Get The App

નાનું છતાં મહત્ત્વનું

Updated: Oct 4th, 2019

GS TEAM

Google News
Google News
નાનું છતાં મહત્ત્વનું 1 - image


'બાપુ, મને તમારી વાત બરાબર સમજાઈ ગઈ. વસ્તુ નાની હોય કે મોટી આપણે તેની ઉપયોગિતાને મહત્વ આપવું જોઈએ' બાળક હાથ જોડીને બોલ્યો 

પૂજ્ય મહાત્મા ગાંધીબાપુ, આઝાદીના પ્રણેતા, સત્ય અહિંસાના પૂજારીનો જન્મદિવસ ૨જી ઓક્ટોબર. બધા ભારતવાસી ખૂબ ધૂમધામથૂી તેમનો જન્મદિવસ ઉજવે છે અને મનોમન તેમને વંદના કરે છે.

ગાંધીબાપુના જીવનની કેટલીક વાતો એવી છે કે જે આપણે બધાએ અનુસરવા જેવી છે. બાપુ સ્વચ્છતાનાં આગ્રહી હતા નાનામાં નાની વ્યકિતને પણ માન આપી જાણતા હતા. અછૂતોની દયનીય સ્થિતિ જોઈને તેમનું મન દ્રવી ઉઠતું હતું. ગાંધીબાપુ દરેક ચીજવસ્તુનો કરકસરથી ઉપયોગ કરતાં હતાં. તેમના ચોપડામાં તેઓ નાનામાં નાનો, સામાન્ય ખર્ચની નોંધ ટપકાવતા. બાપુ દરેક વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ કરતાં પછી જ તેને કાઢી નાંખતા હતા. તેમને મન નાનામાં નાની વસ્તુનું ખૂબ મહત્વ હતું.

એકવાર ગાંધીબાપુ રોજીંદા ખર્ચનો હિસાબ લખતા હતા. ત્યારે અનાયાસે હિસાબ લખતાં તેમની નાનકડી પેન્સિલ ક્યાંક પડી ગઈ. ગાંધીબાપુ ચારે તરફ તેને શોધવા લાગ્યા એટલામાં કસ્તુરબા ઓરડામાં દાખલ થયા અને બોલ્યા,'શું શોધો છો ? શું ખોવાઈ ગયું છે ?'

'હિસાબ લખવાની મારી પેન્સિલ બાપુએ જવાબ વાળ્યો. કસ્તુરબા પણ બાપુને પેન્સિલ શોધવા માટે મદદ કરવા લાગ્યા. બા અને બાપુ ઓરડાનો સામાન આઘોપાછો કરીને પેન્સિલ શોધતા હતા એટલામાં એક શ્રીમંત શેઠ પોતાના પુત્ર સાથે દાખલ થયા. શેઠ અને પુત્રએ બન્નેએ હાથ જોડી બાપુને વંદન કર્યા. બાપુએ બન્નેને ગાદી પર બેસાડયા અને પેન્સિલ શોધવા લાગ્યા.'

'લો, આ તમારી પેન્સિલ, મેજની નીચે જતી રહી હતી' કસ્તુરબાએ નાનકડી પેન્સિલ બાપુના હાથમાં મૂકતાં કહ્યું. 'હાશ, આખરે પેન્સિલ જડી ગઈ, હવે હું મારું લખવાનું કામ પૂરું કરીશ' પેન્સિલ હાથમાં લેતાં બાપુ બોલ્યા.

'પપ્પા, આ બાપુ તો ખૂબ કંજુસ લાગે છે. આટલી નાનકડી પેન્સિલ માટે કેટલી બધી શોધાશોધ કરી અને આપણને બેસાડી રાખ્યા.' શેઠના પુત્રએ ધીરેથી પોતાના પિતાના કાનમાં કહ્યું. બાળકના ધીરેથી બોલાયેલા શબ્દ ગાંધીબાપુ સાંભળી ગયા પણ કશું બોલ્યા નહીં.

બાપુએ હિસાબ લખવાનું કામ પૂરું કર્યું. બાપુએ આવેલા શેઠની સાથે પોતાના આગામી કાર્યક્રમની ચર્ચા કરી. પોતાની લડતના કાર્યક્રમની રૂપરેખા અને તે પ્રજાજનો સમક્ષ કેવી રીતે લઈ જઈ શકાય, તથા કાર્યક્રમ માટે ફાળાની જોગવાઈ કેવી રીતે કરવી તેની વિચારણા કરી. શેઠનો પુત્ર બેઠોબેઠો આ બધું એકલપંડે રમતારમતા સાંભળતા રહ્યો. પછી બાપુએ બાળકના માથે હાથ ફેરવતાં કહ્યું,'બેટા, ભગવાને તને દરેક હાથમાં કેટલી આંગળી આપી છે ?'

'પાંચ બાળકે જવાબ આપ્યો.'

'આ પાંચે આંગળીઓ તારે કામની છે ?'

'હાસ્તો વળી..'

'માની લે કે તારી આ છેલ્લી અને નાની આંગળી કોઈ કારણસર ઇજાગ્રસ્ત થાય, અને કામ ન કરી શકે તો ?'

'ના...ના બાપુ, મારે તો બધી જ આંગળીઓ કામની છે, નાની છે તો શું થયું ?'

'બસ બેટા, હું તને પણ તે જ વાત સમજાવવા માંગુ છું. દરેક નાની વસ્તુને પોતાનું એક અલગ મહત્વ હોય છે. જીવનમાં આગળ વધવું હોય તો નાનામાં નાની વસ્તુનું મહત્વ સમજતા શીખવું જોઈએ. આપણે ક્યારેય નાનાની અવગણના કરવી જોઈએ નહીં. પાંચેય આંગળીઓ બધા જ કામ ભેગા મળીને કરે છે. મારી આ નાનકડી પેન્સિલથી હું મારો રોજીંદો હિસાબ લખું છું. જો એ ખોવાઈ જાય તો હું હિસાબ કેવી રીતે લખું ?'

'બાપુ, મને તમારી વાત બરાબર સમજાઈ ગઈ. વસ્તુ નાની હોય કે મોટી આપણે તેની ઉપયોગિતાને મહત્વ આપવું જોઈએ' બાળક હાથ જોડીને બોલ્યો. બાળકની વાત સાંભળી બાપુની આંખો હસી પડી.

બાપુના જન્મદિવસે આપણે બધા બાપુને વંદન કરીએ છીએ, પરંતુ એક વાત આપણે બધા ભૂલી જઈએ છીએ અને તે છે બાપુના જીવનમાં કસ્તૂરબાનું યોગદાન. બાપુએ સમસ્ત દેશમાં જેટલા આંદોલનો ચલાવ્યા, સત્યાગ્રહો કર્યા, જ્યાં જ્યાં કૂચ કરી, જેટલા અભિયાનો અને સામાજિક પ્રવૃત્તિ આદરી તે બધામાં કસ્તૂરબાનું સરખે હિસ્સે યોગદાન હતું. ગાંધીબાપુ અને કસ્તૂરબા બન્નેને આપણાં વંદન હો.

- ભારતી પી.શાહ

Tags :