ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા
વર્ષો પહેલા પીલુડીના વૃક્ષો જોયેલા. એની ડાળીઓ પર લાલ રંગના ટચૂકડા લખોટી જેવા ફળો ઊગે તે પક્ષીઓને બહુ ભાવે. અત્યારે તો પીલુની વાત કરીએ તો કોઈને વળી પારસીના પરિવારમાં લાડકોડથી ઉછરતી 'પીલું' સાંભરી આવે. સંસારી વિગતોમાં સરક્યા વિના આપણે આજકાલ એટલે કે વર્ષોથી આપણી ધરતી પરથી વિદાય થઈ ગયેલા પીલુડીના ઝાડની વાત કરવી છે. નાનપણમાં એના વિષે એક ક્યાંક વાંચેલી પંક્તિ યાદ રહી છે ''વહાણ જાય પીલુ લેવા..'' એટલે શું આ ઝાડ શુષ્ક ધરતી ઉપર ઊગતા હશે ? હમણાં જ અમદાવાદના એક શાન્ત અને નાનકડા ગામડા જેટલી મોટી જગ્યામાં બસ, પીલુના ઝાડવા જ દેખાયા. ગામડા ગામમાં પીલુડીને ''વખડો'' તરીકે ઓળખે છે. હવે તો આ પીલુ ક્યાંય જોવા ન મળે.
આ ઝાડના પાંદડા ઊંટ અને ઘેટાના ચારા માટે ઉપયોગમાં લેવાતા. પીલુના સૂકા વૃક્ષનું લાકડું બાળતાં કડવો ધૂમાડો નીકળતા ઘરમાં રસોઈ માટે ચૂલા પર ચઢેલી તાવડી માટે ન વપરાતા ઇંટો પકવવા, ભઠ્ઠામાં તથા ખેતીના ઓજારો બનાવવામાં વપરાય છે. આ ઝાડના પાંદડા ઘેટા તથા ઊંટના ચારા માટે ઉપયોગમાં લેવાતા. સ્વપ્નોની દુનિયા બની ગયેલા પીલુના વૃક્ષો પર બાળકો ઘણીવાર રમતો રમે છે. આ પીલુનાં ખારી જારનાં મૂળ, પાંદડા, તેલ, કફ, અસ્થમા, આમવાત અને હરસ મસા જેવા રોગોના ઔષધ તરીકે ઉપયોગી લેખાતા હતા. હવે એ વૃક્ષ જ લુપ્ત થઈ જઈને માત્ર એની યાદગીરીના સચવાયેલા હાજપિંજર જેવા એના વૃક્ષો સાચવી રાખ્યા છે. ત્યાં બાળકો રમે છે એક બાળક તો એના મિત્રની વાટ જોતી ડાળ પર બેઠી છે. સાથે હેલ્મેટ કેમ ? તો જવાબ છે. આ છોકરી ઘોડેસવારી કરતી હોવાથી એના અશ્વને લેવા ચાકર અશ્વ શાળા લેવા ગયો છે.
છેલ્લે પીલુડીની વાત કરી લઈએ કે એનો ભૂતકાળ પક્ષીઓ માટે મહાન એટલા માટે હતો કે પીલુના પાકા લાલ ચણોટી જેવા ફળ પક્ષીઓને બહુ ભાવતા. આ પીલુનો દિદાર તો જાુઓ....વાંકીચૂકી ડાળીઓ. જાણે બધું ભૂલી જઈને બાવા જેવી બની ગઈ હોય એવી શુષ્ક....પરંતુ બાળકો એના પર બેસીને રમે છે. એટલો જ ઉપયોગ સાચવીને પીલુને અખંડ સૌભાગ્યવતી જેવી કાપ્યા વગર જાળવી રાખી છે. બાળકોને રમવા માટેની સૂકી ડાળીઓ ઉપયોગી હોવાથી જોવા મળી છે. બાકી લાયબ્રેરીઓમાં પીલુ વિષે જાણવા બહુ પ્રયત્નો કર્યા પરંતુ પુસ્તકોમાં તેની ક્યાંય ભાળ ન મળી....!!!