Get The App

ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા 1 - image


ગાય જ્યારે મંદિર બહાર ઉભેલી જોવા મળે ત્યારે લાગે કે અંદર એની દીકરી દર્શન કરવા ગઈ છે એની પ્રતીક્ષા કરી રહી છે ! વર્ષો પહેલા અમદાવાદની પોળોમાં ગાયો જમવાના સમયે જોતાં જ ગૃહિણીઓ પહેલી રોટલી ગાયને ખવડાવતી. શહેરનો કોઈ પણ ધાર્મિક જણ જતા- આવતા રસ્તામાં ગૌમાતાને જોતાં જ એનું પૂંછડુ આંખે અડાડતો. હવે પહેલાનું એવું અમદાવાદ રહ્યું જ નથી. રસ્તામાં રિલીફ રોડ કે ગાંધી રોડ જ્યાં જુઓ ત્યાં વાહનોની ભીડ બેબાકળી બનીને ભાગતી હોય છે. એમાં ય બાઇક સવારો તો જિંદગીની પરવા કર્યા વગર 'મરતા જાય ને મારતા જાય' એવી 'ડેન્જરસ' સ્પીડમાં આવી રહેલા વાહનની ઐસીતૈસી કરીને ક્રોસ કરતા સામેનો વાહન ચાલક ગભરાઈ જાય છે.

ગાયની વાત કરતા કરતા વાહનોની ભીડથી પાગલ થઈ ગયેલા અમદાવાદની વર્તમાન પરિસ્થિતિ નજર સામે આવી ગઈ. જેનો જન્મ અમદાવાદ કે મુંબઈ જેવા શહેરમાં થયો હોય એને ગાય કરતા બાઇકની વાતોમાં જ વિશેષ રસ પડે. ભલા, તો પવિત્ર માતા જેવી ગાયની જ આરતી ઉતારવી છે. ભગવાને હરણથી માંડીને ગાય સુધી એવા અહિંસક પ્રાણીઓને પોતાના રક્ષણ માટે મસ્તક પર શીંગડા આપ્યા છે. છતાં તેઓ પોતાનો ક્યારેય બચાવ કરી શકતા નથી. માનવ સમાજ માત્ર દૂધ માટે ગાયને પોષે છે અને શેરડીનો રસ કાઢવાવાળો શેરડીના છેલ્લા ટીપા માટે ત્રણ- ચાર વખતે શેરડીનો કૂચો મશીનમાં નાખે એમ ગાયોને દોહીને એનું દૂધ વેચવા, શેરડીના સંચા જેવું જ કામ થાય છે.

જેમનો જન્મ સાવ નાના ગામડામાં થયો હશે એમણે ગાયોનું ધણ સવારે વગડામાં ચરવા જાય અને સાંજે પાછું ફરે ત્યારે એમનાં પગની ખરીથી ધૂળ ઉડે એ દ્રશ્ય રમણીય એટલા માટે લાગતું હોય છે કે ગામડામાં રામજી મંદિરની સાંજની આરતીની ઝાલર અને નગારા આ સમયે જ વાગવા શરૂ થતા. આ દ્રશ્યને આજના શહેરોમાં થતા લગ્નોની કંકોતરીમાં એક શબ્દ ખાસ લખવામાં આવે છે 'લગ્ન ગોધૂલિ સમયે યોજવામાં આવ્યા છે.' ક્યાં ગાયો ચરાવતા ભરવાડો સાથે નટખટ કનૈયો અને ક્યાં ભાડૂતી હૉલ કે હૉટલમાં ઉજવાતા આજના લગ્નો ! તમે બે ઘડી કોઈપણ ગાય સામે આંખ માંડીને જોશો તો એમાં તમારી મા દેખાશે... એને જોવામાં લીન થઈ જશો તો ગાયમાતાની આંખોમાં આંસુ ટપકીને નીચે રેલાતા એની આંખોની આસપાસ ભીનાશમાં કરૂણતા દેખાશે.

Tags :