ઊંઘણશી ઊંટ .
ઊંઘવામાં ભૈ કેવી મઝા, તે સરકારો શું જાણે ભલેને ઢોલ નગારા વાગે, એ તો મોજથી ઊંઘ માણે
દીકરીની જાન ચાલતી ગઇ ઊંટ ઊંઘતું જ રહ્યું ! પતંગ પકડવા નાનકો ઝાડ પર ચઢ્યો. ઝાડ પર જ રહી ગયો. નીચે ઊંટ તો ઘરરર ઊંઘી જ ગયું
ઊંટ મોટે ભાગે ઊંઘતા જ હોય !
આંખ પર ત્રણ ત્રણ પાંપણ.
ત્રણ પાંપણના જાડા જાડા થર.
આંખો ખૂલે જ નહિ.
તે ચાલતા ઊંઘે, દોડતા ઊંઘે, બેઠાં બેઠાં ઊંઘે અને ખાતા ખાતા ય ઊંઘે.
મોટા જાડા લબડતા હોઠ અને આંખમાં ભરપૂર ઊંઘ.
ઊંટની આ ઓળખાણ.
બધાં ઊંટ ઊંઘે પણ આપણાં આ ઊંટની તો વાત નિરાળી. તે તો બસ ઊંઘે જ ઊંઘે.
એનો માલિક એને ગાડીએ જોડે. કહે : 'ચાલ.'
ચાલે ખરૂં. થોડુંએક ચાલે. પછી ત્યાંનું ત્યાં. ઊંઘતું જ હોય !
માલિક એને ખેતરે જોડે. ખેતીએ જોડે : 'અરરર હેઇ !' માલિક બોલે. પણ કેવી ખેતી ને કેવી વાત. હળનું ફણું જમીનમાં અને ઊંટ ઝોકામાં.
માલિક એને બજારે લઇ જાય તો ઊંઘે, બહારગામ લઇ જાય તો ઊંઘે, ફરવા લઇ જાય તો ઊંઘે. અરે નદીમાં, તળાવમાં, પાદરે અને વાડીમાં ય ઊંઘે.
સવારે ઊંઘે, બપોરે ઊંઘે, સાંજે ઊંઘે, રાતે ઊંઘે.
રાતના તો એવું ઊંઘે કે સૂરજદાદા ય તેને ઊઠાડીને થાકી જાય !
એક વખતની વાત છે. શેઠજીની દીકરીના લગન. જાન આવી, જાનૈયા આવી ગયા. ગીતો ગવાયા. ભોજન થયા. લગન પતી ગયા.
કંઇ કેટલાય વાજાં વાગી ગયાં પણ ઊંઘણશી ઊંટ તો બસ ઊંઘે જ ઊંઘે.
દીકરી સાસરે જાય તે કંઇ ચાલીને જાય ?
જોડો ગાડું. ઊંટના રથમાં બેઠી દીકરી.
ઊંટના રથમાં ચાલી રે મોંઘીબાઇ
રાણી બનીને ચાલી રે મોંઘીબાઇ
ગીતો ગવાયા, પણ ઊંટ શેનું ચાલે ? થોડું ચાલે. થોડું ઊંઘે. બે ડગલાં ચાલે, બાર ડગલાં ઊંઘે.
ગીતો ખૂટી ગયા. ઢોલી થાકી ગયો.
પણ જાન તો હતી તે હતી. ઠેરી તે ઠેરી. ઊભી તે ઊભી.
છેવટે વરના બાપ કહે : 'અમે ચાલીને જ જઇશું. વહેલા પહોંચીશું.'
શેઠ ના-ના કરતા રહી ગયા. ઊંટ હોવા છતાં જાન ચાલીને ગઇ.
ચાલો નિરાંત થઇ. ઊંટ ઊંઘી ગયું.
જાન ગઇ, આબરૂ ગઇ, જે જવાનું તે બધું ગયું. ઊંઘ ના ગઇ.
માલિક કહે : 'હવે આ ઊંટને જ નહિ છોડું. એની ઊંઘ ઉડાડીને જ રહીશ.'
તેમણે ઊંટને મારવા લીધું.
નાનકો દોડતો હાજર થયો : 'બાપુ બાપુ ! હમણાં ઊંઘણશીને મારશો નહિ.'
