ફોટો સ્ટોરી - ઝવેરીલાલ મહેતા
નડિયાદની ઓળખ ''જય મહારાજ''ના ગામ તરીકેની છે. આજથી ૧૮૦ વર્ષ પહેલા દત્તાત્રેય સ્વરૂપ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે અહિં વસવાટ કરીને દિવ્યજ્યોતિનો પ્રકાશ પાથર્યો હતો. આ સંતરામ મહારાજે ''સુખસાગર''ના ઉપનામથી જ્ઞાાનભક્તિનાં ઉત્તમ પદો રચ્યાં છે. તેમની સંતપરંપરાના બીજા અનેક કવિઓએ પણ પદો આપ્યા છે... નડિયાદની ભૂમિે વીર વિઠ્ઠલભાઈ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને જન્મ આપ્યો છે.
આ અર્થમાં નડિયાદ સર્જકો અને સપૂતો આપનારી ફળદ્રુપ ભૂમિ તરીકે ખ્યાતનામ છે. વર્ષોથી સાક્ષરભૂમિ તરીકે નડિયાદે સાહિત્યમાં સર્જન યાત્રા કરી છે. નડિયાદનું જૂનું નામ ''નટપુર'' કે નટપદ્ર હતું. આ નગર નટલોકોએ વસાવ્યું હતું. ઇન્દુલાલ યાજ્ઞિાકે પોતાની આત્મકથામાં લખ્યું છે કે ''છેલ્લી સદીમાં દેસાઈઓ અને નાગરોએ મળીને રાજકારણના ચમત્કારિક નટવિદ્યાના અજબ ખેલ મહાગુજરાતની રંગભૂમિ પર ખેલ્યા હતા એની કોણ ના પાડશે ?'' નડિયાદની રૂપા પારેખની પોળનાં દેરાસરની મૂર્તિ નીચે ''નટીપદ્ર'' નામ છે. જે બતાવે છે કે ઇ.સ. ૭૪૬ થી ૧૨૯૭ના અરસામાં નડિયાદનું અસ્તિત્ત્વ ''નટીપદ્ર'' નામે હશે. ઇ.સ. ૮૫૮ની આસપાસ આ શહેર ડાકોર રોડ ઉપર આવેલા ભૈરવના મંદિર પાસે વસેલું હોવાના અવશેષો મળ્યા છે.
''નરસંડા'' દર્શનના લેખકે નડિયાદનું નામ ''નગીનાબાદ'' જણાવ્યું છે. દુનિયામાં ક્યાંય કોઈ પણ ગુજરાતીના કાને સાક્ષરભૂમિ કાને પડશે તો ચોક્કસ નડિયાદનો ઉલ્લેખ જ સમજશે. રજવાડાઓના યુગમાં અહિંના ચાર મિત્રો મણિલાલ જશભાઈ, હરિદાસ ભાઉસાહેબ અને રણછોડરાય ઉદયરામ ત્રિપાઠી મંડળીએ પોતાની આવડત, અભ્યાસ અને મુત્સદ્દીગીરીના જોરે મુંબઇથી કચ્છ સુધીના અનેક રજવાડાઓમાં સત્તા ભોગવી હતી.
''મોગલે આઝમ'' ફિલ્મની લોકપ્રિય પંક્તિ ''મોહે પનઘટ પે નંદલાલ'' નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખી હતી. તો રાજકપુરના યશસ્વી સર્જક ''બૉબી''માં ''જૂઠ બોલે કૌઆ કાટે'' એ ગીતના કવિ વિઠ્ઠલભાઈ પટેલનું વતન પણ નડિયાદ છે. ટૂંકમાં બકુલ ત્રિપાઠી, ઇન્દુલાલ યાજ્ઞિાક, જશવંત ઠાકર, કૃષ્ણશંકર શાસ્ત્રી જેવા અનેક સર્જકોની ભેટ આ ભૂમિએ આપી છે.