Get The App

પેટમાં ગૅસ થવાના કારણો, લક્ષણો તથા આયુર્વેદિક સારવાર

આરોગ્ય ગીતા - વત્સલ વસાણી

Updated: Dec 17th, 2019

GS TEAM


Google News
Google News
પેટમાં ગૅસ થવાના કારણો, લક્ષણો તથા આયુર્વેદિક સારવાર 1 - image


જે લોકો વધુ પડતી ચિંતા કરે, સતત ઉધરસ રહે કે રાતના મોડે સુધી વણજોતું વિચાર્યા કરે તેનું પણ પાચનતંત્ર કથળે છે અને ઘણીવાર ગેસની ફરિયાદ ઊભી થાય છે

માણસનું જીવન જેટલા અંશે રઘવાટથી ભરેલું થતું જાય છે તેટલા અંશે અન્ય રોગોની જેમ પાચનતંત્રના રોગો પણ વધતા અને ફેલાતા જાય છે.અનિયમિત રીતે જમવાની આદત, આગળનો આહાર પેટમાં પૂરો પચ્યો પણ ન હોય ત્યાં જ ઉપરા ઉપરી કશુંક ખાતા રહેવાની કુટેવ, ઉતાવળમાં, બરાબર ચાવ્યા વિના જ જમીને ભાગવાની સ્થિતિ આ બધું પાચનતંત્રને બગાડે છે અને પચ્યા વિનાનો ખોરાક જો આંતરડામાં પડયો રહે તો તેમાંથી કબજિયાત, ગેસ અને ઓડકાર જેવી વિવિધ તકલીફ શરૂ થાય છે. 

જે લોકો બેઠાડુ જીવન જીવે છે, ભારે અને તળેલા પદાર્થો વધુ પ્રમાણમાં ખાય છે, મેદસ્વી શરીર ના હોય અને રાત્રે મોડે સુધી જાગીને વચ્ચે કશુંક (ભજિયા, ગાંઠિયા, ચવાણું, સેન્ડવીચ વગેરે) ખા ખા કરતા હોય છે તેમને ગૅસ થવાની શક્યતા છે.

ગૅસ થયો છે એવું શી રીતે જાણશો ?

ચિકિત્સક પાસે ગૅસની સારવાર માટે આવતા દરદીની મુખ્ય ફરિયાદ આ પ્રમાણે હોય છે :

મળ દ્વારે વારંવાર વાછૂટ થાય છે અને ક્યારેક તો અવાજ સાથે દુર્ગંધયુક્ત વાયુ છૂટતો હોય છે.વાયુ જો નીચેથી ન છૂટે તોઉપર ચઢીને વારંવાર ઓડકાર આવતા હોય છે. આંતરડામાં ભરેલો આહાર કોહવાય તો મોં બગડી જાય એવા (ગંદા) અને ક્યારેક તો ખાટા ઓડકાર આવતા હોય છે. પેટમાં ભરેલો ગૅસ જો ઉપર કે નીચેથી ન નીકળે તો ગભરામણ થાય છે. દરદી અકળાવા લાગે છે અને ક્યારેક તો પરસેવેથી રેબઝેબ થઇ જાય છે. આવી સ્થિતિમાં હાર્ટએટેક આવ્યો હોય એવી શંકા થાય છે. અને નાહકની દોડાદોડી વધી જાય છે.

ગૅસ થવાના કારણો

ખોરાકમાં રહેલા પ્રોટીન કે ફેટ (ચરબી)ના અંશો બરાબર પચે નહીં તો વાસ મારતો દુર્ગંધયુક્ત ગેસ ઉત્પન્ન થાય છે. જે લોકો વાલ, વટાણા, ચોળા, પાપડી, ચણા, ગુવાર, મગફળી, મકાઇ, કોદરી, વાલોળ, શકરિયા કે બટાટા જેવા વાયુકારક આહાર દ્રવ્યો વધુ પ્રમાણમાં લે છે, તેના પેટમાં ગૅસ થવાની શક્યતા વધી જાય છે. એજ રીતે જે લોકો ગાંઠિયા, ભજિયા, ભેળ, સેવ ઉસળ, ભાજી પાઉં કે રગડા પેટીસ જેવા બજારુ ખાદ્ય વારંવાર લેતા હોય છે તેને પણ ગૅસ થઇ શકે છે. એકદમ લૂખો ખોરાક ખાવાથી વાયુ વધે છે. એજ રીતે લસલસતું, તેલથી નિતરતું શાક ખાનારને પણ અજીર્ણ અને ગેસ થવાની શક્યતા છે. જે લોકો વધુ પડતી ચિંતા કરે, સતત ઉધરસ રહે કે રાતના મોડે સુધી વણજોતું વિચાર્યા કરે તેનું પણ પાચનતંત્ર કથળે છે અને ઘણીવાર ગેસની ફરિયાદ ઊભી થાય છે.

