મનનાં માઈકાંગલા માણસો, સમાધાન નહીં સહાનુભુતી ઝંખે છે

- આ લોકોને સમસ્યાનો ઉકેલ નહીં પણ સિમ્પથીની જરૂર હોય છે. મનના આ માઈકાંગલા માણસોની ખાસિયત જ એ છે કે, સત્ય પચતું નથી અને સત્ય કહેનારા માણસો પણ તેમનાથી સહન થતા નથી.
ઝહેન મેં ઝહર ભરકે, લફ્ઝ મીઠે ઈસ્તેમાલ કરતે હૈ
બન કે રાઝદાર કુછ લોગ યહાં, જઝબાતોં કા કારોબાર કરતે હૈ...
વિવેક તે કેમ ઓફિસની ક્રેડિટ સોસાયટીના મેમ્બર તરીકે રાજીનામું આપી દીધું. બપોરે કેન્ટિનમાં લંચ અવર દરમિયાન ભેગા થયેલા મિત્રોએ ચર્ચાનો દૌર શરૂ કર્યો. જવા દે ને યાર લોકોને મારાથી બહુ પ્રોબ્લેમ છે. આપણી સાથે જ બેસીને ચા-નાસ્તા કરનારા પીઠ પાછળ મારો વિરોધ કરે છે. તેમાંય નવરાત્રી પહેલાં ગિફ્ટ લેવા માટે ગ્રૂપમાં જે ચર્ચા થઈ તે તમને લોકોને ખબર જ છે. દિવ્યાંગે મારા નામે જે લખ્યું તેના કારણે મને બહું ખોટું લાગ્યું. બસ મેં નક્કી કરી લીધું કે મારે હવે મેમ્બર નથી રહેવું. કાયમ લોકોને મારાથી વાંધો હોય છે. આ તો આપણા ડિપાર્ટમેન્ટમાંથી કોઈ મેમ્બર નહોતું થતું એટલે હું થઈ ગયો હતો. આપણે તો માત્ર કામ કરવાનું હતું. લોકો મારી સામે ખોટા આક્ષેપ કરે છે.
તું નપુંશકો જેવી વાતો ન કરીશ, તારે રહેવું હતું એટલે તું રહ્યો હતો. તને કોઈએ કહ્યું કે, તારે કામ કરવું જોઈએ એટલે તે કર્યું એવું નથી. કાલ ઉઠીને કોઈ કહેશે કે હવે નોકરીમાંથી પણ રાજીનામું આપી દે તો શું તું આપી દઈશ. કોઈ કહેશે તો આ બિલ્ડિંગના ટેરેસ ઉપરથી નીચે કુદી જઈશ. વિનાયક અકળાઈ ગયો અને વિવેક ગુસ્સામાં ઊભો થઈ ગયો. વિવેક અકળાવાની વાત જ નથી. તારે સત્યનો સામનો કરવો જ જોઈએ. વિનાયકની વાત જરાય ખોટી નથી. તું ખરેખર વાસ્તવિકતા સ્વીકારવાના બદલે લોકોની સિમ્પથી ભેગી કરવા માટે મથી રહ્યો છે. દિપકે કહ્યું અને વિવેક પગ પછાડતો ત્યાંથી જતો રહ્યો. બાકીના લોકો તેને જોતા જ રહ્યા.
સમાજ, દુનિયા, સગાં, વહાલાં, સાથીઓ, મિત્રો બધાં જ દરેક માણસ પાસેથી ચોક્કસ પ્રકારના વર્તનની અપેક્ષા રાખતા હોય છે. તેઓ સતત એમ ઈચ્છતા હોય છે કે તમે તેમને આધિન થઈને રહો. તમારે સતત તેમની અપેક્ષાઓને જાણવાની અને તેને પૂરી કરવા માટે સજ્જ રહેવાનું. આવું દરેક માણસને હોય છે, ભલે ને તે સ્વીકારે કે ન સ્વીકારે. માણસમાત્રનું હોવું, માનવું અને સ્વીકારવું ત્રણેય અલગ અલગ છે. દરેક વ્યક્તિ પોતાના માતા-પિતા, સંતાનો, પત્ની, મિત્રો, પાડોશી, પ્રેમી કે પ્રેમીકા અથવા તો અન્ય કોઈ સંબંધમાં અલગ હોય છે, અલગ રજૂ થાય છે, અલગ માનવામાં આવે છે અને અલગ રીતે સ્વીકારાય છે. વ્યક્તિ પોતાના માતા-પિતા સાથે જેવી હોય તેવી પોતાના સંતાનો સાથે નથી હોતી. ઓફિસમાં જેવી હોય તેવી પાડોશીઓ સાથે પણ નથી હોતી. પ્રેમી અને પત્ની વચ્ચેનું અંતર પણ તેને ખબર છે. દરેક વ્યવહાર તે અલગ રીતે જ પૂરા કરતી હોય છે.
