વરસાદમાં જૂતાંની જાળવણી .

ચોમાસાની ઋતુમાં પગરખાં ખૂબ જ ગંદા થઇ જાય છે. વારંવાર પાણીમાં પલળવાથી તથા કાદવ-કિચડમાં ચાલવાથી શુઝ કે સેન્ડલ ગંદા થાય છે. ચોમાસામાં શુઝને સાચવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.
ભીના શુઝને સુકવવા :
બુટની દોરી અને ઇનસોલ કાઢીને તેને સુકવવા મૂકો. રૂમના ઉષ્ણતામાને જ શુઝને સુકાવા દેવા. વધારે પડતી ગરમીથી ચામડાના શુઝને નુકશાન થઇ શકે છે તથા બુટ બનાવવામાં વપરાતાં એડહેસીવ (ચીકણો પદાર્થ)ને પણ અસર થઇ શકે છે. બુટમાંથી વધારાનો ભેજ શોષાઇ જાય તે માટે બુટની અંદર અખબારના પાનાંને મૂકો. શુઝ સુકાઇ ન જાય ત્યાં સુધી અખબાર બદલતાં રહેવું.
ચામડાની સંભાળ :
બુટની સંભાળ પ્રત્યે દુર્લક્ષ ન રાખવું. ચોમાસામાં શુઝ પર કાદવ લાગી ગયો હોવાથી લેધર ક્લીનરથી શુઝને પહેલાં સાફ કરવા. ત્યારબાદ શુઝને કન્ડીશન કરવા. ઘણા લોકોને ખબર હોતી નથી કે વાળ માટે કન્ડિશનર આવે છે તે રીતે શુઝ માટે પણ કન્ડિશનર આવે છે. કન્ડિશનર લગાડયા બાદ શુઝ પર પોલીશ લગાડો. બુટની ચમક લાંબો સમય રહે તે માટે પેસ્ટ પોલીશ લગાડો. જો કે, આ પોલીશ લગાડવામાં થોડો સમય લાગે છે. પ્રવાહી પોલીશ ઝડપથી લાગી જાય છે પરંતુ તેને વારંવાર લગાડવું પડે છે. ક્રીમ પોલીશમાં તે બંનેનું મિશ્રણ હોય છે.
શુઝને પોલીશ લગાડયા બાદ વેધરપ્રૂફ કરવાની જરૂર છે. જો તમારે ખૂબ જ દોડાદોડી કરવાની રહે તો તમારે શુઝની સંભાળ માટે વેધરપ્રૂફ ટ્રીટમેન્ટ આપવી જોઇએ. કોઇપણ મોટા શુ સ્ટોરમાં આની માહિતી મળશે.
સ્વૅડ અને ન્યુબક :
આ શુઝને સારી સ્થિતિમાં રાખવા તેની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે. આવા શુઝને પાણી અને ડાઘથી બચાવો. જો ચોમાસામાં આવા બુટ પહેરવા પડે તેમ હોય તો પહેલાં તેને સ્પ્રે કરો અને પછી પહેરો. આવા બુટ પહેરતાં પહેલાં તેના પર પ્લાસ્ટિક અથવા રબ્બરની ટીપવાળું બ્રશ ફેરવી દેવું. ન્યુબક સ્વૅડ કરતાં પણ સુંવાળા હોય છે એટલે તે ઝડપથી ખરાબ થાય છે. તેલ લગાડેલા ન્યુબકમાં પણ નિયમીત રીતે કંડીશનર લગાડવું જોઇએ. જો ડાઘ લાગે તો સ્વૅડ અને ન્યુબકને સાફ કરવા માટે બનાવવામાં આવેલા ખાસ પ્રવાહીને વાપરવું જોઇએ. આ માટે તેલ શોષી લે તેવા બ્લોક્સ પણ આવે છે.
વિદેશી લેધર :
મગર અથવા સાપની ત્વચા વાળા શુઝને સાફ કરવા હળવા ક્લીનર અને કંડીશનરનો ઉપયોગ કરવો. અત્યંત મુલાયમ ચામડાના શુઝ પર હાર્ડ ઉત્પાદન વાપરવામાં આવે તો તેના લીધે શુઝને નુકશાન થાય છે તથા તેમાં ચીરો પડી શકે છે.
કેન્વાસના શુઝ :
હુંફાળા ગરમ પાણીમાં થોડો સાબુ નાંખીને કપડું ભીનું કરીને તેનાથી કેન્વાસના શુઝ સાફ કરવા. આ શુઝને મશીનમાં ન ધોવા તથા બ્લીચ પણ ન કરવું. જો ડાઘ જતાં ન હોય તો સ્ટેન રિમૂવરનો ઉપયોગ કરવો જોઇએ.
એથ્લેટીક શુઝ :
તમારા રમતના શુઝ સ્વૅડ કે કપડાના હોય છે. આ શુઝની ઉપરની બાજુ ડાઘ પડી ગયા હોય તો સ્નીકર્સના શેમ્પુથી તે સાફ કરી નાંખવા. કૉટનના શુઝ હોય તો વ્હાઇટનીંગ ઉત્પાદનથી તેની સફેદી જળવાઇ રહે છે. શુઝ રીપેર કરનાર નિષ્ણાત પણ સફેદ સ્પ્રે ડાઇથી તેને નવા જેવી ચમક આપી શકે છે. પરસેવાને કારણે આવા શુઝમાંથી વાસ આવે છે. એટલે બેક્ટેરિયાને દૂર કરે તેવા ડીઓડોરાઇઝીંગ ઉત્પાદનનો ઉપયોગ કરવો. એથલેટીક શુઝના વિવિધ ભાગને બદલાવીને પણ તેમે તેને નવા જેવા જ રાખી શકો છો. નવી દોરી કે નવા ઇન્સોલથી પણ શુઝની ચમક બદલાઇ જાય છે.
અન્ય ટીપ્સ:
* ચોમાસા બાદ શુઝનો ઉપરનો ભાગ સારો હોય તો તેના સૉલ અને હીલ્સ બદલાવી નાંખવા.
* પ્રોટેક્ટીવ સૉલનો ઉપયોગ કરીને તમારા શુઝનું આયુષ્ય વધારો. શુઝને લાંબો સમય ટકાવવા માટે તેના સૉલની ઉપર પાતળું રબ્બરનું સૉલ લગાડો. મહિલાઓના ડ્રેસ હિલ્સ માટે તે ઉત્તમ સાબિત થાય છે. ચોમાસા પહેલાં આ રીતે શુઝમાં સૉલ લગાડવા.
* નિયમીત રીતે શુઝને સાફ કરો તેના પર ધૂળ કે કાદવને જમા ન થવા દેવા.
* શુઝને કાઢતી વખતે પહેલાં દોરી છોડી તેને ઢીલા કરો.
* ટાઇટ શુઝ ન પહેરવા. શુઝ રીપેર કરનાર પણ તેને ખેંચીને થોડા ઢીલા કરી આપે છે.
* ચોમાસામાં તો બહારથી આવીને તરત જ શુઝને બ્રશથી સાફ કરી લેવા.
- ઈશિતા








