ટ્રોલ્સને હેન્ડલ કરવાનું કોઈ સામન્થા પ્રભુ પાસેથી શીખે

- 'મારી પ્રશંસાથી હું ફુલાઈને ફાળકો થઈ જતી નથી. એ જ રીતે ટ્રોલ્સ પણ મારા પર અસર કરી શકતા નથી. હા, જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક નેગેટિવિટી ફેલાવવા માગતી હોય તો હું એને બ્લોક કરી દઉં છું. હું કોઈને બ્લોક કરું એનો અર્થ માત્ર એટલો થયો કે આવાં તત્ત્વોનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી. '
તામિળ અને તેલુગુ ફિલ્મોની સુપરસ્ટાર સામન્થા રુથ પ્રભુ બોલિવુડની દીપિકા પદુકોણની જેમ સાઉથની સૌથી ઊંચી ફી લેતી એકટ્રેસ છે. લખબૂટ નામ અને દામ મેળવ્યા બાદ પણ - કદાચ એટલે જ - એ પોતાના આદર્શો અને સિદ્ધાંતો પર ટકી રહી છે. તેલુગુ સુપરસ્ટાર નાગા ચૈતન્ય સાથે આ એકટ્રેસે ૨૦૨૧માં ડિવોર્સ લીધા ત્યારે રૃા. ૨૦૦ કરોડની એલિમની (નિર્વાહ ખર્ચ) ઠુકરાવીને એણે પોતાના આત્મસન્માનનો પુરાવો આપી દીધો હતો.
કમનસીબે, સુપર ગ્લેમરસ સામન્થા (૩૮ વરસ) માયોસાઇટિસ નામના વિચિત્ર અને અસાધ્ય રોગથી પીડાય છે. આ બીમારીમાં દર્દીને મસલ્સમાં સોજો આવી જાય છે અને દુખાવો થાય છે. રોગ ઉથલો મારે ત્યારે દર્દીને અતિશય થાક લાગે છે, પીડા થાય છે અને એને સામાન્ય હલનચલનમાં પણ મુશ્કેલી પડે છે. સામન્થા પોતાની જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરી, યોગ્ય ડાયટ લઈ અને નિયમિત મેડિટેશન કરી માયોસાઇટિસને કન્ટ્રોલમાં રાખે છે.સામન્થાએ રોગનું નિદાન થયા બાદ પોતે જ એના વિશેની માહિતી શેર કરી હતી.
૪ વરસ સિંગલ રહ્યા બાદ ૨૦૨૫માં ડિરેક્ટર્સ રાજ-ડીકેની જોડી પૈકીના રાજ નિદિમોરુ સાથે બીજા મેરેજ કરનાર સામન્થા રુથ પ્રભુએ હજુ હમણાં જ પોતાના ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનીથિંગ' સેશન યોજ્યું હતું. સેશનમાં એણે ટ્રોલ થવા વિશે, 'ફોમો' (ફિયર ઓફ મિસિંગ આઉટ) વિશે અને ડૂમસ્ક્રોલિંગ (સોશિયલ મીડિયા પર સતત સ્ક્રોલ કરવાનું બંધાણ) વિશે પૂછાયેલા સવાલોના નિખાલસપણે જવાબ આપ્યા હતા.
સેશનની શરૂઆતમાં જ એક ફેને સામન્થાને પૂછ્યું કે મેડમ, તમે સોશ્યલ મીડિયા પર તમારા વિશે થતી પોઝિટિવ અને નેગેટીવ કમેંટ્સ જોઈને કેવી લાગણી અનુભવો છો? એના જવાબમાં સામન્થાએ બેધડક કહ્યું, 'મારી પ્રશંસાથી હું ફુલાઈને ફાળકો નથી થઈ જતી. એ જ રીતે ટ્રોલ્સ પણ મને અસર નથી કરી શકતા, પરંતુ કોઈ વ્યક્તિ જો ઈરાદાપૂર્વક નેગેટિવિટી ફેલાવવા માગતી હોય તો હું એને બ્લોક કરી દઉં છું. કોઈને હું બ્લોક કરું એટલે એણે એવું ન માનવું કે એની કમેંટ્સની મને અસર થઈ છે. એનો મતલબ એટલો જ થાય છે કે આવાં તત્ત્વોનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી.' બીજા એક ફેને સામંથાને પૂછ્યું કે તમે ડૂમસ્ક્રોલિંગને કઈ રીતે હેન્ડલ કરો છો? એના જવાબમાં ચચ્ચાર ફિલ્મફેર એવોર્ડ અને તામિલનાડુ સરકારનો એક એવોર્ડ જીતી ચુકેલી આ વર્સેટાઈલ એકટ્રેસ કહે છે, 'આ ટોપિક વિશે હું મારા હસબન્ડ રાજ સાથે અવારનવાર ચર્ચા કરું છું. આ એક એવું વ્યસન જેનાથી મને ડર લાગે છે. હમણાં જ એક દિવસ હું રાજને કહેતી હતી કે હું નાની હતી ત્યારે અભ્યાસ માટે એક ટાઈમટેબલ બનાવી એનો ચુસ્તપણે અનુસરતી. એ દરમિયાન મારું ધ્યાન ક્યારેય વિચલિત નહોતું થતું. મારામાં હવે એવી માનસિક સ્વસ્થતા છે કે નહિ એની મને ખબર નથી. સોશિયલ મીડિયા પર રીલ્સ જે ફોમો (કશુંક ચુકાઈ જવાનો ડર) ઊભો કરે છે એ ભયંકર છે. એટલે હું મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ લોક કરી દઈને મોટું દળદાર પુસ્તક વાંચુ છું, એકાદ સારો પોડકાસ્ટ જોઈ લઈ છું, અને જાણીજોઈને કંટાળો અપાવે એવી પ્રવૃત્તિ કરું છું. નોનસ્ટોપ સ્ક્રોલિંગના બંધાણમાંથી છૂટવું હોય તો આપણે બધાએ અમુક નિયમો પાળવા જોઈએ.'
સત્ય વચન!








