શ્રી હનુમાનજીનો શ્રીરામ પ્રત્યે પુણ્યપ્રકોપ

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
સત્પુરુષો કે સદ્ગુરુદેવને હૈયે પોતાના શિષ્યો ભક્તોનું હિત સદૈવ હોય છે. તેમની નબળાઈઓ કે તેમના ગુણવૈભવમાં જરાયે ખોટ પડે કે તેમની પ્રકૃતિમાં લગીરે વિકૃતિનો પ્રવેશ થાય તો તેને નિવારવા તેમની જાગૃતિનું સાતત્ય સદૈવ હોય છે.
ભગવાન શ્રી રામચંદ્ર સમુદ્ર પર સેતુ બાંધતી વખતે વિઘ્નનિવારણ અર્થે પ્રથમ શ્રી ગણેશજીની સ્થાપના કરે છે. ત્યાર પછી નવ ગ્રહોની નવ પ્રતિમા નલ દ્વારા સ્થાપિત કરાવી, ત્યાર પછી સાગર સંયોગ ઉપર પોતાના નામ પર એક શિવલિંગની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. હનુમાનજીને બોલાવીને કહ્યું કે, 'કાશી જઈ અને શંકરભગવાન પાસેથી એક શિવલિંગ લઈને આવવાનું છે.' તેમણે મુહૂર્ત પહેલાં પરત આવવાની શ્રી હનુમાનજીને તાકીદ કરી. ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના હનુમાનજી કાશી પહોંચ્યા અને ભગવાન શંકરને લિંગ માટે પ્રાર્થના કરી. ભગવાન શંકરે કહ્યુ ંકે, 'હું દક્ષિણમાં જવાનો વિચાર કરતો હતો, કારણ કે અગસ્ત્યમુનિ મારા વિરહમાં મારી પ્રતીક્ષા કરી રહ્યા છે - એક શ્રીરામ માટે અને એક તો મારા નામની.... એમ બે લિંગ આપ લઈ અને સિધાવો.'
શ્રી હનુમાન લિંગ લઈને પરત ફરતાં તેમને મનમાં વિચાર આવે છે કે, 'હું કેટલા ઝડપથી વારાણસી પહોંચી ગયો.' ... અને તેને પોતાની ઝડપ અને તીવ્ર વેગયાત્રાનો ગર્વાભ્યાસ થયો, ચિત્તમાં અહંકાર ઉત્પન્ન થયો. ભગવાન શ્રીરામ તો અંતર્યામી છે. તેમને તેમના પરમ ભક્ત શ્રી હનુમાનજી જે પરમ નમ્રતાની મૂર્તિ હતા તે મૂર્તિ પર અહંકારની એક તિરાડ પડતી જોતાં તેમણે સુગ્રીવ વગેરેને બોલાવીને મુનિઓની સંમતિ મેળવીને કહ્યું કે, 'મુહૂર્ત પુરું થવાની તૈયારી છે, તો હું રેતીની લિંગ (વાળુકામય લિંગ)ની વિધિ-વિધાન સહસ્થાપના કરું છું.'
દક્ષિણા-દાન માટે પ્રભુએ કૌસ્તુભમણિનું સ્મરણ કર્યું. સ્મરણ કરવાની સાથે આકાશમાર્ગે મણિ રામ પાસે પહોંચ્યો. મણિ પહોંચતાં ભગવાન શ્રીરામે આ મણિને ગળામાં ધારણ કર્યો. આ મણિના પ્રભાવથી વસ્ત્રો, ધન, અશ્વ, આભૂષણો વગેરેની વૃષ્ટિ થઈ. દક્ષિણાનું કાર્ય પૂર્ણ થતાં પૂજા પૂર્ણ કરીને ઋષિગણ વિદાય થયા. રસ્તામાં હનુમાનજી ઋષિગણને જોતાં તેમણે ઋષિઓને પ્રશ્ન કર્યો કે, 'આપ ક્યાં પૂજા કરીને પરત ફરી રહ્યા છો ?' તો ઋષિગણે શ્રી હનુમાનજીને ઉત્તરમાં જણાવ્યું કે, 'સુગ્રીવ આદિ ઋષિગણની ઉપસ્થિતિમાં શ્રીરામે વાળુકામય લિંગની સ્થાપના કરી તેની પૂજા-અર્ચના કરી અને પરત ફરી રહ્યા છીએ.' આ સાંભળીને શ્રી હનુમાનજીએ પુણ્યપ્રકોપને કારણે તે તુર્ત જ શ્રીરામજી પાસે પહોંચ્યા અને કહ્યું કે, 'લંકામાં પરિશ્રમ કરીને માતા સીતાની શોધ કરવાનું મને આવું પારિતોષિક મળ્યું ? એક તો મને આટલે દૂર કાશી લિંગ લેવા મોકલ્યો ને પાછળથી આપે આ શું કર્યું ? આ વેળુની લિંગ સ્થાપિત કરીને આપે મારો ઉપહાસ કર્યો.
