ભાર માથે રાખવાનું ક્યાં ગમે છે એમને વલ્લેવલ્લેની પડી છે ટેવ એથી એમને

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- ''આમાં હસવાની વાત નથી. એક ખાસ કારણ છે એ હું પછી સમજાવીશ.'' વિનુભાઈએ આટલું કહીને રહસ્ય ઊભું કર્યું પણ કંઈ ખુલાસો ના આપ્યો
ર વિવારે સવારે નવ વાગ્યે સોસાયટીના ગેટ પાસે શાકની લારી ઊભી હતી. છપ્પન ટેનામેન્ટની સોસાયટીમાંથી ચારેક સ્ત્રીઓ શાકવાળા જોડે રોજની જેમ ભાવતાલ કરી રહી હતી. વાતોડિયા વનેચંદભાઈ પરવળ અને કારેલા લીધા પછી બધાની સાથે વાતો કરી રહ્યા હતા.
એ જ વખતે પચાસેક વર્ષના એક ભાઈ સ્કૂટર લઈને આવ્યા. ગેટ પાસે સ્કૂટર ઊભું રાખીને એ ચારે તરફ નજર ફેરવી રહ્યા હતા. પછી સ્કૂટર પરથી ઊતરીને એ વનેચંદની પાસે આવ્યા.
''વડીલ, તમારી સોસાયટીમાં વિનુભાઈના બંગલા નંબર ? એના માટે કઈ તરફ જવાનું ?''
સવાલ સાંભળીને વનેચંદે સામો સવાલ કર્યો. ''ક્યા વિનુભાઈ ? અહીં બે વિનુભાઈ રહે છે. એક વિનુભાઈ પંચાલ અને બીજા વિનુભાઈ વલ્લેવલ્લે. તમારે કોનું કામ છે ?''
પેલો ખડખડાટ હસી પડયો. ''તમે બધા પણ એમને વલ્લે વલ્લે જ કહો છો ? અમે સ્ટાફમાં તો બધા એમને એજ નામે બોલાવીએ છીએ...''
એ ભાઈ પણ વનેચંદ જેવો જ હતો એટલે લગીર અટકીને એણે ઉમેર્યું. ''કોઈનોય ઉપકાર માથે નહીં રાખવાનો એવો એમનો સ્વભાવ છે. ઓફિસમાં કોઈનો બર્થ ડે હોય તો એ માણસ વીસ રૂપિયાવાળી જો ચોકલેટ બધાને ખવડાવે, તો વિનુભાઈ થોડીવારમાં જ બાજુની સ્ટેશનરી દુકાનમાં જઈને વીસ રૂપિયાવાળી બોલપેન લાવીને પેલાને આપી દે. જો પચાસ રૂપિયાવાળો આઈસક્રીમ કોઈ ખવડાવે તો એટલી જ રકમની મોંઘી બોલપેન કે એવી કોઈ આઈટમ પેલાના હાથમાં પકડાવે ત્યારે જ એમને શાંતિ થાય ! પાછા હસીને ખુલાસો પણ કરે કે વલ્લે વલ્લે થઈ ગયું...''
આટલી જાણકારી આપીને એ મૂળ સવાલ પર આવ્યો. ''એ વલ્લે વલ્લે ને ત્યાં જ જવાનું છે. દીકરીના મેરેજ છે. સ્ટાફમાં બધાને ઓફિસમાં જ કંકોત્રી આપી દીધી, પણ આ વલ્લે વલ્લે ને રિટાયરમેન્ટમાં એક વર્ષ જ બાકી છે, એટલે રજાઓ વાપર્યા કરે છે. પંદર દિવસથી રજા ઉપર છે, એટલે એમને રૂબરૂ મળીને કંકોત્રી આપવાની છે...'' એણે હસીને ઉમેર્યું. ''આમ ખૂબ કંજૂસ અને ગણતરીબાજ છે પણ લગ્નમાં આવશે ત્યારે મેનુ જોઈને મનોમન કિંમતનો અંદાજ કાઢશે અને એ પછી એટલી જ રકમ કવરમાં મૂકીને ચાંદલો કરશે !''
એની વાત સાંભળીને વનેચંદ પણ હસી પડયો. એણે આંગળી ચીંધીને બતાવ્યું. ''ત્યાં ડાબી બાજુ પાંચમું ટેનામેન્ટ. ઘરની બહાર જૂનું સાચવી રાખેલું લેમ્બ્રેટા સ્કૂટર પડયું હશે.''