ગૅસની સારવાર

વાયુ કરનારા, ઠંડા, અને પચવામાં ભારે હોય તેવા પદાર્થો બંધ કરી, રોજિંદા ખોરાકમાં લસઁણ, હિંગ, અજમો, આદું, લીંબુ, ફુદીનો, કોથમીર, સુવા, મરી, મેથી, તલનું તેલ જેવા વાત શામક, પાચન સુધારનારા, રુચિકર અને કબજિયાતને દૂર કરે એવા પદાર્થો વધારવા જોઇએ. થોડો ઘણો ગેસ થયો હોય તો સંચળનો ટૂકડો મોંમાં મૂકી સતત ચગળ્યા કરવાથી ગેસ શમી જાય છે. ેજ રીતે સંચળ-અજમાની ફાકડી મારી ચાવી જવાથી પણ ગૅસ છૂટે છે અને પેટમાં રાહતનો અનુભવ થાય છે.

વારંવાર ગેસ થતોહોય તેવા લોકોએ પોતાનું પાચન સુધરે એ માટે જમતાં પહેલાં આદુ- લીંબુના રસમાં થોડું સિંઘવ મેળવી અનુકૂળ પ્રમાણમાં પીવાની આદત પાડવી જોઇએ. જમતી વખતે બે ત્રણ કોળિયા જેટલા ભાતમાં એક ચમચી હિંગાષ્ટક અને થોડું ઘી મેળવી ખાવાથી રુચિ વધે છે, પાચન સુધરે છે અને પરિણામે વારંવાર થતી ગેસની તકલીફ પણ દૂર થઇ શકે છે.

હિંગાષ્ટક જો ઘેર બનાવવું હોય તો સૂંઠ, મરી, પીપર, અજમો, સિંધવ (રસોડામાં રોજ વપરાતું) જીરૂ, શાહજીરૂ અને શેકેલી હિંગ આ આઠ દ્રવ્યો સરખા ભાગે લઇ બારીક ચૂર્ણ બનાવી એક શીશીમાં ભરી લેવું. જમતી વખતે બપોરે ભાત સાથે અને રાત્રે ખીચડીમાં મેળવીને એક ચમચી ચૂર્ણ અવશ્ય લેવું.

જમ્યા બાદ બે બે ગોળી લશુનાદિ વટીની ચૂસી જવી, ગૅસ, અપચો અને પેટના રોગોનું એ ઉત્તમ ઔષધ છે. ચોમાસામાં જઠરાગ્નિ મંદ થતો હોવાથી અને પાચનતંત્ર કથળતું હોવાથી એ ઋતુ દરમિયાન લસણ અને લશુનાદિ વટીનો ઉપયોગ ખાસ કરવો જોઇએ. પેટમાં બળતરા અને ખાટા ઓડકાર સાથે ગૅસની તકલીફ થતી હોય તો લશુનાદિ વટીને બદલે બે બે ટીકડી શંખવટીની લેવી વધુ હિતાવહ છે.

કપૂરહિંગુ વટી પણ ગૅસનું એક અકસીર ઔષધ છે. પેટ ફૂલી ગયું હોય, આફરો ચડયો હોય અને ઓડકાર કે વાછૂટ ન થવાથી અકળામણ થતી હોય ત્યારે બે ગોળી કર્પૂર હિંગુવટીની ચાવી જઇ ઉપર સોડા કે લીંબુનું સરબત પીવાથી તરત રાહત થાય છે. કબજિયાતના કારણે ગેસની તકલીફ રહેતી હોય તો રોજ રાત્રે એક ચમચી એરંડભૃષ્ટ હરીતકી ફાકી ઉપર પાણી પીવું.

આગળ લખ્યા મુજબના હિંગાષ્ટકના દ્રવ્યોમાં હરડે છાલ અને સોડા બાઈ કાર્બ (સાજીખાર) સરખે ભાગે મેળવી ચૂર્ણ બનાવી લેવાથી શિવાક્ષાર પાચનચૂર્ણ તૈયાર થાય છે. રોજ રાત્રે અનુકૂળ માત્રામાં આ ચૂર્ણ લેવાથી પણ પેટ સાફ આવે છે, અને પેટની તકલીફ દૂર થાય છે.સવાર સાંજ એક એક ચમચી જેટલું લવણ ભાસ્કર ચૂર્ણ ફાકવાથી પણ ગેસમાં રાહત થાય છે. (જે વ્યક્તિને ગૅસની તકલીફ સાથે હાઈ બી.પી. રહેતું હોય તેમણે ખારા રસથી યુક્ત એવું લવણ ભાસ્કર ચૂર્ણ, હિંગાષ્ટક ચૂર્ણ કે શિવાક્ષાર પાચનચૂર્ણ ન લેવું.)

નાના બાળકોને પેટમાં આફરો ચડયો હોય, ગૅસ છૂટતો ન હોય અને શરીર અમળાતું હોય ત્યારે પેટ પર તથા નાભિ આસપાસ હિંગ ભરી, ચપટીક હિંગાષ્ટક ચૂર્ણ પાણીમાં મેળવી ચમચીમાં ભરી બાળકની ઉંમરનો વિચાર કરી જરૂરી માત્રામાં પાઈ દેવું. હૂંફાળા પાણીમાં થોડુંક દિવેલ કે મહાનારાયણ તેલ નાખી તેની એનિમાબસ્તિ આપવાથી ગેસ છૂટે છે ને ઝાડો પણ થાય છે.

Tags :