કુશળ શિલ્પી .

- 'આપણે આપણી જાતની કિંમત આંકતા આવડવી જોઈએ. આપણે આપણા જીવનના શિલ્પી બનવું જોઈએ. આપણે આપણા જીવને કેવો આકાર આપવો છે તે આપણે જ નક્કી કરવાનું હોય.'
- ભરત પંચોલી
મો હનના પિતા શિલ્પી હતા. પથ્થરને સુંદર રીતે કંડારીને મૂર્તિઓ બનાવતા હતા. એમની છીણીની ધાર એવી રીતે ફરે કે તે પથ્થરમાં સુંદર આકૃતિ બની જાય.
મોહન નટખટ અને ત્યારે તોફાની, પણ તેના પિતા તેને ક્યારેય ઠપકો ના આપે. પ્રેમથી સમજાવે. મોહન શાંત રહ્યા પછી પાછો કૈકંઈક છમકલું કરે, તોફાન કરે.
મોહન ઘણી વાર તેના પિતા પાસે બેસતો હતો. તેના પિતા પથ્થરનો ટુકડો લે તેને છીણી વડે કોતરે અને સુંદર આકૃતિ બનાવે. મૂર્તિ બનાવે. આમ કરવામાં તેમણે ઘણા દિવસો લાગતા, ઘણા મહિના પણ લાગે. પણ મોહનના પિતા ચંદુલાલ ક્યારેય ધીરજ ગુમાવે નહીં, ચંદુલાલમાં ધીરજ અને શાંતિના ગુણ હતા.
મોહન આ બધું શાંતિથી એક ચિત્તે જોયા કરતો હતો પપ્પાને આ રીતે કામ કરતા જોવામાં મોહનને ખૂબ મઝા આવતી હતી.
એક દિવસ મોહનના પિતાએ સુંદર મઝાની ભગવાનની મૂર્તિ બનાવી. તેના પર બ્રશથી સરસ મઝાના રંગો પૂર્યા અને કૃષ્ણ કનૈયાની મુરલીવાળાની સુંદર મૂર્તિ બની ગઈ. પછી ચંદુલાલે એવા ભાવ બનાવ્યા કે મૂર્તિ જાણે જીવંત લાગે. હમણાં જ બોલશે તેવું લાગતું હતું. જાણે કનૈયો હમણાં વાંસળી વગાડશે.
મોહન આ બધુ જોઈને ખૂબ ખુશ થતો હતો. હવે તેના તોફાનો ઓછા થઈ ગયાં હતાં. તે શાંત થઈ ગયો હતો. તેના મગજમાં વિચાર આવતા હતા કે મારા પિતા કેટલી ધીરજથી પથ્થરને કંડારીને સરસ મઝાની મૂર્તિ બનાવે છે.
એક દિવસ મોહનના પિતા ચંદુભાઈએ પૂછ્યું 'બેટા, આ સામે દેખાય છે તે પથ્થરની કેટલી કિંમત આવે?'
'ખબર નહીં. કદાચ પથ્થરના પચાસ કે સો રૂપિયા આવે.'
'અને બેટા, સામે મૂર્તિ દેખાય છે તેના કેટલા પૈસા આવે?
'ખાસ્સા પૈસા આવે. પંદરસો કે બે હજાર રૂપિયા તો ઓછામાં ઓછા આવે જ,' મોહને કહ્યું.
'પથ્થર એનો એ જ, પણ એજ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિની કિંમતમાં આટલો ફેર કેમ છે, દીકરા?'
'ખબર નથી મને. પણ તમે મૂર્તિ મસ્ત બનાવો છો. પાછા તેમાં રંગો પૂરો છો અને સરસ મઝાના વાઘા ભગવાનની મૂર્તિને પહેરાવો છો. ભગવાન હમણાં જ બોલશે તેવું લાગે છે,' મોહને કહ્યું.
'મોહન, તારે મૂર્તિ જેવું સુંદર બનવું છે? તારી પણ કિંમત ખૂબ થશે. હું તને મૂર્તિ જેવો સુંદર બનાવી દઉં. તારે બનવું છે?'
'હેં? તમે મને મૂર્તિ જેવો સુંદર બનાવી દેશો? પણ કેવી રીતે? મૂર્તિ તો પથ્થરમાંથી બને. હું કાંઈ થોડો પથ્થર છું? હું તો છોકરો છું. તમારો દીકરો. છોકરો થોડો મૂર્તિ બની શકે?'