''થેંક્યુ વેરી મચ...'' કહીને આગંતુકે વિદાય લીધી. શાકની લારી પાસે એક બહેનનો આઠમા ધોરણમાં - અંગ્રેજી માધ્યમમાં ભણતો પુત્ર પણ ઊભો હતો એણે અમુક શબ્દો સાંભળેલા એટલે જિજ્ઞાસાથી એ વનેચંદ પાસે આવ્યો. ''અંકલ, પંજાબી ગીતોમાં બલ્લે બલ્લે હોય છે, પણ આ વલ્લે વલ્લે આપણો ગુજરાતી શબ્દ છે ? એનો મતલબ શું ?''
વનેચંદે એના માથા ઉપર હાથ મૂકીને સમજાવ્યું. ''તું ક્રિકેટ રમે છે ને ? ધારો કે પિન્ટુએ તને આઉટ કર્યો એ પછી તારી બોલિંગમાં તું પિન્ટુને બોલ્ડ કરે તો હિસાબ ચૂકતે. તેં વલ્લે વલ્લે કર્યું કહેવાય બદલો લેવાનો કે હિસાબ ચૂકતે કરવાનો હોય કે ખાતું સરભર કરવાનું હોય એને વલ્લે વલ્લે કર્યું કહેવાય, સમજણ પડી ?''
પેલા બાળકે હસીને હંકારમાં માથું હલાવ્યું.
સોસાયટીના કોમન પ્લોટમાં નાનકડા બગીચા જેવું હતું. સ્થાનિક કોર્પોરેટરે ત્યાં ત્રણ બાંકડા મૂકાવ્યા હતા. સાંજે સાતથી સાડા આઠ સુધી સોસાયટીના આઠેક વડીલોની ત્યાં મહેફિલ જામતી. વિનુભાઈ વલ્લે વલ્લે એમાં ભાગ્યે જ આવતા. એમણે કહી રાખ્યું હતું કે આવતા વર્ષે રિટાયર થઈશ, એ પછી રોજ આવીશ.
આજની મહેફિલમાં તો વનેચંદ રાજાપાઠમાં હતો. પેલા આગંતુકે વિનુભાઈની ઓફિસની જે વાત કહી હતી એ મલાવી મલાવીને બધાને કહી અને બધાને ખૂબ હસાવ્યા.
''એ વલ્લે વલ્લે તો બધી વાતમાં - ગમે તેવી ગંભીર વાતમાં પણ વલ્લે વલ્લે થયું એમ કહી દે છે, એ તો બધાને યાદ છે ને ?'' રતિલાલે યાદ કરાવ્યું.
વિનુભાઈને ત્રણ સંતાન હતા. સૌથી મોટો દીકરો રૂપેશ. એ અભ્યાસમાં અત્યંત તેજસ્વી. એનાથી ચાર વર્ષ નાની કવિતાને નાનપણમાં પોલિયો થયેલો. પગ ઢસડીને એ ચાલતી હતી. એનાથી ચાર વર્ષ નાની અમિષા. કોરોના સમયે કવિતાને કોરોના થયેલો અને એમાં એ મૃત્યુ પામેલી. આમ પણ એ અપંગ દીકરીની વિનુભાઈને સતત ચિંતા રહેતી હતી.
એના અવસાનને છ માસ વીતી ગયા પછી વિનુભાઈ એક સાંજે આ મહેફિલમાં આવ્યા હતા. વાતમાંથી વાત નીકળી ત્યારે વિનુભાઈએ કહેલું. ''વચ્ચે થોડા વર્ષો મારી ટ્રાન્સફર ફેમિલી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં થયેલી. ત્યારે ગાઈ-વગાડીને અમે આખા ગુજરાતની પ્રજાને 'બે બાળકો બસ'નો મેસેજ આપતા હતા. એ સાંભળીને ભગવાને જ મારું વલ્લે વલ્લે કરી નાખ્યું ! ત્રણ સંતાન હતા, એમાંથી બે કરી નાખ્યા !''
અત્યારે મહેફિલમાં વિનુભાઈની આવી વાતો ચાલતી હતી. ''ગમે તે કહો, પણ એનું નસીબ જોરદાર છે. વિનુ તો આવતા વર્ષે નવરો થઈ જશે, પણ એનો દીકરો રૂપેશ સો ટકા ગેઝેટેડ ઓફિસર બની જશે. જી.પી.એસ.સી.ની લેખિતમાં તો પાસ થઈ ગયો છે અને એનો ઈન્ટરવ્યૂ પણ સરસ ગયો છે. વીસેક દિવસ પછી રિઝલ્ટ પણ આવી જશે. એ પાણીદાર છોકરો સો ટકા મેદાન મારશે.''
