Magazines

તો સૂત્રો સખા બને અને મંત્રો મિત્ર બને ! .

By GS TEAM
29 Apr 20264 mins read
તો સૂત્રો સખા બને અને મંત્રો મિત્ર બને !                           .

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

મંત્ર એટલે કોઈ અગમ્ય શબ્દોથી ભરેલી ગૂઢ ભાષા યા તો બીજાક્ષરોથી સમન્વિત વર્ણોનો સમૂહ. ઉપરાંત કેટલીક વાર વિગતોનું વર્ણન માત્ર જેમાં દર્શાવ્યું હોય તેવા પણ મંત્રો હોય છે; એટલે નિશ્ચિત થાય છે કે મંત્ર એ એવો શબ્દસમૂહ છે કે જેથી તેના અધિષ્ઠાપક દેવનું આકર્ષણ થાય અથવા તો એવો શબ્દસમૂહ કે જેમાં વપરાયેલા અક્ષરોનો સંયોગ જ એવા પ્રકારનો હોય કે જે અમુક ફળ આપે છે.

દેવાધિષ્ઠિત અક્ષરસમૂહ અથવા જેની સાધના કરવી ન પડે તેવી અક્ષરોની રચનાવાળો સમૂહવિશેષ ને મંત્ર કહેવાય. પઠિત સિદ્ધાંત તે મંત્ર કહેવાય જેના આદિમાં 'ઁ' કાર હોય અને અંતમાં સ્વાહા હોય તેવા 'હ્રીં'કાર આદિ વર્ણવિન્યાસવાળો મંત્ર કહેવાય. મંત્રમાં માનસિક ક્રિયા મુખ્ય છે. કેટલાક વિદ્વાનોએ મંત્ર શબ્દના ચાર અર્થ-વેદ મંત્ર, સામાન્ય મંત્ર, ગુપ્ત સલાહ, ભૂતપ્રેત શમનકલા આપ્યાં છે. જૈન મૂર્તિપ્રતિષ્ઠાઓમાં-મૂર્તિઓમાં મંત્ર ન્યાસ કરવામાં આવે છે. મંત્રોથી અનેક વિદ્યાઓ સિદ્ધ થાય છે. મંત્રોથી મંત્રાધિષ્ઠિત દેવતા તુષ્ટ થઈ સહયોગી બને છે જેનાથી લૌકિક અને પારલૌકિક કામનાઓ પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે, ગુણપ્રધાન મંત્ર અધિક બળવાન હોય છે.

વર્ષો પહેલાં લોનાવાલામાં આવેલા 'સ્વામી વિજ્ઞાનાનંદના ન્યૂ-વે આશ્રમ'ની મુલાકાત લીધેલી તેમાં મંત્રોના માપ દર્શાવતું એક યંત્ર હતું. તે મશીનમાં મંત્રનું ઉચ્ચારણ કરતાં તે મંત્ર કેટલો બળવાન છે તે દર્શાવતું. તેમાં વિશ્વના વિવિધ ધર્મોના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું હતું. તેમાં સૌથી વધુ બળવત્તર મંત્ર જૈન ધર્મનો 'નમસ્કાર મહામંત્ર' (નવકાર મંત્ર) એ સિદ્ધ થયું હતું તે જાણ્યું. અહીં નોંધપાત્ર વાત એ હતી કે, અહીં કોઈ આશ્રમવાસી જૈનધર્મી ન હતો. નવકારમંત્ર એ બિનસાંપ્રદાયિક ગુણપ્રધાન મંત્ર છે.  આ મંત્ર શબ્દકોષના અક્ષરોનો માત્ર સમૂહ નથી પરંતુ હૃદયકોષનું અમૃત છે. આપત્તિ, કષ્ટ કે પીડાના સમયે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાને સમયે, મિથ્યાત્વની પ્રરૂપણા, આરંભ સમારંભ કે હિંસાત્મક અનુષ્ઠાનોમાં ન જતાં મંત્રનું શરણું સ્વીકારવાથી વિકટ પરિસ્થિતિમાં પણ માર્ગ મળશે જે શાંતિ સમાધિ પ્રતિ જીવને દોરી જશે. મંત્ર જાપનો એકમાત્ર ઉદ્દેશ આધ્યાત્મિક ઉન્નતિ અને કર્મનિર્ઝરા હેતુથી કરીશું તો વિપત્તિમાંથી માર્ગ પણ મળશે અને આધિ, વ્યાધિ અને ઉપાધિનું ટળવું તે મંત્રજાપનું બાયપ્રોડક્ટ છે. જેમ મગફળી શીંગનું પિલાણ ઘાણી કે એક્સપિલરમાં તેલ મેળવવાના મુખ્ય ઉદ્દેશથી કરીએ છીએ પણ સાથેસાથે ખોળ (પશુઆહાર) પણ મળે જ છે તેમ આધ્યાત્મિક ઉન્નતિ અને કર્મનિર્ઝરાને લઈને કરેલા જાપના આડફળ-આધિ, વ્યાધિ અને ઉપાધિ નિવારણ છે.

