શેફાલી શાહ અને જયદીપ અહલાવત ફિલ્મ 'હિસાબ'માં દર્શકોને ચોંકાવશે

- ''હિસાબ'ની સ્ટોરી પણ 'આંખેં'ની જેમ એકદમ અલગ જ પ્રકારની છે. આ ફિલ્મની સ્ટોરી લખવામાં મને ખૂબ સમય લાગ્યો છે.'
૨૦૦૨માં આવેલી ફિલ્મ 'આંખેં'માં અસામાન્ય કથા રજૂ કરવામાં આવી હતી. વિપુલ અમૃતલાલ શાહની આ ફિલ્મમાં અંધજનો બેન્ક લૂંટે છે તેવી સ્ટોરી હતી. આ થ્રિલર હિટ નીવડી હતી. ફરી એકવાર વિપુલ શાહ બેન્ક રોબરીની કથા ધરાવતી ફિલ્મ 'હિસાબ' લઇને આવી રહ્યા છે. તેઓ જોકે સ્પષ્ટપણ જણાવે છે કે, ''આંખેં' અને આ ફિલ્મમાં માત્ર બેન્ક રોબરી જ સમાન છે, બાકી બધું એકદમ અલગ છે.' સ્વાભાવિક રીતે જ વિપુલ શાહ જાણે છે કે તેમની આ ફિલ્મની સરખામણી 'આંખેં' સાથે થશે.
વિપુલ શાહ 'હિસાબ' વિશે કહે છે, 'હું 'આંખેં' પછી એક ઓર બેન્ક રોબરી વિશેની ફિલ્મ બનાવવા માગતો હતો, પણ મને યોગ્ય આઇડિયા મળતો નહોતો. 'હિસાબ'ની સ્ટોરી પણ 'આંખેં'ની જેમ એકદમ અલગ જ પ્રકારની છે. આ ફિલ્મની સ્ટોરી લખવામાં મને ખૂબ સમય લાગ્યો છે. ભારતમાં આ પ્રકારની બેન્ક લૂંટની સ્ટોરી કદી કોઇએ જોઇ નહીં હોય. સ્વાભાવિક રીતે જ 'આંખેં' સાથે તેની સરખામણી થવાની છે, પણ હકીકત એ છે કે આ બંને ફિલ્મોમાં બેન્ક રોબરીને બાદ કરતાં કશું એકસરખું નથી.'
વિપુલ શાહે 'થ્રી ઓફ અસ' (૨૦૨૩) પછી જયદીપ અહલાવત અને શેફાલી શાહને ફરી એકત્રિત કર્યા છે. જયદીપ અને શેફાલીની જોડીની પ્રશંસા કરતાં વિપુલ શાહ કહે છે, 'જયદીપ અને શેફાલી બંને એવાં એક્ટર્સ છે જે સાથે ત્રણ ફિલ્મો કરે કે ત્રણસો, પણ તેમની એક્ટિંગ અલગ જ પુરવાર થાય છે. તેઓ બંને સાથે હોય ત્યારે સીન આપોઆપ જામવા માંડે છે. બંને એકદમ સરળતાથી ઉંંડાણભર્યો અભિનય કરી તમને ચોંકાવી દે છે. એક નિર્દેશક તરીકે મને તેમની વચ્ચેની આ કેમિસ્ટ્રી જોવાની મજા પડી છે.'
'હિસાબ'માં જયદીપ અહલાવત અને શેફાલી શાહ ઉપરાંત અભિષેક બેનર્જી, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને રોહિતાષવ ગૌર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
'થ્રી ઓફ અસ'માં શેફાલી શાહે જેની સ્મૃતિ ભૂંસાઇ રહી છે તેવી એક મહિલા ભૂમિકા કરી હતી. મજાની વાત એ છે કે શેફાલીને દિગ્દર્શક અવિનાશ અરૂણે માત્ર એક જ લાઇનમાં પાત્રની વાત કરી હતી, પણ શેફાલીએ કોઇ રેફરન્સ વિના જે રીતે બાળક સમાન વિસ્મય અને ભોળપણથી આ ભૂમિકાને સાકાર કરી હતી કે દર્શકો તેનું કામ જોઇ ચક્તિ થઇ ગયા હતા. આ ફિલ્મમાં જયદીપ અહલાવતે તેના બાળપણના પ્રેમીની ભૂમિકા ભજવી હતી.
શેફાલી શાહ એક ઉત્તમ અભિનેત્રી તો છે જ, પણ તે નિર્દેશક તરીકે પણ રસપ્રદ કામ કરી ચૂકી છે. ૨૦૨૦ના વર્ષમાં શેફાલી શાહે બે શોર્ટ ફિલ્મ 'સમડે' અને 'હેપ્પી બર્થડે' મમ્મીજી બનાવી હતી. શેફાલી શાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, 'મારી પાસે શોર્ટ ફિલ્મની પટકથા તૈયાર પડી છે, પણ હું જ્યારે શોર્ટ ફિલ્મ નિર્દેશિત કરૂ છું ત્યારે મારો ઘણો સમય તેની તૈયારી કરવામાં જાય છે. આમ, જો હું ફિચર ફિલ્મ બનાવીશ તો મને ખાતરી છે કે તેમાં હું ખૂબ સમય લઇશ. પણ હાલ તો એક એક્ટર તરીકે મને કામ કરવાની મજા પડી રહી છે. '
શેફાલીના પતિ વિપુલ શાહ કહે છે, ''હિસાબ' ફિલ્મનું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યુ છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ થવા માટે તૈયાર છે.