'કેમ ?'
'મારો પતંગ ઝાડ પર ભરાયો છે. ઊંચે. એની પર થઇને હું પતંગ મેળવીશ.'
'પણ એ ઊંઘણશી ઊભું થશે તંઇ ને !'
નાનકાએ ઊંટને કંઇક કહી દીધું કાનમાં. ઊંટ ઊભું થયું. ઝાડ સુધી ગયું.
ઊંટ પર થઇને નાનકો ઝાડની ટોચ પર ગયો. પતંગડી પકડી, પણ... હવે ઊતરે કેવી રીતે ?
ઊંટ તો બેસી ગયું. અરે લાંબું થઇને ઊંઘી ગયું.
ઊંટ હોવા છતાં લાંબી સીડીઓ લાવી નાનકાને ઉતારી દેવાયો. એટલામાં તો નાનકો રડી રડીને ઠેં થઇ ગયો. પતંગ ચગાવવાની ખો ભૂલી ગયો.
બાપુ કહે : 'હવે નંઇ છોડું. હવે એ ઊંટડાને નંઇ છોડું.'
એ શરૂ થઇ મારામારી.
જેને જે મારવું હોય તે મારો. હાંકો એને કાઢો. કોઇ ડંડા મારે, કોઇ ડંગોરા મારે, કોઇ ઝંડા મારે, કોઇ ઝાડૂ મારે. કોઇ વાંસ મારે, કોઇ પથરા ઢેખાળા ઈંટો મારે.
હે-ઇ હે-ઇ ! મારો જ મારો.
મારવાની મહેફિલ. મારવાની મેચ. મારવાની હોડ. મારવાની દોડ.
ના દોડ નહિ. ઊંટ ઉપર તો જાણે ફૂલો વરસે. એક ડગલું ચાલે, બે ડગલાં ઊંઘે. ચાર ડગલાં દોડે, આઠ ડગલાં ઊંઘે.
બધું સરઘસ પાદર સુધી માંડ ગયું હશે ! મારનારા થાકી ગયા. હુમલો કરનારા હારી ગયા. પીછો કરનારા પાછા થયા.
ઊંટને શું !
બધાં કહે : 'પડી રહેવા દો અહીં. ભૂખે મરશે એટલે પાધરૂં સીધું થઇ જશે. હવે આપણે એનું કામ નથી. નહિ જોઇએ આવું ઊંઘણશી ઊંટ.'
બધાં ઘરે આવી ગયા. રાત પડી. ઊંઘી ગયા.
સવારે જોયું તો ઊંટ હાજર.
રોજની જેમ ઊંઘતું હતું, અહીં જ.
એનો વાડો, એનો ખાડો, એનો ટેકરો, એની જગા, એની ઊંઘ.
'એલા ! એ અહીં આવી ગયું કેવી રીતે ?' જવાબ માણસનો. જવાબ ઊંટનો. તે તો ............
જેને જે મારવું હોય તે મારો. હાંકો એને કાઢો. કોઇ ડંડા મારે, કોઇ ડંગોરા મારે, કોઇ ઝંડા મારે, કોઇ ઝાડૂ મારે. કોઇ વાંસ મારે, કોઇ પથરા ઢેખાળાં ઈંટો મારે.
હે-ઇ હે-ઇ ! મારો જ મારો.
મારવાની મહેફિલ. મારવાની મેચ. મારવાની હોડ. મારવાની દોડ.
ના દોડ નહિ. ઊંટ ઉપર તો જાણે ફૂલો વરસે. એક ડગલું ચાલે, બે ડગલાં ઊંઘે. ચાર ડગલાં દોડે, આઠ ડગલાં ઊંઘે.
બધું સરઘસ પાદર સુધી માંડ ગયું હશે ! મારનારા થાકી ગયા. હુમલો કરનારા હારી ગયા, પીછો કરનારા પાછા થયા.
ૂઊંટને શું !
બધાં કહે : 'પડી રહેવા દો અહીં. ભૂખે મરશે એટલે પાધરૂં સીધું થઇ જશે. હવે આપણે એનું કામ નથી. નહિ જોઇએ આવું ઊંઘણશી ઊંટ.'
