Magazines

ચહેરાની ત્વચાને સંતુલિત રાખતી સ્માર્ટ ટ્રીટમેન્ટ .

By GS TEAM
4 Aug 20253 mins read
ચહેરાની ત્વચાને સંતુલિત રાખતી સ્માર્ટ ટ્રીટમેન્ટ                     .

- 'સ્કિન ઝોનિંગ' - 'મલ્ટિ માસ્કિંગ'

રીટા એક હાઇફાઇ બ્યુટી ક્લિનિકમાં પહોંચી ત્યારે તેનું સ્વાગત કરતાં રિસેપ્શનિસ્ટે તેને પૂછ્યું, 'બોલો મેડમ કઈ ટ્રીટમેન્ટ કરાવવી છે તમને? રિસેપ્શનિસ્ટનો સવાલ સાંભળીને રીટા સહેજ ઝંખવાઈ. ત્યાર બાદ થોડી મૂંઝવણ અને સંકોચ સાથે કહ્યું કે હું પોતે અવઢવમાં છું કે કઈ ટ્રીટમેન્ટ લઉં. મારું કપાળ અને નાક ઓઈલી છે, ગાલ અને જડબાંનો ભાગ શુષ્ક છે, જ્યારે આંખો નીચે કાળા કુંડાળા દેખાઈ રહ્યાં છે. જો ઓઈલ કંટ્રોલ ટ્રીટમેન્ટ કરાવીશ તો ગાલ-જડબાં વધુ શુષ્ક થઈ જશે. અને સુકી ત્વચાને ભીનાશ બક્ષતી ટ્રીટમેન્ટ કરાવીશ તો ભાલ-નાક પર ઑઇલનું સ્તર હમણાં કરતાં પણ વધી જશે. હવે તમે જ મને કહો કે મારા માટે કઈ ટ્રીટમેન્ટ યોગ્ય રહેશે?'

આના જવાબમાં સ્મિત વેરતાં રિસેપ્શનિસ્ટે કહ્યું આ સમસ્યા તમારા એકલાની નથી. અને અમારી પાસે તેની જડબેસલાક ટ્રીટમેન્ટ પણ છે. તમે ચિંતા ન કરો, હું મારા સ્ટાફને તમારા ચહેરા પર 'સ્કિન ઝોનિંગ' કરવાનું કહું છું. તમે આ ટ્રીટમેન્ટ થતી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સારવાર શી રીતે કરવામાં આવે છે અને તેનું રિઝલ્ટ કેવું આવે છે.

રીટા જ્યારે આ ટ્રીટમેન્ટ લઈને બ્યુટી ક્લિનિકથી બહાર આવી રહી હતી ત્યારે તેનો ચહેરો ખુશીથી મલકાઈ રહ્યો હતો. હવે આપણે પણ જોઈએ શું છે આ 'સ્કિન ઝોનિંગ.'

ત્વચા નિષ્ણાતો તેના વિશે સમજ આપતાં કહે છે કે ચહેરાના અલગ અલગ ઝોનની આવશ્યકતાને ધ્યાનમાં લઈને તદનુસાર સ્કિનકેર લેવામાં આવે તેને અમે સ્કિન ઝોનિંગ કહીએ છીએ. તેમાં ચહેરાના ટી-ઝોન પર ત્યાંની જરૂરિયાત અનુસાર, યૂ-ઝોન પર તેની આવશ્યકતા મુજબનું માસ્ક લગાવવવામાં આવે છે. આ પધ્ધતિને અમે મલ્ટિ-માસ્કિંગ કહીએ છીે. તેઓ વધુમાં કહે છે કે કોઈપણ વ્યક્તિના સંપૂર્ણ ચહેરાની ત્વચા ક્યારેય એકસમાન ન હોઈ શકે. તે ક્યાંક શુષ્ક હોય તો ક્યાંક ઑઇલી, જ્યારે ક્યાંક સંવેદનશીલ. તેથી જો ચહેરાને તેના ઝોન અનુસાર ટ્રીટમેન્ટ આપવામાં આવે તો ધાર્યું પરિણામ મળે છે. જેમ કે ટી-ઝોન, એટલે કે કપાળ, નાક અને હડપચી ઑઈલી વિસ્તાર ગણાય છે તેથી ત્યાં ઑઈલ કંટ્રોલ માસ્ક જ્યારે યૂ-ઝોન, એટલે કે ગાલ અને જડબાંનો ભાગ શુષ્ક હોય છે તો ત્યાં હાઇડ્રેટિંગ માસ્ક લગાવવામાં આવે છે. આ રીતે સ્કિનકેર કરવાથી ચહેરાની ત્વચાને સંતુલિત, સ્વસ્થ અને કાંતિવાન રાખી શકાય છે.

ત્વચા નિષ્ણાતો આ વાત વિસ્તારપૂર્વક સમજાવતાં કહે છે ટી-ઝોન પર ચારકોલ માસ્કથી ઑઈલ કંટ્રોલ અને પોર્સ ક્લિનિંગ કરવામાં આવે છે. ગાલ પર એન્ટિઑક્સિ સીરમ (વિટામીન સી) અને હળવું એક્સફોલિએશન કરવામાં આવે છે. આંખો નીચે પેપ્ટાઈડ્સ અથવા હાઇલ્યૂરોનિક એસિડ ધરાવતી સોફ્ટ આઈ ક્રીમ એપ્લાય કરાય છે.

તેઓ ઝોન મુજબ ત્વચાની કાળજી કરવા માટેના સ્માર્ટ સ્ટેપ્સ વિશે જાણકારી આપતાં કહે છે..,

ટી-ઝોન : માઇલ્ડ ક્લીન્ઝર, ઑઈલ-ફ્રી મૉઇશ્ચરાઈઝર, મડ માસ્ક.

યૂ-ઝોન : એલોવેરા, કેમોમાઇલ જેવી હળવી વસ્તુઓ.

સંવેદનશીલ ભાગ : એલોવેરા, કેમોમાઇલ જેવી હળવી સામગ્રી.

અઠવાડિયામાં એક વખત 

સ્કિન એનાલિસિસ : સપ્તાહમાં એક વખત તમારી ત્વચાનું બારીકીથી નીરિક્ષણ-વિશ્લેષણ કરીને તદનુસાર જે તે ભાગમાં માસ્ક લગાવો.

સનસ્ક્રીન લોશન : સમગ્ર ચહેરા પર સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરીને ત્વચાને પારા જાંબલી કિરણોથી બચાવો.

- વૈશાલી ઠક્કર