ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા
વાચકોને આશ્ચર્ય થશે કે આ જગ્યાએ લાઈવ ફોટોગ્રાફને બદલે માત્ર ''હુક્કો ?'' જવાબમાં સ્પષ્ટતા કરી દઇએ કે લાઠીના ઠાકોર કવિ કલાપીના રાણી રમાદેવી કચ્છના હતા. રમાદેવી તરફથી આ લોકપ્રિય કવિરાજને દહેજમાં મળેલો કચ્છી ચાંદીનો હુક્કો આટલા બધા વર્ષો પછી હાથવગે આવતા અત્યારના લાઠી ઠાકોર સાહેબને થયું હશે કે અમદાવાદમાં કોઈ પ્રતિષ્ઠિત કલાસંગ્રાહકને ત્યાં આ સંભારણુ આપી દઇએ જેથી આ આઈટેમ કાયમ માટે ઐતિહાસિક સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે યાદગાર રહેશે... કવિ કલાપીના કોઈ ફોટોગ્રાફ પ્રાપ્ય નહિ હોવાથી એમના સ્મરણનું પ્રતિક એવો ચાંદીનો 'હુક્કો' કવિ કલાપી જેમનો જન્મ ઇ.સ. ૧૮૭૪ જાન્યુ. ૨૬ થયેલો એમણે સંખ્યાબંધ વિચારવા જેવી કવિતાઓનો ધોધ વહાવ્યો છે. જેને આજે પણ લોકો યાદ કરે છે.
પંદર વર્ષના 'કવિ હૃદયના' રાજકુમાર સુરસિંહજી સાહિત્ય દરબારના મહારાજા હતા તો એમના મહારાણી રમાબા, કચ્છની સિંહણ જેવો સીનો, કુદરતી રૂપથી ઉછળતી દેહછટા, આવી અદ્ભૂત પર્સનાલીટીથી પ્રભાવિત થઇ કલાપીએ લગ્ન કરીને રોમાંચક હર્ષાન્માદ અનુભવ્યો હતો. સમય જતાં જેમ સીનેમાની અંદર ઇન્ટરવલ આવે છે એમ કલાપીના જીવનમાં દ્રષ્યો અને ઘટના બદલાયા. એમના નિવાસસ્થાનની નીચે એક સુંદર બાલિકાને પસાર થતી જોતા એનામાં રહેલી અપૂર્વ માધુર્યની મૂર્તિની આભાથી કલાપીને બેઘડી વાત્સલ્યભાવ પ્રકટયો... પરંતુ પ્રેમ એવી ચીજ છે કે દેખાતો નથી પણ હૃદયના તાર ઝણઝણાવી નાખે છે. એવું થઇ ચૂક્યું.
આ બાલિકાને ''શોભના'' નામ આપી એને ભણાવવાનું શરૂ કર્યું. આ સમયે કવિ માત્ર સોળ વર્ષના હતા. હિંદુસ્તાનનો પ્રવાસ પૂરો કર્યા બાદ બન્નેનો સહવાસ વધી ગયો. અભ્યાસ પણ આગળ વધારતા ગયા. કલાપીને આશ્ચર્ય થઇ ગયું કે રત્ન જેવી આ બાલિકાને એવી જ્ઞાાતિમાં કેમ જન્માવી હશે ! સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ કલાપી અને શોભના વચ્ચેનો પ્રેમ પાંગરતો રહ્યો. પ્રેમની અજબ ખુમારી આ યુવાન કવિ હૃદયને ડોલાવવા લાગી. રમાએ કલાપીને બહુ સમજાવ્યા. પરંતુ શોભના અને કવિ કલાપી પ્રેમમાં ડૂબેલા હતા.
આ બન્નેના પ્રેમભર્યા સંબંધો અને લાગણીનો હર્ષોભર્યો ઇતિહાસ એ સમયે જેમ સોડા ફોડતા જ બોટલમાં ફુવારો થઇ છલકાય એવો થઈ ગયો. કલાપીએ એમનામાં કુદરતી રહેલી કવિત્વ શક્તિથી હર્યાભર્યા હૃદયથી બહુ ઊંચું લખ્યું. એમની કવિતાઓ ખૂબ વખણાઈ. લોકોએ હરખભેર કલાપીને કવિરાજ તરીકે પોંખીને એમની કવિતાઓવાળા પુસ્તકોને માથે મૂકીને લાડ લડાવ્યા. લાખો સાહિત્ય રસિકોએ એમને વધાવી લીધા. એમનામાં રહેલી કવિત્વ શક્તિથી શોભનાની હૂંફ મળ્યાથી ખૂબ લખ્યું પરંતુ સંસાર છોડવા તત્પર-પ્રેમના બંધનોથી બંધાઈ રહેલા આ મુમુક્ષુ રાજવીને પરમાત્માના દિવ્ય ધામમાંથી ઓચિંત્યુ તેડુ આવવાથી ઇ.સ. ૧૯૦૦ની જૂનની ૧૦ તારીખે ફક્ત એક જ રાતની માંદગી ભોગવી જુવાન જોધ કવિ વિદેહ થયા.