બધાં ઘરે આવી ગયા. રાત પડી. ઊંઘી ગયા.
સવારે જોયું તો ઊંટ હાજર.
રોજની જેમ ઊંઘતું હતું, અહીં જ.
એનો વાડો, એનો ખાડો, એનો ટેકરો, એની જગા. એની ઊંઘ.
'એલા' એ અહીં. આવી ગયું. કેવી રીતે ?'
વાત એવી હતી કે જેમ તેને ચાલતાં ચાલતાં ઊંઘવાની આદત હતી, તેમ ઊંઘતાં ઊંઘતાં ચાલવાની ય આદત હતી.
એટલે જ્યાં પડયું ત્યાં ઊંઘી તો ગયું, પણ ઊંઘમાં જ બેઠું થયું. ઊઠયું. ચાલવા લાગ્યું.
ઊંઘ ચાલુ.
ચાલ ચાલુ.
ઊંઘમાંય તેના પગ ચોક્કસ બાજુએ જ ચાલતા હતા. એ બાજુ એટલે ઘર.
ઊંઘમાં ઘર આવ્યાની કેવી રીતે ખબર પડે ? તેની ય તેને ખબર નથી. પણ પગ મૂકે ત્યાં કાશી. પગ રૂકે ત્યાં ઘર.
બધું એની મેળે જ થયું.
એની મેળે જ ઊંઘ આવી.
એની મેળે જ પગ ચાલ્યા.
એની મેળે જ રસ્તો કપાયો.
એની મેળે જ ઘર આવ્યું.
અને ઘર તો વળી એના ઊંઘવાનું પારણું. જેવું 'ઠેકાણે' આવ્યું કે ઊંઘમાં ને ઊંઘમાં જ પડયું. ઊંઘતું તો હતું જ. ઊંઘી ગયું.
ઘરના લોકો કહે : ''આ ઊંઘણશીને તો ઘરમાંથી કાઢવું ય અઘરૂં છે. ભલે પડી રહેવા દો અહીં. એને આપણે ઊંઘ ગુરૂનું બિરૂદ આપીશું.''
વાચકમિત્રો, આ 'ઊંઘણશી ઊંઘ' પર લાંબી વાર્તા લખવી છે. લખાય તેમ છે. વાર્તા હું શું લખું ? એ જ લખાવશે. પણ હવે ૯૩ થયા. લાંબું લખવાની હિંમત નથી. તમને ફાવે તો તમે જરૂર લખશો. મઝા આવશે.
પણ આ ઊંઘણશી ઊંટે. પેલી કહેવત ખોટી પાડી છે. 'ઊંઘે તેનું નસીબ ઊંઘે' એ વાત તેણે ખોટી સાબિત કરી છે.
અને એ કહેવત ખોટી છે એટલે જ કેટલીક સરકારો પણ આ ઊંટને અનુસરે છે અને છતાં ય આઉટ (OUT) થતી નથી.
આવી સરકારોએ, આવા માણસોએ, આવા શિક્ષકોએ, આવા વિદ્યાર્થીઓએ આ ઊંઘતા ઊંટની મૂર્તિ બનાવીને સ્થાપિત કરવી જોઇએ.
બોધ જરૂર મલી રહેશે કે
ઊંઘે છે તે લાંબુ જીવે છે.
ઊંઘે છે તે સ્વસ્થ રહે છે.
ઊંઘે છે તેનું કોઇ નામ લેતું નથી.
ઊંઘે છે તેનું નામ થાય છે.
ઊંઘે છે તેનું જ કામ થાય છે-
જગમાં ઊંઘ જેવું સુખ બીજું કોઇ નથી.
ઊંઘમાં કોઇ ઉત્પાત નથી.
ઊંઘની કોઇ શરૂઆત નથી.
ઊંઘનો કોઇ અંત નથી.
જે ઊંઘી શકે છે તે જ જીવી શકે છે.
ઊંઘમાં પામવું એજ ઊંઘની પ્રાપ્તિ છે.
નથી માનતા ? તો જેને ઊંઘ નથી આવતી, જેઓ અનિદ્રાથી પીડાય છે, તેમને પૂછી જોજો કે સાચી સ્વસ્થ ઊંઘ મેળવવા તેઓ કેવા તરફડે છે.