અબ તેરા ક્યા હોગા, આમિર ?

- આમિર કંઈ સંત માણસ નથી. 60 વર્ષના આયુષ્યમાં તેણે અનેક ભૂલો
કરી છે, કામના પેશન પાછળ પરિવારની ઉપેક્ષા કરી છે, જાણતા-અજાણતા અનેકને દુભવ્યા પણ છે અને ખરા-ખોટાં નિવેદનો આપીને વિવાદો પેદા કર્યા છે. છતાંય જનતાએ એને ચાહવાનું બંધ કર્યું નથી તે હકીકત છે.
ધરતી પર એવા જૂજ લોકો હોય છે જેમના પ્રત્યેનો આદર અને પ્રેમ સો ગુના કરવા છતાં પણ ઓછો થતો નથી. જનતા તેમના અપરાધોને નજરઅંદાજ કરીને તેમને હૃદયમાં સ્થાન આપે છે. આમિર ખાન આવો જ એક નસીબદાર સેલિબ્રિટી છે. વેલ, ઓલમોસ્ટ. આમિર કોઈ સંત નથી. ૬૦ વર્ષના આયુષ્યમાં તેણે અનેક ભૂલો કરી છે, કામના પેશન પાછળ પરિવારની ઉપેક્ષા કરી છે અને જાણતા-અજાણતા અનેકને દુભવ્યા પણ છે. સાડા-પાંચ ફૂટનો આ એક્ટર-ડિરેક્ટર બે પત્નીઓને છૂટાછેડા આપી ચૂક્યો છે અને સાઠીમાં પ્રવેશ્યા બાદ પોતાનાથી ઘણી નાની ઉંમરની ગર્લફ્રેન્ડનો હાથ પકડયો છે. આ બધું જગજાહેર હોવા છતાં લોકોમાં તેના પ્રત્યે આદર છે. તેનું કારણ શું હોઈ શકે?
મોટાભાગના સેલિબ્રિટીઝ બેવડું જીવન જીવતા હોય છે, પરંતુ બોલિવુડનો આ સુપરસ્ટાર સ્વભાવે સાવ સરળ છે. આમિર મુખવટું પહેરીને જીવતો નથી તેવું માનનારા ઓછા નથી. તે જેવો છે તેવો જ દેખાય છે. મીડિયા કે ફેન્સ સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં તેણે ક્યારેય સંકોચ રાખ્યો નથી.
હમણાં જ તેનો એક દાખલો જોવા મળ્યો. આમિર હાલ તેના હોમ પ્રોડક્શનની ફિલ્મ 'એક દિન'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. આ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મમાં તેના પુત્ર જુનૈદ ખાનની સાથે સાઉથની સ્ટાર સાઈ પલ્લવીએ ડેબ્યુ કર્યું છે. મુંબઈની એક ઈવેન્ટમાં ફિલ્મના ગીતો સાંભળીને આમિર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન તેણે સંચાલક પાસે લઘુશંકા માટે સ્ટેજ છોડવાની પરવાનગી પણ માગી. ગ્લેમરની દુનિયામાં રહીને આવી દંભ વિનાની સહજતા જાળવી રાખવી ખરેખર અઘરી છે.
આમિરને નજીકથી જાણતા લોકો કહે છે કે તે હંમેશા આવો જ રહ્યો છે. મિ. પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો આમિર હાલ બેંગ્લોરની સ્ટાઈલિસ્ટ અને ફોટોગ્રાફર ગૌરી સ્પ્રેટ સાથે ગંભીર રિલેશનશીપમાં છે. અંગત જીવનમાં ઉથલપાથલ હોવા છતાં તેનું પરિવાર એક 'હેપી ફેમિલી' છે. હાલ તેના બંગલાનું રિનોવેશન ચાલતું હોવાથી તેઓ બાન્દ્રામાં ટેમ્પરરી શિફ્ટ થયા છે. ત્યાં મુલાકાતે ગયેલી એક વ્યક્તિએ જોયું કે તેની બંને પૂર્વ પત્નીઓ-રીના અને કિરણ-તથા વર્તમાન ગર્લફ્રેન્ડ ગૌરી સાથે બેસીને આરામથી ચા-ગપ્પાનો આનંદ માણી રહ્યા હતા.
ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે આમિરની માતા ઝીનત હુસૈન અને બહેન નિખતને પણ આ ત્રણેય મહિલાઓ સાથે ઘણો સારો સંબંધ છે. તેના બાળકો-જુનૈદ, ઈરા અને આઝાદ-પણ સૌની સાથે હળીમળીને રહે છે. ટૂંકમાં, આમિર ખાન ભલે સંત નથી, પણ તે એક 'જેન્યુઈન' માણસ છે અને લોકોના પ્રેમ માટે આટલું પૂરતું છે.








