શ્રીરામ અને રામાયણ : જીવન જીવવાની જડીબુટ્ટી

રામાયણ સમગ્ર વિશ્વનું સૌ પ્રથમ મહાકાવ્ય છે, જેમાં સંસ્કારના શબ્દો છે, વૈરાગ્યનાં વાક્યો છે, ભક્તિની કવિતા છે, ત્યાગની હરિફાઈ છે, કુટુંબની કથા છે તો મોહની વ્યથા છે, રામાયણનાં બધાં પાત્રો સાગમટે માનવજીવનના આચરણનું શુધ્ધ વ્યાકરણ છે. એક એક પાત્ર બોધપાઠની પવિત્ર પાઠશાળા છે, જે ભણ્યા પછી બીજું કશું ભણવાનું બાકી રહેતું જ નથી. માણસે શું ન કરવું એ મહાભારત શીખવે છે, તો રામાયણ માણસે શું શું કરવું જોઈએ તે શીખવે છે. જય સીયારામ.
શ્રીરામ ચૌદ વરસ વનવાસની આજ્ઞાાનું પાલન જાણે કોઈ વરદાન મળ્યું હોય તે રીતે કરે છે. રધુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાઈ અરુ વચન ન જાઈ ! એક વચન, એક બાણ, એક પત્ની-નો ત્રિવેણી સંગમ પ્રયાગરાજ તીર્થ બની જાય છે. મર્યાદા પણ મર્યાદામાં રહે એવા શ્રી.રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. સતત ૧૪ વર્ષ સેવા કરી લક્ષ્મણે ત્યેન ત્યકતેન ભુંજાથા- ત્યાગીને ભોગવી જાણો- અમલમાં મૂકી સ્વયં ઉપનિષદ બની ગયા. ભાઈ હો તો ઐસા.
શબરી (શ્રમણા) સ્મરણભક્તિની શક્તિની સ્વયં પરાકાષ્ટા છે. જ્યાં પ્રભુ સામે ચાલીને માતંગ ઋષિના આશ્રમે જાય છે. ભાવનાના ભૂખ્યા ભગવાને બોર-ને જગ પ્રસિદ્ધ કરી દીધાં. જર, જમીન અને જોરૂ એ ત્રણેય કજિયાનાં છોરૂ- જેવું આચરણ કરી સામે ચાલીને પેલા વાલીએ મોતને વહાલું કરી દીધું. તો સુગ્રીવે મિત્રને માગી મદદ કરી માનવતાનાં મૂલ્યોને ઉચ્ચ કક્ષાએ પ્રસ્થાપિત કરી દેખાડયાં. એક કેવટ નાવિક નદી પાર કરાવી પોતાનો ભાવ પાર કરાવી લે છે.
વિચાર કર્યા વગર વચન કે વરદાન આપવાની વસમી વ્યથાની પીડા દશરથ રાજાના મૃત્યુનું કારણ બને છે. કાન ભંભેરણીમાં મંથરાથી મોટું હજુ સુધી કોઈ થયું નથી. હર્યાભર્યા પરિવારની ખાનાખરાબી કૈકેયીના પુત્રમોહને કારણે કેટલી હદ સુધી થઈ શકે છે એ એક જ મિનિટમાં સૌને સમજાઈ જાય છે. લાયકાતથી વધારે મેળવવાની લ્હાયમાં બાવાનાં બેય બગડયાં જેવો ઘાટ શૂર્પણખાનો થયો. નાક-કાન-ભાન બધું ગુમાવ્યું. આખી રામાયણનો આ ટર્િંનગ પોઈન્ટ છે. વિનાશ કાળે વિપરિત બુધ્ધિ.
દગા કિસીકા સગા નહિ. ઇન્દ્ર સાથે અહલ્યાના સંવનને શિલા (પથ્થર)નો શાપ રોકડો મળ્યો. અહં-અભિમાન-મદ- મોહ- કામ- રાવણનું ધનોત-પનોત કાઢી નાખે છે. શિવનું વરદાન, સોનાની લંકા-નવગ્રહ- વિશાળ સેના-બળ કશું જ કામમાં આવતું નથી ત્યારે લોકોકિત એવી બની ગઈ કે : અભિમાન તો રાજા રાવણનું ય ટકતું નથી !!
જીભ લપસી જાય ત્યારે કુંભકર્ણ જેવી દશા થાય. ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન માગ્યું ! આજે વિચારો-કાલે બોલો. રાવણ તમોગુણ છે, કુંભકર્ણ રજોગુણ છે અને વિભીષણ સત્ત્વગુણ છે. એક રામાનામનું સ્મરણ લંકાની ગાદીના રાજ્યાભિષેક સુધી વિભીષણને પહોંચાડે છે. સત્ય શાશ્વત છે, સાચને આંચ નથી આવતી. સત્યમેવ જયતે.
