Magazines

પારાવાર પીડા પસ્તાવો, હૈયે હાહાકાર ક્ષમાયાચના રહી અધૂરી, અસ્ત થયો આકાર

By GS TEAM
2 Jun 202611 mins read
પારાવાર પીડા પસ્તાવો, હૈયે હાહાકાર ક્ષમાયાચના રહી અધૂરી, અસ્ત થયો આકાર

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિક

- મીઠા અવાજમાં રણકતી સચ્ચાઈથી બકુલ સ્તબ્ધ હતો. છતાં મનમાં શંકા સળવળતી હતી. 'હંસાબા, તમારી વાત સાચી હોય, તો મારા બાપે આપઘાત કેમ કર્યો ?'

ગં ગાનદીના વિશાળ પટને સ્પર્શીને આવતા પવનમાં આહ્લાદક ઠંડક હતી. રોજની જેમ હરિદ્વારમાં ઘાટ પર બેસીને બકુલ માનસિક શાંતિ અનુભવી રહ્યો હતો. સાંજના ચાર વાગ્યા હશે એવું લાગ્યું એટલે એ હળવેથી ઊભો થયો. ત્રીસ વર્ષના બકુલ પાસે નહોતી ઘડિયાળ કે નહોતો મોબાઈલ. હરિદ્વારમાં મૂર્તિબજાર પાસે આવેલા અંબિકા ભોજનાલયના માલિક દામજીભાઈના પરિવાર સિવાય વિશ્વની કોઈ પણ વ્યક્તિ સાથે બકુલને સંપર્ક જ નહોતો એટલે એને મોબાઈલની શી જરૂર ?

એણે ઝડપથી પગ ઉપાડયા. સાંજની રસોઈની તૈયારી કરવાની હતી. મૂળ જામનગરના દામજીભાઈ દિલદાર માણસ હતા. ક્યારેક વહેલું-મોડું થાય તોય એ કંઈ બોલે નહીં. ભોજનાલયની અંદરના બે ઓરડામાં દામજીભાઈ અને એમનાં પત્ની રહેતાં હતાં. બાજુની નાનકડી ઓરડી એમણે બકુલને રહેવા આપી હતી.

રસ્તામાં યાત્રિકો એકબીજાને 'જય ગંગા મૈયા' કહીને અભિવાદન કરતા હતા. મૈયા શબ્દ સાંભળીને બકુલના કાનમાં કડવાશ રેડાતી. માતાનું સ્મરણ થયું એટલે એ જોરથી થૂંક્યો અને વધુ ઝડપથી પગ ઉપાડયા.

'આજે ચાલીસેક પેસેન્જરની ગણતરી છે...' દામજીભાઈએ એને સમજાવ્યું. 'ચણાની દાળ મેં પલાળી દીધી છે. દૂધી-ચણાની દાળનું શાક બનાવજે. ખીચડી-કઢી રોજની જેમ બનાવજે, પણ દસેક વાટકી કઢીમાં ખાંડ ના નાખતો. અમુક પેસેન્જરને ગળી કઢી નથી ભાવતી...' દામજીભાઈની સૂચનાઓ પૂરી થઈ અને બકુલ કામે લાગી ગયો. પેસેન્જરો માટે ગરમાગરમ રોટલી બનાવવામાં દામજીભાઈના પત્ની બકુલની સાથે રહીને મદદ કરતાં હતાં.

રાત્રે આઠેક વાગ્યે ડાઈનિંગ હોલમાં વીસેક વ્યક્તિઓ જમી રહી હતી. ૂબકુલ સ્ફૂર્તિથી એમને ગરમાગરમ રોટલી પહોંચાડી રહ્યો હતો. મૌખિક પ્રચારને લીધે ગુજરાતી પ્રવાસીઓ અહીં જ જમવા આવતા હતા. દામજીભાઈ જાતે બારણે ઊભા રહીને આવનારાનું સ્વાગત કરતા હતા.

'પધારો વડીલ પધારો...' એક પ્રૌઢ દંપતીને આવકાર આપીને દામજીભાઈ એમને ખાલી ટેબલ સુધી દોરી ગયા અને બકુલને બૂમ પાડી. 'બે નવા પેસેન્જર આવ્યા છે.'

