Get The App

ભાવસંવેદના જગાડીએ .

Updated: Jan 30th, 2020

GS TEAM

Google News
Google News
ભાવસંવેદના જગાડીએ          . 1 - image


થોડાં સમય પહેલાંની વાત છે. એક ખેડૂત પોતાનાં માથાં પર વજન લઈને જઈ રહ્યો હતો. રસ્તામાં વિચાર કરતો જતો હતો કે આજે વજન થોડું વધારે ઉઠાવ્યું છે, સામાન વધારે વેચાશે, રૂપિયા વધારે મળશે, તો ઘરના માટે થોડી ચીજવસ્તુઓ લઈને જઇશ.

બાળકોના માટે ચીજવસ્તુઓ, પત્નીના માટે ચીજવસ્તુઓ, આવી કલ્પનાઓ કરતો ચાલ્યો જતો હતો. હજી તો એ સપનાને સાકાર થવાનો સમય પણ ન આવ્યો ત્યાં એક નવયુવાન દોડતો જતો પાછળથી આવ્યો અને પાછળથી ધક્કો મારતો જતો તેજ ગતિથી આગળ નીકળી ગયો.

તે ખેડૂત ધક્કાને લીધે જમીન પર પડી ગયો. શરીરમાં એને ઘણી જગ્યા પર માર લાગ્યો, લોહી પણ નીકળ્યું. નજીકમાં જ એક ડોક્ટર હતો તેની પાસે પાટો બંધાવ્યો. જ્યારે મલમ, પાટો બાંધી રહ્યા હતા ત્યારે તે ખેડૂતે ડોક્ટરનો ચહેરો જોયો તો તે આશ્ચર્યચકિત રહી ગયો. તે ડોક્ટર બીજો કોઈ નહી, ધક્કો દેવાવાળો તે જ નવયુવક હતો જેણે થોડાં સમય પહેલાં ખેડૂતના સપનાંને ચૂર કરી દીધું હતું. 

આજનો સમાજ, તથાકથિત ભણેલાં-ગણેલાં લોકોનો સમાજ છે, જે આજના બુધ્ધિવાદની દેન છે. બૌધ્ધિક યુગ ક્યાંથી ક્યાં વધતો જતો ચાલ્યો જાય છે. વિજ્ઞાાન અને બુધ્ધિવાદે આટલી બૌધ્ધિક પ્રગતિ કરી લીધા પછી એક ખૂણો જે નિતાન્ત સૂનો છે એને કહે છે ભાવસંવેદના. કોઈને પછાડવો તો સહજ થઈ જાય છે પણ કોઇને ઉઠાવવો ત્યારે એની શક્તિ અને સામર્થ્ય કેટલું ખર્ચ થઈ જાય છે. પાણીને પાડવું હોય તો નળ ખોલી નાખો તો પાણી નીચે તરફ વહી જશે પરંતુ જો ટાંકી ભરવી હોય તો દસ હોર્સ પાવરની મોટર લગાવવી પડશે ત્યારે ટાંકી ભરાશે.

શરીરને જોઈને ઓળખી શકાય છે કે આ માનવ છે પરંતુ ભાવના જોઈને ઓળખી શકાય કે આ દેવ છે કે દાનવ. આજે આપણી ભાવ સંવેદનાનો સ્તોત્ર સૂકાઈ ગયો છે. આપણી બહેન-દીકરીઓની ઇજ્જત સરેઆમ લૂટાઈ રહી છે પણ કોઈ સાહસ નથી જુટાઈ શક્તુ કે એની સાથે ટક્કર લઈ શકે. રાવણ એકલો હતો, ભણેલો હતો, વિદ્વાન હતો. પરંતુ રાક્ષસ કેવળ એટલાં માટે કહેવાયો કે તે પરાયી બેન બેટી પર ખરાબ રીતથી જોતો હતો. પરંતુ એટલો અનૌતિક નહોતો કે સીતાની સાથે કોઈ જોર-જબરદસ્તી કરી હતી.

એ રાવણને મારવા માટે એ યુગમાં એક રામે જન્મ લીધો હતો. પરંતુ આજના સમાજમાં વાતાવરણમાં જોઈને લાગે છે કે શાયદ ઘર-ઘરમાં રાવણ જન્મી રહ્યા છે. ઘર-ઘરમાં પેદા થવાવાળા રાવણોથી ટક્કર લેવા માટે કેટલાં રામની જરૂરત પડશે ? આજે પરિસ્થિતિઓનો રાક્ષસ અટહાસ કરે છે. સમાજની સામે એ રાક્ષસનું નામ છે બુધ્ધિવાદ. તે બુધ્ધિવાદ જે તર્ક, તથ્ય, પ્રમાણની ભાષાને સમજે છે પરંતુ ભાવસંવેદનાઓની બાબતમાં શૂન્ય થતો જઈ રહ્યો છે.

પ.પૂ.શ્રી રામ શર્મા આચાર્યજીના કહેવા મુજબ ધર્મની બધી વાતો સંવેદના સાથે વણાયેલી છે એ સંવેદના જ ધર્મનો આધાર છે.  જેનામાં ભાવસંવેદના હોય અને બીજાઓનું દુઃખ જોઈને જેનામાં પ્રેમ, કરૂણા અને દયા ઉત્પન્ન થાય અને પોતે કષ્ટ સહન કરીને પણ એવા દુખીઓને મદદ કરે એ જ સાચો ધાર્મિક માણસ છે.

આજે સમાજમાં લોકો ધર્મની વાતો તો બહુ કરે છે, ધર્મ સમજાવવા માટે કથાવાર્તાઓ પણ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે વાસ્તવમાં પીડિતોને મદદ કરવાની વાત આવે ત્યારે લોકો બહેરા થઈ જાય છે. એ કથાવાર્તાઓ તેમનામાં ભાવસંવેદના જગાડી શકતી નથી. કથાવાર્તાઓ માત્ર મનોરંજન તથા સમય પસાર કરવાનું સાધન બની ગઈ છે. આજે સમાજમાં સાચો ધર્મ ક્યાંય જોવા મળતો નથી. ધર્મના નામે માત્ર આડંબર થઈ રહ્યો છે.

Tags :