ગળથૂથીમાં મળેલા સંસ્કારથી ત્રિજટાને અશોકવાટિકામાં મૈયા સીતાજીની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. કરો તેવું પામો. વાવો તેવું લણો. હિરણ્યકશ્યપને ત્યાં પ્રહ્લાદ જન્મ લે છે એમ રાવણને સતી મંદોદરી મળે છે. શાસ્ત્રોક્ત સપ્તપદીનું શ્રેષ્ઠ આચરણ મંદોદરીને ભાગ્ય પ્રાત : સ્મરણીય પાંચ સતીઓમાં મોખરાનું સ્થાન પ્રદાન કરે છે.
આકડે મધ અને તે પણ માખીઓ વગરનું. અયોધ્યાનગરીની રાજગાદી ભરતને સામેથી અનાયાસે પ્રાપ્ત થઈ જાય છે તો પણ જતું કરે એનું કશું જતું નથી એ ન્યાયે શ્રીરામની ચરણપાદુકા માથે ચડાવી દૂર નંદીગ્રામમાં ૧૪ વરસ રહી ભરતે ભતૃહરિના આખેઆખા વૈરાગ્ય શતકનો સાર જગતને આપી દીધો. જગતમાં આવું બીજું એક ઉદાહરણ તો બતાવો!
કર્મ જો તેરે અચ્છે હૈ
તો તકદીર તેરી દાસી હૈ,
નિયત જો તેરી અચ્છી હૈ,
તો ઘરમે મથુરાકાશી હૈ.
વિશ્વામિત્રનો વિનય અને વિશ્વાસ, વાલ્મીકિજીના વાણી વૈભવની વિદ્વતા, રાજર્ષિ-બ્રહ્મર્ષિ વશિષ્ઠનો વિવેક અને વીતરાગ, માતંગનું માર્ગદર્શન, ભારદ્વાજની ભલાઈ, કૌશલ્યની કુશળતા, સુમિત્રાનો સદ્ભાવ-સંસ્કાર, શત્રુધ્નનું શાણપણ, ઉર્મિલાનો ઉમળકો, માંડવીનું મૌન, શ્રુતકીર્તિનું સમત્ત્વ અને સમાધાન, મારીચની કામના, જનકનું વિદેહીપણું, અંગદનું પરાક્રમ, નલ-નીલનો પુરુષાર્થ, જામવંતનો અનુભવ, પરશુરામનો સાત્ત્વિક ક્રોધ, વાનરસેનાની મદદ, લવ-કુશનો માતૃપ્રેમ, ખિસકોલીની ખુદ્દારી અને ખાનદાની, પંચવટીની પવિત્રતા અને કુદરતનું સાન્નિધ્ય આવા અનેક પ્રચ્છન્ન પાત્રો અને પ્રસંગોનો અખૂટ, અનમોલ ખજાનો રામાયણમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે, માંહી પડયા તે મહાસુખ માણે જેવું છે, એકવાર રામાયણ વાંચી તો જુઓ ! સુખને એક અવસર તો આપો !
એક રામ દશરથકા બેટા,
એક રામ ઘર ઘર મે લેટા,
એક રામ હૈ જગત પસારા,
એક રામ હૈ સબસે ન્યારા.
એક શ્રીમદ્ ભગવદ્ ગીતાથી મહાભારત શોભે છે તેમ એક સુંદરકાન્ડથી આખું રામાયણ સુંદર બની જાય છે. સમગ્ર વિશ્વમાં નવેનવ પ્રકારની નવધા જો કોઈએ કરી હોય તો તે એકમાત્ર હનુમાનજી છે. હનુમાનજી વગરના રામ કે રામાયણની કલ્પના તો કરી જુઓ ! સૂર્ય વગર આકાશ જેવું લાગે ! જય બજરંગ બલિ. શ્રીરામે પણ કહેવું પડયું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ!
મા સીતાજીના ચરણોમાં વંદન કરી લેખનું સમાપન કરીએ. સાદગી, સેવા, સંસ્કાર, સામીપ્ય, સદ્ગુણો, સંપ, સહકાર, સમભાવનો સરવાળો, ખુદ્દારી, ખુમારી, ખાનદાની, ખમીર, પવિત્રતા, સુંદરતા, તપસ્યા. સ્વાભિમાનનો ગુણાકાર એટલે જ સીતાજી. આ રામનવમીએ આવો-રામાયણમાંથી બોધપાઠ લઈ જીવન ધન્ય બનાવીએ. હવે એક સાથે બોલીએ : રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાનકી.
- પી.એમ.પરમાર