જેમણે પોતાના જીવનમાં મંત્રજાપ સિદ્ધ કર્યા છે એવા એક સંત પાસે એક મહિલા જઈને કહે છે કે, 'હે ગુરૂદેવ, મારું મન નિરંતર અશાંત રહ્યા કરે છે. મને એવો મંત્ર આપો જે મંત્રજાપ કરવાથી મારું મન શાંત થઈ જાય.' સંતે આ મહિલાને મંત્ર આપ્યો, 'શ્રીકૃષ્ણ શરણમ્ મમ:' અને કહ્યું, 'આ મંત્ર દિવસમાં ત્રણ વાર ભાવપૂર્વક કરવાથી માત્ર સાત દિવસમાં તમારું મન શાંતિનો અનુભવ કરશે. સાત દિવસ પછી મહિલા આવીને સંતને કહે છે, 'ગુરૂ મહારાજ, મંત્રજાપથી કશો ફરક પડયો નથી. મને હવે ભારે મંત્ર આપો જેથી મારું મન શાંત થાય.'

સંત કહે, 'મેં તમને આપેલ તે જ મંત્ર તમે કરેલ ?' મહિલા કહે, 'હા. આમ તો તમે આપેલ પ્રમાણે જ ત્રણે ટાઈમ ભાવપૂર્વક મંત્ર કરેલ, પણ મેં થોડો ફેરફાર કરેલ.' સંત કહે, 'બોલો તમે કઈ રીતે મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું તે સંભળાવો.' મહિલા કહે, 'તમે આપેલા મંત્રમાં મારા પતિનું નામ આવતું હોવાથી મારા પતિનું નામ ન બોલાય એટલે હું 'શ્રી પિંટુના પપ્પાય શરણં મમ:' એવો જાપ મેં એકસો આઠ વાર ત્રણ ટાઈમ કરેલ.' સંત કહે, 'બહેન, આ રીતે હજાર વાર જાપ કરો તો પણ તમને શાંતિ ન મળે. તમે તો પ્રભુનું નામ જ વિસારે પાડી દીધું !' મહિલા શું બોલે ?

એકાગ્રતાથી, મનમાં કે પ્રગટ રીતે પણ શુદ્ધ ઉચ્ચારણથી શ્રદ્ધાપૂર્વક  જાપ કરવાથી અવશ્ય ફળદાયી બને જ. જય જિનેન્દ્ર, નવકાર મંત્ર, ઁ નમ: શિવાય:, ગાયત્રી મંત્ર, હરે રામ હરે કૃષ્ણ, જય સ્વામીનારાયણ, જય સચ્ચિદાનંદ, બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ, ઓમ મૈયા શરણં મમ:, રાધાસ્વામી, જય પ્રભુ.... જેવા વિશ્વના અનેક ધર્મો અને સંપ્રદાયના શબ્દસમૂહ આપણને મંત્રરૂપે શાંતિ અને સમાધિ આપે  છે. કેટલાક એવા શબ્દો છે કે જે જીવનમાં મંત્રરૂપે ફળે છે. ક્ષમા આપવી અને ક્ષમા માગીને હળવા થવા માટે 'ંમિચ્છા મિ દુક્કડમ્', ભયને નિવારવા માટે 'નમો ઝિણાણં-અભિયાણં', કર્મોથી નિવૃત્ત થવા 'અપ્પાણં વોસિરામી', ગરૂસ્મરણ માટે 'સહજાત્મ સ્વરૂપ પરમ ગુરૂ', આવાં સૂત્રો અને મંત્રોને આત્મસાત્ કરીશું તો સૂત્રો સખા બનશે અને મંત્રો મિત્ર બનીને પ્રગટ થશે.