પરિસ્થિતિજન્ય સંબંધ: સિચ્યુએશનશીપની ઓળખ અને પ્રમાણિક પ્રેમનો સ્વીકાર

આધુનિક ડેટિંગનો નવો ટ્રેન્ડ
આધુનિક ડેટિંગ હવે માત્ર આકસ્મિક પ્રેમ અથવા ગંભીર સંબંધ સુધી સીમિત નથી રહ્યું પણ તે સંબંધોનો સતત વિકસતો વ્યાપ છે, જેમાં પ્રત્યેક નવા દિવસે નવો શબ્દ સામે આવતો રહે છે. આવો જ એક શબ્દ છે સિચ્યુએશનશીપ, એટલે પરિસ્થિતિજન્ય સંબંધ, જે નવી પેઢીને આકર્ષિત કરવા ઉપરાંત સામાન્ય વાતચીતમાં પણ સામેલ થઈ ગયો છે. આ શબ્દ ત્યારે પ્રચલિત થયો જ્યારે અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેનમાં પિતા-પુત્ર વચ્ચે હળવી વાતચીત દરમ્યાન તેનો ઉપયોગ થયો હતો. દર્શકો માટે આ મનોરંજક અને પ્રાસંગિક બંને હતો કારણ કે સિચ્યુએનશીપ હવે કોઈ નવી બાબત નથી રહી.
પણ આખરે સિચ્યુએશનશીપ છે શું? મૂળમાં સિચ્યુએશનશીપ એક અપરિભાષિત, કોઈપણ પ્રકારના બંધન વિનાનો સંબંધ છે. એક પ્રતિબદ્ધ સંબંધથી વિપરીત, જેમાં સાથીઓ પોતાની અપેક્ષાઓ, સીમાઓ અને સહિયારા લક્ષ્યાંકો વિશે ખુલીને ચર્ચા કરે છે, સિચ્યુએશનશીપ અસ્પષ્ટતા પર નભે છે. પ્રેમીઓ સંબંધના નાજુક સંતુલનમાં વિક્ષેપ પડવાના ભયથી 'આપણે શું છીએ' તેવો સામાન્ય સવાલ પૂછતા પણ અચકાય છે. શરૂઆતમાં આ બાબત ઉત્સાહજનક લાગી શકે,પણ આખરે અનિશ્ચિતતા પાર્ટનરોને અસુરક્ષિત અને અસંતુષ્ટ રાખે છે.
તો સામાન્ય સંબંધને સિચ્યુએશનશીપથી અલગ કેવી રીતે તારવવો? એના માટે એવા સંબંધના લક્ષણો, ભાવનાત્મક અસર અને પ્રક્રિયામાં પોતાને ખોઈ નાખ્યા વિના તેમાંથી પાર નીકળવાના ઉપાયનું વિશ્લેષણ કરીએ.
સિચ્યુએશનશીપની પરિભાષા
સિચ્યુએશનશીપ અથવા પરિસ્થિતિજન્ય સંબંધ આકસ્મિક છેડછાડથી વિશેષ છે પણ પ્રતિબદ્ધ સંબંધ નથી. તેમાં પણ આત્મીયતા અને સાતત્ય હોય છે, પણ સ્પષ્ટતા નથી હોતી. પાર્ટનરો સમય સાથે વિતાવે છે, રમૂજ શેર કરે છે અને એકમેકના મિત્રોને પણ સહજ રીતે મળે છે, પણ તેમાં ભાવિ વિશે કોઈ ચર્ચા નથી હોતી. પાર્ટનરો જેમાં ભાવનાત્મક અને વાસ્તવિક રીતે સંકળાયેલા હોય છે તેવા સંબંધથી વિપરીત સિચ્યુએશનશીપ સૌથી વધુ સુવિધા પર નભે છે.
મુખ્ય મુદ્દો તેના અસ્તિત્વનો નહિ પણ તેની ચોક્કસ પરિભાષાના અભાવનો છે. સ્પષ્ટતા વિના એક પાર્ટનર ક્યારેક પોતાને વધુ સંકળાયેલ અનુભવે છે જ્યારે બીજો વિલપ્ત રહે છે. આ અસંતુલન હૃદયભંગ, આત્મસંદેહ અને ક્યારેક નારાજગી તરફ પણ દોરી જાય છે.
