કરોળિયાની સારવાર અને બાળ ઉપયોગી પ્રયોગો

- આરોગ્ય સંજીવની
સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમા આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતાં જોવા મળતાં હોય છે. આને સાદીભાષામાં 'કરોળિયા'ના નામે આપણે ઓળખતાં હોઇએ છીએ.
આજે આપણે બાળકોમાં થતાં કરોળિયાનાં ઘરગથ્થુ અને આયુર્વેદીક ઔષધોપચાર વિશે ચર્ચા કરીશું. જેમાં સૌ પ્રથમ કરોળિયા મોઢાનાં ભાગ પર થયેલ હોય તો તેના માટે નીચેનામાંથી અનુકૂળ પ્રયોગ કરી શકાય:
* તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે.
* તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી સ્કિન ઉપર ચોપડવી અને ૧૫ મિનિટ તડકે બેસવું, ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું.
* ચંદન અને ટંકણખાર પાણીમાં ઘસી ડાઘવાળી સ્કિન ઉપર લગાડવું.
* હરિદ્રા અને કાળાતલ બંને ૬-૬ ગ્રામ લઇ તેનું સમભાગ ચૂર્ણ કરી ભેંસના દૂધમાં મેળવી કરોળિયા જે ભાગ ઉપર થયાહોય તે ભાગ ઉપર ઉપરોક્ત મિશ્રણ મિક્સ કરી તેની માલિશ કરવી.
* કુંવાડિયાનાં બી અધકચરા વાટી ૩ દિવસ દહીંમા પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહી શરીરે સારી રીતે ઘસવું, મસળવું થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરનાં કોઈપણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.
આ ઉપરાંત,
* તેલિયા દેવદારને લીંબુનાં રસમાં ઘસી કરોળિયા ઉપર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઇ જાય છે.
* જો મોઢા ઉપર અને સમગ્ર શરીર પર વધારે પડતો આ વ્યાધિ થઇ ગયેલ હોય તો મનઃશીલ, ટંકણખાર અને હળદર સમભાગ લઇ ચૂર્ણ કરી તે ચૂર્ણ જે તે ભાગ ઉપર લગાવવાથી કરોળિયા સંપૂર્ણ પણે મટે છે. પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરવો.
* આ ઉપરાંત હળદર અને ફટકડી પાણીમાં ઘસી કરોળિયા ઉપર માલિશ કરવાથી પણ કરોળિયા મટે છે.
* મૂળાનો રસ કાઢી કરોળિયા ઉપર લગાડવાથી પણ તે મટે છે. આ સિવાય મૂળાનાં બીજના બીજા પ્રયોગો પણ કરોળિયા ઉપર ખૂબ જ સારું પરિણામ આપે છે, જેમાં;
મૂળાનાં બી ૧૦૦ ગ્રામ લઇ તેનં ચૂર્ણ કરવું, તે ૨૦૦ ગ્રામ દિવેલમાં મેળવવું અને તેની શરીર પર માલિશ કરવાથી કરોળિયા અવશ્ય મટી જાય છે.
આ ઉપરાંત આયુર્વેદ ઔષધ પ્રયોગમાં નીચેનાં ઔષધોનો પ્રયોગ કરી શકાય જેમાં ગંધક રસાયનવટી ૧ ગોળી ૨ વાર દૂધ સાથે લેવી એન બૃહતમંજીષ્ઠાદિ ક્વાથ ૧-૧- ચમચી સવાર સાંજ જમ્યા પછી પીવો. આગળ જે બાહ્ય માલિશ કરવાનાં પ્રયોગો બતાવ્યાં છે. તેમાંથી કોઈપણ એક પ્રયોગ કરવો આટલી સારવારથી કરોળિયા અવશ્ય મટી જાય છે.
આ ઉપરાંત આજે બાળ ઉપયોગી કેટલાંક ઘરગથ્થુ ઉપચાર અને ઔષધપ્રયોગો બતાવું છું, જે શિશુઓની માતાને ખૂબ ઉપયોગી સાબિત થશે. જેમાં:
(૧) મોટી હરડેનો ઘસારો સવારે નરણે કોઠે નિયમિત પિવડાવવાથી બાળકને કબજિયાત અને તેનાથી થતા રોગોથી બચાવી શકાય છે.
(૨) અરડુસીનાં તાજા પાનનો રસ, આદુનો રસ, મધ મેળવી બાળકને આપવાથી શરદી ઉધરસમાં રાહત મળે છે.
(૩) ઓરી અછબડાની ગરમી, આંખ આવવી વગેરે રોગમાં કાળી દ્રાક્ષ અને વરિયાળી રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે ચોળીને ગાળી લઇ ૧/૨, ૧/૨ ચમચી બાળકને પિવડાવવાથી તુરત જ ફાયદો જોવા મળે છે.
(૪) બહેડાનું તેલ બાળકને માથામાં નાનપણથી જ લગાવવામાં આવે તો માથામાં મોટી ઉંમરે પડતી ટાલને રોકી શકાય છે.
(૫) ૧/૨ થી ૨ રતિ જેઠીમધનું ચૂર્ણ મધમાં આપવાથી બાળકોને ખાંસીમાં તેમજ ગળાનાં રોગોમાં રાહત થાય છે.
(૬) ખેરછાલને પાણીમાં ઉકાળી ગાળી તે પાણી વડે બાળક ને સ્નાન કરાવવાથી બાળકની ત્વચામાં ક્રાંતિ આવે છે.
(૭) કાચા આમળાં, તેનું ચૂર્ણ તેમજ તેમાંથી બનાવેલું ચ્યવનપ્રાશ નાનપણથી જ બાળકને આપવાથી બાળપણમાં થતાં ઘણાં રોગોમાંથી બાળકને બચાવી શકાય છે.
(૮) જે બાળકોને ચામડીના રોગ વધારે થતા હોય કે પરસેવો વધારે આવતો હોય તેમને શંખજીરુ પાઉડર લગાવવાથી ઘણી રાહત થાય છે.
બાળક એ કુદરતનું શ્રેષ્ઠ વરદાન છે અને તેનાં ઉછેરમાં જો આયુર્વેદને વણી લેવામાં આવે તો અવશ્ય સોનામાં સુગંધ ભળવા જેવો ફાયદો જોઈ શકાય છે.
- જ્હાનવીબેન ભટ્ટ