બે થાળી, વાટકીઓ અને ચમચીઓ લઈને બકુલ એ ટેબલ પાસે આવ્યો અને એની આંખ ચમકી. એ જ કાળી ટોપી, સોનેરી ફ્રેમના ચશ્માં અને વિશાળ ગોરા કપાળ ઉપર યુ આકારનું તિલક... ત્રીસેક સેકન્ડ ઊભા રહીને એ આવેલ દંપતી સામે તાકી રહ્યો. એ ખાતરી કરવા માટે એ પુરુષને પૂછ્યું. 'પરભુકાકા ? પ્રભુદાસભાઈ સોની ?'

એ પુરુષે ચોંકીને બકુલ સામે જોયું. 'સો ટકા સાચું.. પણ તું કોણ ? મને ક્યાંથી ઓળખે ?'

'મને ના ઓળખ્યો, કાકા ? હું બકલો.. બકુલ... મણીલાલ માસ્તરનો દીકરો !'

'તારી ભલી થાય, બકલા !' પ્રભુભાઈ ઊભા થઈ ગયા અને બકુલના ખભે હાથ મૂક્યો. 'અલ્યા, સોળ-સત્તર વર્ષે તને જોયો. રૂપ-રંગ બદલાઈ ગયા છે એટલે ક્યાંથી ઓળખાય ?' આ દ્રશ્ય જોઈને દામજીભાઈ પણ ત્યાં આવીને ઊભા રહી ગયા હતા. હવે શું બોલવું એની વિમાસણમાં પ્રભુભાઈ એકદમ ગંભીર બની ગયા હતા. ફરીથી બકુલના ખભે હાથ મૂકીને એમણે ગળગળા અવાજે કહ્યું. 'સત્તર વર્ષથી તારો અતોપતો કોઈની પાસે નથી અને આજે પ્રભુએ ઉપકારક જોગાનુજોગ કરી આપ્યો ! બકલા, બે કલાક પહેલાં જ વરખડીથી વિનુભાઈનો ફોન આવેલો. સમાચાર સારા નથી, બકલા ! આજે સવારે છ વાગ્યે જ તારી બા એ દેહ છોડી દીધો ! ઉઠીને પાડોશી શાંતાબાને કહ્યું કે શાંતિ, છાતીમાં મૂંઝારો થાય છે... ને એ પછી પાંચ દસ મિનિટમાં જ એ ઢળી પડયાં !'

બકુલ સ્તબ્ધ હતો.

'તું ક્યાં છે એની ગામમાં કોઈનેય ખબર નથી. તારા દોસ્તાર નટિયાએ તારા વતી બધી ફરજ બજાવીને અગ્નિદાહ આપ્યો...' એનો અવાજ વધુ ગંભીર બન્યો. 'મગજ ઠેકાણે રાખીને મારું કહ્યું તારે માનવું પડશે, બેટા ! તારી બા જોડે ઝઘડો કરીને તું ભાગી ગયેલો, પણ એ બધું હવે ભૂલી જા. ગમે તેમ તોય એ બિચારીએ તને જનમ આપેલો. આજે જ અહીંથી નીકળીને વરખડી પહોંચી જા. એના આત્માની શાંતિ માટે બારમા-તેરમાની વિધિ ખરા દિલથી કરજે. તું નહીં માને પણ સાચી વાત કહું છું. તમારું મકાન વેચાતું લેવા માટે પેલો કનુ ડાયા તારી માને કરગરીને કહેતો હતો કે પૈસા લઈ લો પણ તમારા પછી આ મકાન મને મળે એવું લખાણ કરી આપો. તારી માએ એને ચોખ્ખી ના પાડીને કહ્યું કે આ ઘર તો મારા બકલાનું છે. એ ગમે ત્યારે પાછો આવશે. આવીને એને જે કરવું હોય એ કરશે...' ગળગળા અવાજે એમણે ઉમેર્યું. 'તારી જનેતા તને યાદ કરીને રડતી હતી.. વાટ જોઈને ઝૂરતી હતી...'

લગીર અટકીને એમણે દામજીભાઈ સામે જોયું. 'શેઠ, મારા ગામનો આ છોકરો એની મા જોડે ઝઘડીને ભાગી ગયેલો, એ વાત તો તમે સાંભળીને ? તમે પંદરેક દિવસની રજા આપો તો એની મરેલી માતાની સદ્ગતિ થાય...' એમણે સહાનુભૂતિથી બકુલ સામે જોયું. 'ફટાફટ નીકળી જા, બકલા. જો પૈસાની જરૂર હોય તો સહેજે ય સંકોચ રાખ્યા વગર મને કહી દે...'

