Get The App

ફ્લાવર થેરપી .

Updated: Feb 18th, 2020

GS TEAM

Google News
Google News
ફ્લાવર થેરપી                              . 1 - image


વજન વધતું ન હોય તો સફેદ જાસૂદની ચારથી પાંચ કળી ઘીમાં સાંતળી સાકર સાથે સવારે ચાવી-ચાવીને ખાવી અને એની ઉપર દૂધ પીવું

(લેખ-૨)

આ પૂર્વેના લેખમાં આકડો, કમલપુષ્પ, ગરમાળો, શતપુષ્પા અને શોભાંજનના પુષ્પોથી થતાં ઔષધિય ઉપચાર વિષે માહિતી મેળવી. આજે અન્ય વિષે...

કરેણ : આ ફૂલ-ઝાડ ગુજરાતમાં પુષ્કળ ઊગે છે. સફેદ, ગુલાબી, રાતી અને પીળી એવી એની ચાર જાત છે. કરેણના મૂળ ઘણાં વિષયુક્ત છે. એના ઔષધિત ઉપયોગો વિષે ફરી ક્યારેક. આજે તો માત્ર ફૂલો દ્વારા થતાં ઉપચાર વિષે.

 આધાશીશી (માઈગ્રેન)માં પીળી કરેણના ફૂલો વાટીને કપાળ તથા લમણાં પર લેપ કરવો.

 ઝેરી જીવજંતુના ડંખ પર ગુલાબી કરેણના ફૂલોને વાટી લેપ કરવો.

 સડતા જખમ પર રાતી કરેણના ફૂલ વાટી લેપ કરવો.

ગુલાબ : ગુલાબના ફૂલોની પાંખડીનો ગુલકંદ બનાવી શકાય. ચૈત્ર માસ પછી પડતાં તાપમાં રાખી બનાવેલો ગુલકંદ ઘણો સારો બને છે. ગુલકંદ બનાવવાની રીત : સુગંધવાળા તાજા લાલ દેશી ગુલાબની પત્તી સારી રીતે ધોઈ લેવી. કાચની મોટા મોઢાવાળી સ્વચ્છ બરણીમાં સૌ પ્રથમ સાકરનો થર કરવો. એની ઉપર આશરે ત્રણ ઈંચ જાડો ગુલાબની પત્તીનો થર કરવો. ફરી પાછો સાકરનો થર કરી, એની ઉપર ગુલાબ પત્તીનો થર કરવો. આમ સૌથી ઉપર સાકરનો થર આવે એ રીતે બરણી ભરી ઉપર કપડું બાંધી, દસથી અગિયાર દિવસ તડકે મૂકી હલાવતા રહેવું. તડકામાં તપી ગુલાબની પત્તી અને સાકર એકરૂપ થઈ જશે. સ્વાદ અનુસાર ઈલાયચી ઉમેરી આ ગુલકંદ ઉપયોગમાં લેવો.

ગુલકંદના ઉપયોગો : જૂની કબજિયાતમાં પાંચ થી દસ ગ્રામ ગુલકંદનું સેવન વહેલી સવારે કરવું.

 નસકોરી વારંવાર ફૂટી લોહી પડતું હોય, ઉનાળામાં થતાં ગૂમડા, આખા શરીરમાં વિશેષ કરીને હથેળી અને પગના તળિયે થતી બળતરા પર ગુલકંદનું સેવન કરવું લાભદાયી છે.

 ગુલાબનું શરબત અને ગુલાબજળ શરીરમાં થતી દાહ, બળતરા, એસીડીટીને દૂર કરનાર હોઈ ગરમીના દિવસોમાં સેવન કરવા યોગ્ય છે.

જાસૂદ: જાસૂદમાં ધોળી, રાતી, પીળી એવી લગભગ અઢાર જાતો હોય છે.

 વારંવાર ગર્ભપાત થતો હોય તો લાલ જાસૂદના ફૂલ વાટી લેપ કરવો.

 શ્વેતપ્રદરમાં ચોખાના ઓસામણ સાથે બે નંગ સફેદ જાસૂદના ફૂલની કળી ચાવીને ખાવી.

 વજન વધતું ન હોય તો સફેદ જાસૂદની ચારથી પાંચ કળી ઘીમાં સાંતળી સાકર સાથે સવારે ચાવી-ચાવીને ખાવી અને એની ઉપર દૂધ પીવું.

