પડવું છે કે ચડવું છે ? તે આપણે નક્કી કરીએ .

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
કાચિંડો !!! લાક્ષણિકતા એની એ છે કે શરીરનો રંગ એ છાશવારે બદલતો રહે છે. વૃક્ષના થડ ઉપર એ ચડયો હોય ત્યારે વૃક્ષના થડનો વર્ણ એના પર છવાઈ જાય અને વનરાજીની વચ્ચે એ લપાયો હોય ત્યારે એ પોતે પણ વનરાજી સમો ગ્રીન બની જાય... તો ક્યારેક વળી એવું લાગે કે જાણે લાલ અને પીળા રંગની ચાદર ઓઢીને એ બેઠો હોય... બરાબર કાચિંડા જેવી લાક્ષણિકતા ધરાવે આપણું મન. ફર્ક માત્ર એટલો છે કે કાચિંડો શરીરનો કલર બદલે છે, તો મન અંદરની વૃત્તિ (=ભાવધારા)ને બદલે છે. મનની આ ખાસિયતને આપણે મનની ચોથી વિલક્ષણતારૂપે ઓળખીશું અને કહીશું કે (૪) મન બહુરૂપી છે.
ક્યારેક મન સંતનું પ્રતિનિધિત્વ કરે છે, તો ક્યારેક વળી શેતાનનું પ્રતિનિધિત્વ પણ કરે છે. ક્યારેક એ ઉત્તમ સરળતા પણ દાખવે છે, તો ક્યારેક એ અત્યંત વક્રતા પણ ધરાવે છે. ક્યારેક એ વાસનાપ્રેમી લાગે છે, તો ક્યારેક એ ઉપાસનાપ્રેમી પણ લાગે છે. આવા તો મનના એક નહિ, અઢળક રૂપો છે. આમાંના કેટલાક મનના સ્વરૂપો એવા છે જે જીવના પતનનું કારણ બને છે, તો કેટલાક મનના સ્વરૂપો એવા પણ છે કે જે જીવના ઉત્થાનનું કારણ બને છે. આ સંદર્ભમાં યાદ આવે છે મને જૈનશાસ્ત્રોમાં નોંધાયેલી ઐતિહાસિક ઘટના :
કુશસ્થલ નગરમાં દ્રઢપ્રહારી નામના ડાકૂએ પોતાના સાથીદારો સાથે ધાડ પાડી. લૂંટ ચલાવતા એ પહોંચ્યો એક બ્રાહ્મણના ઘરે. ઘરનાં રક્ષણ માટે બ્રાહ્મણ વચ્ચે આવ્યો તો દ્રઢપ્રહારીએ બ્રાહ્મણને મારી નાંખ્યો. ગાય વચ્ચે આવી તો તેણે ગાયને કાપી નાંખી અને બ્રાહ્મણની સગર્ભા પત્ની આવી તો તેના પેટમાં પણ તલવાર હુલાવી દીધી. દ્રઢપ્રહારીનાં કાતિલ મનને કોઈના જીવની પરવાહ ન હતી. અલબત્ત, તેની તલવારના ક્રૂર વારનાં કારણે બ્રાહ્મણપત્નીનું ગર્ભસ્થશિશુ જમીન પર તરફડી તરફડીને મૃત્યુ પામ્યું. આ કરૂણ દ્રશ્ય જોઈને દ્રઢપ્રહારીનું કઠોર મન પણ મીણની જેમ પીગળી ગયું. જેણે હજી સંસારમાં પ્રવેશ પણ નહોતો કર્યો તેનું જીવન મેં પૂરું કરી નાંખ્યું. શું થશે મારું ? આ વિચારે તેમનાં મને જાણે નવું સ્વરૂપ ધારણ કર્યું. સંસાર છોડી જૈન દીક્ષા લેવા સાથે દ્રઢપ્રહારીએ અજોડ સંકલ્પ કર્યો કે 'જે દિવસે મને મારું પાપ યાદ આવશે એ દિવસે ઉપવાસ કરીશ.' દીક્ષા બાદ તેણે કુશસ્થલ નગરની આસપાસ જ સ્થિરતા કરી. આ નગરમાં સૌથી વધુ લૂંટ-હત્યાદિ કર્યા હોવાનાં કારણે લોકો રોજ તેમની નિંદા-તિરસ્કાર કરે છે-પાપો યાદ કરાવે છે અને મુનિ ઉપવાસ કરતા જાય છે. દ્રઢપ્રહારી મુનિએ આ રીતે સતત છ માસના ઉપવાસ સમભાવે કર્યા. લોકો ઉપર દ્રઢ (અચૂક) વાર કરનારાએ કર્મો ઉપર પણ દ્રઢ વાર કર્યા અને ઉત્તમ ધ્યાનના પ્રભાવે સકલ કર્મોનો નાશ કરીને મોક્ષ પામ્યાં. આ છે આપણા મનની કરામત. એ નબળા સ્વરૂપને પાપો પણ બંધાવે છે તો ઉત્તમ સ્વરૂપને આવકારીને પાપો છોડાવે પણ છે. મન ભલે બહુરૂપી હોય. એના રૂપમાં ભલે પરિવર્તન થાય. પરંતુ એ જે સ્વરૂપોને સ્વીકારે છે તે ઉત્તમ જ હોય એ આપણે નિશ્ચિત કરીએ.
છેલ્લે મહતની વાત : 'મનરૂપી સીડી પતન અને ઉત્થાન બંને કરાવી શકે છે. પડવું છે કે ચડવું છે ? તે આપણે નક્કી કરીએ...'








