સ્કીન રોગ અને આયુર્વેદ .

- આરોગ્ય સંજીવની
આજે આપણે સ્કીન રોગ એટલે કે ચામડીના રોગ વિશે વાત કરશું. આજના સમયમાં ફૂડ સીસ્ટમ બદલાતી જોવા મળે છે. આજનો સમય ફાસ્ટ યુગનો છે અને તેથી ફાસ્ટફૂડનું ચલણ વપરાશ વધ્યો છે. તેમજ આજની જીવનશૈલી લાઇફસ્ટાઇલ પણ અવ્યવસ્થિત થયેલી જોવા મળે છે. તેથી આજકાલ સ્કીનડીસીઝ ખૂબ જોવા મળે છે. દ્રદ્રુ, શીતપિત્ત, શીળસ જેવા અનેક રોગોનો સમાવેશ સ્ક્રીન ડીસીઝમાં કરવામાં આવે છે. આ બધા જ રોગો એવા કે જે તેને જડમૂળથી કાઢવામાં ન આવે તો અસાધ્ય બની જાય છે. આજે એવા જ એક આકુળ વ્યાકુળ કરી નાખે તેવો શીળસ રોગની ચર્ચા કરીશું.
આ એક એવો વ્યાધિ છે કે જેમાં દર્દીને હાથ ન રોકી શકે તેટલી ખંજવાળ આવે છે કોઈ વિષાક્ત જીવાણુ કરડી જાય તેવા ઢીમચાં શરીરમાં ઠેર ઠેર થઇ જાય છે. ધીમે ધીમે જેમ જેમ આ તકલીફ લંબાતી જાય તેમ તેમ તેમાં ખંજવાળ ઉપરાંત દાહ અને પીડા પણ થાય છે. ખાસ કરીને આ બિમારીમાં ઠંડો પવન લાગવાથી શરીરના કફ અને વાયુ દુષિત થાય છે. આ દૂષિત કફ અને વાયુ પિત્તમાં જઇને મળે છે અને પિત્તને પણ દુષિત કરે છે. આ દુષિત કફ-પિત્ત-અને વાત રક્તાદિ ધાતુમાં પ્રવેશે છે અને ત્યાં નાના નાના ઢીમચા ઉત્પન્ન કરે છે જેમાં ખૂબ ખંજવાળ આવે છે. આ રોગની સમયસર સારવાર થાય અને ખાન પાનની પરેજી રાખવામાં આવે તો તેનાથી આ રોગને કાબુમાં લાવી શકાય છે. આ શીળસ રોગ શીતવાયુ લાગવાથી પરસેવો થવાથી ઠંડુ પાણી પીવાથી તુરત ઉઠી આવે છે. જ્યારે જ્યારે આ રોગ ઉઠે ત્યારે દર્દીને જંપીને બેસવા દેતુ નથી. શરીરમાં ઠેર ઠેર ખંજવાળ ઉપડે છે અને બધી જગ્યાએ ખંજવાળી ન શકાય તેથી દર્દી અકળાઈ ઉઠે છે. જેની અસર તેનાં સ્વભાવ ઉપર પડે છે. ખંજવાળ આવતા ખંજવાળ હાથથી કરવાથી તેનો ફેલાવો વધતો જાય છે. દાહ અને ખંજવાળ બન્ને સાથે થતા હોવાથી 'શીળસ'મા ખૂબ બેચેની વધી જાય છે.
તેથી શીળસ થવા માંડે કે તરત ખોરાકમાં રહન સહનમા ફેરફાર કરી દવાઓથી તેને તાત્કાલીક દબાવી દેવાનો ઉપાય ન કરતા જડમૂળથી જાય તેવા ઉપચાર કરી દૂર કરવું જોઇએ. સૌ પ્રથમ તો શીળસ શું ખાવાથી થાય છે. તો આપણાં આહારનું નિરીક્ષણ કરી નક્કી કરવું જોઇએ. 'શીળસ'ને જડમૂળથી કાઢવા માટે પથ્યાપથ્ય પાળવા ખૂબ જરૂરી છે.
આપણી આજુબાજુ મળી રહે તેવા અનેક ઔષધિ શીત્તપિત્તની સારવાર માટે આયુર્વેદમાં બનાવેલા છે આ ઔષધી લેપન અને સેવન કરવાથી તેને ઝડપી મટાડી શકાય છે માટે (૧) દુર્વા અને હળદરને ભેગા કરીને લેપ કરવો. (૨) સિંધવને ખૂબ બારીકવાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાંથી શીળસના ઢીમચા ઉપર લગાવવું. (૩) ડોડીના પાંદડા વાટી તેનો લેપ શીળસના ભાગ ઉપર કરવો. (૪) અડાયા છાણાની રાખ લગાવવાથી પણ ફાયદો થાય છે. કોઈપણ પ્રયત્ન વૈદની સલાહ સાથે કરવાની ખૂબ જ ફાયદો થશે. આ ઉપરાંત સેવન માટે અરણીના મૂળને વાટીને ઘી સાથે ૭ દિવસ પીવાથી શીળસમાં અદ્ભૂત ફાયદો થાય છે. આ ઉપરાંત રાત્રે હળદર ચૂર્ણને પલાળી રોજ નરણા કોઠે ઉપર ઉપરથી પી જવું. પાણી પીધા પછી ૧ કલાક સુધી કંઇ જ ખાવુ પીવુ નહી. આ પ્રયોગથી શીળસ ઉપર ખૂબ જ ફાયદો જણાશે.
આ ઉપરાંત અત્યાંતર ઔષધ પ્રયોગમાં હરિદ્રખંડ, આરોગ્યવર્ધીની વટી, ગંધક રસાયન વગેરે જેવા ઘણા યોગો આયુર્વેદમાં દર્શાવેલા છે. આ ઉપયોગ વૈદ્યની સલાહમાં રહીને કરવો. મહામંજીષ્ટાદિ ક્વાથ ૨ તોલા ૨ વાર ભૂખ્યા પેટે સવાર સાંજ લેવાથી ઘણો ફાયદો જણાશે.
આ ઉપરાંત ખોરાકમાં પણ પરેજી પાળવી ખૂબ જ જરૂરી છે. તીખુ, તળેલુ, વાસી વાયડુ ન ખાવું. આ રોગમાં કારેલા, દાડમ, ઘઉં ચોખા મગ વગેરે ઉત્તમ છે. ખાટા પદાર્થો અને વિરૂદ્ધ આહાર ન લેવા. શીત પવન શીત સ્નાન તથા સેવન પણ આ રોગના દર્દીઓ માટે અહિતકર છે. આયુર્વેદના ઔષધો અને સુયોગ્ય આહાર આ રોગને જડમૂળથી કાઢી શકે છે તે વાતમાં શંકાને સ્થાન નથી.
- જ્હાનવીબેન ભટ્ટ