'કુંભાર માટીના પિંડમાંથી જાતજાતના ઘાટ બનાવે છે. આકાર બનાવે છે. કાષ્ટનો કારીગર લાકડાના ટુકડાને કોતરીને સુંદર આકૃતિ બનાવે છે. શિલ્પકાર શિલ્પમાંથી કોતરીને કંડારીને આકૃતિ બનાવે છે... તેમ આપણા પિતા આપણા ગુરૂજી આપણને શિક્ષણ આપે છે, ભૂલ થાય તો સુધારે છે અને નવું નવું શીખવે છે. સારા સારા ગુણો આપણામાં રેડે છે. શરૂઆતમાં આપણે માટીના પિંડ જેવા કે કાષ્ટ કે પથ્થરના ટુકડા જેવા હોઈએ છીએ. કોઈ સદ્ગુરૂ આપણને ટાંચણા મારીને સુંદર રીતે કંડારે છે.'
'એ કેવી રીતે બને? શું છીણીથી અમને ખોતરે?' મોહનને નવાઈ લાગી.
'ના, દીકરા. સારા સંસ્કારથી આ શક્ય બને. માતા બાળકને વહાલ કરે, જ્યારે પિતા તેને સહેજ કઠોર બનાવે, મહેનતુ અને ઉદ્યમી બનાવે જેથી જ્યાં જાય ત્યાંથી પાછો ના પડે. શિક્ષક, એટલે કે ગુરૂજી સારી સારી વાતો કરે. સારું સારું ભણાવે. તેમની આજ્ઞાા માનવી. કદાચ બે કડવા વેણ કહે તો સાંભળવા. ગુસ્સે ના થવું જોઈએ. જે વ્યક્તિ આપણને કડવા વેણ કહે ત્યારે તે આપણા ભલા માટે જ કહેતા હોય.'
મોહન સાંભળતો રહ્યો. પપ્પાએ આગળ કહ્યું, 'પિતા અને ગુરૂજી માનવતા, દયા, કરૂણતા, સેવા, ધર્મના સંસ્કાર અને સારા સારા ગુણો વડે માનવરૂપી મૂર્તિને ઘડે છે અને તેમાં નિતનવા નવા રંગો પણ પૂરે છે. વિદ્યારૂપી વસ્ત્રો આપણે ધારણ કરવા. ભણવામાં ચીવટ રાખવી. એકાગ્રતાથી ભણવું, જીવનમાં ધીરજ રાખવી. સમજાયું કંઈ?'
'હા, પપ્પા. તમે જ્યારે પથ્થરમાંથી મૂર્તિ બનાવો છો ત્યારે તમે તમારા કામમાં કેવા ખોવાઈ જાઓ છો! આજુબાજુનું કે ભૂખ, તરસ કે સમયનું ભાન નથી રહેતું.'
'હા, દીકરા. આપણે જ્યારે જ્યારે આપણું કામ કરતા હોઈએ ત્યારે આપણું તમામ લક્ષ્ય કાર્ય પર રાખવું જોઈએ. આડુંઅવળું ચિત્ત રાખીએ તો આપણી આપણાથી મૂર્તિ બરાબર બને નહીં. ખરાબ મૂર્તિની કિંમત ઓછી અંકાય છે, ખરુંને મોહનબેટા?'
'હા, પપ્પા. તમારી વાત બિલકુલ સાચી છે.'
'આપણે આપણી જાતની કિંમત આંકતા આવડવી જોઈએ. આપણે આપણા જીવનના શિલ્પી બનવું જોઈએ. આપણે આપણા જીવને કેવો આકાર આપવો છે તે આપણે જ નક્કી કરવાનું હોય. જો સારો ઘાટ ઘડીશું તો આપણું જીવન અમૂલ્ય બની જશે.'
'હા, પપ્પા. ભલે હું અત્યારે નાનો છું પણ તમારી વાત મને થોડી થોડી સમજાય છે. હું તમારી આ દરેક વાત ધ્યાનમાં રાખીશ અને યાદ રાખીશ... હું પણ એક દિવસ મારા જીવનનો કુશળ શિલ્પી બનીશ... તમારી જેમ જ!'