સ્થિતિ એવી છે કે વ્યક્તિને ખરેખર શું બનવું છે, અથવા તો રહેવું છે તે જાતે નક્કી કરતી નથી અથવા તો કરી શકતી નથી. તેને સમાજ દ્વારા સગાઓ દ્વારા જે મહોરું પહેરાવવામાં આવ્યું છે અથવા તો તેના વિશે જે આભાસ ઊભો કરવામાં આવ્યો છે તેના આધારે જ તે જીવન પસાર કરવાનું પસંદ કરે છે. આપણે જાતે જ શું છીએ અથવા તો આપણા વિશે શું માનીએ છીએ એ સ્વીકારવાની હિંમત આપણી પાસે નથી અથવા તો આપણે એવી તસદી પણ લેતા નથી. આપણે સત્યને સ્વીકારતા ડરીએ છીએ. સાચી સ્થિતિને સ્વીકારવાનો કે સાચી વ્યક્તિને સાથ આપવાનો આપણને ભય લાગે છે. આપણને સતત એમ થયા કરે છે કે, જો સાચી વાત રજૂ થઈ જશે તો ડિસઅપ્રૂવલ મળશે અથવા તો રિજેક્શન મળશે. આવા કાલ્પનિક ભયના કારણે આપણે સાચા હોવાના બદલે સારા હોવાનો દંભ કરતા ફરીએ છીએ. સામેની વ્યક્તિને જે, જેવું અને જેટલું ગમે છે તેટલું જ આપીને આપણે ગમતા રહેવાની પ્રકૃતિને અનુકુળ થઈ જઈએ છીએ. આપણે અસ્વીકારનો ભય છે. સંબંધમાં ક્યાંક રિજેક્ટ થવાનો ભય છે. આપણને ભય છે કે સારા ના બદલે સાચું કહેવામાં ક્યાંય તે વ્યક્તિ આપણાથી દૂર થઈ જશે તો. આ વિચારમાત્રથી શરીરમાં કંપારી છૂટી જાય છે.
સંબંધોમાં સ્વીકાર અને અસ્વીકાર વચ્ચે અત્યંત પાતળી ભેદરેખા છે. તમે જ્યાં સુધી સામેની વ્યક્તિની ઈચ્છા પૂરી કરતા રહો, તેને ગમતું હોય તેવું વર્તન કરતા રહો ત્યાં સુધી તમે તેને ગમતા હોવ છો. જે ક્ષણે તમે તેની ધારણા કે અપેક્ષા વિરુદ્ધ વર્તન કર્યું ત્યારથી તે તમારી સામે અસ્વિકારનું હથિયાર ઉગામીને જંગ જાહેર કરી દેશે. આપણે સંબંધોમાં પ્રામાણિકતા કરતા પ્રાથમિકતાને મહત્વ આપતા થઈ ગયા છીએ. આપણને શું ગમે છે અને શું નથી ગમતું તે અંગે દુનિયાને જણાવવાને બદલે મનને છેતરીને જીવતા શીખી ગયા છીએ. દુનિયાદારીએ પહેરાવેલું મહોરું એટલું જડપણે આપણી સાથે જોડાઈ જાય છે કે, આપણો સાચો ચહેરો કેવો હતો તે આપણે જ ભુલી જઈએ છીએ. સ્વીકૃતિના ભયે જીવાયેલા અને જીરવાયેલા સંબંધો ખૂબ જ બોદા હોય છે. અમૂક ઉંમરે પહોંચ્યા પછી લોકો સંબંધો તૂટવાની અને નિષ્ફળતાની ફરિયાદો કરતા હોય છે. ખરેખર આ લોકો પાસે તેવી ફરિયાદ કરવાનો અધિકાર જ નથી, કારણે કે આખી જિંદગી તેમણે હોવા અને માનવા વચ્ચેની ભેદરેખાને પારખ્યા વગર જ સમય પસાર કર્યો હોય છે. અસલામતીના ભયે તેમના સંબંધોને અંદરથી સાવ પોલા અને બોદા કરી નાખ્યા હોય છે.