 માસિક પુષ્કળ આવતું હોય અને અટકતું ન હોય તો સફેદ જાસૂદની ચાર-પાંચ કળીઓ ઘીમાં સાંતળી ચાવી-ચાવીને ખાવી, એની ઉપર પાંચ-પાંચ ગ્રામ સાકર અને નાગકેસર મેળવેલું દૂધ પીવું.

 ગુપ્તાંગ પર પડતી ચાંદી માટે જાસૂદના સફેદ ફૂલ વાટી, તલનું તેલ મેળવી લેપ કરવો.

શિરીષ : ગુજરાતની ગ્રામ્ય પ્રજા એને સરસડાના નામથી ઓળખે છે. એના વૃક્ષ ઘણાં મોટા થાય છે. એના પાંદડા આમલીના પાંદડા જેવા હોય છે અને પુષ્પો આછાં પીળા રંગના કોમળ તંતુઓવાળા હોય છે. ઉનાળામાં રાત્રિ પછી ખીલતા શિરીષના આ અત્યંત નાજુક પુષ્પો ચોમેર મધુર સુગંધ પ્રસરાવતા હોય છે.

 ઝેરી સર્પદંશ પર શિરીષના પુષ્પો અને મરી ખલમાં વાટી લેપ કરવાથી ઝેર ફેલાતુ અટકે છે.

 લાંબી માંદગીને કારણે પથારીવશ રહ્યા પછી પીઠ પર પડતાં ઘારા હોય કે ગરમીને કારણે થતાં ચાઠા, કેમિકલ કે એસિડને કારણે દાઝવાથી વિકૃત થયેલી ત્વચા હોય કે ન રૂઝાતા વ્રણ. આ બધા પર શિરીષના પુષ્પો વાટી એમાં હળદર મેળવી લાંબા સમય સુધી લેપ કરવો.

 ખીલ (છબહી) : જ્યારે ખીલ ઘણા મોટા થઈ તેમાં પાક-પરૂ થઈ સોજો આવતો હોય ત્યારે શિરીષના ફૂલ વાટી એમાં હળદર અને મુલતાની માટી મેળવી લેપ કરવો. તદુપરાંત ખસ જેવાં ત્વકવિકાર, ચામડીના ઈન્ફેક્શન પર માત્ર શિરીષના ફૂલો વાટી લેપ કરવાથી સારું પરિણામ મળે છે.

દાડમ : હા, જેના ફળ આપણે ખાઈએ છીએ એજ દાડમ વૃક્ષના ફૂલની વાત છે. ફારસીમાં દાડમને અનારતુરશ અને અંગ્રેજીમાં પોમેગ્રેનેટ કહેવાય. દાડમની બે જાતો થાય છે. એમાંથી એક જાતને માત્ર ફૂલો આવે છે અને બીજી જાતને ફૂલ અને ફળ બંને આવે છે. આમાંથી જે જાતને ફૂલ અને ફળ બંને આવતાં હોય તેવા ઝાડના પુષ્પો થકી થતાં ઉપચાર જોઈએ.

 ગરમીને લીધે નાકમાંથી લોહી પડે તો દાડમના ફૂલ સૂંઘાડવા.

 આંખો આવવી-કંજક્ટીવાઈટીસ, આંખના સોજા, આંજણી, લાલ રહેતી આંખો પર આશરે પાંચ નંગ દાડમના ફૂલ વાટી એક ગ્લાસ શુધ્ધ પાણીમાં આખી રાત પલાળી રાખવા. સવારે આ પાણી બારીક કપડાથી ગાળી એનાથી આંખો સાફ કરવી.

 ખૂબ જ ઉલટી થતી હોય અને અટકતી ન હોય તો મસૂરની દાળના લોટને ઘીમાં શેકી, થોડી સાકર ઉમેરી દાડમના સ્વચ્છ ફૂલો સાથે ચાવીને ખાવા.

 બાળકોને થતાં ઝાડામાં દાડમના ફૂલની કળી લસોટી ચટાડવી. એની ઉપર પાતળી મોળી છાશ પીવડાવવી.

અન્ય કેટલાંક ફૂલોની ઉપચારશક્તિ વિષે આવતા લેખમાં.

- વિસ્મય ઠાકર

Tags :