Magazines

સોનુ અને સોનેરી તારલા .

By GS TEAM
19 Jun 20268 mins read
સોનુ અને સોનેરી તારલા                                     .

- તારલિયો હરખાઈ ગયો અને બોલ્યો,'સોનુ, તારો આભાર! પણ આ અંધકાર દૂર કરવા માટે તારે ત્રણ જાદુઈ ચાવીઓ શોધવી પડશે- 'હિંમત', 'દયા' અને 'વિશ્વાસ!'

- ભાવના હેમંતકુમાર વકીલના

હરિયાળાં વૃક્ષોથી ઘેરાયેલા અને ઊંચા-ઊંચા પહાડોની ગોદમાં છવાયેલા એક નાનકડા, સુંદર ગામમાં સોનાલી તેનાં મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. સોનાલીનો જન્મ થયો ત્યારે તેના માથાના વાળ એકદમ સોનેરી રંગના હતા, તેથી ઘરના અને ગામના બધા લોકો તેને વહાલથી 'સોનુ' કહીને જ બોલાવતા.

સોનુ સ્વભાવે ખૂબ જ હસમુખી, દયાળુ અને પરોપકારી હતી. તે ક્યારેય બીજાનું દુખ જોઈ શકતી નહીં. પોતાની શાળામાં જો કોઈ સખી નાસ્તો લાવવાનું ભૂલી જાય, તો સોનુ જરાય અચકાયા વિના હોંશે-હોંશે પોતાનો નાસ્તો તેની સાથે વહેંચીને ખવડાવતી. સોનુ બહુ કલ્પનાશીલ હતી. તેને રોજ રાત્રે નવાં-નવાં સુંદર સપનાં આવતાં, અને સવારે જાગીને તે બધી વાતો ઉત્સાહથી પોતાની મમ્મીને કહેતી.

પોતાના ઘરની બારીમાં ઊભા રહીને તેને સામે દેખાતી પહાડોની રહસ્યમય દુનિયા જોવી ખૂબ ગમતી. રાતના અંધકારમાં આકાશમાં ચમકતા અસંખ્ય તારાઓને તે ઘરની છત ઉપર સૂતાં-સૂતાં એકીટશે જોયા કરતી. તેને એવું લાગતું કે આ તારાઓ અંદરોઅંદર કોઈક એવી મીઠી વાતો કરી રહ્યા છે, જે આપણે માણસો સાંભળી શકતા નથી.

એક દિવસ તેની દાદીએ તેને પાસે બેસાડીને કહ્યું, 'સોનુ બેટા, જે સપનાં સાચા દિલથી અને પવિત્ર ભાવથી જોવામાં આવેને, તે ક્યારેક ચમત્કાર બનીને સાક્ષાત્ સાકાર પણ થાય છે!' 

સોનુને દાદીની આ વાત મનમાં બરાબર ખૂંપી ગઈ.

તે રાત્રે આકાશમાં એક અજબનો ચમકારો હતો. પૂનમનો ચાંદ પૂરેપૂરો ગોળ ખીલ્યો હતો અને તેની આસપાસ હજારો તારાઓ ઝગમગતા હતા. પ્રકૃતિનું આ સુંદર દ્રશ્ય જોતાં-જોતાં જ સોનુને ક્યારે ઊંઘ આવી ગઈ, તેની તેને ખબર જ ન પડી.

ભરઊંઘમાં અચાનક સોનુને લાગ્યું કે કોઈ તેનો હાથ પકડીને બહુ મધુર અવાજે બોલી રહ્યું છે, 'સોનુ... ઓ સોનુ, જરા આંખો ખોલ તો ખરી!'

સોનુએ ધીમેથી આંખો ખોલી, તો સામેનું દ્રશ્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ! તેની સામે એક નાનકડો, રૂપાળો સોનેરી તારલો ઊભો હતો! એ તારલાને પતંગિયા જેવી નાની-નાની રંગબેરંગી પાંખો હતી અને તેની આસપાસ હવામાં ચમકતી સોનેરી ધૂળ ઊડી રહી હતી.

તેણે સોનુને કહ્યું, 'સોનુ, હું તારલો છું... હું સપનાઓની અદભુત દુનિયામાંથી ખાસ તને મળવા આવ્યો છું.' 

સોનુ તો આંખો ફાડીને તેને જોતી જ રહી ગઈ.

તેણે પૂછયું, 'અરે તારલિયા! તું ખરેખર સાચો છે કે પછી હું કોઈ સપનું જોઈ રહી છું?' તારલો ખિલખિલાટ હસી પડયો અને બોલ્યો, 'સોનુ, ક્યારેક સપનાઓમાં પણ પરમ સત્ય છુપાયેલું હોય છે!'

