Magazines

ભેજવાળી આબોહવામાં રોગપ્રતિકારક શક્તિ વધારીને રહો સાજાનરવા

By GS TEAM
14 Jul 20254 mins read
ભેજવાળી આબોહવામાં રોગપ્રતિકારક શક્તિ વધારીને રહો સાજાનરવા

આ  વર્ષે ચોમાસાએ થોેડી મોડી દસ્તક દીધી, પણ વરસાદ વરસતાં  સર્વત્ર આનંદ વ્યાપી ગયો છે. ગરમીથી ત્રાસેલા અને પાણીની તંગીના ભયથી ફફડતાં લોકોના મન મોર બની થનગનાટ કરી રહ્યાં છે.  સાથે  આ ઋતુમાં  આવતી વ્યાધિઓનો ભય પણ તેમને સતાવી રહ્યો છે. જો કે એ વાતમાં બે મત નથી કે જો તમારી રોગપ્રતિકારક શક્તિ  સારી હોય તો કોઈ માંદગી તમને અડી ન શકે. અને અડે તોય લાંબા સમય સુધી નડી ન શકે. આજે આપણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરતા આહાર વિશે   વાત કરીશું.

આહારશાસ્ત્રીઓ કહે છે કે ચોમાસામાં  ભેજ, ગરમી અને ઠંડી એમ ત્રણ જાતની આબોહવા પોતાનો રંગ બતાવે છે. વારંવાર બદલાતું  ઉષ્ણતામાન આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. પરંતુ ચોમાસામાં તરત લાગુ પડતી શરદી, ખાંસી કે તાવ જેવી વ્યાધિ સામે લડવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે એવો આહાર રોજિંદા ખોેરાકમાં સામેલ કરવામાં આવે તો ઘણી  રાહત રહે છે. આવા આહારમાં મુખ્યત્વે મોસમી ફળો આવે છે. આ ઉપરાંત આદુ, લસણ, તુલસી, મધ પણ રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ  કરે છે. આહારશાસ્ત્રીઓ વધુમાં કહે છે કે કંટોલા જેવા શાક માત્ર ચોમાસામાં જ મળે છે તેથી તે અચૂક ખાવા. તેમાં બાયોફ્લેનોઈડ્સ અન ેકારોટેનોઈડ્સ હોય છે. તેમાં  પ્રચૂર માત્રામાં વિટામીન 'સી'  હોય છે. કંટોલા  રોગ સામે ઝીંક  ઝીલતું   એન્ઝાઈમ  પેદા કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેવી જ રીતે પીળા, કેસરી અને લીલા રંગના શાકભાજી પણ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. હા, કોઈપણ શાકભાજીને હુંફાળા પાણીથી સારી રીતે ધોઈને ખાવા. આ સિવાય જાંબુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડંટ્સ અને પાયટોન્યુટ્રીઅન્ટ મોજૂદ હોય છે.

વાયરસ સામે લડવામાં કાળી ચા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં રહેલાં એમિનો એસિડ, એલ-થીએનાઈન અને ફાયટોકેમિકલ તેમ જ કેટેચીન જેવા તત્ત્વો શરીરમાં વાયરસ  સામે લડવાની શક્તિ પેદા કરે છે. આ ફળો અને શાકભાજી ઉપરાંત રોજિંદા આહારમાં શું શું લેવું જોઈએ તેની વધુ માહિતી આપતાં આહારશાસ્ત્રીઓ કહે છે.... 

* સેલેરીના પાનમાં કેલેરીનું  પ્રમાણ ઓછું હોય પણ તે રેષાં અને પોટેશિયમથી  સમૃદ્ધ હોય છે.

* પપૈયાના પાનમાં એસેટોજેનિન્સ, ટેનિન્સ અને ફ્લેવેનોઈડ્સ હોય છે. આ તત્ત્વો રોગપ્રતિકારક શક્તિમતાં વધારો કરે છે. આ ઉપરાંત તે ડેન્ગ્યુ જેવા તાવમાં રાહત  આપે છે અને  તે ઉત્તમ એન્ટિઓક્સિડન્ટ  પણ છે.