દીનુભાઈએ આવું કહ્યું કે તરત વનેચંદે ઉમેર્યું. ''વિનુભાઈએ તો એના લગ્નનું પણ નક્કી કરી નાખ્યું છે. મણીનગર રહેતા કોઈ માસ્તરની દીકરી ખૂબ રૂપાળી છે અને પરિવારે એને પસંદ કરી લીધી છે. રૂપેશ ખરેખર સંસ્કારી છે. મા-બાપે બતાવેલી કન્યા માટે તરત હા પાડી દીધી.''
''સોસાયટીમાં ઘણા સમયથી કોઈ પ્રસંગ આવ્યો નથી. વિનુભાઈ બે-બે પાર્ટી આપશે.'' ''એ કંજૂસ કાકડીથી પૈસા કઈ રીતે છૂટશે ?'' બધા હસી પડયાં.
અહીં કોમન પ્લોટમાં આ ચર્ચા ચાલતી હતી ત્યારે વિનુભાઈના ઘરમાં પણ જે ચર્ચા ચાલતી હતી, એમાં રૂપેશ જ કેન્દ્ર સ્થાને હતો.
''તારું રિઝલ્ટ લગભગ ક્યારે આવશે ?'' વિનુભાઈએ પૂછ્યું. ''આજે સત્તરમી થઈને ? પહેલી કે બીજી તારીખે રિઝલ્ટ ડિકલેર થઈ જશે...'' રૂપેશે હસીને પિતા સામે જોયું. ''તમે જરાયે ચિંતા ના કરો. ઈન્ટરવ્યૂ એવો આલાગ્રાન્ડ ગયો છે કે મારું નામ પહેલા પચીસમાં હશે, એટલે પોસ્ટિંગ પણ સારું મળશે.''
''મારી વાત સાંભળ...'' વિનુભાઈએ સમજાવ્યું. ''રિઝલ્ટ આવે કે સૌથી પહેલો તારા સાસરે જજે. પેંડાનું બોક્સ માસ્તરના હાથમાં આપીને વટથી કહેજે કે સસુરજી, તમારો જમાઈ ગેઝેટેડ ઓફિસર છે, જ્ઞાતિમાં તમારો મોભો વધી જશે.''
રૂપેશ અને અમિષા ખડખડાટ હસી પડયા. ''આમાં હસવાની વાત નથી. એક ખાસ કારણ છે એ હું પછી સમજાવીશ.'' વિનુભાઈએ આટલું કહીને રહસ્ય ઊભું કર્યું પણ કંઈ ખુલાસો ના આપ્યો.
બીજી તારીખે રિઝલ્ટ આવી ગયું. રૂપેશની ધારણા સાચી પડી. રેન્કિંગમાં એનો બારમો નંબર હોવાથી સરસ પોસ્ટિંગ મળવાનું નક્કી હતું. પિતાના આદેશ મુજબ રૂપેશ મણીનગર ગયો અને સાસુ-સસરાને આ ખુશખબર આપીને પોતાની ભાવિ પત્નીને લઈને ફિલ્મ જોવા ગયો. લગ્નની તારીખ નક્કી થઈ ચૂકી હતી. બરાબર ચાલીસ દિવસ પછી ધામધૂમથી લગ્ન
થવાના હતા.
વિનુભાઈએ ફરીવાર એક અઠવાડિયાની રજા મૂકીને જુદાજુદા પાર્ટી પ્લોટના ભાવ અને અલગ અલગ કેટરિંગવાળાને મળીને મેનુ અને ભાવ જાણીને નોટબૂકમાં નોંધી લીધા હતા. હવે રૂપેશ સાથે બેસીને એ બધું ફાઈનલ કરી બૂકિંગ કરાવવાનું હતું.
એક સાંજે વિનુભાઈએ રૂપેશને પોતાની પાસે બેસાડીને નોટબૂક ખોલી. ''રૂપલા, આ બધા પાર્ટી પ્લોટ અને એમાં ડેકોરેશનવાળા તો ઉઘાડી લૂંટ ચલાવે છે. તું મને કહે કે માણસ ખાઈ ખાઈને કેટલું ખાઈ શકે ? અઢીસો ગ્રામ કે ત્રણસો ગ્રામથી વધારે કોઈ ખાઈ ના શકે. તો ય આ કેટરિંગવાળાના ભાવ તો જો... એક ડિસના હજાર-બારસોથી ઓછામાં કોઈ તૈયાર નથી...''
