Magazines

સૌ દોસ્તના ઉત્કર્ષથી આમ અચરજ થાય છે એમાં પછી ઇર્ષા ભળે એની બળતરા થાય છે

By GS TEAM
9 Jun 20268 mins read
સૌ દોસ્તના ઉત્કર્ષથી આમ અચરજ થાય છે એમાં પછી ઇર્ષા ભળે એની બળતરા થાય છે

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- ડાબા-જમણા હાથની કમાણી ઉસેટીને તેં અમદાવાદમાં આલિશાન બંગલો બનાવી દીધો છે એની ખબર છે મને ! તમે બધા માનો છો એવો સાવ ડોબો નથી હું !'

ર વિવાર હોવા છતાં સવારે દસ વાગ્યે જ સતીશ જમવા બેસી ગયો એટલે શ્વેતાએ લગીર આશ્ચર્યથી પૂછ્યું. 'ત્યાં કાર્યક્રમ તો સાંજે ચાર વાગ્યે શરૂ થવાનો છે. તમે આટલા વહેલા જઈને શું કરશો ?'

'અરે ગાંડી ! બી.કોમ. થઈને બીજા જ મહિને નોકરી મળી ગઈ એટલે ગામ છોડી દીધુ ંહતું. આજે એકવીસ વર્ષ પછી પહેલીવાર ગામમાં પગ મૂકીશ એટલે સ્કૂલના અને કૉલેજના જૂના મિત્રોને મળવાની તો ઇચ્છા હોય ને ?...' સતીશે પત્નીને સમજાવ્યું. 'આ તો સારું થયું કે અમારી હાઈસ્કૂલને સો વર્ષ પૂરા થયા એનો શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આવ્યું અને અત્યારના પ્રિન્સિપાલે ખુદ ફોન કરીને આગ્રહ કર્યો. એ બહાને ગામની મુલાકાત લેવાશે, મિત્રોને મળાશે અને સમારંભમાં બહુમાન થશે એટલે નાનકડું ભાષણ પણ કરવાનું છે. પાલડી બસ સ્ટેન્ડથી અનેક લક્ઝરી બસ ઉપડે છે. અઢી કલાકનો રસ્તો છે એટલે દોઢ-બે વાગ્યે પહોંચી જઈશ. તું સાથે આવતી તો મજા આવતી, પણ તારે તારા મા-બાપ પાસે જવું છે એટલે હું એકલો જઈને રાત્રે બારેક વાગ્યે પાછો આવી જઈશ.'

સતીશ સાડા અગિયારે જ ઘરેથી નીકળી ગયો. પાલડીથી ભાવનગર જતી લક્ઝરી બસમાં જગ્યા મળી ગઈ અને બે વાગ્યે પોતાના તાલુકા લેવલના ગામે ઊતરી ગયો.

એકવીસ વર્ષના અંતરાલ પછી ગામમાં પગ મૂકી રહ્યો હતો એટલે વચ્ચેના સમયનો સદુપયોગ કરવાની ઇચ્છા હતી. સ્કૂલના જે મિત્રો હતા એમાંથી કોઈક મળી જાય તો સાથે બેસીને જૂની સ્મૃતિઓને પંપાળવાની ઇચ્છા હતી. એને લીધે રિક્ષામાં બેસવાને બદલે હાઈસ્કૂલ સુધી ચાલવાનું નક્કી કર્યું.

રસ્તાની બંને તરફ અગાઉ કશું નહોતું ત્યાં અત્યારે હારબંધ અનેક દુકાનો ઊગી નીકળી હતી. ગામની બજારમાં બાબુની સોડાની દુકાન હતી ત્યારે ત્યાં પાંચ પૈસામાં લખોટીવાળી કાશ્મિરી સોડા પીવાનો એ સમયે જલસો હતો. અત્યારે બાબુએ પણ અહીં આધુનિક સોડા ફાઉન્ટન બનાવ્યું હતું એ બોર્ડ જોઈને સતીશના પગ થંભી ગયા. દૂરથી જ એણે બાબુ સામે નજર કરી. એનું શરીર તો એવું ને એવું જ હતું પણ બધા વાળ ધોળા થઈ ગયા હતા. દુકાનમાં આઈસક્રિમ અને કોલ્ડડ્રીંક્સ વચ્ચે બાબુ ખુરસી પર બેઠો હતો.

એ બાબુ તરફ જોઈ રહ્યો હતો એ જ વખતે એની પીઠ ઉપર ધબ્બો પડયો. સતીશે ચમકીને પાછળ જોયું. 'કાં સતલા, ઓળખાણ પડી ? કે પછી મોટો ઓફિસર થઈ ગયો એટલે આ નાના માણસને ભૂલી ગયો ?'

