Get The App

'ક' થી શરૂ થતા શબ્દોમાં સચવાયેલું અવાજનું વૈવિધ્ય

Updated: Sep 19th, 2021

GS TEAM

Google News
Google News
'ક' થી શરૂ થતા શબ્દોમાં સચવાયેલું અવાજનું વૈવિધ્ય 1 - image


- આજમાં ગઈકાલ : ભગીરથ બ્રહ્મભટ્ટ

ગુજરાતી ભાષા અનેક વિસ્મયોથી ભરેલી છે. ઝીણી નજરે જોઇએ તો એમાં ભાવની, લાગણીની, પ્રેમની, અવાજની ઉચ્ચાવચતા અને ગત્યાત્મકતાને પ્રગટ કરતા શબ્દો પણ છે, અને જન્મથી મૃત્યુ સુધીના વચગાળાના થતાં વિધિવિધાનો-સગપણ અને સગાઈને પ્રગટ કરનારા નોખાનોખા શબ્દો પણ છે. ગુજરાતી ભાષાની બીજી વિશેષતા એ છે કે, એ સંસ્કૃત ભાષાની દીકરી હોવા છતાં એના ખોળામાં અંગ્રેજી, અરબી, હિંદી જેવી ભાષાઓના કેટલાક શબ્દો આળોટયા કરે છે. સૌનો સમાવેશ કરનારી ગુજરાતી ભાષાનો અભણ ખેડૂત પણ એમ જ બોલશે 'યાડમાં એરંડા વેચી આયો' અહીં 'યાર્ડ' શબ્દ અંગ્રેજી હોવા છતાં અંગ્રેજી રહ્યો જ નથી. 'હું તે સાયેબને રૂબરૂ મલ્યો' એવાં વાક્યો બોલાય છે તેમાં પણ 'રૂબરૂ' શબ્દ અરબી છે તેવી બોલનારને ખબર નથી. ગુજરાતી ભાષાની બીજી વિશેષતા મર્મર ધ્વનિની છે. તે બ્હેન, મહારુ એવો ઉચ્ચાર કરશે પણ લખશે બેન, મારું વળી 'ડ' અને 'ળ'માં ભેળસેળ પણ કરે છે.