* ઓટ અને જવમાં  રહેલું બેટા ગ્લુકેન બેક્ટેરિયાથી લાગતા ચેપ સામે  લડવાની શક્તિમાં વૃધ્ધિ કરે છે.

* બ્રાઉન ચોખામાં પ્રચૂર  પ્રમાણમાં  સેલેનિયમ  હોય છે. આ તત્ત્વ રોગપ્રતિકારક શક્તિ વધારે  છે. તેમાં રહેલું  કાર્બોહાઈડ્રેટ શરીરમાં ઊર્જા પેદા કરે છે અને  હાનિકારક  બેક્ટેરિયાનો નાશ કરે છે.

* મશરૂમ  શરીરમાં સફેદ કણો પેદા કરવામાં  મહત્ત્વનો ફાળો આપે છે. કહેવાની જરૂર નથી કે સફેદ કણો ચેપ સામે લડવામાં મદદગાર બને છે. મશરૂમ આલ્ફા અને બેટા ગ્લુકેન જેવા તત્ત્વોથી સમૃદ્ધ હોય છે.

આહારશાસ્ત્રીઓ ચોમાસામાં ઘરમાં જ બનાવી શકાય એવી રોગપ્રતિકારક ઔષધિઓ  વિશે માહિતી આપતાં કહે છે કે કેટલીક વસ્તુઓ ઘરમાં જ સરળતાથી બનાવી શકાય છે. વળી તે ખાસ મોેંઘી પણ નથી હોતી.  ચોમાસામાં નિયમિત રીતે તેનું સેવન કરવાથી આ  ઋતુને લગતાં  રોગો દૂર ભાગે છે. જેમ કે..,

કડુંકરિયાતું : કરિયાતું નામની જડીબુટ્ટીમાં ભરપૂર પ્રમાણમાં કાલામેઘીન હોય છે. સ્વાદમાં કડવી આ જડીબુટ્ટી  શ્રેષ્ઠ રોગનિવારક  છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં  બેક્ટેરિયા વિરોધી, બળતરા વિરોધી તત્ત્વો મોજૂદ હોય  છે.  આ ઉપરાંત તેમાં રહેલા અન્ય તત્ત્વો રક્ત શુદ્ધિ કરે છે અને પાચનમાં મદદગાર બને છે. કરિયાતુંના થોડા પાન અથવા ડાળખીને પાણીમાં નાખીને તે પાણી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણી બનાવ્યા પછી બે કલાકની અંદર પી લો. રોજ અડધો કપ કરિયાતું તમારા શરીરને સ્વસ્થ રાખવામાં અગત્યનો  ભાગ ભજવશે. 

લીંબુ, આદુ, મધનું મિશ્રણ : બે લીંબુના ગોળ પતાકા કાપો, આદુને પણ પાતળા - લાંબા કાપો. હવે એક હવાબંધ બરણી લઈને તેમાં એક પતાકું લીંબુ અને એકચીરી આદુ એકબીજા પર મૂકતા જાઓ. તેની ઉપર મધ  રેડીને બરણીને મધથી ભરી દો.  બરણીને  ટાઈટ બંધ કરીને  ફ્રીઝમાં મૂકી દો. થોડા સમયમાં આ મિશ્રણ જેલી  જેવું થઈ જશે. આ મિશ્રણને ગમે ત્યારે ગરમ પાણીમાં નાખીને પી શકાય. એક મગ ગરમ પાણીમાં બેથી ત્રણ ટેબલસ્પૂન મિશ્રણ નાખી ત્રણથી ચાર મિનિટ રહેવા  દો. તે ગરમ પાણીમાં ઓગળી જાય પછી તેને સારી રીતે હલાવીને પીઓ.