'અલ્યા, તને ભુલાય ? તારી તો આખી કુંડળી મોઢે છે...' સતીશે હસીને કહ્યું. 'નટવરલાલ મણીલાલ દરજી. ભણવામાં ભમરડાના ભ જેવો એટલે ઘેર મણીકાકાનો અને સ્કૂલમાં માસ્તરોનો કેટલો માર ખાતો હતો એ બધુંય યાદ છે, નટિયા !'

સતીશે કહ્યું અને નટવર લાગણીથી એને ભેટી પડયો.

'સતલા, અમારા જેવા ઠોઠિયાનો તો કોઈ ભાવ ના પૂછે, પણ તારા જેવા કાયમ પહેલા નંબરવાળા ભણેશરીને તો હાઈસ્કૂલવાળા આવા પ્રોગ્રામમાં બોલાવે જ એ ખબર પડી એટલે સવારથી જ રોડ ઉપર ધ્યાન રાખીને બેઠો છું. દુકાનમાંથી તને જોયો કે તરત હડી કાઢીને આવ્યો.'

'દુકાન ?' સતીશે આશ્ચર્યથી પૂછ્યું. 'તેં દુકાન કરી છે ? શેની દુકાન છે ?'

'અલ્યા સતલા ! આ ગરીબ દોસ્તારની મશ્કરી કરવામાં તને મજા આવે છે ? હું દુકાન ક્યાંથી કરું ? આપણા ક્લાસમાં ઓલ્યો ભરત રણછોડ હતો ને એ ભરતાની દુકાનમાં નોકરી કરું છું.'

પ્રેમ અને ઉષ્માથી હાથ પકડીને નટવર સતીશને ચાની કીટલી પર લઈ ગયો. અને ચા મંગાવી. એ ચાના બદલામાં એક પછી એક બધા મિત્રોને યાદ કરીને એણે પોતાની રામકહાણી શરૂ કરી.

'સતલા, તું તો ભણેશરી છે એટલે તને તો બધુંય યાદ હશેને ? હાઈસ્કૂલમાં આપણી અર્ધો ડઝન દોસ્તારોની ટૂકડી હતી. હું, તું ને ધમલો, ઘોઘો, પકલો અને તીકમ... તું તો મોટો ઓફિસર થઈને બધાને ભૂલી ગયો હશે, પણ એકેએકની સાવ સાચ્ચી જન્મકુંડળી છે મારી પાસે.' એ બોલી રહ્યો હતો ત્યારે તમામ ચહેરાઓ સતીશની આંખ સામે તરવરી રહ્યાં હતાં.

સતીશના ખભા ઉપર એના બંને હાથ મૂકીને એણે આંખોમાં આંખો પરોવીને પહેલો પ્રહાર સતીશ ઉપર જ કર્યો. 'જો દોસ્ત, ત્યાં ફંકશનમાં જમવામાં રસ-પુરી હશે. તને ખોટું લાગે તો બે પુરી વધારે ખાજે પણ મારી વાત સાંભળ. તારામાંય ભણવા સિવાય બીજી કોઈ આવડત હતી ? તોય કોઠા કબાડા કરીે ગાંધીનગરમાં મોટો ગેઝેટેડ ઓફિસર થઈ ગયોને ? અહીં બેઠાં બેઠા બધાની ખબર રાખવાની આવડત છે મારામાં. સાચું બોલ. ડાબા-જમણા હાથની કમાણી ઉસેટીને તેં અમદાવાદમાં આલિશાન બંગલો બનાવી દીધો છે એની ખબર છે મને ! તમે બધા માનો છો એવો સાવ ડોબો નથી હું !'

સતીશ સ્તબ્ધ થઈ ગયો પણ નટવરને એની પરવા નહોતી. સતીશ સામે આંખ મિચકારીને એ હસી પડયો. 'ધમલાને તો ભૂલ્યો નથીને ? કાનજી ભીખાનો ધર્મેશ સાવ ગોબરો. આખો દાડો નાકમાંથી ગૂંગા કાઢતો હતો. એક વાર ચાલુ ક્લાસે ગૂંગો કાઢીને બેન્ચ ઉપર ચોંટાડતો હતો એ જોઈને જોષીસાહેબે એને ઝૂડી નાખ્યો હતો એ વખતે કાનજીદાદાએ સ્કૂલમાં આવીને મોટી બબાલ કરી મૂકેલી એ યાદ છે કે ભૂલી ગયો ? એ ગૂંગાખાન ધમલો અત્યારે રાજકોટમાં બેન્ક મેનેજર બનીને વટ મારે છે. એના મામાએ લાગવગ વાપરીને એ ગોબરાને બેન્કમાં ઘૂસાડી દીધેલો એ તો આખા ગામને ખબર છે.'