'પૈસા તો હું આપીશ...' એમને જવાબ આપીને દામજીભાઈએ બકુલને કહ્યું. 'તું તૈયાર થઈને રવાના થઈ જા. વીસેક દિવસ તો હું અહીં રોડવી લઈશ.'

રાતના અંધકારને ચીરતી ટ્રેન ધસમસતી આગળ વધી રહી હતી. મહામુશ્કેલીએ મેળવેલી જગ્યા ઉપર બકુલ સંકોચાઈને બેઠો હતો. બહારના અંધકાર જેવું જ અંધારું હૈયામાં કોતરાયેલી સ્મૃતિઓને ખોતરી રહ્યું હતું.

ખોબા જેવડું વરખડી ગામ... બાપા મણીલાલ ગામની સ્કૂલમાં માસ્તર... સાવ ગભરૂ... રસોઈમાં માસ્ટરી... ગામમાં કોઈને ત્યાં નાનો-મોટો પ્રસંગ હોય તો જમણવારની જવાબદારી મણીલાલ માસ્તરને જ સોંપાતી હતી.... આંગળી પકડીને બકલો પણ એમની સાથે જઈને નિરીક્ષણથી શીખતો હતો... બા સવિતા ખૂબ રૂપાળી... એ રૂપાળીના પાપે જ બાપાએ આપઘાત કરવો પડેલો ને ?.... બકલાનો પહેલો નંબર આવેલો ત્યારે તોફાની છોકરાઓએ મશ્કરી કરેલી... બકલા, તારો નંબર આવ્યો એમાં કારીગરી તો હેડમાસ્તર હસુડાએ કરી હશે... એ તો તારી બાનો પાક્કો ભાઈબંધ. એટલે તને પહેલો નંબર આપીને એણે તારી બા ને રાજી કરીને જલસો કર્યો હશે !

બાપા જોડે રસોડામાં ઊભા રહીને રાંધવાની જે તાલીમ મેળવેલી એ ઘર છોડયા પછી કામમાં આવી... બકુલની આંખ સામે બાપાનો ગભરૂ ચહેરો તરવરી રહ્યો હતો. બા સાજી-માંદી રહેવાનું નાટક કરે એટલે બાપાએ જ રાંધવું પડતું.

બજારમાં કંઈક લેવા જવું પડે ત્યારે દુકાનદાર પણ પૂછે કે અલ્યા, તું મણીલાલ માસ્તરનો દીકરો છે, તોય હેડમાસ્તર હસુભાઈ તને આટલું બધું વહાલ કેમ કરે છે ? એ વખતે વધારે સમજણ નહોતી પડતી, પણ સવાલ પૂછીને પેલો બીજાની સામે જોઈને જે રીતે હસે ત્યારે એ જોઈને આખા શરીર પર કોઈ ડામ દેતું હોય એવું લાગતું !

તેર વર્ષનો થયો ત્યારે સમજણ આવી ગઈ હતી પણ એ જ વખતે એક સવારે ગામમાં હાહાકાર મચી ગયો... મણીલાલ માસ્તરે ભમ્મરિયા કૂવામાં પડીને આપઘાત કર્યો એ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા.

આવું મોત થયું એટલે સ્મશાનમાં આખું ગામ આવેલું. ભીની આંખે બાપાને અગ્નિદાહ આપ્યો એ પ્રસંગે લોકો જે વાતો કરતા હતા એ શબ્દો ધગધગતા સીસાની જેમ કાનમાં રેડાતા હતા.

