ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા
શિયાળાનો હજી આરંભ જ થયો છે... પણ સવારે-સવારે તડકો વહાલો લાગે છે. કાઠિયાવાડના ગામડાઓમાં તો મોટે ભાગે ગ્રામવાસીઓ ફળિયામાં ખાટલો ઢાળીને ગોદડુ પાથરી હાથના ટેકા સાથે પોઢી જઈ તડકામાં જ આડા પડી બેત્રણ કલાક કાઢી નાખે છે... અમદાવાદની સીવીલ હૉસ્પિટલમાં બીજી અન્ય હૉસ્પિટલોના આંગણામાં બહારગામથી આવેલા દર્દીઓના સગાવ્હાલા દર્દી અને ડૉક્ટરને સાંજે મળવાનું થતા એની ઇંતેજારીમાં ગામડેથી આવેલા આ વડીલો પાથરણુ પાથરીને-પાઘડીનું ઓશિકુ કરી રોટલા પાણી પતાવ્યા બાદ લાંબા થઈ સૂઇ જાય છે. ''તડકો ખાવાની'' આવી રાહત છે. શિયાળો ખાસ કોઇ પણ પ્રદેશમાં નારી શ્વાનો માટે પ્રસૂતિનો સમય ગણાય છે. ખાસ કરીને અત્યારની મોસમ એની જ છે.
અમે છ વર્ષના હતા ત્યારે જન્મભૂમિ હળવદમાં ક્યાંય પણ કૂતરી વીંયાય તો અમારા ટાબરિયાઓની ટૂકડી હાથમાં તૂટેલા માટલા તથા તપેલીઓ પકડીને ત્યાં પહોંચી જઇને શેરીમાં રહેતી બહેનોની ખડકી આગળ છેક ઘરના ઊંબરે પહોંચીને બધા એકી સાથે લલકાર કરતા.... ''માઈ, માઇ, કૂતી વિયાંણી, ધાન દો કે રોટી દો...'' આમ સાંભળતા જ ગૃહમાતાઓ હોંશભેર લોટો ભરીને દૂધ, રોટલીના ઝીણા ટૂકડા અને ખાસ કરીને શીરો બનાવીને તપેલુ ભરી દેતા. એ બહેનો જાણે છે કે વિયાંયેલી કૂતરીના ગલુડિયા અત્યારે તો શીરા સિવાય દૂધ પણ ચપોચપ પીવા માંડશે.
આમ રોજ અમારા અલગ-અલગ વિસ્તારોમાં ''માઇ-માઇ કુતી વિયાણી. ધાન દો કે રોટી દો'' એ રોજે રોજ સફળ રહ્યું. અહીં પણ રેતીના પડેલા ઢગલાને ખાડો ખોદી આ તસવીરમાં દેખાતી કૂતરીએ નવ ગલુડિયાને જન્મ આપવા રેતીમાં ઊંડો ખાડો કર્યા પછી બચ્ચાઓને જન્મ આપ્યો. હળવદ જેવી તો અહિં શું આશા રાખી શકાય ! સવારના આઠ વાગ્યા છે. ઊંઘમાંથી ઊઠીને આઘાપાછા થઈ રહેલા આ બચ્ચાઓની ખબર કાઢવાની કોઇને પડી નથી. કૂતરી એના બચ્ચાઓને ધવરાવે અને એના રક્ષણનું ધ્યાન રાખે.
માણસ અને પ્રાણી બધાના જીવ સરખા છે. હા, એક વીયાંયેલી કુતરીએ તેર ગલુડિયા જણ્યા હતા. બધા બચ્ચા રમાડવા જેવા થોડાક જ મોટા થઇ પછી આસપાસના ભલા અને દયાળુ લોકો એમને ઉછેરવા લઇ ગયા હતા. શ્વાનના બચ્ચા ગલુડિયા હોય ત્યાં સુધી હાથમાં લઇ પંપાળી વ્હાલ કરવુ ગમે છે.. પણ પછી મોટા થયા બાદ કૂતરીના આ ગલુડિયા એના ગયા જન્મના સંસ્કાર પ્રમાણે વર્તે છે આટલી ટાઢમાં પણ ગલુડિયાના શરીર ચોખ્ખા હોય છે... એની મા રક્ષણ કરવા કેવી ચોકી કરી છે ???