લગીર સ્મિત સાથે સતીશ સાંભળતો હતો અને નટવર કચકચાવીને બોલતો હતો.

'હવે વાત સાંભળ પકલાની. પરશોતમ મોદીના પ્રકાશની તો બોલતી વખતે જીભ ઝલાતી હતી. એ તોતડો પકલો કઈ રીતે ડૉક્ટર બની ગયો એ સમજાય છે તને ? કમ્પાઉન્ડરમાં ય કાચો પડે એવા દીકરાને પરશોત્તમ મોદીએ પૈસાનો ખેલ પાડીને ડૉક્ટર બનાવી દીધો ! આજે એ બોબડો બિલિમોરામાં મોટી હોસ્પિટલ બનાવીને નોટો છાપે છે નોટો ! સતલા, પૈસાના ખેલમાં આપણી હોંશિયારી હારી જાય ! બોબડા પણ બળવાન થઈ જાય...'

ચા આવી એટલે એ લગીર અટક્યો. એક ચૂસકી લઈને એણે સતીશ સામે જોયું. 'સતલા, તારા ખાસ દોસ્તાર ઘોઘાની તો તને ખબર જ હશેને ? એ દીપક ઘોઘારી ભણવામાં સાવ ઘોઘો જ હતો અને દર વર્ષે પરીક્ષાના દસ દિવસ તું એને ખાસ ખાસ ભણાવીને પાસ કરાવી દેતો હતો, એ મને ખબર છે. એ ઘોઘોય મારી જેમ મેટ્રિકમાં નપાસ થયેલો તોય મોટા ગજાના કોઠાકબાડા અને કારીગરી કરીને એ તો સાબરમતીમાં બિલ્ડર બની ગયો છે. બે-ત્રણ ટાવર ઊભા કરીને એ તો કરોડોમાં આળોટે છે, સતલા ! કઈ હોંશિયારીથી એણે આ કર્યું એ કોઈને સમજાતું નથી !'

એકધારું આટલું બોલીને નટવર અટક્યો એટલે સતીશ ઊભો થયો. એ પગ ઉપાડે એ પહેલાં નટુએ હાથ પકડીને પાછો બેસાડી દીધો.

'સતલા, આપણી ટૂકડીના તીકમની વાત હજુ બાકી છે. એ ત્રીકમ ધનાળિયો આમ તો દિલદાર હતો તને યાદ છે ? એકવાર એના બાપા બહારગામ ગયેલ ત્યારે માટલાં વેચીને એ આપણને બધાને પિક્ચર જોવા લઈ ગયેલો ને પછી બાપાનો માર ખાધેલો ! એ ડોબા તિકમને આંખે એટલા બધા નંબર હતા કે સાહેબ પાટિયામાં લખે એ ય એને વંચાતું નહોતું. એ ચશ્મીશ અત્યારે ચાંગોદરમાં બે ફેક્ટરીનો માલિક છે. અહીં સોસાયટીમાં મહેલ જેવો બંગલો બનાવ્યો છે. તોય એ અક્કરમી મારી ઇર્ષા કરે છે. એનું કારણ ખબર છે તને ?' એના અવાજમાં ગર્વનો રણકો ઉમેરાયો. 'મારે ત્રણનો વસ્તાર ને એને ત્યાં આજની તારીખે ય ઘોડિયું નથી બંધાયું...! ઠાકર ઠેકાણે રાખે છે બધાને, સતલા !' એ પછી તોપનું નાળચું ભરત તરફ વળ્યું. 'ભરતાની જરાયે ઇચ્છા નહીં, પણ રણછોડકાકા મારા બાપાના ભાઈબંધ. બાપાએ કીધું કે તરત એમણે મને દુકાનમાં નોકરી આપી. એમની સૂઝ બહુ ઊંચી. કહે કે ભણતરમાં શું પૂળો મૂકવાનો છે ? આ મેટ્રિક નાપાસ નટિયો મારો મેનેજર. બસ ત્યારથી અહીં જોતરાઈ ગયો છું...' એના અવાજમાં ધીમે ધીમે કડવાશ ભળી. 'કાકા હતા ત્યાં સુધી સુખ હતું પણ એ મરી ગયા પછી ભરતાના હાથમાં વહીવટ આવ્યો, ત્યારથી પિક્ચર બદલાઈ ગયું છે. એના બાપાએ નોકરીમાં રાખેલો એટલે છૂટો કરવાની તો ભરતામાં હિંમત નથી, પણ શેઠના રોલમાં એ તિતાડી મારું તેલ કાઢે છે...' ચાનો છેલ્લો ઘૂંટડો ભર્યા પછી જાણે દાઝ કાઢતો હોય એમ નટુએ પ્લાસ્ટિકનો ખાલી કપ ડૂચો વાળીને ખૂણામાં ફેંક્યો.