એટલું કહી તારલાએ હાથમાં રહેલો જાદુઈ દંડ હવામાં હલાવ્યો. પલવારમાં જ એક ચમત્કાર થયો! સોનુ અને તારલો બંને હવામાં ઊડવા લાગ્યાં અને આકાશ તરફ આગળ વધ્યાં. સોનુ માટે આ બધું સાવ નવું અને રોમાંચક હતું. ઉપરથી નીચે જોતાં તેનું આખું ગામ રમકડાં જેવું નાનું-નાનું દેખાતું હતું.

ઊડતાં-ઊડતાં તેઓ એક અદભુત અને વૈભવી શહેરમાં પહોંચ્યા. ત્યાંના નજારા અકલ્પનીય હતા! વૃક્ષો ઉપર લીલાને બદલે સોનાનાં ચળકતાં પાંદડાં હતાં. નદીઓમાં વહેતું પાણી એટલું સ્વચ્છ હતું કે ચાંદીની જેમ ચમકતું હતું. બગીચાઓમાં રંગબેરંગી ખીલેલાં ફૂલોમાંથી અદભુત સુગંધ આવતી હતી અને હવામાં કોઈ મધુર સંગીત વહી રહ્યું હતું.

'જો સોનુ, આ છે આપણું સપનાઓનું સુંદર રાજ્ય!' તારલાએ ગર્વથી કહ્યું. 

સોનુ તો રાજી-રાજી થઈ ગઈ, 'અરે વાહ તારલા! અહીં તો બધું જ કેટલું જાદુઈ અને ચમત્કારિક છે!'

પરંતુ, અચાનક સોનુની નજર આકાશમાંથી રાજ્યની બીજી બાજુ પડી. ત્યાંનો નજારો સાવ જુદો હતો. રાજ્યના એ ખૂણામાં ઘોર અંધકાર ફેલાયેલો હતો. ત્યાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં હતાં અને ફૂલો મુરઝાઈને કાળાં પડી ગયાં હતાં.

'અરે તારલા! ત્યાં પેલી બાજુ આ શું થયું છે? આટલો અંધકાર કેમ છે?' સોનુએ ચિંતાતુર અવાજે પૂછયું. 

તારલાનો હસતો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો. તેણે લાંબો શ્વાસ લઈને કહ્યું, 'સોનુ, આ જ તો મોટી મુશ્કેલી છે. આ રાજ્યની તમામ ખુશીઓ અને સમૃદ્ધિ 'સુવર્ણ પ્રકાશ' પર ટકેલી છે. પરંતુ આજકાલ પૃથ્વી પરથી આવતા લોકોના દુખ, ખરાબ વિચારો, ઈર્ષ્યા અને ડરના કારણે એ પવિત્ર પ્રકાશ ઝાંખો પડી રહ્યો છે.'

'તારલા, તો હવે શું થશે?' સોનુએ ગભરાઈને પૂછયું. 

'જો આ પ્રકાશ પૂરેપૂરો બુઝાઈ જશે, તો અમારું આ આખું સપનાઓનું સુંદર રાજ્ય કાયમ માટે ગાયબ થઈ જશે!' તારલો રડમસ અવાજે બોલ્યો. 

'તું ચિંતા ન કર, હું તને મદદ કરીશ!' સોનુએ તેના પરોપકારી સ્વભાવ મુજબ તરત જ ઉત્તર આપ્યો. 

આ સાંભળી તારલિયો હરખાઈ ગયો અને બોલ્યો, 'સોનુ, તારો આભાર! પણ આ અંધકાર દૂર કરવા માટે તારે ત્રણ જાદુઈ ચાવીઓ શોધવી પડશે- 'હિંમત', 'દયા' અને 'વિશ્વાસ'ની ચાવી.'

આ સાથે જ સોનુની એક અજાણી અને સાહસિક સફર શરૂ થઈ ગઈ. તારલાએ જાદુથી સોનુને એક મોટા ઘનઘોર જંગલમાં ઉતારી. ત્યાં ચારેકોર કાળું ધુમ્મસ ફેલાયેલું હતું. અચાનક શાંતિ ચીરી નાખે તેવી એક ભયાનક ગર્જના સંભળાઈ. સોનુએ ધૂ્રજતા અવાજે બૂમ પાડી, 'કોણ છે ત્યાં?'

ઝાડીઓમાંથી એક વિશાળ અને ડરામણો સિંહ સોનુની નજીક આવ્યો. સોનુ ક્ષણભર માટે તો ખૂબ ડરી ગઈ, પણ તે ત્યાંથી ભાગી નહીં, કારણ કે તેની નજર સામે પેલા અંધકારમાં ડૂબેલા રાજ્યને બચાવવાનું મોટું લક્ષ્ય હતું. સિંહ તેની પાસે આવીને ગંભીર અવાજે બોલ્યો, 'જે ડર સામે ટકી રહે અને પોતાના ડરને હરાવે, તેને જ 'હિંમતની ચાવી' મળે!'