આજે તો ગુજરાતીમાં 'ક' થી શરૂ થતાં એવા શબ્દોની જ વાત કરવી છે કે જે શબ્દોમાંથી વિવિધ પ્રકારના અવાજનો જ અર્થ નીકળતો હોય...દા.ત. (૧) કલશોર અને કલરવ મધુર ધ્વનિ થતાં હોય ત્યાં વપરાય, પણ કલરવ પંખીઓ કરે જ્યારે કલશોર પણ પારેવાં-પંખીઓ કરે, પણ આપણે વધારે મધુરતા કલરવથી દર્શાવીએ છીએ. (૨) કિકિયારી-કોઇ બીક લાગવાથી, ડર લાગવાથી કારમી ચીસ પાડી ઊઠે ભય સૂચક તે અવાજ (૩) કકળાટ - કોઇ મૃત્યુ પામ્યું હોય અને રડારોડ થતી હોય, મૃત્યુ પછીનું રુદન થતું હોય એ કકળાટ - કજિયો - ટંટો હોય ત્યારે પણ એ શબ્દ વપરાય છે. (૪) કલબલ - વાતચીત કરતાં જે અવાજ નીકળે, સ્પષ્ટ સંભળાય નહિ તેને કલબલ કહે છે. (૫) કેકારવ - મોરના અવાજને કેકારવ કહેવાય. (૬) કલકલ - નાનાં પંખીડાંનો અવાજ, નદીના વહેવાનો અવાજ કલકલ કહેવાય. (૭) કચકચ - ખોટી માથાકૂટ, કામ વગરનું બોલવું - તે કચકચ કહેવાય. (૮) કલકલાણ - ખોટો વધારે ઘોંઘાટ થાય ત્યારે કકલાણ કે કલકલાણ કહે છે. (૯) કડેડાટ - ઝાડના પડવાનો અવાજ...ભીંતના પડવાનો અવાજ. (૧૦) કચવાટ - કંઇક અણગમો કે અસંતોષ થયો હોય ત્યારે થતો મનોમન ભાવ. (૧૧) કિચૂડાટ - હીંચકાનો ઝુલવાનો અથવા ઝુલતા હીંચકાના કડામાંથી નીકળતો અવાજ. (૧૨) કિકિયાણ - નાના મોટા, તીણા - વિવિધ પ્રકારના અવાજો એક સાથે થતા હોય ત્યારે કિકિયાણ કહેવાય. (૧૩) કમકમવું - એક પ્રકારની ધુ્રજારીનો અવાજ થાય તે કમકમવું કહે છે. (૧૪) કડાકડ - સામ સામે અનેક વિસંવાદોની આપલે થાય, ચડસાસડસી થાય તેને કડાકડ કહેવાય. (૧૫) કડકડાટ - ઝાપટાભેર, ત્વરાથી બોલી નાંખવું તે...છોકરાને ઘડિયા કડકડાટ આવડે છે. (૧૬) કકડીને - સખત ભૂખ લાગે ત્યારે એ ભૂખ માટે વપરાતો શબ્દ. (૧૭) કડતલ - એક વિશિષ્ટ પ્રકારની કૂથલી નિંદા માટે કડતલ શબ્દ વપરાય છે. (૧૮) કલબલાટ - પંખીઓનો અવાજ અને છોકરાંનો એક સાથે થતો અવાજ. (૧૯) કકળતું/કકડતું/કકળવું - ઊકળતું પ્રવાહી હોય તેનો થતો અવાજ. (૨૦) કલબલ - સમૂહમાં થતો અવાજ, કોઇ એક અવાજ સ્પષ્ટ ના સંભળાય ત્યારે વપરાતો શબ્દ. (૨૧) કડાકા - વાદળોનો થતો અવાજ. (૨૨) કલબલાટ - ઘોંઘાટ માટે વપરાતો શબ્દ. (૨૩) કલકલાણ - ઘોંઘાટ માટે કલકલાણ શબ્દ વપરાય છે. (૨૪) કકળાટ - ખોટા ઝઘડો કરનારા માટે વપરાતો શબ્દ કકળાટ છે. (૨૫) કચડકચડ - ઊંઘમાં દાંતમાંથી નીકળતો એક પ્રકારનો અવાજ. (૨૬) કમકમાટ-કંપારી - 'કમકમવું' શબ્દનો પર્યાય છે તે ધુ્રજારી વખતે થતો અવાજ છે. (૨૭) કાનકરડવા - ગુસપુસ અવાજ કરવો તે. (૨૮) કાનમાં કહેવું - છાની વાત કરવી. (૨૯) કાકલૂદી - દયા ઊપજાવે એવી વિનંતી કે કાલાવાલાનો અવાજ. (૩૦) કળાહોર - કોલાહલ. (૩૧) કળાપો - રડારોળ વખતે થતો અવાજ. (૩૨) કળળવું - મોટેથી બૂમ પાડવાનો અવાજ. (૩૩) કસકસ/કચકચાવવું - ખૂબ ખેંચીને બાંધતાં વપરાતો શબ્દ. (૩૪) કલ્લોલ/કિલ્લોલ - આનંદ માટેનો શબ્દ. (૩૫) કરૂણ - દયાજનક અવાજ. (૩૬) કરપવું - થોડું થોડું કાપવાનો અવાજ. (૩૭) કડેડાટી - કડક અવાજ. (૩૮) કડકડ - બડુકા બોલે તેવો અવાજ. (૩૯) કચૂડકચૂડ - એક પ્રકારનો અવાજ. (૪૦) કચરવું - લસોટતાં કે પત્થરથી ઝીણું કરતાં થતો અવાજ. (૪૧) કકળી ઊઠવું - જીવ બાળવો. (૪૨) કચ - થોડો અવાજ... નાની વાતમાં શું કચ કરવાની ?

આવા અનેક શબ્દોમાંથી અવાજનું વૈવિધ્ય જાણવા મળે છે. આપણે બોલાશના જંગલમાં અટવાઈ ગયા છીએ ત્યારે નિરાંતે આવી કોઇ નૂતન પ્રકારની અવાજની કેડી ઉપર પગલાં માંડીએ તો અવશ્ય સંશોધકીય પ્રસન્નતાનો અવશ્ય અનુભવ થાય.

Tags :