સતીશ જાણે ન્યાયાધીશ હોય એમ એની સામે તાકીને એ બળાપા કાઢી રહ્યો હતો. એ જે કંઈ ઉભરો ઠાલવે એ સાંભળ્યા વગર સતીશ પાસે બીજો કોઈ ઉપાય નહોતો. એને લીધે નટુને શામળા ચહેરા તરફ તાકીને એ ચૂપચાપ સાંભળતો હતો.

'છેલ્લા પચીસ વરસથી એ માણસનો પડયો બોલ ઝીલું છું, એ દોડાવે ત્યાં દોડું છું. મારી દશા તો દુશ્મનને ય દયા આવે એવી છે. ઘરમાં હું, મારી બૈરી, બે દીકરીયું અને એક દીકરો. પાંચ જણાં ખાનારાં અને કમાનાર હું એકલો. આવી મોંઘવારી ક્યારેય જોઈ છે, સતલા ? ભરતો તો પગાર વધારવાનું વિચારતો નથી, પણ તું જ વિચાર કર કે આટલા ટૂંકા પગારમાં પાંચ માણસનું ઘર કેવી રીતે ચાલે ?'

અલ્યા ડોબા ! આ ત્રણ સંતાનને જન્મ આપતાં પહેલાં આ વિચાર તો તારે કરવાનો હતો... એવો રણકતો જવાબ સતીશના હોઠ ઉપર આવીને અટકી ગયો. દુ:ખી આત્માને વધુ દુ:ખી શા માટે કરવો ?

નટુના તીણા અવાજમાં આક્રોશ હતો. ખિસ્સામાંથી તમાકુની ડબ્બી કાઢીને ચૂના સાથે મસળીને તમાકુ હોઠ નીચે દબાવી ત્યાં સુધી એ મૌન રહ્યો. એ છતાં, એના ચહેરા ઉપરનો રોષ બોલ્યા વગર પણ વ્યક્ત થઈ રહ્યો હતો. આટલા વિરામ પછી એણે ફરીથી રામકહાણી શરૂ કરી.

'સતલા, પચ્ચીસ પચ્ચીસ વરસથી એની ગુલામી વેઠું છું. આખ્ખું શરીર તોડી નાખ્યું છે તોય એ પગાર વધારતો નથી. તું નહીં માને પણ મારી પાસે બચતના નામે મોટું મીંડું છે... હવે આ ભરતાને તો ભગવાન જોશે !'

બધાની સામે ફરિયાદ અને ઉભરો ઠાલવી નાખ્યા પછી નટુ જાણે હળવો ફૂલ થઈ ગયો હોય એમ એના ચહેરા પર ફિક્કું સ્મિત ફરક્યું. સતીશના ખભે બંને હાથ મૂકીને એ બબડયો. 'સતલા, ભાગ્ય વહેંચવામાંય ભગવાને ભોપાળું કરીને ભયાનક ભેદભાવ કર્યો છે.... નસીબની બલિહારી તો જો. તમે બધા સાવ નબળાં હોવા છતાં આગળ નીકળીને જલસામાં ડૂબી ગયાં છો અને હોંશિયારી હતી તોય હું એકલો પાછળ રહી ગયો ! આખી જિંદગી મજૂરીને તું જ કહે કે મેં શું લાટા કાઢ્યા ?'

જવાબની આશાએ નટુ સતીશ સામે તાકી રહ્યો હતો. આ દોસ્તને શું જવાબ આપવો ? સતીશ વિમાસણમાં હતો. છવ્વીસ-સત્યાવીશ વર્ષ અગાઉ સ્કૂલમાં એક સાથે તોફાન-મસ્તીમાં બધા મિત્રો હળીમળીને જિંદગીનો આનંદ જલસાથી લૂંટતા હતા અને આજે ? પોતાની નબળાઈને લીધે પાછળ રહી ગયેલો આ મિત્ર બીજા બધાની પ્રગતિ જોઈને બળાપો કાઢી રહ્યો હતો !

એને શું જવાબ આપવો ?

સતીશ હળવે રહી ઊભો થયો. નટુના ખભે હાથ મૂકીને સહાનુભૂતિભરી નજરે એની સામે જોયું. એ પછી હળવે રહીને એણે હાઇસ્કૂલ તરફ પગ ઉપાડયા.

(શીર્ષક પંક્તિ : લેખક)