બરાબર એ જ સમયે સોનુની નજર સિંહના જમણા પગ પર પડી. તેણે જોયું કે સિંહના પંજામાં એક મોટો અને અણીદાર કાંટો ખૂંપી ગયો હતો, જેમાંથી લોહી નીકળતું હતું. એ અસહ્ય દુખાવાના કારણે જ સિંહ કણસી રહ્યો હતો અને ગર્જના કરતો હતો. સોનુનો ડર ગાયબ થઈ ગયો. તેણે કમર કસીને કહ્યું, 'અરેરે! તમને બહુ દુખે છે ને? લાવો, હું તમારી મદદ કરું!' એમ કહી સોનુ નીડરતાથી સિંહની સાવ નજીક ગઈ અને ધીમેથી તેના પગમાંથી એ મોટો કાંટો ખેંચી કાઢયો. સિંહને તરત જ રાહત થઈ. 

સિંહ અત્યંત ખુશ થઈને બોલ્યો, 'સોનુ, તું નાની હોવા છતાં અને મારાથી ડરતી હોવા છતાં, મારી તકલીફ જોઈને મદદ કરવા આગળ આવી, એ જ તારી સાચી હિંમત છે!' 

તે આ સાથે જ હવામાં એક ચમકારો થયો અને 'હિંમતની પહેલી સોનેરી ચાવી' સોનુના હાથમાં આવી ગઈ.

હવે બીજી ચાવી શોધવાની હતી, જે 'દયાની ચાવી' હતી. સોનુ જંગલમાં આગળ વધી, ત્યાં રસ્તામાં એક તોફાની નદી વહેતી હતી. નદીના કિનારે એક નાનકડી ચકલી ખૂબ જ વ્યાકુળ થઈને આમતેમ ઉડાઉડ કરી રડતી હતી. સોનુએ પૂછયું, 'શું થયું ચકલીબેન? તમે આટલાં હેરાન કેમ છો?' 

ચકલીએ રડતાં-જણાવ્યું, 'સોનુ, વાવાઝોડામાં મારો માળો તૂટીને નદીના વહેણમાં વહી ગયો છે. એ માળાની અંદર મારાં નાનાં-નાનાં બચ્ચાંઓ છે, જે હજી ઊડી પણ શકતાં નથી. પ્લીઝ, તેમને બચાવો!'

સોનુએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નદીના કિનારે પડેલા મોટા-મોટા પથ્થરો પાણીમાં ગોઠવવાનું શરૂ કર્યું. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે માંડ-માંડ સંતુલન જાળવીને તે આગળ વધી અને ડૂબતા માળાને સુરક્ષિત પોતાના હાથમાં લઈ લીધો. માળાની અંદર રહેલાં બચ્ચાંઓ હેમખેમ હતાં અને કલરવ કરી રહ્યાં હતાં. પોતાના બચ્ચાંને સહીસલામત જોઈને ચકલી આનંદથી ગીત ગાવા લાગી.તેણે સોનુના માથા પર બેસીને કહ્યું, 'સોનુ, નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલી દયા હંમેશાં ચમત્કાર કરે છે!'

ત્યાં જ આકાશમાંથી પ્રકાશના કિરણ સાથે 'દયાની બીજી ચાવી' સોનુની હથેળીમાં આવી પડી.

હવે છેલ્લી ચાવી મેળવવાની હતી. પથ્થરો અને કાંટાવાળા કઠિન માર્ગ પર પડતાં-આખડતાં સોનુ એક ઊંચા બરફીલા પહાડ પાસે આવી પહોંચી. એ પહાડની બરાબર વચ્ચે એક વિશાળ અને ચમકતો સોનેરી દરવાજો હતો, પણ તે સાંકળોથી મજબૂત રીતે બંધ હતો. તે દરવાજો ખોલવા માટે સોનુ જેવી આગળ વધી, ત્યાં જ હવામાંથી એક ગંભીર અવાજે આકાશવાણી સંભળાઈ- 'માત્ર એ જ વ્યક્તિ આ દરવાજો ખોલી શકશે, જેને પોતાના આત્મા પર અને પોતાની શક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ હશે!'

સોનુએ દરવાજાને ધક્કો મારવા માટે ઘણો પ્રયત્ન કર્યાે, પણ દરવાજો સહેજ પણ હલ્યો નહીં. તે થાકી ગઈ અને તેના મનમાં નકારાત્મક વિચારો આવવા લાગ્યા, 'હું તો બહુ નાની છું, કદાચ આ દરવાજો મારાથી નહીં જ ખૂલે...' 