ભગવાન શ્રીરામે શાંતિથી કહ્યું કે, 'પવનનંદન, તમારી વાત સાચી છે. તમે મારા સ્થાપિત આ વેળુની લિંગને ઉખાડી દ્યો. પછી હું એ જ સ્થળે આપે લાવેલી શિવલિંગની સ્થાપના સત્વરે કરીશ.' શ્રી હનુમાનજીએ તો પોતાની પૂંછમાં લિંગને લપેટીને લિંગને ઉખેડી નાખવા માટે ખૂબ જ બળ કરીને પૂંછને ખેંચ્યું. હનુમાનજીએ ખૂબ જ બળપૂર્વક પ્રયત્ન કરવા છતાં લિંગ ઉખડી તો નહીં પણ જરાય હલી પણ નહીં. ઉલ્ટાનુ બળ કરીને પૂંછ ખેંચવા જતાં શ્રી હનુમાનજીનું પૂંછ તૂટી ગયું અને તે બેહોશ થઈને નીચે પટકાયા અને આખી વાનરસેના હસવા લાગી. હનુમાનજી જ્યારે મુર્છામાંથી બહાર આવ્યા ત્યારે તેમને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેમનો ગર્વ ગળી ગયો અને તેમને અનુભૂતિ થઈ કે, 'મારા ગર્વ-અહંકારને કારણે જ આમ બન્યું છે. હનુમાનજીને સત્વરે પ્રભુ શ્રીરામનાં ચરણોમાં જઈ અને માફી માગી. પ્રભુ તો કરુણાના અવતાર છે. ભક્ત પર ક્ષમાવાન રહે છે.' ત્યાર પછી તેમણે વિધિપૂર્વક પોતાની સ્થાપેલી લિંગને બદલે વિશ્વાનાથ લિંગના નામથી હનુમાનજી દ્વારા લાવેલી લિંગની સ્થાપના કરી દીધી એટલું જ નહીં, વરદાન આપ્યું કે, 'કોઈ પણ પહેલા હનુમાનજી પ્રતિષ્ઠિત વિશ્વનાથ લિંગની પૂજા અર્ચના નહીં કરે અને મારા દ્વારા સ્થાપિત રામેશ્વર લિંગની પૂજા કરશે તો તેની પૂજા વ્યર્થ થશે અને શ્રીહનુમાનજીને કહ્યું કે, 'તમે પણ અહીં છિન્ન પૂંછ, ગુપ્ત પાદ, ગત ગર્વરૂપે અહીં નિવાસ કરો.' જેની પૂંછ તૂટેલી છે, જેનો ગર્વ ગળી ગયો છે એવા હનુમાનજીની પ્રતિમા અહીં પ્રતિષ્ઠિત આજે વર્તમાનમાં પણ દ્રશ્યમાન છે.
મહાપુરુષો ગુરુવર્યો કે મહાત્માઓને એ જ્ઞાન થાય કે 'મારા ભક્ત કે શિષ્યમાં અવગુણનો પ્રવેશ થવાની તૈયારી છે તો તુર્ત જ એ એનો ઉપાય અજમવો છે અને પાત્ર શિષ્યો કે જેનું ઉપાદાન શ્રેષ્ઠ છે તે 'હ્ય્દૃ્ચ હ્ર્હ્રખ્તટ।છ ષ્ઈંહ્રછ' અણાએ મામગ્ગં ધમ્મં... આજ્ઞા એ જ મારો પરમ ધર્મ, પરમ માર્ગ છે. શાસ્ત્રવચનને આત્મસાત્ કરે છે, જે ગુરુ કે ભગવંતના ઇશારાને આજ્ઞા સમજી આચરણમાં મૂકે છે. અહીં ભગવાન શ્રીરામની કરુણા અને 'પરહિત ચિંતા મૈત્રી'નાં આપણને દર્શન થાય છે.