'હસુભાઈ હેડમાસ્તરે આ બાપડાનો જીવ લઈ લીધો...' 'અલ્યા, હસુડાની વાઈફ તો હેમામાલિની જેવી રૂપાળી છે, તોય આ માસ્તરની બૈરીમાં કેમ મોહી પડયો ?...' 'હસુડાને એકથી ધરવ નહીં થતો હોય...' 'જીવ કોને વહાલો ના હોય, પણ બૈરું છિનાળ નીકળ્યું એટલે માસ્તરે મોતને વહાલું કર્યું...' 'હસુડો સ્મશાનમાં ય નથી આવ્યો. કયા મોઢે આવે ? એના પાપેતો આ ગભરૂએ આપઘાત કર્યો.' 'હસુડો તો તાલુકાની કચેરીએ ગૂડાણો છે. અહીં રાતે આ ધણી-બાયડી વચ્ચે ઝઘડો થયો હશે એમાં પેલી કંઈક એવું બોલી હશે એટલે આ ભોળિયાએ કૂવામાં કૂદકો માર્યો. ઘરનું બૈરું બીજા જોડે ચાલુ હોય એમાં આ ગરીબડો મરી ગયો...' 'એની જગ્યાએ હું હોઉં તો હસુડાને જ મારી નાખું કા બૈરીને બાળી નાખું...'

- આ બધા સ્મરણની સાથે બકુલના કપાળે પરસેવો વળી ગયો હતો... સ્મરણો ચાલુ હતા.

'તું મારી મા નથી, છિનાળ છે, છિનાળ !' બીજા દિવસે બકુલે ઝઘડો શરૂ કર્યો. 'તારા પાપે મારે આખા ગામનું સાંભળવું પડે છે. તારા પાપે મારો બાપ તો મરીને છૂટી ગયો, પણ મારે તારી સાથે નથી રેહવું.. આ ગામમાં જ નથી રહેવું...'

'બકલા ! તને તારી મા ઉપર વિશ્વાસ નથી ?' જનેતા ભીના અવાજે કરગરી. 'મારે કોઈ ભાઈ નથી એટલે હસુભાઈને હું ભાઈ માનું છું. લોકો તો ગમે તેમ બોલે પણ તને તો મારા ઉપર ભરોસો હોવો જોઈએ ને ? તારા સમ ખાઈને કહું છું કે હસુભાઈ મારા સગાભાઈ સમાન છે. દીકરા, આપણે સાચા હોઈએ તો લોકોની પરવા નહીં કરવાની...'

'તેં આબરૂની પરવા ના કરી એમાં જ મારા બાપાએ મરવું પડયું ને ? તારું ડાચું જોઈને મને દાઝ ચડે છે. તું છિનાળ છે. મારે અહીં નથી રહેવું...'

પાલવ પાથરીને રડી રડીને બાએ પોતાની નિર્દોષતાની વાત કહી પણ બકુલે ના માન્યું. થેલીમાં કપડાં ભરીને એ ભાગી ગયો. 

હરિદ્વાર આવીને એક પંજાબી હોટલમાં પછી એક મદ્રાસી હોટલમાં નોકરી કરીને ત્યાં પણ શીખ્યો અને છેલ્લા આઠ વર્ષથી એ દામજીભાઈનો જમણો હાથ બનીને ગોઠવાઈ ગયો હતો.

નાનપણનો પોતાનો જિગરી દોસ્તાર નટુ હજુ વરખડીમાં જ છે અને એણે બસસ્ટેન્ડ પાસે હોટલ કરી છે એવી જાણકારી પ્રભુકાકાએ આપેલી.

બાવીસ કલાકે બકુલ વરખડી પહોંચ્યો. નટુને ભેટી પડયો ત્યારે બંને દોસ્તોની આંખ ભીની થઈ ગઈ. સત્તર વર્ષ પોતે શું કર્યું એની વાત મોડી રાત સુધી ચાલી... એ નટુને ત્યાં જ સૂઈ રહ્યો.

સવારે પોતાના ઘરની અડોઅડ રહેતા શાંતાબાને ત્યાં ગયો. એને ઓળખીને શાંતાબા ગળગળા થઈ ગયાં. 'દીકરા, તેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. જનેતાને તરછોડીને તું જતો રહ્યો અને એ બિચારી તારી વાટ જોઈને રડતી હતી...' ઘરની ચાવી આપીને એમણે ભીના અવાજે ઉમેર્યું. 'ગામના અવળચંડાઓની વાત સાંભળીને તેં મૂર્ખામી કરી, બેટા ! તારી મા તો દેવી સમાન હતી. હવે એનું કારજ સાચા દિલથી કરીને એના આત્માને સદ્ગતિ મળે એવી પ્રાર્થના કરજે, તો તારું પાપ ધોવાશે. અહીં રહે એટલા દાડા મારે ત્યાં જ જમવાનું રાખજે. તારી માએ મારી બહુ ચાકરી કરી છે.'

