સહેજ સમજણમાં તમારી ભૂલ છે કંટકો આપીને બોલ્યા : ફૂલ છે

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- 'બંગાળમાં મમતાએ શું કર્યું અને અમેરિકામાં પેલો ગાંડિયો ટ્રમ્પ શું કરે છે, એમાં આપણે કેટલા ટકા ? ટ્રમ્પ કે બંગાળી શુભેન્દુ આપણે ત્યાં ચા-ખાંડ કે દૂધ આપવા નથી આવવાના!'
અ મદાવાદના પાલડી વિસ્તારની એ સોસાયટી ખૂબ જૂની હતી. બધાં ટેનામેન્ટસના ઓટલાઓ ઉપર તડકા-છાંયાના છૂંદો અને અથાણું બનાવવાના તપેલા સફેદ કપડાં ઢાંકીને મૂકાયેલાં હતાં.
બાર નંબરમાં રહેતા અરૂણાબહેન અને અરવિંદભાઈને ત્યાં પડોશણ મેળવણ લેવા આવી. રસોડામાં ચોળી સમારતી સ્તુતિને જોઇને એમણે આશ્ચર્યથી પૂછ્યું : 'અલી સ્તુતિ વડોદરાથી ક્યારે આવી?'
સ્તુતિને બદલે એની સાસુ અરૂણાબહેને જ જવાબ આપ્યો. 'હજુ અડધો કલાક પહેલાં જ આવી અને મેં ના પાડી તો ય શાક સમારવા બેસી ગઈ...'
'ઘરનું કામ તો કરવું જ પડે ને ?' સ્તુતિએ હસીને પડોશણ સામે જોયું. 'માસી, મારા મિસ્ટર નિશિથને ઑફિસના કામે બેંગ્લોર જવાનું હતું. ત્યાં એ પાંચ દિવસ રોકાવાના છે, એટલે હું એમની સાથે જ આવી ગઈ. પાલડી ઊતરીને એ સીધા એરપોર્ટ ગયા અને હું અહીં આવી ગઈ. બેંગ્લોરથી એ અહીં પાછા આવીને એકાદ દિવસ રોકાશે, એ પછી અમે બંને પાછા વડોદરા જતા રહીશું. વડોદરામાં પાંચ દિવસ એકલા રહેવાને બદલે અહીં બા-બાપાની જોડે રહેવાનું વધારે સારું ને?'
'અરૂણાબેન અને અરવિંદભાઈ નસીબદાર છે કે એમને તારા જેવી વહુ મળી. દીકરો નિશિથ પણ શ્રવણ જેવો છે...' આટલું કહીને પડોશણે બળાપો કાઢ્યો. 'અમારે તો નસીબ વાંકુ છે. દીકરો રાવણ જેવો પાક્યો છે અને વહુ પણ શૂર્પણખા જેવી છે !'
પડોશણ મેળવણ લઇને ગઇ એ પછી સાસુ-વહુએ રસોઇ બનાવી. બપોરે રસ-રોટલી જમ્યા પછી અરવિંદભાઈ એમના ઓરડામાં એ.સી. ચાલુ કરીને ઊંઘી ગયા એન સાસુ-વહુ ડ્રોઇંગરૂમમાં બેસીને વાતોમાં પરોવાયાં.
આડી અવળી સામાજિક વાતો પછી અરૂણાબહેને પુત્રવધૂ પાસે બળાપો ઠાલવ્યો. 'બેટા, હમણાંથી તારા સસરાની ઉપાધિ છે. એમની નોકરી ચાલુ હતી ત્યારે ક્યારેય કોઈ તકલીફ નહોતી, પણ છેલ્લા છ મહિનાથી રિટાયર થયાપછી કોઈ કામ-ધંધો નથી એટલે ઓટલે બેસીને આખા ગામની પંચાત કરે છે. સાવ નવરાધૂપ બનીને ટોળટપ્પાં મારવા સિવાય કોઈ પ્રવૃત્તિ નથી. આ છ મહિનામાં છસ્સો વાર એમને સમજાવ્યું કે આપણે પૈસા નથી જોઇતા પણ તમારો સમય પસાર થાય તેવી કોઈ સેવાભાવી સંસ્થા શોધી કાઢો અને ત્યાં સેવા કરો, પણ મારી વાત સાંભળે એ બીજા. મારી એકેય વાત એ કાને ધરતા જ નથી !'
