ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા
કંકોતરીઓ આવવી શરૂ થઇ ગઈ છે. અમદાવાદ જેવા મહાનગરમાં તો સોસાયટીઓ અને ખાસ ખુલ્લી જગ્યાઓ પર રંગબેરંગી રંગના માંડવા શોભીને લગ્નોત્સવની યાદ અપાવી રહ્યા છે. આજથી ૧૦૦ વર્ષ પહેલા કાઠિયાવાડમાં તો માંડવો બંધાય ત્યારે આસપાસની પાડોશણ બહેનો લગ્નગીતો ગાવા આવી જાય. પગથિયા ચઢતાં જ માણેકસ્થંભ રોપાય. ઢોલવાળો ઢોલ વગાડે. લગ્નગીતો પૂરા થતાં ખારેકો વહેંચાય. ઢોલવાળાને પણ થેલી ભરીને ખારેકો મળી જતી. લગ્નોત્સવ ત્રણ દિવસ ઉજવાય. બીજે દિવસે પીઠી ચોળે.
સગાવ્હાલાને નોતરા આપીને જમવા બોલાવવામાં આવે. લગ્નની મોસમ શિયાળામાં જ હોય છે. એટલે બહારગામથી આવવાવાળા મહેમાનો માટે ખાસ ઓળખીતાના ખાલી પડેલા નિવાસસ્થાનો તૈયાર રાખવામાં આવે. એ જમાનામાં 'બમ્બા'માં ગરમપાણી કરીને મહેમાનોને ન્હાવાની સગવડ કરવામાં આવતી. ચા-પાણી, નાસ્તો થઇ જાય પછી બધા હળે મળે અને રાત્રે ફૂલેકુ નીકળવાની તૈયારીઓ ચાલે.
શુધ્ધ જળથી છાંટેલા પાણીની ભૂમિ પર કે જ્યાં સહુ જમવાના હોય ત્યાં ટેબલ ખુરસી ગોઠવીને પીરસવાનું શરૂ થઇ જાય. દરમિયાન સગાસ્નેહીઓએ ચાંલ્લાની વહેવારિક વિધિ પૂરી કરીને વરઘોડો કાઢવાની તૈયારીમા વરરાજા એમના ખાસ પોષાક સાથે શોભતા દોસ્તની ગાડીમાં સવાર થઇને ગોઠવાઈ ગયા હોય દરમિયાન વિદાયવેળા કન્યા માતાના ખભે માથુ રાખીને રડતી હોય. આ બધા મંગલ દ્રષ્યો અમદાવાદમાં જોવા ન મળે એટલા માટે કે પરણ્યા પહેલા કન્યા કેટલીયવાર એના ભાવિ પતિને મળી હોય, સાથે સીનેમા જોયા હોય.
હૉટેલમાં નાસ્તા કર્યા હોય એ કન્યાને 'પરણવાની ક્રિયા' કાંઈ ખાસ લાગે નહિ. હવે તો જુદા જુદા સ્થળે પસંદગીનાં મેળા યોજાય છે. આ જુવાન પાત્રોને યોગ્ય એવી પોતાની જ્ઞાાતિમાં મુરતિયો કે કન્યા મળી રહે એ માટે પસંદગીના મેળામાં સહુ અરસપરસ જોઈ લે. પુસ્તિકામાંનો પરિચય વાંચે અને નિરાંતે જમ્યા બાદ કોઇને કોઈ પરિચય સાધવા જેવો લાગે તો વડીલો એકબીજાના આ સ્થળે જ જન્માક્ષર લાવ્યા હોય છે. ત્યાં જનમકુંડળી પરસ્પર મેળવીને 'પછી જણાવીશું' કહીને છૂટ્ટા પડે છે.
લગ્ન એ લૉટરીની ટિકિટ જેવું છે જે પાત્ર સંસ્કારી હોય, છોકરી કે છોકરો દેખાવે આપણને ગમી જાય તેવો હોય, ઘર સંસ્કારી હોય, કન્યા ગ્રેજ્યુએટ થઇ ગઇ હોય એમ સામેનું પાત્ર એન્જિનીયર કે ડૉક્ટરની પ્રેક્ટીસ કરતો હોય આવી બધી 'હોય, હોય, અને હોય'ની આશા નિરાશાઓમાં એકબીજાનું સંપૂર્ણ યોગ્ય લાગતા 'કરો કંકુના' થઇ જાય છે...