Magazines

પુત્રની સલાહ .

By GS TEAM
22 Aug 20252 mins read
પુત્રની સલાહ                                       .

- રામજી તરત છીંડા પાસે આવ્યો. તેણે ચારે બાજુએ નજર કરી. રામજીને કોઈ દેખાયું નહીં. એણે દીકરાને પૂછયું, 'અહીં તો કોઈ દેખાતું નથી. તેં કેમ મને ખોટો ઈશારો કર્યો?'

- વર્ષાબેન જોશી

રામજી નામનો એક ખેડૂત. પોતાના દીકરા ગોપાલને દરરોજ સાંજે સુતા પહેલાં એ વાર્તાઓ સંભળાવે. 

એક દિવસ રામજીએ ગોપાલને કહ્યું , 'બેટા, એક વાત તારે હંમેશા યાદ રાખવી જોઈએ.  ઈશ્વર દરેક જગ્યાએ છે.'

ગોપાલે આસપાસ  જોઈને કહ્યું, 'પિતાજી, ભગવાન બધી જ જગ્યાએ છે, તો મને કેમ દેખાતા નથી?'

રામજી એ કહ્યું, 'આપણે ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ ભગવાન આપણાં બધાં જ કામને જુએ છે.'

ગોપાલે પોતાના પિતાજીની વાત બરાબર યાદ રાખી. થોડાક દિવસ પછી દુકાળ પડયો. રામજીના ખેતરમાં કંઈ જ પાક્યું નહીં.

એક દિવસ રામજી દીકરા સાથે રાત્રિના અંધકારમાં ગામમાંથી બહાર નીકળ્યો. તેની દાનત ખરાબ હતી. એ અન્ય ખેડૂતના ખેતરમાંથી ચોરીછૂપીથી અનાજ કાપીને, તેને ગાંસડી બાંધીને પોતાના ઘરે લાવવા માગતો હતો.

દીકરાને ખેતરના છીંડા ઉપર ઊભો રાખીને રામજીએ કહ્યું, 'તું ચારે બાજુ બરાબર નજર રાખજે. કોઈ પણ તારી તરફ આવતું જણાય તો તરત મને ધીમેથી ખબર આપજે.'

જેવો રામજી બીજા ખેડૂતના ખેતરમાં અનાજ કાપવા માટે ગયો કે ગોપાલ તરત કહ્યુ,'પિતાજી, થોભો.'

રામજીએ પૂછયું, 'શું કોઈ આપણને જોઈ ગયું?' 

રામજી તરત છીંડા પાસે આવ્યો. તેણે ચારે બાજુએ નજર કરી. રામજીને કોઈ દેખાયું નહીં. એણે દીકરાને પૂછયું, 'અહીં તો કોઈ દેખાતું નથી. તેં કેમ મને ખોટો ઈશારો કર્યો?'

ગોપાલે કહ્યું ,'તમે મને કહેલું કે ભગવાન બધે હાજર છે, અને એ આપણાં બધાં જ કામને જુએ છે. જો આમ જ હોય તો તમને બીજા કોઈના ખેતરમાંથી અનાજ કાપતાં શું ભગવાન નહીં જોતા હોય?'

પુત્રની વાત સાંભળીને રામજી ભોંઠો પડી ગયો. એને પસ્તાવો થયો. ચોરી કરવાનો વિચાર પડતો મૂકીને એ દીકરા સાથે પોતાના ઘેર પાછો ફર્યો. આમ, ચોરી કરવાના પાપમાંથી એ બચી ગયો.