સિચ્યુએશનશીપના લક્ષણો
૧. અસંગત વાતચીત
પ્રારંભમાં થોડા દિવસ સતત ફોન રણકે છે, મેસેજો થાય છે અને આકસ્મિક ડેટ નક્કી થાય છે. પણ પછી તુરંત સન્નાટો છવાઈ જાય છે. ખરા સંબંધોમાં પાર્ટનરો સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે કારણ કે તેમની એવી ઈચ્છા હોય છે, તેમાં માત્ર સગવડ નથી જોવાતી. પણ સિચ્યુએશનશીપમાં અસંગતતા સામાન્ય બાબત છે.
મનોચિકિત્સકોના મતે જે વ્યક્તિ ખરેખર સંબંધમાં જોડાયેલો હોય તેને મળવાના અને સંપર્ક કરવાના કારણો મળતા રહે છે. પણ જે પોતે અચોક્કસ હોય તે કાયમ દૂર રહેવાના બહાના શોધ્યા કરશે.
૨.ભાવનાત્મક જોડાણના સ્થાને શારીરિક નિકટતા
સિચ્યુએશનશીપમાં મોટાભાગે શારીરિક ખેંચાણ મુખ્ય બાબત હોય છે. જે સંબંધ માત્ર નિકટતા પર કેન્દ્રિત હોય પણ તેમાં ભાગ્યે જ ક્યારેક ઊંડી વાતચીત, સહિયારા સ્વપ્નો અને નબળાઈઓનો અભાવ હોય, તે સંતુલિત સંબંધ ન હોવાની નિશાની છે. સ્વસ્થ સંબંધમાં ભાવનાત્મક નિકટતા શારીરિક અંતરંગતાને સમૃદ્ધ બનાવે છે, જ્યારે સિચ્યુએશનશીપમાં આત્મીયતા મોટાભાગે લેતીદેતીના સ્વરૂપની હોય છે.
૩. લાંબા ગાળાની યોજનાનો અભાવ
પ્રતિબદ્ધ સંબંધોમાં કપલો મોટાભાગે ભાવિના પ્રવાસ, પારિવારીક સમારંભો અથવા ભાવિ સ્વપ્નો વિશે ચર્ચા કરતા હોય છે. પણ સિચ્યુએશનશીપમાં યોજનાઓ મોટાભાગે છેલ્લી ઘડીની અને અસ્પષ્ટ હોય છે. 'આપણી વચ્ચે હવે શું' જેવા સીધા અને સરળ પ્રશ્નનો જવાબ પણ ખચકાટ અને ટાળનારો હોય છે. સહિયારા દ્રષ્ટિકોણનો અભાવ પાર્ટનરને કોઈપણ દિશા વિનાના અનંત ચક્રમાં ફસાયેલા મહેસૂસ કરાવી શકે.
૪. અસમાન પ્રયાસ
ખરા સંબંધોમાં ભાવનાત્મક રીતે, માનસિક રીતે અને ક્યારેક આર્થિક રીતે પણ બંને પાર્ટનરોનું યોગદાન સમાન હોય છે. બીજી તરફ સિચ્યુએશનશીપમાં મોટાભાગે એક જ પાર્ટનર તમામ ભાવનાત્મક બોજ ઉઠાવતો હોય છે જે સંદેશા મોકલે છે, ડેટની યોજના બનાવે છે અથવા સમયપત્રક સાચવે છે.
પારસ્પરિકતાનો આ અભાવ આખરે વધુ રસ લેનાર ભાગીદારને હતાશ અને ઉપેક્ષિત થયાનો અહેસાસ કરાવે છે.
લોકો શા માટે સિચ્યુએશનશીપમાં સપડાય છે?
૧. પ્રતિબદ્ધતાનો અભાવ - કેટલીક વ્યક્તિઓ સંગતિનો આનંદ માણે છે પણ જવાબદારી અને સંવેદનશીલતાથી દૂર ભાગે છે.
૨. સુવિધાનું પરિબળ - સિચ્યુએશનશીપમાં પ્રતિબદ્ધ સંબંધના પડકારો વિના આત્મીયતા મળે છે.
૩. સંક્રમણ તબક્કો - બ્રેકઅપમાંથી બહાર નીકળતા અથવા પોતાના ધ્યેય વિશે અનિશ્ચિત લોકો મોટાભાગે સિચ્યુએશનશીપના જાળામાં ફસાય છે.
૪. સંબંધને નામ ન આપવાની ઈચ્છા - સ્વતંત્રતાને મહત્વ આપતી પેઢી પરંપરાગત લેબલો ટાળવાનું પસંદ કરીને 'પડશે તેવા દેવાશે' જેવી પદ્ધતિ પસંદ કરે છે. આ કારણો સિચ્યુએશનશીપ વિશે સમજણ આપી શકે છે, પણ લાંબા ગાળે તે સંતોષજનક અથવા ટકાઉ બને તેની કોઈ ખાતરી નથી આપતા.