સ્તુતિ શાંતિથી સાંભળતી હતી. સાસુ ઉભરો ઠાલવી રહ્યાં હતાં.
'સવારથી ઓટલે અડિંગો જમાવીને બેસી જાય છે. ત્રણ-ત્રણ છાપાં બંધાવ્યાં છે. લોકો લાઈબ્રેરી સમજીને સવારથી જ આવી જાય છે. બંગાળમાં મમતાએ શું કર્યું અને અમેરિકામાં પેલો ગાંડિયો ટ્રમ્પ શું કરે છે, એમાં આપણે કેટલા ટકા ? ટ્રમ્પ કે બંગાળી શુભેન્દુ આપણે ત્યાં ચા-ખાંડ કે દૂધ આપવા નથી આવવાના પણ એમને કુટેવ પડી ગઈ છે. રોજ આવતા-જતા માણસોને પકડીને કારણ વગર આખી દુનિયાની ચર્ચા કરવાની. તામિલનાડુથી માંડીને ઇરાનની ખાડી વિશે એ બોલ્યા કરે અને એ પછી એમની વાતમાં હાજી-હા કરનારા ચાર-પાંચ માણસ મળી જાય એટલે તરત ડોકી ઘૂમાવીને રસોડા તરફ જોઇને ચાનો ઓર્ડર આપી દે ! મફતિયા ચા પીનારા પેલા નવરાઓ પણ હળી ગયા છે. મફતની ચા કોને ના ગમે ? સવાર - સાંજ ટોળાં ભેગાં થઇ જાય ને મારે એ બધા મફતિયાઓ માટે ચા બનાવવાની ને એમનાં ઠોચરાં ઉટકવાનાં !'
અરૂણાબહેનના અવાજમાં લગીર ઉગ્રતા ભળી. 'આના કરતાં તો એ નોકરી કરતા હતા ત્યારે શાંતિ હતી. આવા કોઈ ઉધામા ત્યારે નહોતા. તારા સસરાનો સ્વભાવ આમ લાખ રૂપિયાનો, પણ રિટાયર થયા પછી હવે એમને આ નવો નશો ચડયો છે. ઓટલે બેસીને છાપાં વાંચીને સોસાયટીના નવરાઓને એમના જ્ઞાાનનો લાભ આપ્યા કરે છે અને ચમચાઓને ચા પીવડાવ્યા કરે છે. મને તો મોદીને કાગળ લખવાનું મન થાય છે કે સરકારે આવા માણસને તો રિટાયર જ ના કરવા જોઇએ !'
સમજદાર સ્તુતિ શાંતિથી સાસુની વાત સાંભળતી હતી. છેલ્લું વાક્ય સાંભળીને એ હસી પડી. 'મમ્મી, આ કોઈ મોટો પ્રોબ્લેમ નથી.'
સહેજ વિચારીને એણે સરળ ઉપાય બતાવ્યો. 'નિશિથ બેંગલોરથી અહીં જ આવવાનો છે. એ આવે એ પછી તમે બંને અમારી સાથે વડોદરા આવી જાવ. અમારો ફ્લેટ તો તમે જોયેલો જ છે ને ?' એણે હસીને સાસુ સામે જોયું. 'ત્યાં સાતમે માળ કોઈ ઓટલો નથી. એકાદ મહિનો અમારે ત્યાં રહેશો એટલે ઓટોમેટિક એમની ટેવ બદલાઈ જશે. તમે ત્યાં આવશો એટલે એમની ઇચ્છા હોય એટલા છાપાં અને મેગેઝિન બંધાવી દઇશું. વાંચી-વાંચીને કંટાળે ત્યારે ટી.વી જોશે. એમાંય દુનિયાભરની ન્યૂઝચેનલોમાં એમને મજા આવશે...'