તે નિરાશ થઈને બેસી પડી.

બરાબર એ જ ક્ષણે તેને તેની વહાલી દાદીની કહેલી વાત યાદ આવી- સાચા દિલથી જોવામાં આવેલાં સપનાં હંમેશાં સાકાર થાય છે. દાદીના શબ્દોએ સોનુમાં નવો પ્રાણ પૂર્યો. તેણે પોતાની બંને આંખો બંધ કરી અને નજર સામે પેલા અંધકારથી ઘેરાયેલા સપનાના રાજ્યને અને ઉદાસ તારલાને યાદ કર્યા. તેણે મક્કમતાથી પોતાને કહ્યું, 'ના, હું હિંમત નહીં હારું. મને મારા પર પૂરો ભરોસો છે કે હું આ કામ ચોક્કસ કરી શકીશ!' 

આ આત્મવિશ્વાસ સાથે તેણે આંખો ખોલી અને જેવો દરવાજાને હળવો સ્પર્શ કર્યાે, કે તરત જ એક મોટા અવાજ સાથે દરવાજો આપોઆપ ખૂલી ગયો! દરવાજાની અંદર અવર્ણનીય પ્રકાશનો પૂંજ હતો અને હવામાં તરતી 'વિશ્વાસની ત્રીજી ચાવી' સોનુને મળી ગઈ.

જેવી સોનુને આ ત્રણેય ચાવીઓ મળી કે તરત જ આખું સપનાઓનું રાજ્ય દિવ્ય પ્રકાશથી ચમકી ઊઠયું! સૂકાઈ ગયેલાં વૃક્ષો ફરીથી લીલાંછમ થઈ ગયાં, મુરઝાયેલાં ફૂલો ખીલી ઊઠયાં અને તેમાંથી મધુર સંગીત ગુંજવા લાગ્યું. આકાશમાં સોનેરી તારાઓ આનંદથી નાચવા લાગ્યા.

ત્યાં જ સોનુની સામે એ રાજ્યની રાણી પ્રગટ થઈ. એ રાણી દેખાવમાં ખૂબ જ દયાળુ અને સુંદર હતી, અને તેના વાળ પણ સોનુની જેમ જ સોનેરી અને ચમકતા હતા. રાણીએ સોનુને ગળે લગાવીને કહ્યું, 'સોનુ, તારી હિંમત, દયા અને આત્મવિશ્વાસના કારણે આજે અમારું આખું રાજ્ય અને સુવર્ણ પ્રકાશ બચી ગયાં છે!' 

સોનુએ નમ્રતાથી હસતાં-હસતાં કહ્યું, 'રાણીબા, મેં તો માત્ર એક સાધારણ મદદ જ કરી છે.' 

રાણી બોલી, 'ના સોનુ, સાચા દિલથી કરેલી મદદ અને મનમાં રાખેલા સારા વિચારો એ જ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે!'

વિદાય વેળાએ, પેલા નાનકડા સોનેરી તારલાએ સોનુની પાસે આવીને તેને એક નાનો, ચમકતો અસલી તારો ભેટમાં આપ્યો અને કહ્યું, 'સોનુ, જીવનમાં ક્યારેય પણ તું નિરાશ થાય કે મુશ્કેલીમાં મુકાય, ત્યારે આ તારો તને હંમેશાં યાદ અપાવશે કે સાચાં સપનાઓમાં જગત બદલવાની મહાન શક્તિ હોય છે!'

'સોનુ... બેટા સોનુ, જાગ હવે, સવાર થઈ ગઈ!' એવા મમ્મીના અવાજ સાથે જ સોનુની આંખો ખૂલી ગઈ. તેણે આસપાસ જોયું તો પોતે પોતાના ઘરની છત પર પલંગમાં સૂતી હતી અને સામે સવારનો નવલો સૂરજ ઊગી રહ્યો હતો. તેણે આશ્ચર્યથી વિચાર્યું, 'હે ભગવાન! શું આ બધું માત્ર એક સપનું જ હતું?'

પરંતુ જેવી તેણે પોતાની હથેળી ખોલી, સોનુની આંખો ખુશીથી પહોળી થઈ ગઈ! તેની હથેળીમાં પેલો નાનકડો, ચમકતો સોનેરી તારો સાચે જ હાજર હતો!

સોનુના ચહેરા પર એક સુંદર સ્મિત આવી ગયું. હવે તે બરાબર જાણી ગઈ હતી કે જો જીવનમાં 'હિંમત', 'દયા' અને 'આત્મવિશ્વાસ' આ ત્રણ ગુણો આપણી સાથે હોય, તો કોઈપણ સપનું જીવનમાં સુંદર ચમત્કાર બનીને સાકાર થઈ શકે છે!