બકુલે ઘર ખોલ્યું. એકસામટી અનેક સ્મૃતિઓ આંસુ બનીને ધસી આવી...

ગામના ગોર મહારાજને મળીને બારમા-તેરમાની વિધિનું નક્કી કરી નાખ્યું. સવારે શાંતાબાને ત્યાં અને સાંજે નટુને ત્યાં જમતો હતો. કનુ ડાયાને મળીને મકાનનો સોદો પણ નક્કી કર્યો.

'બકલા, મારી વાત માનીશ ?' પાંચમા દિવસે એને જમાડતી વખતે શાંતાબાએ કહ્યું. 'તું ગામમાં આવ્યો જ છે તો એકવાર હંસાને મળી આવજે. એનો વર હસુભાઈ હેડમાસ્તર તો ગયા વર્ષે ગુજરી ગયો પણ મનની કડવાશ ભૂલીને એના મોઢે જઈ આવજે. તારી મા સાથે પણ હંસાનો વ્યવહાર બહુ સારો હતો. તું જઈ આવજે.'

બકુલે હકારમાં માથું હલાવ્યું. સાંજે એ હસુભાઈના ઘેર ગયો. ડેલીના ફળિયામાં તુલસી ક્યારો હતો. સફેદ સાડીમાં હંસા ત્યાં ઊભી રહીને દીવો પ્રકટાવી રહી હતી. બકુલને જોઈને એના ગોરા ચહેરા પર આછા સ્મિતની સાથે સંતોષ છલકાયો. બકુલે બે હાથ જોડીને હંસાને પ્રણામ કર્યા.

'તું મારા ઘેર આવ્યો એ બહુ ગમ્યું...'

બકુલના માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને હંસાએ સૌમ્ય અવાજે બોલવાનું શરૂ કર્યું. 'બેટા બકુલ, તુલસી માતાના દીવા પાસે ઊભી છું એટલે મારી વાત ઉપર વિશ્વાસ રાખજે. આટલાં વર્ષે આ ઉંમરે તને સચ્ચાઈ સમજાવવાની મારી ફરજ છે. સતી સીતાની કથા તો તને ખબર છે ને ? પ્રજાએ તો સીતામાતા ઉપર પણ આળ ઓઢાડયું હતું, તો પછી તારી ગરીબડી જનેતાને શું વિસાત ? કાચી ઉંમરે અણસમજમાં ભયાનક ભૂલ કરીને તેં તારી માનો બહુ મોટો અપરાધ કર્યો છે, બેટા ! હું ભોળી કે મૂરખ નથી. પતિનો પગ કોઈ કુંડાળામાં પડી જાય તો પત્નીને એની ખબર પડી જ જાય. તારે કોઈ મામા નથી, તારી માએ મારા વરને એનો ભાઈ બનાવ્યો હતો. એ બંને વચ્ચે ભાઈ-બહેન જેવો પવિત્ર સંબંધ હતો એની હું સાક્ષી છું. તારી મા માંદી પડે ત્યારે મારો વર એને મોટર સાઈકલ ઉપર બેસાડીને બે-ત્રણ વાર દવાખાને લઈ ગયેલો, એ ગામવાળાએ જોયેલું. એ સમયે ગામમાં ટીવી નહોતા એટલે ગામલોકો માટે તો આવી વિકૃત વાતો જ મનોરંજનનું સાધન હતું. ગામલોકોને ગોળનું ગાડું મળી ગયું. અને તારા કાનમાં ઝેર રેડાયું ! ઉશ્કેરાટમાં ભાન ભૂલીને તેં તારી નિર્દોષ જનેતાને ગાળો દઈને તરછોડી દીધી, બકલા ! તારી આ ભૂલ બદલ તો ભગવાન પણ તને માફ નહીં કરે...

મીઠા અવાજમાં રણકતી સચ્ચાઈથી બકુલ સ્તબ્ધ હતો. છતાં મનમાં શંકા સળવળતી હતી. 'હંસાબા, તમારી વાત સાચી હોય, તો મારા બાપે આપઘાત કેમ કર્યો ?'