મનના માઈકાંગલા માણસોને ઓળખવા બહુ જ સરળ હોય છે. તેઓ પોતાની નિષ્ફળતા, અસ્વીકૃતિ, અક્ષમતા જેવી નબળાઈઓને સ્વીકારવાના બદલે દોષારોપણની દાંડી પીટતા રહે છે. તેમની પાસે દોષોરોપણનું એક એવું ઢોલ હોય છે તે વગાડતા વગાડતા તે ફર્યા કરે છે અને સિમ્પથી શોધ્યા કરે છે. તેમને સારું-સારું કહો તો, તેમના વખાણ કરો, તેમની કામગીરીને બિરદાવો તો તેમને ગમે છે. તેઓ પોરસાય છે અને પોતાને લોકનેતા અને લોકચાહના મેળવનારા માને છે. તેમની અંદર રહેલી અભિમાનની આસુરી વૃત્તિને ઈગો મસાજ કરવા લાગે છે. જેવું તેમને કોઈ સાચું સાચું કહેવા લાગે એટલે તેમનાં મોતીયા મરી જાય છે. તેઓ દોષારોપણ શરૂ કરી દે છે. તેમનાથી વાસ્તવિકતાનો અરિસો જોવા તો નથી. વાસ્તવિકતાનો અરિસો જેવો સામો આવે કે તેમને પોતાના અઢારે અંગ વાંકા દેખાવા લાગે છે અને તેઓ રોદણાં રોવાનું શરૂ કરી દે છે.
આ મનના માઈકાંગલા માણસોની ઓળખ એવી છે કે, તેમને સાચું બોલનારાથી વાંધો હોય છે. તેઓ જ્યારે સત્યનો સામનો કરવા બેસે છે ત્યારે શ્વાન રૂદન શરૂ કરી દે છે. સત્યનો સુરજ ઉગતાં જ તેમની દંભની ચામડી બળવા લાગે છે. આ લોકોને સત્યનો સામનો કરવામાં વાંધો હોય છે, તેનો સ્વીકાર કરવાનો વાંધો હોય છે. તેમને જે વ્યક્તિ સામે વાંધો હોય છે તેની સાથે તેઓ ક્યારેય વાત કરતા નથી. તેઓ તેમના વિશે વાતો કરે છે. તેઓ પોતાની આસપાસના લોકો સાથે પોતાનો વિરોધ કરનારા વિશે વાતો કરતા હોય છે. તેઓ ખરેખર સમસ્યા જે છે તેની ચર્ચા કરતા નથી. તેમને સમસ્યા કરતા જેણે સત્યનો અરિસો બતાવ્યો તેનાથી વાંધો પડયો હોય છે અને તેથી તેઓ કાગારોળ કરતા હોય છે. આ લોકોને સમસ્યાનો ઉકેલ નહીં પણ સિમ્પથીની જરૂર હોય છે. મનના આ માઈકાંગલા માણસોની ખાસિયત જ એ છે કે, સત્ય પચતું નથી અને સત્ય કહેનારા માણસો પણ તેમનાથી સહન થતા નથી. તેઓ પોતાની ધારણાઓમાં જ રાચતા હોય છે. તેમના માટે ધારી લેવું અને માની લેવું અને સ્વીકારી લેવું ખૂબ જ સરળ છે. તેમની મનોવૃત્તિ જ મૃગજળ જેવી હોય છે. તેઓ આભાસી માનસિકતા અને વિચારોમાં જ ફર્યા કરતા હોય છે. વાસ્તવિકતાથી તેઓ જોજનો દૂર હોય છે. આવા લોકોથી અંતર જાળવવામાં આવે તે જ સૌથી સારો ઉપાય છે. આ લોકો સમસ્યાનું સમાધાન નહીં સિમ્પથી શોધતા હોય છે તેથી તેમના ઈગોનો અને બનાવટી લાગણીઓને જે પંપાળે તેના ખોળે બેસી જવામાં જરાય વાર લગાડતા નથી. આવા જ લોકો માટે એક અદભૂત શેર છે..
સુના હૈ બહુત બારિશ હૈ તેરે શહર મેં, જ્યાદા ભીગના મત,
ગલતફહમિયાં ધુલ ગઈ તો હમ બહુત યાદ આયેંગે...