સ્તુતિ લાગણીશીલ અને વ્યવહારૂ હતી. આટલું કહ્યા પછી એણે આગળ સમજાવ્યું. 'તમે રહેવા આવશો તો અમને પણ મજા આવશે. નિશિથની ઑફિસ દૂર છે અને કામ વધારે રહે છે એટલે એણે તો સવારે નવ વાગ્યે જ ટિફિન લઇને ભાગવું પડે છે. મારી ઑફિસ થોડી નજીક છે એટલે હું સાડા દસ વાગ્યે તાળું વાસીને નીકળું છું. સાચું કહું છું, મમ્મી ! બે-ત્રણ મહિના તમે અમારી સાથે રહેશો તો મને ને નિશિથને મજા આવશે. બધા કામ બંધાવેલાં છે. એક સળીના બે કકડાય નથી કરવાના એટલે તમને પૂરો આરામ મળશે. આ ઉપરાંત, સૌથી મોટો ફાયદો તો એ થશે કે પપ્પાજી એમના ડાયરાઓને ભૂલી જશે. ફ્લેટની બાજુમાં જ મહહાદેવજીનું નવું મંદિર બન્યું છે. સવાર સાંજ દર્શન કરવા જજો.'
સાસુનો હાથ પોતાના હાથમાં જકડીને સ્તુતિએ પ્રેમથી આગ્રહ કર્યો, 'આ પાંચ દિવસમાં શાંતિથી વિચારીને ત્યાં આવવા માટે પપ્પાજીને તૈયાર કરો. નિશિથ તો બેંગલોરથી અહીં જ આવવાનો છે એટલે આપણે બધા સાથે જ વડોદરા પહોંચી જઇશું. તમે બસ પપ્પાજીને તૈયાર કરો.'
અરૂણાબહેનને સ્તુતિની સમજશક્તિ માટે માન થયું. થોડા દિવસ દીકરા-વહુની સાથે રહીએ એમ કહીને એમણે પતિદેવને પટાવી દીધા. નિશિથ બેંગ્લોરથી આવ્યો એના બીજા દિવસે ઘરને તાળું મારીને બધાં વડોદરા ગયાં.
સાતમે માળ નિશિથનો ફ્લેટ આલિશાન હતો. ડ્રોઇંગરૂમમાં વિશાળ એલઇડી ટીવી હતું. નિશિથે સવારે વહેલા ઉઠીને છાપાના ફેરિયાને તમામ અખબાર નાખવાની સૂચના આપી દીધી.
નિશિથ આખો દિવસ ઑફિસે જતો. સાસુ-વહુ રસોડામાં અવનવી વાનગીઓની પળોજણમાં પરોવાયેલાં રહેતાં. અરવિંદભાઈ વહેલા ઉઠીને મંદિરે જતા. ત્યાંથી આવીને એ અખબારોમાં ખોવાઈ જતા. લીટીએ લીટી વંચાઈ જાય પછી એ ટીવી સામે બેસીને બધી ન્યૂઝ ચેનલો મચડયા કરતા.
છઠ્ઠા દિવસે રાત્રે દસ વાગ્યે નિશિથ એના રૂમમાં કોમ્પ્યુટર ઉપર ઓફિસનું કામ કરી રહ્યો હતો. સ્તુતિ એના માટે રસોડામાં કૉફી બનાવી રહી હતી. કૉફીનો કપ લઇને સ્તુતિ રૂમમાં ગઇ કે અરૂણાબહેન પણ તરત ઉભા થઇને એની પાછળ ગયાં.
'નિશુબેટા, અમારી આવતીકાલની ટિકિટ કરાવી આપજે.' અરૂણાબહેને આવું કહ્યું એટલે નિશિથ અને સ્તુતિ ચમક્યાં. 'મમ્મી, આપણે તો મહિનો-બે મહિના રહેવાની વાત થઇ હતી ને ? હજુ તો માંડ છ દિવસ જ થયા છે...' સ્તુતિએ સાસુની સામે જોઇને પૂછ્યું. 'અહીં કોઈ પ્રોબ્લેમ છે, મમ્મી ?'
'આ તમારું જ ઘર છે, મમ્મી !' નિશિથના ચિંતાતુર અવાજમાં સાચી લાગણીનો રણકાર હતો. 'આવ્યાં છો તો દોઢ-બે મહિના આરામથી રહો. તમને પાવાગઢ લઇ જવા માટે મેં તો સોમ-મંગળની રજાનું પણ પ્લાનિંગ કરી રાખ્યું છે.'
