Magazines

શ્રદ્ધા કપૂરે ફરી સાબિત કર્યું કે મક્કમતા જ તેનો સુપરપાવર છે

By GS TEAM
11 Dec 20252 mins read
શ્રદ્ધા કપૂરે ફરી સાબિત કર્યું કે મક્કમતા જ તેનો સુપરપાવર છે

બોલિવુડની સૌથી લોકપ્રિય અને વર્સેટાઈલ અભિનેત્રીઓ પૈકી એક શ્રદ્ધા કપૂરે સેટ પર ઈજાના સમાચારથી તેના ચાહકોમાં ચિંતાની લાગણી ફેલાવી હતી. આગામી ફિલ્મ 'ઈથા' માટે શૂટીંગ કરતી વખતે શ્રદ્ધાને એક લાવણી નૃત્ય દરમ્યાન પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું. લાવણી લોકનૃત્યનો એવો પ્રકાર છે જેમાં તીવ્ર ચપળતા, લય અને સ્ટેમિનાની જરૂર પડે છે. આ ઘટનાએ સ્વાભાવિકપણે તેના ચાહકોમાં ચિંતા ફેલાવી, પણ પોતાના સકારાત્મક વ્યક્તિત્વને અનુરૂપ શ્રદ્ધાએ તુરંત તેના ચાહકોને નિશ્ચિત કર્યા કે તે ઝડપથી રિકવર થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સેટ પર હાજર થઈ જશે. 

શ્રદ્ધાએ ઈજા થઈ હોવા છતાં રમૂજ અને ઉષ્મા જેવી તેની વિશિષ્ટતા જાળવી રાખી. સોશિયલ મીડિયા પર એક નિખાલસ વાર્તાલાપ દરમ્યાન તેણે ચાહકોના સવાલોના જવાબ પ્રમાણિકતા અને ચતુરાઈથી આપીને ફરી સાબિત કર્યું કે શા માટે તેની પાસે આટલો મોટો ચાહક વર્ગ છે. એક ચાહકે સવાલ કર્યો કે આ અસ્વસ્થતાનો સમય તે કેવી રીતે પસાર કરે છે? ત્યારે 'સ્ત્રી'ની અભિનેત્રીએ પોતાનો ઈજાગ્રસ્ત પગ ઊંચો કરીને રમૂજ કરી, 'ટર્મિનેટરની જેમ ફરી રહી છું, માંસપેશી તૂટી ગઈ છે, પણ ઠીક થઈ જશે. બસ થોડો આરામ કરવાનો છે,પણ હું ઠીક છું.'

આ જીવંત વાર્તાલાપમાં ઉમેરો કરતા એક ચાહકે સૂચન કર્યું કે તેની સૌથી આઈકોનિક અને કારકિર્દીને ઊંચે લાવનારી ફિલ્મ 'આશિકી-ટુ'ને ફરી થિયેટરોમાં રિલીઝ કરવી જોઈએ. આ વિચારથી રોમાંચિત થયેલી શ્રદ્ધાએ ઉત્સાહયુક્ત પ્રતિસાદ આપતા વચન આપ્યું કે આ બાબત તે ફિલ્મના સર્જકો સમક્ષ જરૂર રજૂ કરશે. 

શ્રદ્ધાએ નવેમ્બરમાં નાશિક નજીક ઔંધેવાડીમાં 'ઈથા'નું શૂટીંગ શરૂ કર્યું હતું. અહેવાલો મુજબ દિગ્ગજ વિઠાબાઈ નારાયણગાંવકર દ્વારા પ્રેરિત એક લાવણી પરફોર્મન્સ દરમ્યાન તેના પગને ઈજા થઈ. પાવરહાઉસ જોડી અજય-અતુલ દ્વારા રચાયેલ આ સિક્વન્સમાં શ્રદ્ધાએ ઢોલકીના ઊર્જાવાન તાલ સાથે ઝડપથી નૃત્ય કરવાનું હતું. પરંપરાગત નવવારી સાડી તેમજ ભારેભરખમ આભૂષણો અને કમરપટ્ટાથી લથપથ શ્રદ્ધાએ વિઠાબાઈની યુવા ગતિશીલતા અપનાવવાની હતી, જે કાર્ય તેણે એટલું તો ગંભીર રીતે અપનાવ્યું હતું કે આ પાત્રમાં મૌલિકતા લાવવા તેણે પંદર કિલો વજન વધાર્યું હતું.

પણ શ્રદ્ધાના કમનસીબે આવા જ એક અતિ ઝડપી સ્ટેપ દરમ્યાન તેણે ભૂલથી પોતાના ડાબા પગના તળિયા પર સમગ્ર વજન મુકી દેતા પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને પગના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું. દિગ્દર્શક લક્ષ્મણે ઉતેકરે તુરંત શૂટ અટકાવી દીધું. કાયમ પ્રતિબદ્ધ અને દ્રઢ નિશ્ચયી રહેલી શ્રદ્ધાએ દિવસ વેડફી નાખવાના સ્થાને ક્લોઝ-અપ શોટ ફિલ્માવી લેવાનું સૂચન કર્યું. મુંબઈમાં પાછા ફર્યા પછી તેણે મઢ આઈલેન્ડના સેટ પર ઇમોશનલ દ્રશ્યોનું શૂટીંગ ચાલુ રાખ્યું. જોકે પછીના દિવસો દરમ્યાન પીડા વકરતા ટીમે થોડા દિવસ માટે પ્રોડક્શન અટકાવી દેવાનો નિર્ણય લીધો. હવે શ્રદ્ધા સંપૂર્ણ રિકવર થયા પછી શૂટ ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો. ખેર, અત્યારે તો... ઓલ ઇઝ વેલ!