સિચ્યુએશનશીપ મોટાભાગે હળવાશથી શરૂ થાય છે પણ તેના પરિણામ ભાવનાત્મક દ્રષ્ટિએ ખૂબ જ ભારે હોય છે.
- મૂઝવણ અને તણાવ : આ સંબંધ ક્યાં જઈ રહ્યો છે તેવા વિચારથી મન બેચેન થઈ જાય છે.
- આત્મવિશ્વાસને હાનિ : તમે પોતે પ્રતિબદ્ધતા માટે યોગ્ય છો તેના વિશે સતત સંદેહ કરતા રહેવાથી આત્મસંદેહની સ્થિતિ સર્જાય છે.
- લાગણીની સમસ્યા : ભાવનાત્મક સ્પષ્ટતા વિનાની શારીરિક ઘનિષ્ઠતા અસ્વસ્થ લાગણી જન્માવે છે.
- ખરો સંબંધ ગુમાવવાનો ભય : સિચ્યુએશનશીપમાં રહેવાથી વધુ સ્વસ્થ, સંતોષજનક સંબંધ ગુમાવી નાખવાની સંભાવના વધુ રહે છે.
સિચ્યુએશનશીપમાંથી પાર કેવી રીતે પડવું
૧. જાત સાથે પ્રમાણિક રહો
પોતાને જ પ્રશ્ન કરો, શું હું આ સંબંધમાં ખુશ છું? જો તમને સતત તણાવ, તમારા જ પ્રત્યે સંદેહ અથવા સ્પષ્ટતા માટે સતત રાહ જોયા કરવાનું મહેસૂસ કરતા હો, તો પુન:મૂલ્યાંકનનો સમય આવ્યો હોવાનું સમજવું.
૨. ખુલ્લા મને વાત કરો
તમારી ભાવનાઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. તમારી જરૂરીયાતો, સ્પષ્ટતા, પ્રતિબદ્ધતા અને સીમાઓ વિશે વાત કરો. તમને કદાચ અસ્વસ્થતા લાગશે,પણ પાર્ટનરને ઓળખવાનો આ જ એકમાત્ર પ્રકાર છે.
૩. કઠિન સવાલો પૂછો
પાર્ટનર સાથે તેના હેતુઓ વિશે નિખાલસ ચર્ચા અનિવાર્ય છે. તે સહજ સંબંધ ઈચ્છે છે કે લાંબા ગાળાનો? તેનો પ્રતિસાદ અથવા તેનો અભાવ તમારો જવાબ છે.
૪. ભાવનાત્મક સીમાઓનું રક્ષણ
પાર્ટનર પ્રતિબદ્ધતા અથવા સ્પષ્ટતા ટાળતો હોય તો સીમાઓ નક્કી કરો. તેનો અર્થ શારીરિક ઘનિષ્ઠતા ઘટાડવી, ભાવનાત્મક ઉપલબ્ધતા મર્યાદિત કરવી અથવા સંબંધમાંથી નીકળી પણ જવાનો પણ થઈ શકે.
૫. આત્મસમ્માનને પ્રાથમિકતા આપો
યાદ રહે તમે તમારા મૂલ્યો અને લાંબાગાળાના લક્ષ્યાંકોને અનુરૂપ હોય તેવા સંબંધને લાયક છો. અધૂરા મન સાથેની પ્રતિબદ્ધતા ટૂંકા ગાળાની ઈચ્છાઓ સંતોષશે પણ લાંબાગાળાના જખમો છોડી જશે.
સિચ્યુએશનશીપમાંથી સ્વસ્થ સંબંધ સુધી
મનોચિકિત્સકોના મતે સિચ્યુએશનશીપના વિશ્વમાં ખરા સંબંધોનો સ્વીકાર વ્યક્તિઓને ભાવનાત્મક અને અંગત વિકાસ સાથેની સ્થિરતા આપે છે. પ્રમાણિક જોડાણની પસંદગી ભાવનાત્મક જરૂરીયાતના મૂલ્યને સહાય કરે છે અને વિશ્વાસ તેમજ કાળજીમાં જડાયેલું ભાવિ નિર્મિત થાય છે.
ખરા સંબંધો સહેલાઈથી નથી બનતા,પણ તેનાથી ભાવનાત્મક સુરક્ષા, પારસ્પરિક આદર અને સાથે હોવાની ખુશી મળે છે. સિચ્યુએશનશીપથી વિપરીત તે તમને સંદેહમાં નથી રાખતા, પણ સ્પષ્ટતા આપે છે.
- ઉમેશ ઠક્કર