આટલું કહીને લગીર અટકીને એમણે રૂપેશ સામે જોયું. ''તારી વહુને કમ સે કમ અઢી તોલાના દાગીના તો આપવા પડશેને ? એના ચાર લાખ રૂપિયા થાય પણ એ સોનું તો આપણા ઘરમાં જ રહેવાનું છે એટલે એની ચિંતા નથી. પાર્ટી પ્લોટ અને ડેકોરેશનના મિનીમમ ચાર લાખ થઈ જશે. આપણે આજ સુધી બધાને ત્યાં જમી આવ્યા છીએ. જાનમાં તો અંગત પચાસ માણસને જ લઈ જઈશું પણ રિસેપ્શનમાં ચારસો માણસની ગણતરી રાખવી પડે. સારા કેટરરને કામ સોંપીએ એટલે એના પાંચ લાખ ગણી લેવાના. તારા સૂટ-બૂટ અને જાનના દિવસે ઘેર પચાસ માણસને જમવાનું - ઘરના રંગ-રોગાન કરાવવાના - એ બધાયની મેં ગણતરી કરી છે એટલે કુલ આંકડો દસ લાખે પહોંચે છે.''
આટલું બોલીને વિનુભાઈ અટકી ગયા અને એમનો ચહેરો ગંભીર બની ગયો.
''હવે મારી વાત ધ્યાનથી સાંભળ...'' રૂપેશની આંખમાં આંખો પરોવીને વિનુભાઈએ ગંભીરતાથી આદેશ આપ્યો. ''તારા લગ્ન ધામધૂમથી કરવા છે અને એ માટે દસ લાખનો ખર્ચો કરવાનો છે. પરંતુ એ ખર્ચનું વલ્લે વલ્લે કરી નાખવાનું છે અને એ કામ તારે કરવાનું છે. માસ્તર છ મહિના પહેલા જ રિટાયર થયા છે એટલે હાથમાં દલ્લો આવ્યો હશે. તારે એમને જઈને કહેવાનું કે વડીલ ! પંજાબ-હરિયાણામાં ગેઝેટેડ ઓફિસરને જમાઈ બનાવવો હોય તો એંશી લાખ રોકડા ચૂકવવા પડે છે. હું એટલું મોટું મોઢું નથી ફાડતો. તમારે તો તમારી દીકરીના સુખ માટે માત્ર દસ લાખ જ આપવાના રહેશે!...''
પુત્રના ખભે હાથ મૂકીને વિનુભાઈએ આગળ સમજાવ્યું. ''જરાયે સંકોચ રાખ્યા વગર પૂરી નફટાઈથી કહી દેવાનું કે વડીલ ! આખી નાતમાં તમારો વટ પડે એવો જમાઈ મળ્યો છે, તો દીકરી માટે થઈને દસ લાખ તો આપવા જ પડશે ! તારે એ પણ કહેવાનું કે હું હજુ કમાતો નથી થયો. નોકરી ચાલુ થશે એ પછી તમારી દીકરીને રાજરાણીની જેમ રાખીશ, પણ અત્યારે આ લગ્નનો ખર્ચ તો વલ્લે વલ્લે કરવો જ પડશે. માસ્તર ઢીલિયો છે. તું આટલું કહીશ એટલે ફટ દઈને તને ચેક આપી દેશે. આપણો દસ લાખનો ખર્ચો વલ્લે વલ્લે થઈ જશે. મારી વાત સમજાય છેને તને ?''
રૂપેશ તો સ્તબ્ધ બનીને પિતાના ચહેરા સામે જ તાકી રહ્યો હતો.
''મેં કહ્યું એ બરાબર સાંભળ્યું ને ?...'' એમણે પૂછ્યું. ''કાલે ગુરૂવાર છે. તું જઈ આવીશને ?''
''કાલે નહીં...'' મનોમન કંઈક ગણતરી કરીને રૂપેશે કહ્યું. ''પોસ્ટિંગ માટે બે-ચાર જગ્યાએ છેડા અડાડવાની દોડધામ ચાલુ છે એટલે સોમવારે જઈને વલ્લે વલ્લે કરી નાખીશ.''
''સરસ... જરાય શરમાયા વગર વટથી વલ્લે વલ્લે કરીને દસ લાખ લાવજે. જાય ત્યારે મારા આશીર્વાદ લઈને ઘરમાંથી નીકળજે.''
રૂપેશે હકારમાં માથું હલાવ્યું. વિનુભાઈના ચહેરા ઉપર સંતોષ છવાયો.
