Magazines

શેખર સુમન: અનુભવી હોસ્ટ ફરી એકવાર કોમેડીના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારે છે

By GS TEAM
18 Jun 20263 mins read
શેખર સુમન: અનુભવી હોસ્ટ ફરી એકવાર કોમેડીના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારે છે

- 'અટલ બિહારી બાજપાઈએ મને કહેલું કે તું જ્યારે મારી મિમિક્રી કરે છે ત્યારે તે જોઈને હું મોટે મોટેથી હસી પડું છું. તારો આ શો કદી બંધ ન કરતો...'

ભારતમાં સ્ટેન્ડ-અપ કોમેડીને પ્રચલિત બનાવવાનું શ્રેય જો કોઇને આપવું હોય તો એ શેખર સુમનને આપવું પડે. ફિલ્મ જગતના પીઢ અભિનેતા, નિર્દેશક અને ટીવી પર કોમેડી શોના જજ તરીકે વિખ્યાત શેખર સુમને તેમના જાણીતાં શો મૂવર્સ એન્ડ શેકર્સને લંબાવી શેખર ટુનાઇટ મે મહિનામાં શરૂ કર્યો છે. યુટયુબ પર પ્રસારિત થતો આ કાર્યક્રમ ધીમે ધીમે દર્શકોમાં લોકપ્રિય બની રહ્યો છે. આ પ્રસંગે શેખર સુમન તેમની હોસ્ટ તરીકેની કારકિદીમાં તેમને થયેલાં અળવીતરાં અનુભવોની વાત માંડીને કરે છે. 

શેખર સુમન પરવીન બાબીના ઇન્ટરવ્યુની વાત કરતાં કહે છે,'૧૯૯૯માં પરવીન બાબીએ માત્ર મને જ મારા 'મૂવર્સ એન્ડ શેકર્સ' શો માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. બન્યું હતું એવું કે અમારો વીમા એજન્ટ એક જ હતો તેણે મારી વિશે પરવીનને વાત કરી અને પરવીને મને ફોન કર્યો. મેં તેને શો માટે ઇન્વાઇટ કરી અને તેણે મારું આમંત્રણ સ્વીકાર્યું. પણ છેલ્લી મિનિટે તેણે  ધડાકો કર્યો કે તે શૂટ માટે સ્ટુડિયોમાં નહીં આવે કેમ કે તેને કોઇ મારી નાખે તેવો ડર છે. પરવીનબાબી સ્કીઝોફ્રેનિયા નામની માનસિક બિમારીથી પીડાતી હતી અને ફિલ્મ ઉદ્યોગના એક ચોક્કસ વ્યક્તિ વિશે એલફેલ વાતો કરતી રહેતી હતી. આ એક જ વખત અમે સ્ટુડિયોની બહાર એપિસોડ શૂટ કર્યો હતો... પણ આ એપિસોડ ફેન્ટાસ્ટિક પુરવાર થયો હતો. તેણે અમારા બધા માટે ફ્રેન્ચ ઓનિયન સૂપ બનાવ્યો હતો. પણ મને તે ટેસ્ટ કરવામાં ડર લાગતો હતો, એટલે મારા યુનિટના લોકોએ તે ચાખ્યો તે પછી મેં  તેનો ટેસ્ટ કરવાની હિંમત કરી હતી. 

'બીજો આવો પ્રસંગ પણ રોમાંચક છે. મુંબઇમાં એક સમયે જેમની જબરદસ્ત ધાક હતી તે શિવસેનાના નેતા બાળાસાહેબ ઠાકરેએ  વહેલી પરોઢે ત્રણ વાગ્યે મને ફોન કર્યો અને મેં કરેલાં કોઇ ઇન્ટરવ્યુ માટે મને અભિનંદન આપ્યા. મેં તેમને કહ્યું કે જો તમને શો ગમે છે તો તમે શા માટે તેમાં આવતાં નથી? તેમણે તરત જ હા પાડી અને અમે ત્રીજા દિવસે તો તેમનો ઇન્ટરવ્યુ શૂટ કર્યો. મેં તેમને આંખોમાં આખો પરોવી સવાલ કર્યો કે તમે ફાસીવાદી છો? અને તેમણે જવાબ આપ્યો, હા. હું ફાસીવાદી છું કેમ કે ભારતને તેની જરૂર છે. એ ક્ષણે બધાંએ તાળીઓ પાડી તેમની નિખાલસતાને વધાવી હતી.મેં જણાવેલું આ એક માણસ છે જેનામાં આવું કશું નીડરતાથી કહેવાની હિંમત છે.'  

શેખર સુમન મિમિક્રી કરવા માટે પણ જાણીતાં છે. તેમણે દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની મિમિક્રી એટલી સરસ કરી હતી કે ખુદ વાજપેયી તે જોઇ ખુશ થઇ ગયા હતા. શેખર સુમન કહે છે, 'એક ઇવેન્ટમાં હું પર્ફોર્મ કરી રહ્યો હતો. વડાપ્રધાન તરીકે તેઓ પણ તે જગ્યાએ હાજર હતા. તેમણે પોતાનો કાફલો અટકાવી દીધો અને મને મળીને ભેટી પડયા.તેમણે કહેલી વાત આજે પણ હું વિસરી શક્યો નથી. 

વાજપેયીએ મને કહેલું, હું લાંબા સમયથી તને શોધતો હતો. હું તારો શો રેકોર્ડ કરૃં છું અને તેને દરરોજ જોઉં છું. તું જ્યારે મારી મિમિક્રી કરે ત્યારે હું મોટે મોટેથી હસી પડું છું. આ શો કદી બંધ ન કરીશ.'  શેખર સુમન ઉમેરે છે, 'ખરેખર તો એ જ ક્ષણે મારે ક્ષેત્ર સંન્યાસ લઇ લેવો જોઇતો હતો કેમ કે એક એક્ટર માટે આનાથી વધીને કશું ન હોઇ શકે?

 એક મુત્સદ્દી રાજકારણી તરીકે આ કહેવાની તેમની પાસે હિંમત હતી. 

પરંતુ મોટાભાગના લોકોને તો માઠું લાગી જાય છે. પણ હું નીડર હોવા માટે જાણીતો છું. જ્યારે મારા નવા શોની ટેગલાઇન 'ધ વોઇસ ઇઝ બેક' હોય ત્યારે એ અવાજ નીડર હોવો જોઇએ.  હું આ નીડરતા જાળવી રાખીશ જો એ ન કરવાનું હોય તો હું શો કરું જ નહીં. જો તમે ગભરું હો,તમારામાં વાત કરવાની હિંમત ન હોય તો પછી રસ્તામાંથી હટી જાવ!'  ધેટ્સ ધ સ્પિરીટ!