીનું આ વલણ બહુ ગમતું નહીં પણ મમ્મીને એ બધાની પરવા ક્યાં હતી?

નમન વિચારી રહ્યો હતો કે જો મમ્મીપપ્પા એક પેઢી પાછળ હોવા છતાં આજકાલની આત્મનિર્ભર અને આત્મવિશ્વાસી છોકરીને જોવા માટે પોતાના ચશ્મા બદલી શકતા હોય તો તે પોતે શું કામ ન બદલી શકે? ઠીક છે, જેવી છોકરીની તસવીર તેના મનમાં વસેલી હતી, તેની અલગ ખૂબી હતી, પરંતુ શાનિકા જેવી છોકરીઓ પણ બેજોડ હોય છે, બસ જોનારાની દૃષ્ટિમાં ફેર હોય છે. સવારની ચા નહીં બનાવી શકે, માથે ઓઢીને આરતીની થાળી નહીં સજાવી શકે... પરંતુ જિંદગીની મુશ્કેલીઓ સામે લડવામાં પતિનો પૂરો સાથ આપશે. પરિવારનો સહારો બનશે અને જો કોઈ દુ:ખદ પરિસ્થિતિમાં પતિનો સાથ છૂટી ગયો તો બાળકનો ઉછેર માની સાથોસાથ પિતાની જેમ પણ કરશે.

આજની પરિસ્થિતિઓ અને પ્રાથમિકતાઓમાં ફરક છે, આજની સગવડોમાં પણ ફરક છે આથી પહેલાંની અને અત્યારની જરૂરિયાતોમાં પણ ફરક છે અને તે જરૂરિયાતોને શાનિકા જેવી છોકરી જ પૂરી કરી શકે છે.

પપ્પાને ઘરે આવ્યે કેટલાક દિવસો થઈ ગયા હતા. શાનિકા કિચનમાં પપ્પા માટે રોટલી બનાવી શકતી નહોતી, પણ તેમના માટે સરસ સૂપ બનાવી દેતી હતી. તેમની દિનચર્યા, ખાનપાન અને દવાનું ઘ્યાન રાખતી હતી. ઓફિસમાંથી પણ કેટલીક વાર ખબરઅંતર પૂછતી.

શાનિકાની પપ્પા પ્રત્યેની જાગરુકતાના કારણે નમન પપ્પા માટે નિશ્ચિંત રહેતો હતો. જરૂરિયાત ઊભી થતા તે પપ્પાના ડોક્ટર સાથે વાત કરી લેતી. દવા લઈ આવતી. પપ્પાને ડોક્ટર પાસે લઈ જઈ ચેકઅપ પણ કરાવી આવતી.

નમનનું દિલ શાનિકા પ્રત્યે કૃતજ્ઞા હતું. આવી વિષમ પરિસ્થિતિઓમાં નવી હોવા છતાં એક વહુ હોવા છતાં એક દોસ્ત, એક ભાઈ અને એક દીકરાની જેમ તેને અને તેના પરિવારને સંભાળ્યો.

એક સાંજે નમન ઓફિસથી થોડો જલદી ઘરે આવી ગયો. શાનિકા પછી આવી, જૂનની ગરમી પડી રહી હતી. તે પોતાના રૂમમાં એસી ચાલુ કરીને આડી પડી. નમનને મનમાં થયું કે તે શાનિકા માટે કંઈક એવું કરે જેનાથી તેની વાતોથી જ નહીં, પણ વર્તનથી તેના પ્રત્યેની કૃતજ્ઞાતા ઝળકે. પછી તેણે બે ગ્લાસ તાજાં ફળોનો જ્યૂસ કાઢ્યો. મમ્મી તેને આશ્ચર્ય અને ખુશી સાથે જોતી રહી. ટ્રે લઈને તે રૂમમાં ગયો. પથારીમાં આડી પડેલી શાનિકા આ જોઈને ચોંકીને બેઠી થઈ ગઈ. બોલી, ''આ શું છે?''

''તારા માટે જ્યૂસ.''

''જ્યૂસ, પણ આ સમયે કેમ?''

''એમ જ... તારા માટે કંઈ કરવાનું મને મન થયું. હું આટલા દિવસોથી મારા માટે ઘણું બધું કરી રહી છે... એટલે ગુલામ તારી સેવામાં જ્યૂસ હાજર કરે છે.''

શાનિકા ખડખડાટ હસી પડી, ''અચ્છા તો જનાબ આ બધાનો બદલો જ્યૂસ પિવડાવીને વાળી રહ્યા છે. પણ જ્યૂસ જ કેમ?''

''બસ... બસ... રહેવા દે. થોડી વાર નહીં પીવે તો કડવો પણ થઈ જશે.'' કહીને શાનિકાએ જ્યૂસનો ગ્લાસ ઉઠાવ્યો અને એક જ શ્વાસમાં પી લીધો. ''હવે તું પણ પી લે.''

''જેવી આજ્ઞાા સરકાર.'' કહીને નમને પણ ગ્લાસ ખાલી કરી નાખ્યો અને પછી નટખટ મૂડમાં શાનિકાની પાસે બેસીને તેને એકીટસે જોવા લાગ્યો.

''શું થયું?'' શાનિકા હસતા બોલી.

''શાનિકા, હું તને ઘણી બધી વાતો કહેવા માંગુ છું. બહુ ધન્યવાદ આપવા માગું છું.'' નમનને આગળના શબ્દો શોધતો જોઈ શાનિકા અધવચ્ચે જ બોલી પડી, ''બસ નમન, કંઈ જ ન કહીશ. કેટલીક વાતો બોલવાની નહીં, કરવાની હોય છે. તારા વિચારો મને ખબર હતી, પરંતુ તેમ છતાં તું મને બહુ જ ગમ્યો હતો. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે તું મને પ્રેમ આપે, માન આપે, આભાર ન માને, હું પણ કોશિશ કરીશ કે મારી જાતને થોડી ઘણી તારી કલ્પનાની પત્ની પ્રમાણે ઢાળી શકું.'' એટલું કહીને શાનિકા નમનને વળગી પડી. 

નમને પણ શાનિકાને પ્રેમથી હૈયાસરસી ચાંપી દીધી.