હંસાબા ગંભીર બની ગયા. 'તું સમજદાર છે એટલે આ ઉંમરે એ વાત કહેવામાં મને સંકોચ નહીં નડે. તારા હૈયામાં તારા બાપની જે મૂર્તિ છે એ ખંડિત કરવાનું દુ:ખ થશે પણ તને સચ્ચાઈ તો જણાવવી જ પડશે...' તુલસી ક્યારે દીવાની જ્યોત ઉપર હથેળી ધરીને એમણે બકુલ સામે જોયું. 'આજ સુધી આ વાત માત્ર હું જ જાણું છું. તું પણ સાંભળીને તરત ભૂલી જજે....' હંસાબાએ નીચું જોઈને ગંભીરતાથી બોલવાનું શરૂ કર્યું.

'તને તો ખબર હશે કે એ વખતે હું તારી મા થી દસગણી રૂપાળી હતી. સ્કૂલના કામે તારા બાપા જ્યારે અમારા ઘેર આવે ત્યારે વીંધી નાખે એવી લાલચુ નજરે મારી સામે તાકી રહેતા હતા. પુરુષની નજર પારખવાની આવડત તો ઇશ્વરે દરેક સ્ત્રીને જન્મજાત જ આપેલી હોય છે...'

આંખ સામે એ દ્રશ્ય દેખાતું હોય એમ લગીર અટકીને એમણે આગળ કહ્યું.

'એ રાત્રે મારા મિસ્ટર તો તાલુકે ગયા હતા અને ત્યાં જ રાત રોકાવાના હતા. રાત્રે અગિયાર વાગ્યે તારા બાપાએ આવીને ડેલીનો દરવાજો ખખડાવ્યો. મેં બારણું ખોલ્યું...'

એમના અવાજમાં લગીર સંકોચ ઉમેરાયો. 'તારા બાપા તો સીધા અંદર આવીને બથ ભરીને મને વળગી પડયા. હું ભડકી ગઈ. આજે તો પ્યાસ બૂઝાવવી જ છે... એવું અનાપશનાપ બોલીને એ મને અંદરના ઓરડામાં પલંગ તરફ ખેંચી ગયા. આખા શરીરની પૂરેપૂરી તાકાત ભેગીને કરીને મેં એમને જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધા. એ પછી લાકડી લઈને મેં એમને ઝૂડી નાખ્યા. એમને ધમકાવવા માટે મેં લુખ્ખી ધમકી આપી કે મણીભાઈ, તમે ભાન ભૂલ્યા છો, પણ હું ચૂપ રહેવાની નથી. સવારે આખા ગામમાં ઢંઢેરો પીટીશ... માસ્તર કેવો છે એની આખા ગામને ખબર તો પાડવી જ પડશે !... આવી રીતે ગભરાવીને બીજી બે લાકડી મારીને મેં એમને ભગાડી દીધા હતા...'

બકુલ થીજી ગયો હતો. હંસાબાએ ઉમેર્યું. 'તારો બાપ મૂળ તો ગભરૂ સ્વભાવનો. ઝનૂનમાં આવીને મને પામવાની હિંમત તો કરેલી પણ મારી ધમકીથી એ ગભરાઈ ગયો. ગામમાં ભવાડો થશે ને આબરૂ જશે એની બીકમાં એ ગભરૂ સીધો જ ભમ્મરિયા કૂવે પહોંચી ગયો !'

લગીર સ્વસ્થ થઈને એમણે બકુલના ખભે હાથ મૂક્યો. 'બેટા, તને સચ્ચાઈ જણાવી, પરંતુ તું આ કથા ભૂલી જજે. તારી મા તો સતી સીતા જેવી પવિત્ર હતી. ખરા હૃદયથી એની ક્ષમા માગીને તારા પાપનું પ્રાયશ્ચિત કરજે.'

તુલસી ક્યારે દીવાની નિષ્કંપ જ્યોતની જેમ હંસાના ચહેરા પર પવિત્ર સચ્ચાઈનું તેજ ઝળકતું હતું. આખી પૃથ્વી ઝડપથી ગોળગોળ ઘૂમતી હોય એવી દશામાં બકુલ પારાવાર પસ્તાવામાં ડૂબી ગયો હતો.

(શીર્ષક પંક્તિ : લેખક)