નિશિથ અને સ્તુતિ ગૂંચવાડા ભરેલી નજરે અરૂણાબહેન સામે જોઈ રહ્યાં હતાં. 'મમ્મી, જે હોય એ સાચું કહેજો...' સ્તુતિએ રડમસ અવાજે પૂછ્યું. 'અમારી કોઈ ભૂલ થઈ છે, મમ્મી ?'
'ભૂલ તો મારાથી થઇ ગઈ છે, બેટા !...' અરૂણાબહેન ભીના અવાજે કહ્યું. 'તારો ને નિશિથનો પ્રેમ તો અનરાધાર છે, પણ મેં મૂર્ખામી કરી છે. તારા પપ્પાને અહીં લાવવામાં લોચો મારી દીધો છે...' અરૂણાબહેનની ધીમા-ભીના અવાજમાં પારાવાર પસ્તાવાની લાગણી છલકાતી હતી. 'આખી જિંદગી એમણે દોડધામ અને વૈતરું જ કર્યું છે. પચાસ વર્ષના થયા ત્યાં સુધી તો એ સાઇકલ લઇને જ તૂટતા હતા. એકાવનમા વર્ષે સ્કૂટર લીધેલું. ઓફિસમાં તક અને આવડત હોવા છતાં ક્યારેય ખોટી કમાણી નથી કરી. બે ટાઈમ રોટલા અને ચા સિવાય કોઈ મોજશોખ કે વ્યસનમાં એક પૈસો પણ ક્યારેય ખર્ચ્યો નથી...' ડૂમો ભરાયો હોય એમ એ થોડીવાર અટક્યાં. ગળું ખોંખારી ને એમણે નિરાશાથી માથું ધૂણાવ્યું.
'આખી જિંદગી જાત તોડીને આપણા માટે મજૂરી કરી એ માણસે રિટાયર થઇને પોતાનો શોખ પૂરો કરવાનું શરૂ કર્યું, એમાંય હું આડી આવી. એમને બિચારાનો જલસોય કેવો સાવ નિર્મળ ! સોસાયટીના બધા માણસો અગાઉ તો સાહેબ સાહેબ કહીને એમને બોલાવતા હતા, ત્યારે એ આપણા માટે દોડાદોડી કરવામાં પરોવાયેલા હતા, એટલે એ લોકો સાથે વાત કરવાની એમને નવરાશ નહોતી. નિવૃત્તિ પછી એમને એવી ફૂરસદ મળી, ત્યારે એ મને આંખમાં ખૂંચ્યું. મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઈ, દીકરા !...'
લગીર અટકીને એમણે નિશિથ અને સ્તુતિ સામે જોયું. 'આપણે આગ્રહ કર્યો એટલે એ બાપડા હા ના કર્યા વગર અહીં આવી ગયા,
પણ મનમાં ને મનમાં એ હિજરાય છે. કોઈ ફરિયાદ કરવાનું તો એમના સ્વભાવમાં જ નથી એટલે કશું બોલતા નથી, પણ હું એમનો લાચાર ચહેરો વાંચી શકું છું. એ શોષય છે, પીડાથી વલોવાય છે, તોય મૂંગા મોઢે સહન કરીને આપણને કંઇ કહેતા નથી... આકાશમાં ઊડીને કલબલાટ કરતા પંખીને પાંજરામાં પૂરી દીધું હોય એવી ઓશિયાળી દશામાં એમને જોઇને મારો જીવ કળીએ કળીએ કપાય છે.
એમણે નિશિથ સામે જોયું અને અવાજમાં દ્રઢ નિર્ધાર ઉમેરાયો. 'ખાધે કોઇનું ખૂટતું નથી, દીકરા ! બે કામ કરવાના છે તારે. કાલની ટિકિટ કરાવી દે અને ચાની કીટલીવાળા રાખે છે એવા પ્લાસ્ટિકના એકાદ હજાર કપ લાવી દે એટલે મારે ઉટકવાની ઝંઝટ નહીં...''
પારાવાર પસ્તાવા સાથે હૈયું ખોલીને એ બોલતાં હતાં. નિશિથ એન સ્તુતિ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યાં હતાં.
(શીર્ષક પંક્તિ : લેખક)









