Get The App

સ્ટીલ-લોખંડના ભાવ દસ મહિનાના તળિયે: હવે માંગ વધારવા પ્રયત્નો જરૂરી

ઓછી માંગના માહોલમાં રેવેન્યુ તથા ઓપરેટિંગ માર્જિન દબાણ હેઠળ

Updated: Oct 6th, 2019

GS TEAM

Google News
Google News
સ્ટીલ-લોખંડના ભાવ દસ મહિનાના  તળિયે: હવે માંગ વધારવા પ્રયત્નો જરૂરી 1 - image

દેશમાં અર્થતંત્રની સ્થિતિ નબળી રહી છે. આર્થિક વિકાસનો દર અપેક્ષાથી ધીમો પડી ગયો છે. આવા માહોલમાં અર્થતંત્રને  પીઠબળ  આપવા કેન્દ્ર સરકાર વિવિધ ઉપાયો અજમાવતી રહી છે. પરંતુ આવા ઉપાયોનો જોઈએ તેવો પ્રતિસાદ મળી નથી રહ્યો અને વેપાર તથા ઉદ્યોગ જગત સરકાર દ્વારા હવે પછી વધુ સપોર્ટ ક્યા સ્વરૂપમાં આપવામાં આવે છે તેના પર નજર માંડી રહ્યા છે. 

સ્ટીલ-લોખંડ બજાર  તથા ઉદ્યોગમાં પણ સરકારના વિવિધ પગલાઓ છતાં પરિસ્થિતિ નિરુત્સાહી રહ્યાના વાવડ મળ્યા છે. આ ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મુજબ સરકારના તાજેતરનાવિવિધ પગલાઓથી લાંબા ગાળે  વેપાર તથા ઉદ્યોગને ફાયદો થવાની શક્યતા છે  પરંતુ ટૂંકા તથા મધ્ય ગાળા પર નજર નાંખીએ તો આવા પગલાની કોઈ વિશેષ પોઝીટીવ અસર જોવા મળે એવી શક્યતા ઓછી રહી છે.

તાજેતરમાં દેશના સ્ટીલ ઉદ્યોગમાં  કાર્યશિલ મુખ્ય વિવિધ આશરે ૨૦થી ૨૫ જેટલી ઉત્પાદક કંપનીઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ બધી કંપનીઓ મોટી કંપનીઓ તરીકે નામના ધરાવતી કંપનીઓ રહી છે. દેશમાં સ્ટીલ લોખંડનું વાર્ષિક જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે ૬૦ ટકા ઉત્પાદન આ ૨૦થી ૨૫ ઉત્પાદક કંપનીઓમાં થાય છે. આ સર્વેમાંથી બહાર આવેલા નિષ્કર્ષ મુજબ દેશમાં સ્ટીલની માગ વિશેનો આશાવાદ નબળો રહ્યો છે તથા ૨૦૧૯-૨૦ના નાણાંવર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આ ક્ષેત્રની મોટાભાગની ઉત્પાદક કંપનીઓની નાણાંકિય કામગીરી દબાણ હેઠળ જોવા મળી છે.

આ ક્ષેત્રે કાચા માલોના ઉંચા ભાવ તથા સામે ફિનીશ્ડ ઉત્પાદનોની ઓછી માગના માહોલમાં રેવેન્યુ તથા ઓપરેટિંગ  માર્જિન દબાણ હેઠળ રહેલા આ ગાળામાં  જોવા મળ્યા છે. આ ક્ષેત્રના તજજ્ઞાો અને જાણકારોના જણાવ્યા મુજબ સ્ટીલ ક્ષેત્રને મંદીમાંથી બહાર લાવવું હોય તો પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સરકારી સ્પેન્ડીંગ વધારવું જરૂરી છે. આ ઉપરાંત વાહન ઉદ્યોગ ક્ષેત્રે કરબોજ હળવો કરવો પણ આવશ્યક મનાઈ રહ્યો છે. આમ કરાશે તો સ્ટીલ બજાર તથા ઉદ્યોગમાં માગમાં ફરી વૃદ્ધી થવાની શક્યતા નિષ્ણાતો બતાવી રહ્યા છે. 

દેશમાં વાર્ષિક ધોરણે સ્ટીલ-લોખંડની  જે કુલ માગ જોવા મળે છે એ પૈકી  આશરે ૬૦ ટકા આવી માગ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા બાંધકામે ક્ષેત્ર તરફથી આવતી હોવાનું સ્ટીલ બજારના સૂત્રોએ જણાવ્યું હતું ઓટોમોબાઈલ ક્ષેત્ર તરફથી સ્ટીલ માટે આવતી આવી માગની  ટકાવારી  આશરે ૧૦ ટકા જેટલી રહે છે. જોકે ઓટો ક્ષેત્રમાં  સ્ટીલની જે માગ દેખાય છે એમાં વિશેષ રૂપે વેલ્યુ-એડેડ તથા ઉંચા સ્તરના સ્ટીલનો સમાવેશ થતો હોય છે એવું વાહન ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, સ્ટીલ બજારમાં ભાવ તાજેતરમાં ઘટતા રહી આશરે ૧૦ મહિનાના તળિયા નજીક ઉતરી ગયા છે. ઘરઆંગણે સ્ટીલ લોખંડની આયાત કરો તો આવા આયાતી સ્ટીલની જે આયાત પડતર ઘરઆંગણે થાય છે તેની સરખામણીએ દેશના બજારમાં ચાલતા સ્થાનિક સ્ટીલના ભવા આશરે  ૭થી ૮ ટકા જેટલા નીચા બોલાઈ રહ્યા છે. આવા માહોલમાં માર્જિન્સ દબાણ હેઠળ રહેતાં  ઘરઆંગણે ઘણા સેકન્ડરી સ્ટીલ  ઉત્પાદકો ઉત્પાદન ઘટાડવા માંડયાના  પણ વાવડ બજારમાંથી વહેતા થયા છે.

સરકારે  તાજેતરમાં કોર્પોરેટ ટેક્સમાં  ઘટાડો કર્યો છે પરંતુ આવા ટેક્સ ઘટાડાથી લાંબાગાળામાં સ્ટીલ ઉદ્યોગને  લાભ થઈ શકશે પરંતુ બજાર તથા ઉદ્યોગની હાલની સ્થિતિ સુધારવી હોય તો હકીકતમાં  સ્ટીલની માગ વધે એવા પગલાં ભરવા જરૂરી બન્યા હોવાનું  સ્ટીલ બજારના એક બ્રોકરે જણાવ્યું હતું. સ્ટીલ-લોખંડ બજારમાં ભાવ દર મહિને નીચા આવતા રહ્યા છે  તથા વેચાણ વોલ્યુમ ઘટયું છે. ઓપરેટીંગ નફો નીચો ઉતર્યો છે. ઓટો ઉદ્યોગમાં  વેરા રાહત અપાશે તો સ્ટીલ ઉદ્યોગમાં માગ વૃદ્ધી જોવા મળે તેમ છે  એવું જાણકારો જણાવી રહ્યા હતા.