ગુરૂ, શુક્ર, શનિ અને રવિ... આ ચારેય દિવસ રૂપેશ દોડધામમાં જ વ્યસ્ત રહ્યો.
સોમવારે સવારે રૂપેશ તૈયાર થઈ ગયો. પિતાએ આશીર્વાદ લઈને જવાનું કહેલું એટલે પિતા અને માતાને વંદન કરીને આશીર્વાદ લીધા. ''ઓલ ધ બેસ્ટ...'' પિતાએ શુભેચ્છા આપીને ઉમેર્યું. ''જરાયે કાચો ના પડતો. મેં કહ્યું એમ હરિયાણા-પંજાબની વાત ભાર દઈને માસ્તરને સમજાવી દેજે...''
''મોડું થાય તો ચિંતા ના કરતા...'' રૂપેશે હસીને કહ્યું. ''બાઈકમાં હવા નથી, એટલે રિક્ષામાં જવું પડશે. ત્યાં કામ પતાવીને ત્યાં જ જમી લઈશ. એ પછી કદાચ અમે ફિલ્મ જોવા પણ જઈશું.'' આટલું કહીને રૂપેશે વિદાય લીધી.
સાંજે સાડા છ વાગ્યે આખી સોસાયટીમાં ખળભળાટ મચી ગયો. પહેલી કાર આવીને વિનુભાઈના ઘર પાસે ઊભી રહી એમાંથી ત્રણ યુવાન અને બે યુવતી બધા ઉત્સાહભેર નીચે ઊતર્યાં. બીજી કારમાંથી સૂટ-બૂટમાં સજ્જ સોહામણો રૂપેશ નીચે ઊતર્યો અને એની પાછળ લાલ પાનેતરમાં સજ્જ રૂપાળી યુવતી નવવધૂના જાજરમાન ડ્રેસમાં હળવે રહીને નીચે ઊતરી. બંનેના ગળામાં ગુલાબના ફૂલોના હાર શોભી રહ્યાં હતાં. વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે વિનુભાઈ વલ્લે વલ્લેના દીકરો રૂપેશ લગ્ન કરીને કેટરિના કૈફ જેવી રૂપાળી વહુરાણીને લઈને આવ્યો છે ! વિનુભાઈના ઘર પાસે ભીડ જમા થઈ ગઈ.
નવદંપતીએ માતા-પિતાનો ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા. ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ વિનુભાઈ થીજી ગયા હતા. પુત્રવધૂને જોઈને માતાના હૈયામાં હર્ષનું વાવાઝોડું ઉમટયું હતું. ખાસ પાડોશીઓ તો ઘરમાં આવીને આ સોહામણા નવદંપતી સામે સુખદ આશ્ચર્યથી તાકી રહ્યાં હતાં.
વિનુભાઈનો હાથ પકડીને રૂપેશ એમને અંદરના ઓરડામાં લઈ ગયો. ''તમે વલ્લે વલ્લેની વાત કરી, એ પછી ચાર દિવસ એની જ ધમાલમાં હતો...'' રૂપેશે શાંતિથી ખુલાસો કર્યો. ''આપણા ખર્ચના દસ લાખ અને એમણે દહેજરૂપે આપવાના દસ લાખનું માત્ર વીસ હજારમાં વલ્લે વલ્લે કરી નાખ્યું ! સૂટ ખરીદ્યો, વકીલની ફી અને મિત્રો સાથે હોટલમાં જમ્યા એમાં કુલ વીસ હજારમાં જ વલ્લે વલ્લે થઈ ગયું !...''
એણે હસીને ઉમેર્યું. ''મણીનગરમાં માસ્તરને પણ લગ્નની ખબર નથી એટલે હવે ત્યાં જઈને એમના આશીર્વાદ લઈશું. એ પછી આ મિત્રોએ લગ્નની ભેટ તરીકે અમારા માટે થ્રી સ્ટાર હોટલમાં રૂમ બૂક કરાવ્યો છે, ત્યાં જઈને સાથે જમીશું. એ પછી અમારા મિત્રો એમના ઘેર જશે અને અમે બંને હોટલમાં જ રાત રોકાઈને સવારે અગિયાર વાગ્યે ઘેર આવીશું...''
ડઘાઈ ગયેલા વિનુભાઈ સામે મોં મલકાવીને રૂપેશે પૂછ્યું. ''હવે બોલો - આ વલ્લે વલ્લે કેવું રહ્યું ?''
ડઘાઈ ગયેલા વિનુભાઈ શું બોલે ?
(શીર્ષક પંક્તિ : લેખક)








